પ્રકરણ - ૨૬ । એટલે જ રવીન્દ્રનાથ ઠાકુરે પા સદીનું મૌન ભંગ કરીને કહ્યું કે, મારી રચનામાં રાજેશ્વરીની સ્તુતિ નથી…

13 Sep 2025 16:14:27

vande-mataram-novel-gujarati-prakaran-26
 
 
 
એ વાતાવરણમાં કોલકતામાં કોંગ્રેસનું ૨૬મું અધિવેશન થયું. આગળ જતાં બ્રિટનના પ્રધાનમંત્રી બનેલા રામસે મૅકડોનાલ્ડને સંમેલનના અધ્યક્ષ નક્કી કરવામાં આવ્યા હતા. પત્નીના મૃત્યુને કારણે તેઓ અધિવેશનમાં ભાગ લઈ શક્યા નહીં. એમને બદલે ઉત્તરપ્રદેશના વકીલ પંડિત વિષ્ણુ નારાયણને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારે પણ મહાસચિવ એ. ઓ. હ્યૂમ જ હતા.
યુનિયન જેક પર એક ખૂણે `ઇન્ડિયા' લખેલા ઝંડાના આરોહણ સાથે અધિવેશન શરૂ થયું. દિવસો હતા ૨૬, ૨૭, ૨૮ ડિસેમ્બર, ક્રમશઃ મંગળવાર, બુધવાર અને ગુરુવાર. ૨૬ ડિસેમ્બરને દિવસે વંદે માતરમ્ના ગાન સાથે કાર્યક્રમ શરૂ થયો. પરંપરા અનુસાર રાજકીય, સામાજિક વિષયો પર ચર્ચા થઈ. બીજે દિવસે ૨૭ ડિસેમ્બરને દિવસે રવીન્દ્રનાથ ઠાકુરના `જન ગણ મન અધિનાયક જય હે' સાથે કાર્યક્રમ શરૂ થયો. એ જ દિવસે એ ગીત પહેલી વાર ગવાયું હતું. ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ. બંગાળના વિભાજનને રદ કરીને જનતાના કલ્યાણ માટે દર્શાવાયેલી તત્પરતા તથા પોતાના અપૂર્વ આગમને પ્રજાને આભારી બનાવવા, સમ્રાટ પ્રત્યે નિઃસીમ આભાર પ્રકટ કરવા માટે ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
 
અંબિકાચરણ મજુમદારે પ્રસ્તાવના પક્ષમાં બોલતાં કહ્યું, `દરેકના હૃદયમાં બ્રિટિશ સિંહાસન પ્રત્યે આદર અને ભક્તિ છે. બ્રિટિશ રાજ્યની ક્ષમતાને કારણે દરેકનું હૃદય આભાર અને પુનર્જાગ્રત આત્મવિશ્વાસથી ભરાઈ ગયું છે. દુઃખના કાળા દિવસોમાં પણ બ્રિટિશ ન્યાયપદ્ધતિના અંતિમ વિજય તથા સત્યના સમર્થનમાં અમારાં આશા અને વિશ્વાસ હતાં, એમાં રજમાત્ર ઘટાડો થયો નથી.'
 
એક સાચા રાષ્ટ્રભક્ત હોવા છતાં સુરેન્દ્રનાથ બેનર્જીની એ માન્યતા રહી હતી કે, `ભારતને એક રાષ્ટ્ર તરીકે અંગ્રેજોએ જ સંગઠિત કર્યું છે.' બેનર્જીએ ભાષણ કર્યું, `બ્રિટન સાથેના અતૂટ સંબંધમાં જ આનંદિત થઈને તથા નવજાત સ્વાતંત્ર્ય ચેતનાના અમૂલ્ય સૌરભનું આસ્વાદન કરીને ભારત સ્વયંશાસિત રાજ્યો સહિત મુક્ત ફેડરલ એમ્પાયરના ઘટક તરીકે કામ કરે એ જ મારી અપેક્ષા છે.'
 
આ પ્રકારના આશીર્વાદ ભાષણો ઘણાં થયાં. એ પછી મહાકવિ ઠાકુરના બનેવી રાજા પ્રભુદત્ત ચૌધરીએ બાદશાહ આમારનું ગીત ગાયું. એ સાથે જ એ દિવસનો કાર્યક્રમ સંપન્ન થયો. ૨૮ ડિસેમ્બર, ત્રીજા દિવસના કાર્યક્રમમાં ભાષણો વધુ હતાં. એ દિવસનું શરૂઆતનું ગીત ઠાકુરની ભાણીએ ગાયુંઃ
 
`બંગ બિહાર ઉત્કલ મદ્રાસ મરાઠા
ગુજરાત પંજાબ રાજપુતાના
હિંદુ પારસી જૈન ઈસાઈ, સિખ મુસલમાન
ગાઉં સકલ કંઠે સકલ ભાવે, નમો હિંદુસ્થાન
જય જય હિંદુસ્થાન, નમો હિંદુસ્થાન'
 
આ દિવસ અધ્યક્ષ તથા મહાસચિવનો હતો. એ જ દિવસે આવતા વર્ષના અધિવેશનનું સ્થાન તથા દિવસો નક્કી થવાનાં હતાં. પોતાની જવાબદારી કુશળતાપૂર્વક પાર પાડવા માટે હ્યૂમ સાહેબનો આભાર પણ માનવામાં આવ્યો. એમને ફરી એક વાર મહાસચિવ તરીકે ચૂંટવામાં આવ્યા. એ સાથે જ અધિવેશન સમાપ્ત થયું.
 
સ્વતંત્રતા પછીની પેઢી, જેને કોંગ્રેસના ઇતિહાસનાં તથ્યોના આધાર પર અધ્યયન કરવાની તક નથી મળી, એને ધ્યાનપૂર્વક કેટલીક વાતો સમજવાની જરૂર છે.
 
જલિયાંવાલા બાગ કોંગ્રેસના ઇતિહાસમાં એક નવો વળાંક હતો. એ ઘટનાને પરિણામે થયેલા લોકઆંદોલનને કારણે વિકસિત થયેલી કોંગ્રેસમાં તથા એના પહેલાંની કોંગ્રેસ વચ્ચે સ્તર અને વલણ એમ બંને દૃષ્ટિએ અલગતા જોવા મળી. કોંગ્રેસના ઇતિહાસકાર તથા પાછળથી અધ્યક્ષ બનેલા પટ્ટાભિ સીતારામૈયાએ કહ્યું હતું કે, કોંગ્રેસના લોકો પોતાની યજમાનભક્તિ દર્શાવવા માટે વધુ તત્પર હતા તથા સ્વાભિમાન કોરાણે મૂકીને પ્રાર્થના કરવાનો એ જમાનો હતો.
 
અરવિંદ, નિવેદિતા, ક્રાંતિકારી નેતાઓ તથા આતંકવાદી જાહેર કરાયેલા લોકનેતાઓને બાદ કરતાં બાકી બધા બંધારણ વિશેષજ્ઞો તરીકે પ્રસિદ્ધ હતા. સુરેદ્રનાથ બેનર્જી એમાં મુખ્ય હતા. એમની સાથે દાદાભાઈ નૌરોજજી, ગોપાલકૃષ્ણ ગોખલે, સર સી. શંકરન્ નાયર, મહાદેવ ગોવિંદ રાનડે, રવીન્દ્રનાથ ઠાકુર વગેરે હતા. એ બધા મહાન રાષ્ટ્રભક્તો હતા. પરંતુ ભારતના કલ્યાણ માટે અંગ્રેજોની દિવ્ય શક્તિમાં વિશ્વાસ ધરાવતા હતા. એમના જીવનમાં રાજ્યભક્તિ અને રાષ્ટ્રભક્તિની સેળભેળ થઈ ગઈ હતી. એ પૃષ્ઠભૂમિમાં સમ્રાટના સ્વાગત અને ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન જન ગણ મનને પ્રસ્તુત કરવાનો નિર્ણય સંયોજકોએ લઈ લીધો.
 
અધિવેશનના દરેક દિવસના કાર્યક્રમો જોતાં સંયોજકોએ ગીતની પસંદગી કરી હતી. ધન્યવાદ પ્રસ્તાવની નાંદી તથા ભરતવાક્ય (આરંભ અને અંત) તરીકે જનગણમન તથા બાદશાહ આમાર રજૂ થઈ રહ્યાં હતાં. એમાં સંચાલકોને કોઈ ભૂલ જણાઈ નહીં.
 
અધિવેશનના સંબંધમાં સમાચારપત્રોએ પણ તથ્યોનો જ અહેવાલ આપ્યો હતો. અમૃત બજાર પત્રિકાએ બીજે દિવસે ગવાયેલા જન ગણ મનને `Song of Benediction' મંગલગાન કહ્યું. અંગ્રેજો દ્વારા સંચાલિત સ્ટેટસમેને ૨૮મી તારીખે આગલા દિવસના કાર્યક્રમો વિશે લખ્યું હતું. સમ્રાટનું સ્વાગત કરવા માટે રચાયેલા વિશેષ ગીતને બંગાળી કવિ રવીન્દ્રનાથ ઠાકુરે ગાયું હતું. એ જ દિવસના `ઇંગ્લિશ મેન'એ લખ્યું, સમ્રાટના સન્માનમાં સ્વયંરચિત ગીત બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે ગાયું અને એની સાથે કાર્યક્રમ શરૂ થયો.
 
બ્રિટનમાં ઇંડિયા નામનું સમાચારપત્ર હતું. એને ઇંગ્લેંડની કોંગ્રેસનું પત્ર કહેવાતું હતું. બ્રિટનમાં મેં એ જોયું હતું. મારી તથા મારી સાથે સંબંધિત લોકોની નિંદા કરવામાં એ સૌથી આગળ હતું. ભારતના અધિવેશનને જોવા માટે પધારેલા પ્રથમ સમ્રાટના આગમનના સમારોહ તથા ઉત્સાહ સાથે સંપન્ન થયેલા કોંગ્રેસના રાજકીય અધિવેશનના સમાચાર તાર દ્વારા મેળવીને સમાચાર પત્રે ૨૬મી તારીખના પત્રમાં આ પ્રમાણે છાપ્યુંઃ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ૨૭ ડિસેમ્બરના કાર્યક્રમમાં સમ્રાટનું સ્વાગત કરતી વખતે એક બંગાળી ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સમ્રાટ તથા રાણીનું સ્વાગત કરતાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
 
કોંગ્રેસના ૨૮ તારીખના અધિવેશનના સરકારી રીપોર્ટ તરફ પણ ધ્યાન આપો. બાબુ રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા રચિત રાષ્ટ્રગીત સાથે કાર્યવાહી શરૂ થઈ. પછી મિત્રો દ્વારા પ્રાપ્ત સંદેશાઓનું વાચન થયું. અધ્યક્ષ દ્વારા મુકાયેલો ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. એ પછી માનનીય સમ્રાટ તથા રાણીનું સ્વાગત કરવા માટે રચાયેલા ગીતની ગાયકવૃંદ દ્વારા પ્રસ્તુતિ થઈ.
આપણે તો જાણીએ જ છીએ કે, એક જ ઘટનાને માધ્યમો કેવી રીતે અને કયા ઢંગમાં રજૂ કરે છે. અહીં પણ એમ જ થયું. સ્ટેટસમેનના અહેવાલ અનુસાર ગીતના રચિયતા તથા ગાયક બંગાળી કવિ હતા. `ઇંગ્લીશ મેન'એ કવિનું બંગાળી વિશેષણ છોડી દીધું. બ્રિટનના ઇંડિયા પત્રે કવિનું નામ છોડી દીધું અને ગીત બંગાળી ભાષાનું હતું એટલું જણાવ્યું. કોંગ્રેસના અધિકૃત અહેવાલે કવિનું નામ તથા ભાષા છોડી દીધાં અને ગીત બંગાળી ભાષાનું હતું એમ જણાવ્યું. ગાનારા ગાયકોનો સંઘ છે. સામાન્ય રીતે જોઈએ તો સમ્રાટ અને રાણીનું સ્વાગત કરવા માટે એક ગીતની રચના થઈ. એ બંગાળી ભાષામાં હતું. સ્વાગત પ્રસ્તાવને દિવસે એ રજૂ કરવામાં આવ્યું હતું. એ દિવસે રજૂ થયેલાં બે ગીતો પૈકી એક હિન્દીમાં હતું - `બાદશાહ હમારા' - તથા બીજું બંગાળીમાં હતું, `જન ગણ મન...'
 
શરૂઆતમાં જ રાજેશ્વરના ભક્તોએ જન ગણ મનની પ્રશંસા કરી. અધિવેશનના એક મહિનામાં જ મહાકવિની પોતાની પત્રિકા તત્ત્વબોધિનીમાં તેનું પ્રકાશન થયું. પત્રોના અહેવાલોનું ખંડન કોઈએ ન કર્યું, પ્રશંસાનું સ્વાગત પણ કરવામાં આવ્યું.
મારી કથા કહેતી વખતે મારા અને મારા સહગામી વચ્ચેનું અંતર જણાવતી વખતે એક વાત સ્પષ્ટ કરવી ઉચિત રહેશે. હું પહેલાં પુસ્તકરૂપે આવી અને એ પછી મને પ્રશંસા અને પ્રચાર મળ્યાં. જન ગણ મનને પહેલાં મંચ અને પ્રશંસા મળ્યાં અને પછી પુસ્તકમાં પ્રવેશ મળ્યો. પ્રશંસા મેળવી લીધા બાદ ૨૬ વર્ષ વીતી ગયાં એ પછી જ પ્રકાશક કવિએ એની ભૂલો તથા અયોગ્ય બાબતો જણાવવાનો પ્રયત્ન કર્યો. એ જ દિવસોમાં મારી શનિની પનોતી પણ શરૂ થઈ. એ દિવસોમાં કેટલાક લોકોએ મારામાં ધર્મની સંકુચિત ભાવના જોઈ. કેટલાક લોકોએ મૂર્તિપૂજાનો આરોપ કર્યો. કેટલાકને મારી લંબાઈ અસહ્ય થઈ ગઈ. એમાંથી કેટલાક તો મારા પોતાના લોકો હતા. આફતના દિવસોમાં ગળાનો હાર પણ સાપ બની જાય છે. મારી બાબતમાં પણ એમ જ બન્યું. સ્વજનોએ જ મારા પગ કાપ્યા. સંજોગની વાત છે કે, જન ગણ મનના જનક; એ જ વર્ષે સ્પષ્ટીકરણો સાથે આગળ આવ્યા. ઘણાં વર્ષો પહેલાં કોંગ્રેસના લોકોએ મને સમ્રાટનું સ્વાગત કરવા માટે એક ગીત લખવા માટે કહ્યું, મેં ઘણો પ્રયત્ન કર્યો પણ એ લખી શકાયું નહીં. પરંતુ વિશ્વેશ્વર માટે એક લખ્યું. અને એ જ કોંગ્રેસના લોકોને આપ્યું. એમણે વિચાર્યું કે, એ ગીત રાજેશ્વર માટે લખાયું છે. અર્થ એ કે એ ભૂલ કોંગ્રેસના લોકોની છે, મારી નહીં. એવો દાવો પણ કરવામાં આવ્યો કે શ્રીરામ અને શ્રીકૃષ્ણને એકત્ર કરીને રચાયેલા રાઘવપાંડવીયમ્‌ જેવી જ એ અપૂર્વ રચના છે. પોતપોતાના દૃષ્ટિકોણ અનુસાર દિલ્હીશ્વર કે જગદીશ્વર બન્ને થઈ શકે છે.
 
ઐતિહાસિક દૃષ્ટિએ અહીં એક બાબત પર ધ્યાન આપવું જરૂરી છે. એ છે જલિયાંવાલા બાગની ઘટના, વર્ષ ૧૯૧૯નો જનરલ ડાયરનો નરહત્યાકાંડ. એના વિરોધમાં સર સી. શંકરન્ નાયરે વાઇસરૉય કાર્યકારી પરિષદ છોડી દીધી. બંધારણ વિશેષજ્ઞોના માનસિક પરિવર્તનનું કારણ બનેલો એ વળાંક હતો. એ દિવસથી રાજભક્તિ અને રાષ્ટ્રભક્તિ અલગ થવા લાગી. રાજભક્તિનો માપદંડ બદલાવા લાગ્યો. એ નવાં વાતાવરણમાં ક્રાંતિકારીઓએ માની લીધું કે, જૂની રાજભક્તિમાં રાષ્ટ્રભક્તિનો અભાવ છે. મવાળપંથીઓએ એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે, અમારામાં રાષ્ટ્રભક્તિ છે. રાજ્યભક્તિ પર અમારો વિશ્વાસ નથી. એનું ઉદાહરણ હતા મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુર. એટલે જ પા સદીનું મૌન ભંગ કરીને એમણે કહ્યું કે મારી રચનામાં રાજેશ્વરની સ્તુતિ નથી. એમણે પોતાના સાથીઓને પણ એમ કહેવા માટે પ્રેરિત કર્યા. એમ છતાં `શનિવારેર ચિતિ'એ પોતાના સંપાદકીયમાં લખ્યું કે, `એ સાબિત કરવું અઘરું છે કે એ ગીત રાજાની નહીં પણ ઈશ્વરની સ્તુતિ કરે છે.' પરોક્ષ રીતે એનો જવાબ આપતાં પ્રબોધચંદ્ર સેને અંતિમ ચરણની ઉપાંત્ય પંક્તિમાંથી `રાજેશ્વર' શબ્દ બદલીને `વિશ્વેશ્વર' કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. ભૂલ ન કરી હોય તો ગભરાવું શા માટે? એના કરતાં પણ મોટો એક ઐતિહાસિક અપરાધ થયો. `આપણું રાષ્ટ્રગીત' નામના ભારત સરકારના પ્રકાશનમાં `જય જય જય રાજેશ્વર, જય હે, ભારત ભાગ્ય વિધાતા'એ પંક્તિ જ નથી. ધ્રુવપદ પછીનાં ચાર ચરણોમાં છ પંક્તિઓ છે. પરંતુ છેલ્લા પાંચમા ચરણમાં માત્ર પાંચ પંક્તિઓ જ છે ! `તત્ત્વબોધિની'માં પ્રત્યક્ષ જોઈ શકાતી એ છઠ્ઠી પંક્તિ ક્યાં ગઈ? આ જ છે સત્યમેવ જયતે મુદ્રા સાથે પ્રકાશિત સરકારી પ્રકાશન. આટલો બધો ફેરબદલ શા માટે? ‘अतिस्नेह पापशंकी ।‌’
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0