પ્રકરણ – ૨૭ । દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય સ્તર પર બે ગીતો પ્રચલિત છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત

13 Sep 2025 16:27:10

vande-mataram-novel-gujarati-prakaran-27
 
 
કર્મ કરવું એ જ તમારો ધર્મ છે. કર્મફળની ઇચ્છા ન રાખવી, એ જ કર્મયોગને મેં પહેલાં સ્વીકારી લીધો હતો. એ તો મને સહજ રીતે પ્રાપ્ત થયેલો છે. મારી લાંબી જિંદગીના અનુભવોએ આ માર્ગના નિષ્ઠાવાન વટેમાર્ગુ તરીકે મારું પાલનપોષણ કર્યું છે. એટલે મહાભારતના સારથિઓ (સૂતપુત્રો)ની જેમ ભારતના સ્વરાજ- સ્વધર્મ સંઘર્ષમાં નિષ્કામભાવે તથા ઉત્સાહપૂર્વક મેં તપસ્યા કરી. એટલે મને આપણા જ દેશમાં જન્મ લેનારા જન ગણ મનને રાષ્ટ્રગાન તરીકે જોતાં કોઈ વ્યક્તિગત નિરાશા ન થઈ. આશા હોય તો જ નિરાશા થાય છે.
 
આપણે ક્યારેય એક રાષ્ટ્ર રહ્યા નથી. અંગ્રેજી જહાજ અહીં આવ્યું એની સાથે રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રબોધ પણ આવ્યાં. એ જ દૃષ્ટિકોણ પર આધારિત હતો રાષ્ટ્રગીત વિશે લેવાયેલો નિર્ણય. આધારહીન વિલાયતી રાષ્ટ્રીયતાને જોડવા લાયક આધારહીન આંદોલનની પરંપરાનો તાર જોડનારા રાષ્ટ્રગીતને આયાત કરવામાં આવ્યું. બંધારણમાં ઇન્ડિયા એટલે ભારત લખવાની સ્થિતિમાં જન ગણ મન એટલે રાષ્ટ્રગીત અને વંદે માતરમ્‌ એટલે રાષ્ટ્રગાન; એવું વલણ મારા માટે એ જ પાટા પર ચાલનારી ગાડી જેવું લાગ્યું.
 
પરંતુ બે જ સદી પછી સ્વતંત્ર થનારા પ્રાચીન દેશને આત્મવિશ્વાસ યુક્ત ઝડપી ગતિની પ્રગતિ માટે અત્યંત જરૂરી એવો દિશાબોધ એમાં જરા પણ નહોતો. એ જ મારી દૃઢ માન્યતા છે. સંદિગ્ધ કલ્પનાઓના પાયા પર સુદૃઢ રાષ્ટ્રનિર્માણ અશક્ય છે. દુનિયામાં માત્ર ભારતમાં જ રાષ્ટ્રીય સ્તર પર બે ગીતો પ્રચલિત છે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત. બંધારણનિર્માણ સભામાં ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે લખ્યું હતું કે, ભારતનું રાષ્ટ્રગાન જન ગણ મન છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનારા `વંદે માતરમ્'ને પણ એ જ સ્થાન પ્રાપ્ત થશે. રાષ્ટ્રગાનના ઇતિહાસમાં એ રીતે ભારતે એક વિશ્વામિત્ર સૃષ્ટિ નિર્માણ કરી છે.
 
બંધારણનિર્માણ સભાના એક ખૂણામાં બેસીને એ દશ્ય હું નિઃસંગ થઈને જોઈ રહી હતી. નિઃસંગ કહેવા માટે એક અન્ય કારણ છે. મને મારા જીવનનું લક્ષ્ય સારી રીતે સમજાયું છે. એ ઝાંખું ન થાય એ માટે હું નિરંતર સાધના કરતી રહું છું. મારી દરરોજ એ જ પ્રાર્થના હોય છે કે, હંમશાં કામ કરતા રહેવું અને સ્થિતપ્રજ્ઞ રહેવું. જે પ્રાપ્ત થયું છે એનાથી સંતુષ્ટ રહેવું. નિંદા પણ સહજતાથી સ્વીકારવી. ક્યારેક નિરાશ ન થનાર એવો મારો ભક્ત મને સદા પ્રિય છે. યુગસારથી પાર્થસારથીનો આ પાઠ હું હંમેશાં આત્મસાત્‌ કરું છું. પરંતુ આજે એ પાઠ યાદ કરતી વખતે મને હસવું આવે છે. શા માટે? આ જ પાર્થસારથીએ રુકિમણી વલ્લભ તરીકે એક ચતુરાઈ બતાવી હતી.
 
સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવીને એમણે રુકિમણીના આંગણામાં વાવ્યું. નવી માટીમાં મૂળ સાથેનું એ વૃક્ષ ઊગી ગયું. વૃક્ષો પર ફૂલ આવવાનો સમય થયો. એ વખતે સત્યભામા રિસાઈ ગઈ. આરોપ મૂક્યો કે પતિદેવ પક્ષપાત કરી રહ્યા છે. કાર્યકુશળ વાસુદેવે એક ઉપાય શોધી કાઢ્યો. એમણે કહ્યું, વૃક્ષ અહીં હશે પણ ફૂલ તમારા આંગણામાં પડશે. અને એમ જ થયું. રુકિમણી વૃક્ષનું સિંચન કરતી રહી, પરંતુ ફૂલ લઈ ગઈ સત્યભામા. અંગ્રેજીમાં એને મેનેજમેંટ સ્કીલ કહેવાય, વેપારના ક્ષેત્રમાં એ સારી કલા છે. બંધારણ સભામાં પણ એમ જ થયું રાષ્ટ્રીયતાના સ્વર્ગાતરિત વૃક્ષનાં મૂળ આપણી ધરતીમાં છે. શરૂઆતથી જ રાજકીય નેતૃત્વનો ચતુર દાવ જોઈને હું હસી રહી. હું ખડખડાટ ન હસી, કારણ એ શિષ્ટાચાર નથી ને?
 
તરત જ મેં એક અન્ય દૃશ્ય જોયું. એ દૃશ્યે જ મને પુલકિત કરી દીધી. બંધારણની રચના પૂર્ણ થઈ ગઈ. આઝાદ ભારતની જીવનયાત્રા શરૂ થવાના એ ધન્ય મુહૂર્તે બાબુ રાજેન્દ્રપ્રસાદે હસ્તાક્ષર કરી દીધા. કૃતાર્થ થઈને બે ડગલાં પાછળ સરકીને હાથ જોડીને કહ્યું... `વંદે માતરમ્...' એમની પછી એક પછી એક બધા સભ્યોએ હસ્તાક્ષર કર્યા. બધાએ કોઈના પણ નિર્દેશ વિના વંદે માતરમ્ કહ્યું. ઔપચારિકતા પૂરી થયા પછી અંતમાં અનંતશયનમ્ આયંગરે જન ગણ મન ગાવા માટે કહ્યું. એ પછી મારી પ્રસ્તુતિની સૂચના થઈ. લક્ષ્મીકાંત મૈત્રે માઈક્રોફોન સામે આવીને શરૂ કરી દીધું ત્યારે અઢાર સભ્યોએ એકી સાથે દોહરાવ્યું. વાયુમંડળ મારા નામથી મુખરિત થઈ ગયું. સભાના અંતે એ સંક્રમણકાળમાંથી પસાર થતી વખતે સભ્યોએ પરસ્પર `વંદે માતરમ્' કહીને અભિવાદન કર્યું. બધાના હોઠે હું રહી. અને જન ગણ મન ક્યાં? દસ્તાવેજનાં પાનાંમાં.
 
એક તરફ આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ત્યાંથી ત્રણ કિ.મી. દૂર નેશનલ કોંગ્રેસના રાષ્ટીય કાર્યક્રમમાં એક અન્ય દસ્તાવેજ પર હસ્તાક્ષર થઈ રહ્યા હતા. એના યજમાન હતા રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડન. એમણે કહ્યું - `વંદે માતરમ્'ને રાષ્ટ્રગાન તરીકે ન સ્વીકારનારી કોંગ્રેસ વિશે હું વિચાર પણ કરી શકતો નથી. હું એને દગો માનું છું. એટલે માનસિક પીડાને કારણે હું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષપદનો ત્યાગ કરું છું. જવાહરલાલ નહેરુને શાંતિ થઈ ગઈ. કારણ કે એક અડચણ તો ટળી ગઈ ને?
વધુ સમય નહોતો વીત્યો ત્યાં જ એક પૂર્વાધ્યક્ષે મોટો વિસ્ફોટ કર્યો. જે. બી. કૃપલાણીએ દુઃખ સાથે કહ્યું, મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા રચિત જન ગણ મન અચાનક જ રાષ્ટ્રગાન તરીકે `વંદે માતરમ્'ના સ્થાને આવ્યું છે. સભામાં ચર્ચા પછી એ વિશે નિર્ણય લેવાવો જોઈતો હતો, પરંતુ એની સાથે જોડાયેલા લોકોને એની જરૂર ન જણાઈ. એને બદલે લોકતાંત્રિક સભાના પ્રથમ અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદે એની જાહેરાત કરી છે. રાષ્ટ્રગાનનો સ્વીકાર એ રીતે થતો નથી. એનો સ્વીકાર કરનારી સામાન્ય પ્રજા હોય છે. `વંદે માતરમ્'નાં બે ચરણો જ હવે ગવાય છે. એ યોગ્ય નથી. બધાં ચરણો ગાવાનાં છે. મુસલમાનો દ્વારા લગાવાયેલો મૂર્તિપજાનો આરોપ નિરાધાર છે. એ પંક્તિમાં ઈશ્વરીય ગુણોની માત્ર ઝલક છે. એનું સ્પષ્ટીકરણ એ ગીતમાં જ મળી રહે છે. જે ચરણોને છોડી દેવામાં આવ્યાં છે એ અત્યંત સુંદર છે. માતા પ્રત્યેના ભાવના-વૈભવનું એ કાવ્યાત્મક વર્ણન છે. જન ગણ મન સાથે `વંદે માતરમ્'ને સ્થાન આપવામાં આવ્યું છે, સારી વાત છે. પરંતુ એ ગાન પૂરેપૂરું ગવાવું જોઈએ.`
 
***
 
જન ગણ મન તથા મને રાષ્ટ્રગાન તથા રાષ્ટ્રગીત તરીકે બંધારણે ઉચ્ચ સ્થાન આપ્યું છે. એ માન્યતા પ્રાપ્ત થતાં પહેલાં જ અમારા બંનેના જનક દિવંગત થઈ ગયા. એ રાષ્ટીય માન્યતા જોવાનું સૌભાગ્ય એમને ન મળ્યું. પરંતુ મને એ બંને રાષ્ટ્રનેતા સારી રીતે જાણે છે. મને વિશ્વાસ છે કે, જો તેઓ જીવતા હોત તો બંનેને સમાન પદવી આપવાની તેઓ ના પાડત.
 
હું જાણું છું કે, મારા પિતાજી કેટલા સીધાસાદા માણસ હતા. માત્ર ન્યાય અને સત્ય સામે મસ્તક નમાવનારા એ દિવ્યાત્મા સમજૂતી કે તુષ્ટીકરણ માટે ક્યારેય મારાં ચરણો કાપવાની મંજૂરી ન આપત. એમને માટે હું માત્ર એક ગીત નહોતી. મારો મંત્રોચ્ચાર એવો હતો, જે સામાન્ય લોકોની કલ્પના બહારનો છે. મારો વિરોધ કરનારાને એ દિવસોમાં તેઓ સરસ જવાબ આપતા હતા કે, વંદે માતરમ્ને લોકો બહુ સહેલાઈથી સમજી શકશે, વંદે માતરમ્ નહીં સમજાય. ચરણ વિચ્છેદથી થનારું સન્માન સ્વીકારવા એ મંત્રદૃષ્ટા ક્યારેય તૈયાર ન થાત.
 
મહાકવિ ઠાકુર જીવતા હોત તો તેઓ પણ ક્યારેય તુલનાના આધાર પર પોતાની રચનાને સ્પર્ધામાં ન ઉતારત. `તારા બાળકને લઈ લે, મારા બાળકને સૂવા દે' એવો વિચાર કરનારા તેઓ નકામા માણસ નહોતા. મારા પ્રત્યે એમને ઘણું વાત્સલ્ય હતું. મને સૌથી પહેલાં તેઓ જ મંચ પર લઈ આવ્યા હતા. સુંદર રાગનો પરિવેશ પણ સૌથી પહેલો એમણે જ મને આપ્યો હતો. ઋષિઓએ કહ્યું છે કે, જન્મદાતા પિતાને ઈશ્વર માનીને કાર્યપ્રેરક ગુરુને પણ ઈશ્વર જ માનવાના છે. એ જ સંસ્કૃતિમાં ઉછરેલી મારા માટે એ આચાર્ય ઈશ્વરતુલ્ય છે. તેઓ મને પિતાના વાત્સલ્યની નજરે જોતા હતા. એ પ્રકારનો સહૃદયી માણસ ક્યારેય ઉત્તાનપાદના ખોળામાં બેઠેલા ધ્રુવકુમારને દૂર કરીને પોતાના પુત્રને એ સ્થાને બેસાડવાની વિવેકહીનતા નહીં દર્શાવે. સ્વપ્નમાં પણ એ અકલ્પ્ય છે.
 
એ વિશ્વકવિએ કેટલી વાર મારા પંચાક્ષરોનો પોતાની રચનાઓમાં ઉપયોગ કર્યો છે. એમાં એમને એક પ્રકારના માનસિક સુખનો અનુભવ થતો હતો. મહાકવિની પહેલી નવલકથા છે `ઘરેબાહિરે' (ઘરની બહાર). ઘર છોડીને સમાજમાં આવેલો એનો નાયક કહે છે, બંગાળીઓએ દસ દિવસની દશેરાપૂજા શરૂ કરી દીધી. સિંહવાહિનીની મૂર્તિઓ બનાવી. એ જ બંગાળી આજે ફરી મૂર્તિઓ બનાવશે. વંદે માતરમ્ના જોશમાં નવી મૂર્તિઓ બનાવશે. વિશ્વનો જય ગાશે. `વંદે માતરમ્'ના ધ્વજ ફરકાવનારી નૌકાઓ જલતરંગમાં નૃત્ય કરશે. વંદે માતરમ્નો મંત્ર લોખંડની સંદૂકો ખોલશે. ભાંડાગારોના દરવાજા બળપૂર્વક ખોલશે. ધર્મને નામે એ મહાશક્તિને ન માનનારાનું સત્યાનાશ થશે. બોલો વંદે માતરમ્‌ ... તોમાર પ્રતિમા ગડિ મંદિરે મંદિરે...
 
સ્વર્ગ વિશે કહેવા કરતાં હવે હું યથાર્થની વ્યાવહારિક દુનિયા તરફ વળું છું. સાચું હોય કે ખોટું, સમ્રાટની સ્તુતિના દોષારોપણથી યુક્ત જન ગણ મનના વાદવિવાદ વચ્ચે મને દૂર કરીને જન ગણ મનને પ્રતિષ્ઠિત કરતી વખતે ઉત્પન્ન થનારી આંધીમાં પડવા માટે પરિવારનો નાયક ક્યારેય તૈયાર નહોતો, જવાહરલાલ નહેરુએ કવિની શતાબ્દી સ્મરણિકામાં લખ્યું હતું કે, મહાકવિને અંતિમ સમયે મળતી વખતે એમને એક રાષ્ટ્રગાન લખી આપવા માટે વિનંતિ કરી હતી, પરંતુ તેઓ એ કરી શક્યા નહોતા. થોડા જ સમયમાં એમનો સ્વર્ગવાસ થઈ ગયો. મને લાગે છે કે એમણે સમજી વિચારીને જ નહેરુજીની વિનંતિનો સ્વીકાર કર્યો ન્હોતો. જન ગણ મનને રાષ્ટ્રગાન બનાવવા વિશે કોઈ અભિપ્રાય માગ્યા વગર એક નવા રાષ્ટ્રગાનની રચના માટે વિનંતિ કરનારા રાષ્ટ્રશિલ્પીની માનસિક ભાવના કદાચ કવિવર જાણતા હશે. એ અનુરોધમાં મારો પરિત્યાગ કરવાનો ભાવ વ્યક્ત થયો હશે. વાસ્તવમાં એ પ્રકારની વિનંતિની જરૂર જ શું હતી? રવીન્દ્રબાબુને મારા વિનમ્ર પ્રણામ.
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0