પ્રકરણ – ૨૮ । `અગર ભારતમેં રહના હૈ, વંદે માતરમ્ કહના હોગા.' વંદે માતરમ્નો વિરોધ અર્થાત્ રાષ્ટ્રદ્રોહ'

13 Sep 2025 16:34:26

vande-mataram-novel-gujarati-prakaran-28 
 
 
ઇતિહાસની ગતિ કોઈ રોકી શકતું નથી. જન ગણ મન મુખ્ય રાષ્ટ્રગાન અને હું પશ્ચાદવર્તી થઈને વર્ષો વીતી ગયાં. આકાશવાણીમાં મારી પ્રસ્તુતિ સાથે કાર્યક્રમ શરૂ થતો હતો અને જન ગણ મન સાથે સમાપ્ત. હજારો સિનેમાઘરોમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં એ જ પરંપરા રહી. મહારાષ્ટ્ર અને બંગાળમાં નાટક પ્રસ્તુતિમાં પણ એ જ પરંપરા ચાલતી હતી.
 
બંગાળમાં નાટકના અંતમાં બધાં પાત્રો એક સાથે મળીને જન ગણ મન ગાતાં હતાં. ચાર દશક પછી આવેલા દૂરદર્શને પણ એ જ પરંપરા સ્વીકારી. કરોડો દેશવાસીઓને સવારે હું અભિવાદન કરું છું. એમાં પુનરાવૃત્તિની રસહીનતા નથી, પરંતુ કૃતાર્થતા છે. મહારાષ્ટ્ર અને બંગાળ સ્વતંત્રતા સંગ્રામમાં આગળ હતા. એ જ પરંપરા આઝાદી પછી પણ મહારાષ્ટે જાળવી રાખી. ત્યાં બધાં જ વિદ્યાલયોમાં પ્રાર્થના તરીકે મારું ગાન થતું હતું. નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં પણ એ જ પરંપરા રહી. એ રીતે ૨૫ વર્ષ વીતી ગયાં. કાળના પ્રવાહમાં અનેક ઘટનાઓ બની. સરદાર પટેલ, બાબુ રાજેન્દ્રપ્રસાદ, નહેરુ જેવા નેતાઓનો સ્વર્ગવાસ થઈ ગયો. બંધારણ નિર્માણ સભાના સભ્યોનો પણ એક પછી એક સ્વર્ગવાસ થયો.
 
બીજી તરફ રાષ્ટ્રીય રાજનીતિ ખુરશીની રાજનીતિમાં પલટાઈ ગઈ. રાજનીતિમાં સિદ્ધાંત અને લક્ષ્યબોધ સમાપ્ત થઈ ગયા. રાજનીતિ માત્ર અધિકાર ટકાવી રાખવાનું સાધન બની ગઈ. ભારતમાતાનું વિભાજન કરીને જે રીતે અધિકાર મજબૂત કરી દેવાયો હતો એ જ વલણ ચાલું રહ્યું. પાકિસ્તાનની માગણી સાથે આંદોલનમાં ભાગ લેનારા મુસલમાનો ભારતમાં તથા એ માગણીનો વિરોધ કરનારા મુસલમાનો પાકિસ્તાનમાં રહી ગયા. નેતૃત્વે એ તરફ ધ્યાન ન આપ્યું. ભારતમાં બાકી રહેલા મુસલમાન સમાજે તથા એના ધાર્મિક નેતૃત્વે બદલાતા પરિવેશ તરફ ધ્યાન ન આપ્યું. મુસલમાનો માટે મુસલમાન દ્વારા શાસિત રાજ્યની મુસલમાન પરિકલ્પનાથી અલગ થઈને લોકો માટે લોકો દ્વારા શાસિત એક સ્વતંત્ર દેશમાં આપણે જીવી રહ્યા છીએ, આ ધરતીની સુગંધનો સ્વીકાર કરીને, આ ધરતીના પુત્ર બનીને, એકતા રાખીને આપણે આગળ વધવાનું છે એ ઐતિહાસિક સત્યને માનવા માટે તેઓ તૈયાર ન થયા. ભારતના મુસ્લિમ સમાજે ઇતિહાસમાં સૌ પ્રથમ જ આ પ્રકારની સમસ્યાનો મુકાબલો કર્યો છે. એક બિનમુસ્લિમ લોકશાહી રાષ્ટ્રમાં કરોડો મુસલમાનો કેવી રીતે જીવશે? એ સમસ્યાનું મનોવિજ્ઞાન, ગંભીરતા તથા એનો જવાબ મુસલમાન સમાજના બહુ થોડા બુદ્ધિજીવીઓ જાણે છે. એ આશાદાયક છે, પરંતુ સામાન્ય મુસલમાન આજે પણ મુસ્લિમ કટ્ટરવાદીઓની ચુંગાલમાં ફસાયેલો છે. સત્ય તો એ છે કે, એમ હોવા છતાં કોંગ્રેસના સારસર્વસ્વ પ્રધાનમંત્રીએ મુસ્લિમ લીગને મૃત ઘોડો કહ્યો હતો. પડદાની પાછળ કોંગ્રેસના ચતુર નેતા એસ. કે. પાટિલે એ મૃત ઘોડાનો કાયાકલ્પ કર્યો હતો. આંખો બંધ કરીને આંધળા થનારાને ઇતિહાસ કંઈ શીખવતો નથી. અત્યાર સુધીનો ઇતિહાસ એ જ દર્શાવે છે. એ સચ્ચાઈ પાછળથી સાબિત થઈ ગઈ. ઘણાં લાંબાં ૨૬ વર્ષ વીતી ગયાં પછી.
 
૨૬ જાન્યુઆરી ૧૯૭૩. મુંબઈના મોરલેંડ રોડ પર આવેલું મહાનગરપાલિકાનું મહમંદ ઉમર રજબ વિદ્યાલય, જ્યાં નગરપાલિકા શિક્ષણ વિભાગના અધ્યક્ષા શ્રીમતી માધુરી શૉની અધ્યક્ષતામાં સંગોષ્ઠિ થઈ હતી. અચાનક બુરખા પહેરેલી ૪૦૦ મહિલાઓએ ત્યાં પ્રવેશ કર્યો. તેઓ એક અવાજે સૂત્રોચ્ચાર કરી રહી હતી કે, `અમારાં સંતાનો `વંદે માતરમ્' નહીં ગાય, જબરદસ્તી સહન કરવામાં નહીં આવે.' એ પછી થયેલી દુર્ઘટનાઓ મામલાની ગંભીરતા સ્પષ્ટ કરે છે.
 
સમસ્યા નગરપાલિકામાં પહોંચી. ત્યાંના મુસલમાન સભ્યોએ એ પ્રશ્ન ઉઠાવી લીધો. સભાના નેતા કોંગ્રેસના સભ્ય રાષ્ટ્રીય મુસલમાન મહંમદ ખાંડવાનીએ એનું જાહેર સમર્થન કર્યું. કોંગ્રેસના નિર્ણયથી તે તદ્દન વિરુદ્ધ હતું. કોંગ્રેસે એ તરફ આંખ બંધ કરીને પોતાની પરંપરા જાળવી રાખી. નગરપાલિકાના આયુક્ત દેસાઈએ ઉકેલ સૂચવ્યો, `મહાનગરપાલિકાની શાળાઓમાં વંદે માતરમ્ ફરજિયાત નથી.' જ્યારે બહુમતી સભ્યોએ એનો વિરોધ કર્યો ત્યારે એમણે નિર્ણય બદલી નાખ્યો. રાષ્ટ્રવાદી સભ્યો ખુશ થયા, પરંતુ બીજા દિવસથી પાક આધારિત બ્લેકથંડર સંગઠને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું. કોંગ્રેસ હાઈકમાંડે એ બાબત પણ ગંભીરતાથી લીધી નહીં.
 
***
 
હિંદુ મહાસભાએ સમસ્યા હાથ પર લઈ લીધી. એમણે જોયું કે, બગડેલા લોકો સારા લોકોને બગાડે છે. મહાસભાના અધ્યક્ષ વીર સાવરકરે મુંબઈની ગલીઓમાં પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. સૂત્રોચ્ચાર સાંભળીને પગે ચાલનારા પણ પ્રદર્શનમાં સામેલ થઈ ગયા. નારા કયા હતા, સાંભળો-
 
`અગર ભારતમેં રહના હૈ, વંદે માતરમ્ કહના હોગા.' વંદે માતરમ્નો વિરોધ અર્થાત્ રાષ્ટ્રદ્રોહ.'
 
`વંદે માતરમ્ ... વંદે માતરમ્ ...'
 
 
પ્રદર્શનકારીઓ પાસે પત્રિકાઓ અને કાર્ડ પણ હતાં. પોલીસે પ્રદર્શન અટકાવ્યું.
 
મારા મતાનુસાર આ પ્રદર્શનની પોતાની વિશેષતાઓ હતી. ૬૭ વર્ષ પહેલાં બારિસાલમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં સંભળાયેલા નારા `ગાઓ ગાઓ વંદે માતરમ્...' રોકનારા કોણ છે `વંદે માતરમ્'ને વગેરે હતા. ભારત વિભાજનના સમર્થકો વારંવાર જ્યારે મારો વિરોધ કરી રહ્યા હતા ત્યારે વિભાજનના વિરોધમાં રહેલી કોંગ્રેસે ક્યારેય મારા સમર્થનમાં પ્રદર્શન ન કર્યું. કોંગ્રેસે મારો ઉપયોગ માત્ર દેખાવ પૂરતો જ કર્યો હતો. આજે સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી માતૃભૂમિના વિભાજનની પીડા સહેતાં સહેતાં જીવી રહેલી જનતા સૂત્રોચ્ચાર કરતાં કરતાં આગળ વધી છે. વીર સાવરકર જેવી મહાન વ્યક્તિનું નેતૃત્વ એને પ્રાપ્ત થયું હતું. વિરોધ માત્ર પ્રદર્શન સુધી સીમિત ન રહ્યો. પ્રદર્શનના ૪૮ કલાકની અંદર જ ૧ માર્ચના દિવસે ચાર વીરાંગનાઓએ વિધાનસભાની મહેમાન ગેલેરીમાં પોતાનું આસન ગ્રહણ કર્યું.
 
સભામાં બધી ચર્ચાઓ જ્યારે ટોચ પર પહોંચી ત્યારે મહિલાઓએ નીચેની તરફ પત્રિકાઓ ફેંકી. રાષ્ટ્રગીતનો વિરોધ કરનારાનો વિરોધ કરવો એ જ એ પત્રિકાનું શીર્ષક હતું. પ્રદર્શનનાં સૂત્રો પણ એમાં લખેલાં હતાં. પછી એમણે સૂત્રોચ્ચાર કર્યાં. એક મિનિટ તો સભા સ્તબ્ધ જ થઈ ગઈ. સુરક્ષાકર્મીઓએ શ્રીમતી માનિની સાવરકર, શ્રીમતી તેલંગ, કુ. વર્ષા ગોખલે, કુ. અલકા સાટેલકર વગેરેની ધરપકડ કરી લીધી. મહિલાઓને સજા શું કરી શકાય? એ જ ચિંતા હતી. એક અઠવાડિયાની સજા? સભાના એક સભ્ય મૃણાલ ગોરેએ એક દિવસની સજાનું સૂચન કર્યું, છેવટે બે દિવસની સજા માટે સભા રાજી થઈ ગઈ. એ રીતે સભાની ગરિમાને હાનિ પહોંચાડવાના આરોપમાં મહિલાઓને બે દિવસની સજા થઈ. મૃણાલ ગોરેએ ઘોષણા કરી. સજા સભાની અંદર એમણે કરેલા વ્યવહાર માટે હતી, એમના દૃષ્ટિકોણ માટે નહોતી. કરોડો લોકોનાં લોહી વડે સિંચાયેલા વંદે માતરમ્્નો તિરસ્કાર આંદોલનનું કારણ છે. પોતાનો વિરોધ પ્રકટ કરવો એ જ એ આંદોલનકારીઓનો ઉદ્દેશ્ય હતો. અન્ય નેતાઓનો પણ એ જ વિચાર હતો. બે દિવસની સજા પછી બહાર આવેલી મહિલાઓને યોગ્ય સન્માન મળ્યું. આંદોલન ચાલું રહ્યું. છેવટે રાષ્ટ્રવાદીઓનો વિજય થયો. ગૃહમંત્રી શરદ પવારે કહ્યું કે જેઓ વંદે માતરમ્્ નહીં ગાય એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સભાની કાર્યવાહી વંદે માતરમ્ સાથે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
 
૧૫ માર્ચ, ૧૯૭૩ના દિવસે વિધાનસભાનું અધિવેશન શરૂ થયું. સભાપતિ માનનીય શેષરાવ વાનખેડેએ સભામાં પ્રવેશ કર્યો. બધા સભ્યો ઊભા થઈ ગયા. બધાએ મળીને મારું ગાન કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલન માટે મંચ બનેલા મુંબઈની મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે પણ એ જ પરંપરા ચાલી રહી છે.
 
૧૯૭૩ની ઘટનાઓએ એક કટુ સત્ય ઉજાગર કર્યું. ભારત વિભાજન પછી પણ જ્યાં જ્યાં મુસલમાનોનો પ્રભાવ છે ત્યાં અલગ અલગ રીતે બુરખા ઘટનાનું પુનરાવર્તન થતું રહ્યું. સંગઠિત વિરોધ છતાં અનેક સ્થાનો પર એ સફળ ન રહ્યું. વૉટની રાજનીતિ તથા જૂઠી ધર્મનિરપેક્ષતા એ સમયે એટલી મજબૂત નહોતી એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓની ખતરનાક સાંપ્રદાયિકતા, દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત વગેરે શબ્દો દ્વારા વિરોધીઓ નિંદા કરી રહ્યા હતા. રાષ્ટ્રીય એકતાની સમિતિમાં પણ એની નિંદા થઈ.
 
૧૯૮૪નો ફેબ્રુઆરી મહિનો. રાષ્ટ્રીય એકતા સમિતિની બેઠકમાં સ્વાતંત્ર્યોત્તર મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈબ્રાહીમ સુલેમાન શેઠે આક્ષેપ કર્યો કે, `મુસલમાનો પર વંદે માતરમ્ જેવા નારા જબરદસ્તી લાદવામાં આવ્યા છે. તરત જ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ ઉભા થઈને જવાબ આપ્યો, માતાની વંદના એ જ એનો અર્થ છે, એમાં વિરોધ કરવાની શું જરૂર છે?' શેઠે ફરીથી કહ્યું, `વિભાજનના સમયમાં આ જ નારા સાથે હિંદુ સમુદાય હત્યાઓ કરવા માટે નીકળ્યો હતો.' એ પછી હિંદુ મુસ્લિમ હુલ્લડો શરૂ કરતી વખતે આ રીતે... ઇંદિરા ગાંધીએ ઊંચા સ્વરે કહ્યું, `શું વંદે માતરમ્ માત્ર હિંદુઓની જ સંપત્તિ છે? ગીતની એમાં શું ભૂલ છે? મુસલમાનો એને ગાતા કેમ નથી? શેઠ પછી કશું ન બોલ્યાં.
 
***
 
મેં ઘણી વાર કહ્યું હતું કે, `ભારતમાતાની શારીરિક, માનસિક તથા બૌદ્ધિક એમ પૂર્ણ સ્વતંત્રતા જ મારું લક્ષ્ય છે. એટલે મારી નજર ક્યારેય ખુરશી કે અધિકાર તરફ વળી નથી. એમ ન થવા માટે મેં નિયમિત રીતે આત્માવલોકન દ્વારા ધ્યાનપૂર્વક વ્યવહાર કર્યો. મારી સાથે આંદોલન માટે ભાગ લેનારા રાષ્ટ્રભક્તોએ વિચાર્યું કે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે સ્વતંત્ર થવાથી બધું જ મેળવી લીધું છે. હું મારા પિતા પાસેથી શીખી હતી કે, આત્મસંતોષ આદર્શવાદીઓ માટે અવરોધ પેદા કરે છે. એટલે હું ચૂપ ન રહી. ચારે તરફ જોયું. સત્યનાં દર્શન માટે વધુ મુશ્કેલી ન પડી. પોર્ટુગીઝોના હાથમાં પડીને સાડા ચાર સદીઓ સુધી નષ્ટપ્રાય થયેલી પ્રજ્ઞાની સ્થિતિમાં ધ્રૂજતી રહેતી ગોવાની વસાહત મેં જોઈ. એને મુક્ત કરવા માટે સિંહાસન પર ચડી બેઠેલો દેવગણ કંઈ કરતો નહોતો. એને જાગ્રત કરવા માટે મેં ફરી રાગ આલાપન શરૂ કર્યું. પરંતુ એ બધું અરણ્યરુદન બની રહ્યું. એમ છતાં હું પાછી ન હઠી. રાજકીય દૃષ્ટિકોણ ન હોવા છતાં પણ રાષ્ટ્રબોધ પ્રાપ્ત મેં સમાજવાદી નેતા મધુ લિમયે, ભારતીય જનસંઘના નેતા જગન્નાથરાવ જોશી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વસંતરાવ ઓકને અલગ અલગ રીતે જોયા. મારી વિનંતિથી એ બધા એક સાથે અહિંસક માર્ગે આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા.
 
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0