પ્રકરણ – ૨૯ । સંઘના સંકલ્પબદ્ધ સ્વયંસેવકો `ભારતમાતા કી જય' કહીને ગોવા પહોંચી ગયા

સંઘ પ્રચારક રાજાભાઉ મહાકાલ આંખમાં ગોળી લાગવાથી મૃત્યુ પામ્યા. દિલ્હીના પૂર્વ પ્રાંત પ્રચારક વસંતરાવ ઓક જાંઘમાં ગોળી ઘૂસી જવાથી બેભાન થઈ ગયા. કર્ણાટકકેસરી નામથી પ્રખ્યાત ભારતીય જનસંઘના નેતા જગન્નાથરાવ જોશીના ભારે શરીર પર પોલીસે લાઠીપ્રયોગ કર્યો. એમની આંગળીઓ તૂટી ગઈ.

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૨૫
કુલ દૃશ્યો |

vande-mataram-novel-gujarati-prakaran-29
 
 
પોર્ટુગીઝોના હાથમાં સપડાયેલા ગોવાની સ્થિતિ બહુ કપરી હતી. આથી સંઘના સ્વયંસેવકોએ એના માટે ઝુંબેશ ઉપાડી. સમાજવાદી નેતા મધુ લિમયે, ભારતીય જનસંઘના નેતા જગન્નાથરાવ જોશી, સંઘના સ્વયંસેવક વસંતરાય ઓક સહિત સંઘના અન્ય કેટલાક સ્વયંસેવકોએ ધર્મચક્ર અંકિત ભારતનો ઝંડો હાથમાં લીધો. ગોવામાં પ્રવેશ કર્યો. હું એમની અંદર જોશ ભરી દેતી એમના હોઠો પર રમતી હતી. સંઘના સંકલ્પબદ્ધ સ્વયંસેવકો `ભારતમાતા કી જય' કહીને ગોવા પહોંચી ગયા. ૧૯૪૨ પછી સંઘમાં આવેલા એ સ્વયંસેવકો માટે સ્વાતંત્ર્યની લડાઈમાં ભાગ લેવાનો આ પહેલો પ્રસંગ હતો. એ પછી ગોવામુક્તિ આંદોલનને સરકારે સ્વંતત્રતા સંગ્રામનો ભાગ માની લીધો તથા સૈનિકોને પેન્શન આપવાનો નિર્ણય પણ લીધો. ગોવા સત્યાગ્રહમાં ભાગ લઈને પેન્શન લેનારા કેરળના પાંચ સેનાનીઓ સંઘના સ્વયંસેવકો હતા. આ ઘટના ૧૯૫૫ની છે.
 
સાડા ચાર સદી પહેલાં વસાહતની સ્થાપના માટે જે ક્રૂરતા પોર્ટુગીઝોએ આચરી હતી એ જ ક્રૂરતા સત્યાગ્રહીઓ સાથે પણ આચરવામાં આવી હતી. પોર્ટુગીઝ પોલીસોએ ગોળીઓથી સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું. સમાજવાદી નેતા ગોડબોલે ગોળી ખાઈને મૃત્યુ પામ્યા. એમની જ પાછળ મધ્યપ્રદેશના સંઘ પ્રચારક રાજાભાઉ મહાકાલ આંખમાં ગોળી લાગવાથી મૃત્યુ પામ્યા. દિલ્હીના પૂર્વ પ્રાંત પ્રચારક વસંતરાવ ઓક જાંઘમાં ગોળી ઘૂસી જવાથી બેભાન થઈ ગયા. કર્ણાટકકેસરી નામથી પ્રખ્યાત ભારતીય જનસંઘના નેતા જગન્નાથરાવ જોશીના ભારે શરીર પર પોલીસે લાઠીપ્રયોગ કર્યો. એમની આંગળીઓ તૂટી ગઈ. એ સમયે મૃતસંજીવની જેવી હું એમની સાથે રહી. અંતિમ શ્વાસ સુધી આંદોલનકારીઓએ મારું સ્મરણ અને જપ કર્યાં હતા. સંઘ શાખા દ્વારા રાષ્ટ્રપ્રેમનો પ્રથમ પાઠ શીખેલા મોહન રાનડેને આજીવન કારાવાસ થયો. કાળાપાણીની સજા સંભળાવીને એમને લિસ્બન લઈ જવાયા.
 
***
 
અત્યાર સુધી મેં જોશી અને લિમયેના અહિંસક આંદોલન વિશે કહ્યું છે, અને હવે હું સશસ્ત્ર આંદોલનની રોમાંચક કથા સંભળાવીશ.
 
કોંકણ પ્રદેશનું ગોવા જ નહીં તો પોર્ટુગીઝો પાસે અન્ય પ્રદેશો પણ હતા. ઉત્તરમાં ગુજરાત સાથે સરહદ દ્વારા જોડાયેલું દાદરા નગરહવેલી તથા એની આસપાસનો પ્રદેશ પણ એમની વસાહતમાં હતો. ત્યાંના લોકોને ગુજરાતી અને મરાઠી સમાન રીતે આવડતાં હતાં. વીર શિવાજીની યુદ્ધપદ્ધતિનો ઉપયોગ કરીને એક જ રાતમાં એ પ્રદેશોને મુક્ત કરવા માટે પુણે અને મુંબઈના સ્વયંસેવકોએ એક યોજના બનાવી. પ્રખ્યાત ગાયક સુધીર ફડકે, મહારાષ્ટ્રના ઇતિહાસકાર બાબાસાહેબ પુરંદરે, ગ્રાહક આંદોલનના બિંદુ માધવ જોશી, કટોકટીના સમયમાં ઇંદિરા ગાંધીના વ્યક્તિગત સુરક્ષા જૂથના પ્રમુખ બની ગયેલા કાજરેકર, પુણે સંઘચાલક વિનાયક આપ્ટે વગેરે યુવાનોએ ૧૦૭ સભ્યોની સેના બનાવી. સંઘના પ્રાંત સહપ્રચારક મોરોપંત પિંગળે એમની સાથે સીમા સુધી ગયા હતા. એમને જરૂરી સૂચનો કરીને પાછા ફર્યા.
 
સ્વાતંત્ર્ય સેના આઠ જૂથોમાં વહેંચી દેવામાં આવી. દરેક જૂથનો એક નાયક હતો. એમાં એક પ્રભાકર વિઠ્ઠલ પ્રભુ હતા. ગોવાવાસી એ યુવકને ડૉ. લોહિયાના સત્યાગ્રહમાં ભાગ લેવાને કારણે ૧૩ વર્ષની સજા થઈ હતી. એમણે શું કર્યું? એક દિવસ જેલમાંથી બહાર નીકળ્યા અને સીમાવર્તી બેલગાંવમાં પહોંચી ગયા. સંઘ સ્વયંસેવકોએ એમનું નામ બદલીને સંતાવાની-રહેવાની વ્યવસ્થા કરી. એમનું નામ બદલવાની સાથે જ એમને સંઘનો કાર્યકર્તા બનાવ્યા અને સમય આવ્યો ત્યારે આંદોલનમાં ભાગ લેવા માટે પણ મોકલ્યા.
 
૧ ઑગસ્ટ ૧૯૫૪ના દિવસે, લોકમાન્ય ટિળકની પુણ્યતિથિએ ઉત્સાહપૂર્વક અનેક સ્વાતંત્ર્યસેનાનીઓએ મુંબઈથી ગાડીમાં પ્રવાસ શરૂ કર્યો. બીજે દિવસે સવારે ગુજરાતના વાપી સ્ટેશને પહોંચી ગયા. ત્યાંથી વસાહતની રાજધાની સેલવાસા જવા માટે નીકળ્યા. સાડા છ વાગ્યે સીમા પર પહોંચ્યા. જૂથના નેતાની સૂચના અનુસાર દરેક જૂથ અલગ અલગ સ્થાને પહોંચ્યું. અઠવાડિયા પહેલાં જ વ્યવસ્થા કરનારાઓએ સ્થાનો વિશે નિર્ણય લઈ લીધો હતો. ભારે વરસાદ શરૂ થયો. વર્ષાઋતુની પસંદગી જાણી જોઈને કરવામાં આવી હતી. એમની પાસે બંદૂક જેવાં હથિયારો હતાં. દેખાડવા માટે દારૂગોળો પણ હતો. સંગીતજ્ઞ સુધીર ફડકે પોતાની સાથે ફિડલ પેટી પણ લાવ્યા હતા. પુરંદરેએ એમને પૂછ્યું, `શું અહીં પણ તું આ બંધ કરવાનો નથી? માતા પ્રસૂતિની પીડા વેઠે છે અને પુત્ર વીણા વગાડે છે.' એ સાંભળીને ફડકેએ કહ્યું, `પરંતુ આ વીણાનો સ્વર અને શ્રુતિ અલગ છે.' બોલીને એમણે પેટી ખોલી. એમાં હતી એક મશીનગન. પોતાની પદ્ધતિનો સાચો ઉપયોગ કરીને એ સશસ્ત્ર સેનાએ ૨જી ઑગસ્ટે તો એ પ્રદેશ પર કબજો પણ કરી લીધો. એક પણ મનુષ્યની હત્યા ન થઈ. સ્વાતંત્ર્ય સેનાનીઓના માનસિક સંતુલન ઉપરાંત પોર્ટુગીઝોનું પલાયન પણ એનું કારણ હોઈ શકે છે. સશસ્ત્ર આંદોલનને પ્રાપ્ત થયો અપૂર્વ અહિંસાત્મક વિજય.
 
સ્વાતંત્ર્ય સેના સિલવાસા પહોંચી. જનાપ્યા કામતે જઈને ક્રોસ અને પોર્ટુગાલી ઝંડો નીચે ઉતારી લીધો. દુઃશાસન હાથમાં આવતા ક્રોધિત થયેલા ભીમસેને કરેલા વ્યવહારની જેમ જ એમણે એ ઝંડાને ફાડવાનું શરૂ કર્યું. તરત જ ઇતિહાસકાર પુરંદરેએ ના, ના! કરતાં કહ્યું, `આ આપણે માટે વિજયનું ચિહ્ન છે. એમાં એક મહાન ઇતિહાસ સમાયેલો છે.' કામત માની ગયા. બિંદુ માધવ જોશી આજે પણ એ ઝંડો દાદરા નગરહવેલી સ્વતંત્રતા દિવસ સમારોહ પ્રસંગે ગર્વથી દેખાડતા હોય છે. પોર્ટુગીઝ ઝંડાને સ્થાને ભારતનો ઝંડો ફરકાવ્યો. એ જ ક્ષણે બધાએ મળીને ગગનભેદી અવાજે `ભારતમાતાની જય' તથા `વંદે માતરમ્્' કહ્યું. બધાંનાં મન પુલકિત થઈ ગયાં. એ દેદીપ્યમાન ઘડી વિશે પુરંદરેએ એ જ મહિનાની દસમી તારીખે પોતાના ભાઈને લખ્યું હતું કે, એ દિવસનું `વંદે માતરમ્' હું મારી જિંદગીભર ભૂલીશ નહીં. એ અમારા રોમેરોમમાંથી ગુંજી ઊઠ્યું હતું. હવે એનાં તાલ અને તાન અલગ થઈ ગયાં છે. દુર્ગામાતાનું સ્વૈર તાંડવ એ `વંદે માતરમ્્'માં પ્રતિબિંબિત થયું હતું. ભારતમાતાના મહાન સ્તોત્રકાર, એ મહાકવિ બંકિમ આજે સેલવાસામાં હોત તો આકાશમાંથી પૃથ્વી પર અવતરેલી એ દેવગંગામાં આપાદમસ્તક ભીંજાયેલા મહાશંકરની જેમ આનંદની અશ્રુધારામાં ભીંજાઈ ગયા હોત.
 
પુણેમાં બોલાવવામાં આવેલી યુવાનોની એક બેઠકમાં વંચાયેલી આ પંક્તિઓ સાંભળતાં મેં અનુભવેલી તીવ્ર ભાવનાઓ વિશે તો શું કહું? ધન્યોસ્મિ, ધન્યોસ્મિ...
 
યુવાનોની મુક્તિવાહિની સેના મુક્ત કરાયેલા પ્રદેશોમાં દસ દિવસ સુધી રહી. દરેક ગામમાં તેઓ નાના જૂથમાં પહોંચ્યા. ગ્રામવાસીઓને સૂચના આપી કે, તેઓ સ્વતંત્ર થઈ ગયા છે. ઔપચારિક ચર્ચાઓ પછી ૧૫ ઑગસ્ટના સ્વતંત્રતા દિવસે મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી મોરારજી દેસાઈને કાર્યભાર સોંપીને નિઃસંગ શ્રીકૃષ્ણની જેમ યુદ્ધ સૈનિક સ્વયંસેવકો પાછા ફરી ગયા. એમને માત્ર બે જ ભૌતિક પ્રાપ્તિ થઈ.. (૧) પોર્ટુગીઝો દ્વારા ૪૫૦ વર્ષ સુધી ફરકાયેલો ધ્વજ અને (૨) એમની ખાખી ચડ્ડીઓ પર ચોંટેલી મુક્ત માતૃભૂમિની માટી.
 
જેમ એવી કોઈ જગ્યા નથી જ્યાં હવા પ્રવેશતી નથી. મારી પણ એ જ સ્થિતિ છે. નગરપાલિકા, વિધાનસભામાં જ નહીં તો સંસદમાં પણ હું પહોંચી ગઈ.
 
૩ ડિસેમ્બર, ૧૯૯૧. કર્ણાટકના સાંસદ મુનિયપ્પા તથા બિહાર જનતાદળના સાંસદ મુન્નાસ અંસારે પ્રશ્ન ઉઠાવ્યો, `દેશની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગાન તથા રાષ્ટ્રગીત ગાવાનું અટકાવી દેવાયું છે કે કેમ? અમને મળેલા અહેવાલ અનુસાર કેટલાંક વિદ્યાલયોમાં સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરી દેવાયું છે તથા કેટલાંક સ્થાનોએ રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ કેટલાક વિશેષ પ્રસંગો પૂરતી સીમિત કરી દેવાઈ છે.' માનવસંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી અર્જુનસિંહે સાવ હળવાશથી જવાબ આપ્યો, `કદાચ એનું કારણ ઉદાસીનતાની ભાવના જ હશે. પ્રશ્નકર્તાઓએ રઢ મૂકી નહીં. ફરીથી પ્રશ્ન પૂછ્યો, સરકારની નીતિ શું છે? બંને ગીતો વિદ્યાલયો માટે ફરજિયાત છે કે કેમ? જો નથી, તો એનું કારણ શું છે?' મંત્રી મહોદયે જવાબ આપ્યો, `સરકારનું વલણ એવું રહ્યું છે કે બધાં વિદ્યાલયોમાં રાષ્ટ્રગાન એક સાથે ગાવામાં આવે. એ વિશે બધી શૈક્ષણિક સંસ્થાઓને વખતોવખત દિશાનિર્દેશ પણ કરવામાં આવ્યા છે. ૧૯૯૧ના ઑક્ટોબર મહિનામાં એ પ્રકારની સૂચના બધાં રાજ્યોના મુખ્યત્રીઓને આપવામાં આવી છે. પરંતુ રાષ્ટ્રગીતની બાબતમાં વિશેષ કોઈ નિર્દેશ આપ્યો નથી.'
 
સવાલ જવાબ ધ્યાનથી સાંભળો. સવાલ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત સંદર્ભે છે. પરંતુ અંતિમ વાક્ય બાદ કરતાં આખો જવાબ રાષ્ટ્રગાન સંબંધે છે. રાષ્ટ્રગીતનું પદ મળ્યું છે એવી મારે માટે કોઈ દિશાનિર્દેશ આપવામાં આવ્યા નથી. બાબુ રાજેન્દ્રપ્રસાદે જે સમાન પદવી ઘોષિત કરી હતી એનો અર્થ શું છે? સત્યમેવ જયતે.
 
***
 
એક અઠવાડિયું પણ નહીં થયું હોય ત્યાં જ ભારતીય જનતા પાર્ટીના સભ્ય રામ નાઈકે ફરી પ્રશ્ન ઊભો કર્યો. સભાધ્યક્ષ સમક્ષ એમણે મારો ઇતિહાસ, સ્વતંત્રતા સંગ્રામમાં મારી ભૂમિકા વગેરેનું વર્ણન કર્યું. મુંબઈ નગર પાલિકાની પરંપરા વિશે કહ્યું, `ત્યાં શરૂઆતમાં વંદે માતરમ્ ગવાય છે, બધા સભ્યો એ વખતે ઊભા થાય છે, પછી સભાની કાર્યવાહી શરૂ થાય છે. કોલાહલ કે અવરોધ જે પણ હોય તોયે સભા સમાપ્ત થાય છે. જન ગણ મન સાથે.'
 
રામ નાઈકે ફરીથી કહ્યું, `મારો વિનમ્ર મત છે કે, આપણે લોકસભામાં પણ આ પરંપરા શરૂ કરીએ.' લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક સાથે ઊભા થઈને ઐતિહાસિક રાષ્ટ્રગીત ગાવાનું દૃશ્ય લોકો જ્યારે જોશે ત્યારે મને લાગે છે કે લોકો માટે એ માર્ગદર્શક બની રહેશે. (A message will be communicated). અહીંના કયા સભ્યો રાષ્ટ્રગાન ગાતા ડરે છે, ઉભા થઈને શું કરે છે, એ બધું સામાન્ય જનતા સીધેસીધું જોઈ અને સમજી શકે છે. મારો પહેલો અભિપ્રાય એ છે કે `વંદે માતરમ્' અને `જન ગણ મન' બધી જગ્યાએ ગવાય. શ્રેષ્ઠ લોકોનાં આચરણનું પાલન અન્ય લોકો પણ કરે છે.
 
રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ વગેરેના સંદર્ભમાં કાયદો બનાવવો જોઈએ. તો જ એનો અનાદર કરનારને સજા કરી શકાય છે. અત્યારની આચારસંહિતા પૂરતી નથી.
 
૫૩ વર્ષ પહેલાં મલયાલમય દૈનિક માતૃભૂમિમાં કેરળના ગાંધી તરીકે જાણીતા નેતા કે. કલપ્પનના એક લેખનો ઉલ્લેખ કરતાં રામ નાઈકે માગણી કરી કે, `રાષ્ટ્રગાન ગાવા માટે ના પાડનારા વિદ્યાલયોનું અનુદાન બંધ કરી દેવું જોઈએ. અનુદાન ન લેનારાની મંજૂરી રદ કરવી પડે. વિદ્યાલય રાષ્ટ્રપ્રેમ જાગ્રત કરવાનું સ્થાન છે. એના દ્વારા શું રાષ્ટ્રદ્રોહીઓ પેદા કરવાનું આપણું લક્ષ્ય છે? રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત દરેક વિદ્યાલયમાં સામૂહિક રીતે ગવાય.'
 
લાલકૃષ્ણ અડવાણીએ ડૉ. રાજેન્દ્રપ્રસાદનું ઉદાહરણ આપીને રામ નાઈકનું સમર્થન કર્યું. વિભાગના મંત્રી અર્જુનસિંહે જવાબ આપ્યો, `આપણા રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં `વંદે માતરમ્' ગીત તથા એમાંથી મળેલી પ્રેરણા અદ્વિતીય તથા પુલકિત કરનારી છે. એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી `વંદે માતરમ્' રજૂ કરવું યોગ્ય અને ઉપયોગી છે. દરેક જગ્યાએ એ રજૂ થવું જોઈએ.' લોકસભાના અધ્યક્ષને સંબોધિત કરતાં મંત્રીએ ફરી કહ્યું, સભામાં `વંદે માતરમ્' રજૂ કરવા માટે આદરણીય સભ્યોના અભિપ્રાય અનુસાર આપ નિર્ણય લો. તમારા નિર્ણયનું અમે સમર્થન કરીશું.
 
કાયદાકીય સમસ્યા વિશે મંત્રીએ કહ્યું, `હાલમાં તો રાષ્ટ્રગાન સાથે સંબંધિત કોઈ નિયમ નથી એટલે કેટલાક લોકો એને ફરજિયાત માનતા નથી. ગાનનો આદર કરવાનો છે, પરંતુ એને માટે નિયમ બનાવવો શક્ય નથી. લોકોના મનમાં રાષ્ટ્રભાવના જાગ્રત કરવાથી જ એ શક્ય બને છે. સભામાં રજૂ કરવાની બાબતે સભાધ્યક્ષ નિર્ણય લઈ લે.'
 
મંત્રીનું ભાષણ મેં ધ્યાનપૂર્વક સાંભળ્યું. જે માનસિક ભાવ સાથે મંત્રીએ કહ્યું હતું એના પર ભાર મૂકવા માટે અહીં કોણ છે? સમય અનુસાર મારું મહત્ત્વ, માન, પદવી, જાગરણ વગેરે વિશે બોલવાની વૃત્તિ ક્યાં છે? ખુરશીની રાજનીતિનો આધાર, વોટબેંકની રાજનીતિ એમના આદર્શવાદની પોકળતા છતી કરે છે. તેઓ જે કહે છે એમાં લેશમાત્ર સચ્ચાઈ નથી.
 
***
 
(ક્રમશઃ)