પ્રકરણ – ૩૦ । લતા મંગેશકરે શાંતિમંત્રની જેમ ત્રણ વખત મારી ઉદઘોષણા કરી - `વંદે માતરમ્... વંદે માતરમ્... વંદે માતરમ્...'

13 Sep 2025 16:49:30

vande-mataram-novel-gujarati-prakaran-30 
 
 
હુું વિચારતી હતી કે, બધું ઠીક થઈ ગયું. પરંતુ ફરી એક વાર કપટી ધર્મનિરપેક્ષતા સપાટી પર આવી ગઈ. હું પૂછું છું કે સંવિધાન દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત શું તેઓ જાણે છે? સાત વર્ષ પૂર્વે રાષ્ટ્રીય સહારા દૈનિક દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણો તથા મુલાકાતો હું યાદ કરું છું. શું તમે જન ગણ મન જાણો છો? વંદે માતરમ્ જાણો છો? ગાઈને સંભળાવો, અમે રેકોર્ડ કરીએ. રાષ્ટ્રીય સહારાના આ પ્રશ્નો હતા. સર્વેક્ષણનું પરિણામ આશ્ચર્યજનક હતું. મોટા મોટા લોકોએ પોતાનું અજ્ઞાન દર્શાવ્યું. એટલી સચ્ચાઈ જાહેર કરવા માટે દેશ એમનો આભારી છે. એક સાંસદે તો આને `રિડિક્યુલસ ઇન્કવાયરી' (નકામી પૂછપરછ) કહીને એ સર્વેક્ષણની ટીકા કરી હતી. સાચી વાત આપણે જાણી ગયા છીએ, ખરું ને?
 
એનાથી બરાબર વિરુદ્ધ ઘટના આ પ્રસંગે મને યાદ આવે છે. શુભસૂચક હતી એ ઘટના. ૨૩ ઑગસ્ટ ૧૯૪૬. દિલ્હીમાં ગુરુજી ગોળવલકરનો સ્વાગત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના આમંત્રણ પત્રમાં એક મુદ્દો વંદે માતરમ્ હતો. ગાનારા કોણ છે? ગુરુજીએ પૂછી લીધું. ગાયક આવીને એમને મળ્યા. ગુરુજીએ સૂચન કર્યું. ગીત સંપૂર્ણ ગાવાનું છે, શું તમને એ મોઢે છે? `ના.' ગાયકે જવાબ આપ્યો. ગુરુજીએ એક કાગળમાં આખું ગીત લખીને ગાયકને આપ્યું.
 
***
 
મુખ્ય ઘટના તરફ આપણે પાછી વળીએ. રામ નાઈકે પીછો છોડ્યો નહીં. દસ દિવસ પછી ૧૯મી તારીખે એમણે મંત્રી અર્જુનસિંહને એ વિશે લખ્યું. ૧૫ ઑગસ્ટ સાથે સંબંધિત સમારોહમાં ભાગ લીધા પછી અધ્યક્ષ શિવરાજ પાટીલે પર્પઝ કમિટીની બેઠક બોલાવી. સભાની શરૂઆતમાં વંદે માતરમ્ તથા અંતમાં જન ગણ મન ગાવાનો નિર્ણય થયો. સભાધ્યક્ષે કહ્યું કે `એમ કરવાથી સભાની ગરિમા અને અનુશાસન વધી જશે.' પ્રધાનમંત્રી નરસિંહારાવે સભાધ્યક્ષને પૂરતો સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું.
 
ઢોંગી ધર્મનિરપેક્ષતાના પૂજારીઓ છાના ન રહ્યા. એમણે ફરી એક વાર ખબરીસ્થાનોને ઝકઝોર્યાં. મુલાયમસિંહ અને સાથીઓ એકત્ર આવી ગયા. ફરી નવેમ્બર ૧૩ના દિવસે પર્પઝ કમિટીની બેઠક થઈ. બેઠકનો નિર્ણય નકામો થઈ જશે એવો ભય હતો. સમયનું ચક્ર ઊંધું ચાલવા લાગ્યું. નિર્ણય ન થવાથી ૨૩ નવેંબરના દિવસે ફરી બેઠક થઈ. લોકશાહીની મર્યાદા અનુસાર સભાધ્યક્ષ દ્વારા લેવાયેલા નિર્ણયને નગણ્ય માનીને છોડી દેનારા જાહેર લોકતંત્રવાદીઓને જોઈને બુઝર્વા લોકશાહીવાદીઓ સ્તબ્ધ થઈ ગયા. કાર્યકુશળ સાંસદ તરીકે જાણીતા ઇંદ્રજીત ગુપ્તાએ કહ્યું, `જે બેઠકમાં નિર્ણય થયો એમાં અમે હતા, પરંતુ પ્રશ્નની ગંભીરતા એ વખતે અમે જાણતા નહોતા.' લોકસભાના અધ્યક્ષ શિવરાજ પાટીલે ગંભીરતાથી કહ્યું, એ નિર્ણય બધાની અનુમતિથી લેવામાં આવ્યો હતો. બેઠકનો નિર્ણય તમને તથા સમાચારપત્રોને પણ મોકલવામાં આવ્યો હતો. હવે આમ કેમ કહો છો? શું તમે જનતા સમક્ષ આ રીતે કહી શકો છો?' ભારતના લોકશાહીના મંદિરમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વિશેના આ પ્રકારના વાદવિવાદના સમાચાર સાંભળીને દેશવિદેશમાં એની પ્રતિક્રિયા કેવી હશે? બે હાથ જોડીને વિનંતિ કરું છું કે, કૃપા કરીને કોઈ વિવાદ ઊભો કરશો નહીં. વાતાવરણ બદલાઈ ગયું. અડવાણીનું હૃદય દ્રવી ગયું. એમણે ટૂંકમાં એટલું જ કહ્યું, `૧૯૪૭ની સ્થિતિનું અમે પુનરાવર્તન થવા નહીં દઈએ.' એ વાક્યમાં શક્તિ હતી. ઢોંગી ધર્મનિરપેક્ષતાવાદીઓનો વિજય ન થયો. છેવટે મને જન ગણ મન સાથે સભામાં પ્રવેશ મળી ગયો.
 
***
 
દિવસો વીત્યા. કેવું સદ્ભાગ્ય ! અરવિંદ તથા એમની આરતી! મારો પ્રત્યક્ષ થવાનો એ દિવસ આવ્યો. પચાસ વર્ષ પછી આવ્યો ૧૫ ઑગસ્ટનો દિવસ. સભાધ્યક્ષ સંગમા દ્વારા બોલાવાયેલી સંસદના બન્ને ગૃહોની એકત્ર સભામાં સંગીતસમ્રાટ ભીમસેન જોશીએ સૂર, તાલ, લય સાથે મારું ગાન કર્યું. ગંધર્વકન્યા ગાયિકા લતા મંગેશકરે સારે જહાઁ સે અચ્છા સંભળાવ્યું અને એ જ આલાપની શૈલીમાં સૌને મંત્ર મુગ્ધ કરીને શાંતિમંત્રની જેમ ત્રણ વાર મારી ઉદઘોષણા કરી - `વંદે માતરમ્ વંદે માતરમ્ વંદે માતરમ્'
 
ભારતમાતા કી જય બોલીને સ્વાતંત્ર્ય સુવર્ણજયંતી વર્ષનું ઉદ્ઘાટન થયું.
 
***
 
જીવનનિયોગ, જીવનચર્યા અને પરિસ્થિતિ દ્વારા હાથ ઉઠાવીને ઊભા કરી દેવાય એવી ઘડીમાં સિંહાવલોકન કરતી વખતે હું મારા પર વિશ્વાસ કરી શકી નહીં. જેટલાં દિવસરાત, ઉતારચઢાવ, સુખદુઃખ, હારજીત, દશાંતર, દશાપહાર મેં જોયાં છે એટલાં કદાચ મારા સહયાત્રીએ પણ નહીં જોયાં હોય. મારા દિવંગત પિતાજીએ પણ એ વિચાર્યું નહીં હોય. ભગીરથ જાણતો હતો કે, પૂર્વજોની મુક્તિ માટે ગંગાને પાતાળ સુધી લઈ જવી જોઈએ. પરંતુ કયા માર્ગે લઈ જવાની છે એ માર્ગ તપસ્વી જાણતો નહોતો. ભાગીરથીને પણ ખબર નહોતી. ગંતવ્યનો નિર્ણય આપણે કરીએ છીએ, પરંતુ ગતિનો નિર્ણય કરનારા આપણે નથી. મારા પિતાની જેમ જ મને પણ મારે કયા માર્ગે જવાનું છે એની જાણ નહોતી. માત્ર ગંતવ્ય અને મંતવ્ય બન્ને સ્પષ્ટ હતાં. એ બન્નેના બળે મેં આગળ ડગલું ભર્યું. પછી આગળ તો ‘कर्मण्येवाधिकारस्ते...’ના માર્ગદર્શન અનુસાર હું આગળ વધી. છેવટે હું અહીં પહોંચી, હજુ પણ મારી સાધના ચાલુ જ છે. મારે મારી માતા વિશેનાં સ્વપ્નો સાકાર કરવાનાં બાકી છે. જવાબદારી મોટી છે. `ચરૈવેતિ.. ચરૈવેતિ..' જગદંબાએ મારે માટે એ જ કહ્યું છે. માતાના પરમવૈભવનું ક્ષિતિજ મને બોલાવે છે. હું આગળ વધું એ અનુસાર જ મારામાં જોશ પેદા કરીને એ પણ આગળ વધે છે, એ જ મારું જીવન છે.
 
 
***
 
 
ફરિયાદ ન કરવી, માગણી ન કરવી, જીવનભર કાર્યરત રહેવું, એ જ માતાનો ઉપદેશ છે. એના આધાર પર હવે જે કંઈ થયું છે એને હું ઈશ્વરની ઇચ્છા સમજું છું. `મારા વિશે તારા કરતાં તારો પિતા વધુ જાણે છે.' એ શીખ અનુસાર હું મારી ગતિશીલતા સમાપ્ત થવા દેતી નથી. પરંતુ એ ઈશ્વરીય ઇચ્છા, વિધિવાદ અથવા નિયતિ ન બને એ માટે ધ્યાન રાખું છું.
 
એક અનુભવ જણાવું, બંધારણે જ્યારે જન ગણ મનને પહેલું સ્થાન આપ્યું હતું ત્યારે એ માટે એક આચારસંહિતા બનાવી હતી. બાવન સેકંડમાં એને ગાવાનું છે. એના રાગ તથા સ્વરલિપિ નિશ્ચિત કરવામાં આવ્યાં હતાં. પરંતુ સમાન સ્થાન પર રહેલી મારા માટે એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો નહીં. કેટલાક લોકોએ એને પક્ષપાત માન્યો, પણ મેં એની ચિંતા કરી નહીં. સમયના પ્રવાહમાં બધી સ્થિતિ અનુકૂળ થતી ગઈ. યદુનાથ ભટ્ટે મને મલ્હાર રાગમાં પ્રસ્તુત કરી. નેપાલચંદ્રધરે દેશમલ્હારમાં મારું ગાન કર્યું. હીરાબાઈ બડોદેકરે તિલકમોદ રાગમાં ગાયું. વિ. દે. અભ્યંકરે ખંબાવતી રાગમાં ગાન કર્યું. કૃષ્ણરાવે ઝીંઝોટી રાગમાં ગાયું. વિષ્ણુબુવા પલુસ્કરે અનેક રાગોમાં મારું ગાન કર્યું. એમના શિષ્ય ઓમકારનાથ ઠાકુરે મારા માટે એક નવા રાગની રચના કરી. રવીન્દ્રનાથ ઠાકુરે પણ અનેક રાગોમાં ગાન કર્યું. કૃષ્ણરાવે પથસંચલન માટે ઉપયોગી સૈનિક રાગમાં મને પ્રસ્તુત કરી. હવે લતા મંગેશકર, એમ. એસ. શુભલક્ષ્મી, એ. આર. રહેમાન બધાંએ એ જ પરંપરા સ્વીકારી છે. જો મને એક નિશ્ચિત બીબાંમાં મર્યાદિત કરી દીધી હોત તો એમ થઈ શક્યું હોત ખરું? કદાપિ નહીં. આજે મારા માટે જેટલા રાગ છે એટલી જ સ્વરલિપિ પણ છે. એટલી જ ગાવાની શૈલીઓ પણ છે. એ જ અનુસાર કાલ અને માત્રા પણ છે. વિરાગી એવી હું બહુરાગી છું.
 
***
 
જીવનમાં સહજીવી તરીકે રહેવાનો મારો અને જન ગણ મનનો નિયોગ થયો. એટલું જ નહીં તો અમે બન્ને બે આત્મીય મિત્રોનાં સંતાન છીએ. અમારી વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનું એ કારણ છે. એકાકી પળોમાં હું ક્યારેક આત્માવલોકન પણ કરું છું. કોઈ પણ પ્રકારની ઈર્ષા કે દ્વેષ વગર જ એમ કરું છું. એક વાર અમારાં ભાગ્ય વિશે વિચારતી વખતે મને રવીંદ્રબાબુની પંક્તિઓ યાદ આવી. અધિકારે વિશ્વને કહ્યું, `તું મારું છે.' વિશ્વે એને પોતાના સિંહાસન સાથે બાંધી દીધો. પ્રેમે વિશ્વને કહ્યું, `હું તારો છું.' વિશ્વે પોતાના ઘરમાં એને પૂર્ણ સ્વતંત્રતા આપી?
 
આપણે ઇચ્છીએ કે નહીં પણ અમને એ ભાગ્ય પ્રાપ્ત થયું. જન ગણ મનને પાછળથી અધિકારે, `તું મારું છે' એમ કહેવાથી મને પ્રેમે કહી દીધું કે `હું તારો છું.' એને અધિકાર મળ્યો, મને પ્રેમ. એને કારણે એક મઠાધિપતિ અને એક પરિવ્રાજક વચ્ચેનું અંતર અમારી વચ્ચે આવી ગયું. જન ગણ મન શાસન સુધી સીમિત રહ્યું અને હું જનતાની વચ્ચે પહોંચી ગઈ. કામ કરવા માટે જન ગણ મનને કાયદા અને કાર્યપદ્ધતિ જોવી પડી. પરંતુ હું સ્વેચ્છાથી કામ કરી શકી. મારે માટે ઘણી સુવિધા થઈ ગઈ. આ પ્રકારની સુવિધા મને ઇંદિરાજી દ્વારા લદાયેલી કટોકટીમાં પણ મળી હતી.
 
નવેમ્બર ૧૯૭૫માં મને સો વર્ષ પૂરાં થયાં. એની ઉજવણી યોગ્ય રીતે થઈ. નાગરિક સ્વાતંત્ર્યને પુનઃપ્રસ્થાપિત કરવા માટે પ્રતિબંધિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભૂમિગત રહીને કાર્ય કરવા માટે યોજના તૈયાર કરી. વિશિષ્ટ પરિસ્થિતિમાં બંગાળ શાખા એ માટે આગળ આવી. નવેમ્બર ૧૯૭૫માં વંદે માતરમ્ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અને એ માટે એક સમિતિની રચના કરવામાં આવી. કટોકટીને ધ્યાનમાં રાખીને સહેલાઈથી સમજી શકાય એવું નામ પસંદ કરવામાં આવ્યું. કોલકતા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ શંકર પ્રસાદ મિશ્રને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એને લીધે અનેક સાહિત્યકારો તથા જૂના રાષ્ટ્રવાદીઓ સભ્ય બનવા માટે તૈયાર થઈ ગયા. સમિતિની પહેલી બેઠક ન્યાયાધીશની ચેમ્બરમાં થઈ. બેઠકના નિર્ણય અનુસાર પશ્ચિમ બંગાળમાં દરેક ગામે શતાબ્દી મહોત્સવનો ધ્વજ લહેરાવાયો. સંઘની શાખાઓ જ્યાં જ્યાં કાર્યરત હતી ત્યાં બધે જ યોજના અનુસાર સમારોહો થયા. બધા કાર્યક્રમોમાં સ્વતંત્રતા સંગ્રામનાં બધાં પાસાંઓ રજૂ કરવામાં આવ્યાં. મારું નામ લઈને કે મારા નામ માટે ફાંસી પર ચઢી ગયેલા વીર યુવાનોની કથા સંભળાવીને તેમણે એ સાબિત કરી દીધું કે, માત્ર અહિંસાના માર્ગે જ આઝાદી પ્રાપ્ત થઈ નથી. ‘स्वतंत्रता का मूल्य प्राण है, देखें कौन चुकाता है ।‌’ એ સંઘગીત બધી બેઠકોમાં એક સાથે રજૂ કરવામાં આવ્યું હતું. બેઠકની સમાપ્તિમાં બધાં સ્થાનો પર મારી પ્રસ્તુતિ થઈ.
 
૨૬ જૂન, ૧૯૭૬ના દિવસે પિતાજીનો જન્મદિવસ મનાવવા માટે ગંગાકિનારે બાબુ ઘાટ પર આવેલી પિતાજીની પૂર્ણકદની પ્રતિમા સમક્ષ એક બેઠક થઈ. બેઠકની શરૂઆત મારી પ્રસ્તુતિ સાથે થઈ. મુખ્ય ન્યાયાધીશ તથા સાહિત્યકારોએ ભાષણો કર્યાં. સાથે સાથે એના સૂત્રધાર સંઘપ્રચારક અજિતકુમાર વિશ્વાસે આભાર પ્રદર્શન કર્યું.
 
એ જ પ્રસંગે દૂર દક્ષિણના કેરળમાં એક અન્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેસરી પત્રિકાનો ૨૫મા જન્મદિવસનો સમારંભ હતો. શરૂઆતમાં મારી પ્રસ્તુતિ થતાંની સાથે જ સ્વાતંત્ર્યસેનાની તથા વરિષ્ઠ પત્રકાર કે. પી. કેશવ મેનને ભાવાવેગથી કહ્યું, `મને એ દિવસોનાં કોંગ્રેસનાં સંમેલનો યાદ આવે છે.' એક પછી એક સિગારેટ પીતા રહેતા સાહિત્યકાર ઉરુબે વેદીને ઓળખી જઈને કહ્યું, `આરએસએસની બેઠક છે. અહીં ધુમાડો નહીં દેખાય.' સમારોહમાં મોડા આવવા બદલ જિલ્લાધિકારીએ કેશવ મેનનની માફી માગી. માતૃભૂમિના તત્કાલીન સંપાદક વી. એમ. કોરાતે એ બધું જોઈને કૃતાર્થતાનો અનુભવ કર્યો.
 
કહેવાનું તાત્પર્ય એ છે કે અધિકારોની ચારે તરફ મોટી મોટી દીવાલો ઊભી કરી દેવામાં આવી હતી. એવા કાળા સમયમાં પણ મને રોકનારું કોઈ નહોતું. મેં સ્વતંત્ર વિહાર કર્યો. ગુપ્ત યોજના બનાવીને જાહેર રીતે મેં કટોકટીનો વિરોધ કર્યો હતો.
 
***
 
(ક્રમશઃ)
Powered By Sangraha 9.0