પ્રકરણ – ૩૧ । સ્વધર્મ અને સ્વસંસ્કૃતિનું સંરક્ષણ કરીને સ્વરાષ્ટ્રની ઉન્નતિ માટે હંમેશાં કામ કરવું એ જ મારો ધર્મ છે, એ જ મારું કર્મ છે

સંસદમાં ભીમસેન જોશીએ જ્યારે મારી પ્રસ્તુતિ કરીને સૌને રાષ્ટ્રભક્તિમાં તરબોળ કરી દીધા ત્યારે દૂર કૈલાસમાં માનસરોવરના પાવન તટ પર વિશ્વવિખ્યાત શ્રીરામચરિતના મર્મજ્ઞ કથાકાર મોરારી બાપુએ ધર્મચક્રાંકિત રાષ્ટ્રધ્વજ ફરકાવીને, સાર્થક રાષ્ટ્રગાન કહીને મારી પ્રસ્તુતિ કરી. રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઊજવ્યો.

    ૧૩-સપ્ટેમ્બર-૨૦૨૫
કુલ દૃશ્યો |

vande-mataram-novel-gujarati-prakaran-31
 
અધિકાર અને પદવીની સીમા હોય છે. સત્કાર અને ઉપચાર વડે જ ત્યાં પહોંચી શકાય છે. ત્યાં પોતાની ઔપચારિકતાઓ છે, ત્યાં વ્યવહારની પોતાની નીતિ- રીતિ છે. એટલે મોટા લોકોના આવવાથી દબાવ અને ખચકાટ પેદા થાય છે. એટલે જ્યાં નેતાઓ પહોંચી શકતા નથી ત્યાં કાર્યકર્તા પહોંચી શકે છે.
 
મેં સરકારના લાડ પ્યાર વગર જીવનભર કામ કર્યું. એ પરંપરા આજે પણ ચાલુ છે. એટલે કોઈ પણ અવરોધ વગર હું કામ ચાલુ રાખી શકું છું. ગામેગામ પહોંચી શકું છું. ઉત્સવ કે વિશેષ પ્રસંગોની રાહ ન જોતાં હું સામાન્ય પ્રજા તથા જનજીવન સુધી પહોંચી શકું છું.
 
મૅકોલેની શિક્ષણપદ્ધતિને બદલે ભારતીય શિક્ષણપદ્ધતિ લાગુ કરનારી સંસ્થા છે- વિદ્યાભારતી. દર વર્ષે વિકસિત થતા જતા એ સંગઠનની આજે બધાં રાજ્યોમાં નાની મોટી મળીને ૨૦,૦૦૦થી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓ છે. એમાં હજારો અધ્યાપકો તથા લાખો વિદ્યાર્થીઓ શાળામાં અધ્યયન પહેલાં શરૂઆતમાં હાથ જોડીને મારું ગાન કરે છે. મારી પાસેથી એમને રાષ્ટ્રભક્તિના સંસ્કાર પ્રાપ્ત થાય છે.
 
ઝારખંડ, બસ્તર, વાયનાડ જેવા પછાત પ્રદેશોમાં હજારો વનવાસી બાળકો શુદ્ધ ઉચ્ચારણથી અર્થ સમજીને મારું ગાન કરે છે. સાગરને પેલે પાર દેવાત્મા દ્વારા સંરક્ષિત શુભ્ર જ્યોત્સનાનાં દર્શનની અભિલાષા સાથે આંદામાનના વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દરરોજ મારું ગાન કરે છે. હું એ બાળકોનાં હૃદયમંદિરમાં માતૃભક્તિ જાગ્રત કરું છું.
 
આ દેશનાં હજારો શિશુ સંસ્કાર કેંદ્રોમાં મારો વિષય લઈને ગાન પ્રતિયોગિતાઓ આયોજિત કરવામાં આવે છે. અગણિત ઉદયમાન પ્રતિભાઓ એમાં ભાગ લઈને શુદ્ધ રાષ્ટ્રવાદી બની જાય છે. દિકરાઓ કરતાં દિકરીઓમાં વધુ ઉત્સાહ જોઈને લાગે છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા દુર્ગાવતીની પરંપરા હજુ સમાપ્ત થઈ નથી. સરલા, સુસ્મિતા અને ભૂષિતા એવી મને; અંગ્રેજી બોલનારાં મોટાં ઘરોમાં પણ સારું આતિથ્ય મળે છે. ત્યાંની મહિલાઓ મને નૃત્યનો વિષય બનાવે છે. મારા રાગ અને રૂપની વિવિધતા એમના નૃત્યના જ્ઞાનને પ્રકટ કરવા માટે પૂરતાં છે.
 
ઉદીયમાન રાષ્ટ્રીયતાના ઉદયરાગ તરીકે હું આસેતુ હિમાચલ મહાસંમેલનોમાં આરોહઅવરોહ કરતી રહું છું. એને માટે મારે કોઈ ઔપચારિકતા પૂરી કરવી પડતી નથી કે પ્રશાસનના ચક્કરમાં અટવાવું પડતું નથી.
 
આજે હું એક ગીત કે ગાનશીર્ષકથી વધીને એક શૈલીમાં પરિણત થઈ ગઈ છું. જે રીતે આદિકવિનું આદ્ય રામાયણ બધા ભારતીયોનાં હૃદયોમાં વસી જઈને બધી પ્રાદેશિક ભાષાઓમાં પ્રકટ થયું છે એ જ રીતે હું પણ પ્રકટ થઈ. ગુજરાતી સમૂહગાનમાં 'રાષ્ટ્રભક્તિ પ્રેરણાનું ગાન વંદેમાતરમ્ ગવાય છે.
 
હિંદીમાં ગવાય છે
 
'इस मिट्टी से तिलक करो,
ये धरती है बलिदान की,
वंदे मातरम्... वंदे मातरम्...'
 
મહારાષ્ટ્રમાં લોકો જ્યારે   'शक्तिशाली भारता चा ... श्वास...वंदे मातरम्...'  ગાય છે ત્યારે વાસ્તવમાં મારા માધ્યમથી વંદના કરવામાં આવતી માતા જ પ્રકટ થાય છે. અહીં શૈલી દિશ સ્વરૂપે પરિણત થઈ જાય છે. તુંચન, કંપન, કૃત્તિવાસ, તુલસીદાસ, માધવકંદલીએ જે રીતે શ્રીરામચંદ્રને પોતપોતાની ભાષાઓમાં પ્રસ્તુત કર્યા હતા એ જ રીતે મને પણ દરેક પ્રદેશના કવિએ પોતાની ભાષામાં પ્રસ્તુત કરી છે. હું વિવિધતામાં એકતાનું પ્રતિક અને પ્રયોગ બની ગઈ છું.
 
***
 
સંસદમાં માતૃભૂમિની સ્વતંત્રતાના પચાસમા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. એમાં કોઈ ખુશ ન હોય એમ બને? આ વિશાળ દેશનું પ્રત્યેક ગામ, પ્રત્યેક સંસ્થા, પ્રત્યેક સંગઠન યોગ્ય રીતે એની ઉજવણી કરે એ જ અમારી અપેક્ષા છે. પવનની દિશા ઓળખીને પોતાનો પતંગ ઉડાડનારા વેપારીઓએ જનમાનસના ભાવ ઓળખીને મારી જાહેરાતો પણ તૈયાર કરી દીધી. પેટ્રોલ પંપોએ ત્રિરંગામાં વંદે માતરમ્ લખીને બેનર તૈયાર કર્યાં. બહુરાષ્ટ્રીય કંપનીઓએ મારા નામથી એક પરંપરા શરૂ કરી. કન્યાકુમારીની લહેરોની પૃષ્ઠભૂમિમાં ગાયક બાલમુરલીકૃષ્ણને કર્ણાટક સંગીતના રાગમાં મારી પ્રસ્તુતિ કરી. રાગ ક્રમશઃ ઉત્તર તરફ વળ્યો. દરેક પ્રાંતના રાગના વૈશિષ્ટય અનુસાર ત્યાંના ગાયક કલાકારોએ મારી પ્રસ્તુતિ કરી. એ રીતે આ રત્નગર્ભાનાં રત્નો જેવા વિભિન્ન પ્રદેશોને રાષ્ટ્રીયતામાં પરોવનારા સુવર્ણધાગા તરીકે મારો સ્વીકાર થઈ ગયો. ધ્યાન આપવા લાયક વાત એ છે કે, એ માટે કોઈએ કોઈ પણ બેઠકમાં પ્રસ્તાવ પસાર નહોતો કર્યો.
 
પરંતુ આ દેશનાં રાજકીય સંગઠનોનાં વલણો તથા વ્યવહારે મને ઘણી પીડા આપી. પ્રાદેશિક રાજકીય પક્ષો પાસેથી મને કોઈ આશા નહોતી. સામ્યવાદી પાર્ટી તરફથી તો રજમાત્ર અપેક્ષા નહોતી, કારણ કે એનો ઇતિહાસ હું સારી રીતે જાણું છું, પરંતુ ૧૧૩ વર્ષની થયેલી તથા ચાર દાયકા કરતાં વધુ સમય દેશનું શાસન કરી ચૂકેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસેથી તો અપેક્ષા હતી. પરંતુ પરિણામ ઊંધું હતું. એ મહાન સંગઠને મુંબઈના ક્રાંતિ મેદાનમાં કહેવા પૂરતા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજકીય પક્ષો તરફ પક્ષપાત રાખ્યા વિના કહીએ તો ભારતીય જનતા પાર્ટીએ ધૂમધામથી ઉજવણી કરી હતી. એના કર્મઠ અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સ્વતંત્રતા સંગ્રામના માર્ગનાં સીમાચિહ્નો કહી શકાય એવા બધા સેનાનીઓને ગણીગણીને એમના ઘેર જઈને ચરણવંદના કરી હતી. એમણે ભારત સ્વતંત્રતા યાત્રા કરી અને એને કૃતજ્ઞતા યાત્રા કહી. એક અન્ય રાષ્ટ્રીય સંગઠન છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘે માર્ચ મહિનામાં થયેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ પસાર કર્યો તથા ૧૫ ઑગસ્ટથી એક અઠવાડિયા સુધી ભારતમાતા પૂજન દિવસ તરીકે ઉજવવાની યોજના બનાવી. એ અનુસાર કાર્યક્રમો થયા. ૭૦ હજારથી પણ વધુ સ્થાનો પર ભારતમાતા પૂજન થયું. આનંદમઠની ભાષામાં કહીએ તો દસ લાખ સંતાનોએ એમાં ભાગ લીધો. જ્યાં પણ પૂજન થયું ત્યાં સંપૂર્ણપણે મારું ગાન થયું. મહર્ષિ અરવિંદના પ્રવચનને યાદ કરીને સ્વયંસેવકોએ અખંડ ભારતની આરાધના કરી. મને કોઈ શંકા નથી કે, એ સાચો લોકમહોત્સવ હતો.
 
પ્રશાંત મહાસાગરની મધ્યમાં આવેલા ન્યુઝીલેંડમાં પણ ભારતીય સમાજે સ્વતંત્રતાની સુવર્ણજયંતિ ઊજવી. ૧૫, ૧૬, ૧૭ ઑગસ્ટની સાંજે વિશ્વવિદ્યાલયમાં ડૉ. મગેસનના નેતૃત્વમાં ભારતીયો તથા ભારતીયોના મિત્રો એકત્ર થયા. ત્યાંના મૂળ નિવાસી મોરિયાંને મુખી અધ્યક્ષ બન્યા. તેઓ વિશ્વવિદ્યાલયના કુલપતિ પણ હતા. ભારતથી વિશેષ રૂપે મોકલાયેલા એર ઇંડિયાના અધિકારી સુભાષ ભાગવતે મુખ્ય ભાષણ કર્યું. સંમેલનની શરૂઆત પારંપરિક રીતે દીપપ્રજવલન સાથે થઈ. એ સાથે જ મારું ગાન પણ થયું. પ્રમુખ હાથ જોડીને વિનમ્ર ભાવે ઉભા હતા. એ વખતે ડૉ. મગેસનની આંખમાંથી ચારપાંચ અશ્રુબિંદુ સરી પડ્યાં.
 
બ્રિટનના ભારતીયોએ એક નવું મકાન ખરીદીને એને 'વંદ માતરમ્ ભવન' નામ આપ્યું. ત્યાં એમણે 'વંદે માતરમ્' ગાઈ સંભળાવ્યું. આટલાંટિકાના મોરેશિયસમાં ભારત દિવસ ઉજવવા માટે સત્તાપક્ષ તથા વિપક્ષના સભ્યો, દૂતાવાસના અધિકારીઓ તથા હિંદુ સ્વયંસેવક સંઘના સભ્યો એકઠા થયા. બેઠકની સમાપ્તિ વખતે તીર્થજળ તરીકે ગંગાજળ પણ આપતા હતા. ભારતી-મંગલ તરીકે મને ભક્તિભાવપૂર્વક પ્રસ્તુત કરવામાં આવી.
 
હવે આપણે દેશ તરફ વળીએ. ૨૦ ઓક્ટોબર ૧૯૯૭. હરિદ્વારમાં પરમપૂજનીય કાંચી કામકોટિ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતી પધારી રહ્યા હતા. પુણ્યનગરીનાં ઋષિકુળનાં મુક્તમાનસના પ્રતીક તરીકે એમના સ્વાગત માટે અગણિત સ્વાગત કમાનો ઉભારવામાં આવી હતી. કામકોટિના વિશેષ નિમંત્રણ પર નેપાળના મહારાજા વીરેન્દ્ર વિક્રમ શાહદેવ તથા મહારાન્ની ઐશ્વર્ય રાજલક્ષ્મી પધારવાનાં હતાં. સ્વામીજીના નિર્દેશ અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજનીય સરસંઘચાલક ડૉ. રાજેન્દ્રસિંહ, વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ અશોક સિંઘલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ વગેરે પહેલાં જ આવી ગયા હતા. ૭૫૦૦૦ લોકોને બેસવા લાયક મંચ પણ તૈયાર હતો. પરમોત્તમ આધ્યાત્મિક આચાર્ય, નરેશ, સરસંઘચાલક વગેરેનો મંચ પર પ્રવેશ થતાંની સાથે જ સંમેલનની કાર્યવાહી શરૂ થઈ ગઈ. એ અપૂર્વ સંમેલનમાં વેદમંત્રો પછી મને પ્રવેશ મળ્યો. એક યુવાનના અવાજ દ્વારા હું અંતરિક્ષમાં ગુંજી ઊઠી.
 
વંદે માતરમ્ .. સુજલામ્ સુફલામ્ ધરણી ભરણીમ્ માતરમ્...
 
આધ્યાત્મિક આચાર્ય, મહારાજા, સરસંઘચાલક, મુખ્યમંત્રી પરિવારજન, ભક્તજન બધા હાથ જોડીને ઊભા થઈ ગયા. નેપાળ નરેશે વિશ્વ સમક્ષ ભારતવર્ષની ચિરપુરાતન સાંસ્કૃતિક એકતાની ઘોષણા કરી. એનાથી મોટી કૃતાર્થતા શું હોય?
 
સંસદમાં ભીમસેન જોશીએ જ્યારે મારી પ્રસ્તુતિ કરીને સૌને રાષ્ટ્રભક્તિમાં તરબોળ કરી દીધા ત્યારે દૂર કૈલાસમાં માનસરોવરના પાવન તટ પર વિશ્વવિખ્યાત શ્રીરામચરિતના મર્મજ્ઞ કથાકાર મોરારી બાપુએ ધર્મચક્રાંકિત રાષ્ટ્રધ્વજ ફરકાવીને, સાર્થક રાષ્ટ્રગાન કહીને મારી પ્રસ્તુતિ કરી. રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઊજવ્યો. ભારતીયોના આપસી ભાઈચારાને મજબૂત કરી દીધો, રામકથાનું પ્રવચન કર્યું. એમના યાત્રાસંગમાં ૧૯૮ લોકો હતા. કલાકના ૪૦થી ૫૦ કિ.મી.ની ગતિથી ઠંડો પવન ફુંકાતો હતો. પરંતુ ત્યાં ઉપસ્થિત લોકોના મનમાં અલૌકિક ઉષ્મા વ્યાપી હતી. કૈલાસ પરનું ધ્વજારોહણ મને બહુ ગમ્યું. કૈલાસગાન મને સારું લાગ્યું. વિશ્વશિખર કૈલાસ પરથી વિશ્વગાન ગૂંજ્યું 'તુમિ વિદ્યા તુમિ ધર્મ ...'
 
વિશ્વશિખરની પેલે પાર પણ વિશ્વ છે. પુરુષસુક્ત દર્શાવે છે કે એ દશાંગુલ (દસ આંગળ જેટલું) ઉન્નત મસ્તકે રહે છે. એ સાબિત કરતી એક ઘટના બની. ૨૯ સપ્ટેંબરના દિવસે શ્રીહરિકોટાથી પોલાર સેટેલાઈટ લોંચ વેહિકલ (PSLV)નું પ્રક્ષેપણ થયું. પોતાના એકમાત્ર પુત્રની દસમા ધોરણની પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહેલી માતાના જેવા હૃદય ભાવથી બધા વૈજ્ઞાનિકો સૂક્ષ્મદર્શક યંત્રો સામે બેઠા હતા. સોળ મિનિટમાં જ વેહિકલ લક્ષ્યસ્થાન પર પહોંચી ગયું. વૈજ્ઞાનિકો આનંદવિભોર થઈ ગયા. નિયતિના વિધાનની જેમ બધાએ એક સાથે વંદે માતરમ્ કહ્યું. આનાથી મોટો સ્વીકાર શું હોઈ શકે?
 
***
 
જે મને યાદ હતું એ બધું કહી દીધું. પરંતુ જીવન આગળ વધતું રહે છે. એમાં શું શું બનશે, શું શું જવું પડશે એ હું જાણતી નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે, મારું જીવન માતાના ચરણોમાં અર્પિત થયેલું તુલસીનું પાન છે. સ્વતંત્ર ભારતની અસ્મિતાને ઓળખી લઈને સ્વધર્મ અને સ્વસંસ્કૃતિનું સંરક્ષણ કરીને સ્વરાષ્ટ્રની ઉન્નતિ માટે હંમેશાં કામ કરવું એ જ મારો ધર્મ છે, એ જ મારું કર્મ છે. એ હું નિભાવતી રહીશ. એને માટે મારે પદવી ન જોઈએ, શાન ન જોઈએ, નામ કીર્તિ કશું જ ન જોઈએ. બાળપણના મારા અનુભવો તથા સમવયસ્કો પાસેથી સાંભળેલી વાતો જણાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. હૃદયના ખૂણામાં કરોળિયા જેવું જાળું વણીને પડેલા વિચારો ઘણું બધું ભેગું કરતા રહેતા હતા. જ્યારે મેં મારું અભિયાન શરૂ કરી દીધું ત્યારે મૃતસંજીવનીની હવાના સ્પર્શથી એ બધા પુનઃપલ્લવિત થઈ ગયા. કોઈની સામે ફરિયાદના ભાવ વિના મેં નિઃસંગ થઈને બધું કહ્યું છે. બાળપણમાં પ્રાપ્ત થયેલી સંસ્કૃતિ ફીકી ન પડી જાય એ તરફ ધ્યાન આપ્યું. સત્ય બોલવું, પ્રિય બોલવું, સત્ય બોલતી વખતે પ્રિય બોલવું, પ્રિય બોલતી વખતે અસત્ય ન બોલવું એ જ મારી સંસ્કૃતિ છે.
 
પૂર્વજો પ્રત્યે આપણું જે કર્તવ્ય છે, જે જવાબદારી છે એ વિશે કહેતી વખતે આપણાં શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. એને પિતૃઋણ કહ્યું છે. પુત્રે પિતૃઋણ નિભાવવાનું હોય છે. પૂર્વપિતામહોએ કહ્યું છે કે પુત્ર આપણું જ રૂપ હોય છે. નવા શરીરની સાથે આવેલો હું જ પુત્ર છું. એ સાંભળીને પિતાએ પુત્રને ખોળામાં બેસાડીને કહ્યું, “હું છું વંદેમાતરમ્ ગીતિકા. મારા પિતા અને માતા માત્ર ભારતમાતા છે. ત્વમેવ પિતાત્વમેવ માતા...' એટલે મારે માતૃઋણ ચૂકવવાનું છે. એમાં જ મારું પિતૃઋણ પણ નિહિત છે. એ ચૂકવવા માટે હું પ્રત્યેક પળે પ્રયત્ન કરી રહું છું. શિવનું યજન કરવા માટે પોતે જ શિવ બનવાનું છે. એ જ તત્ત્વ અનુસાર હું માતામાં તાદાત્મ્ય પ્રાપ્ત કરવા માટે તપ કરું છું. કદાચ એ જ એની સફળતા હશે. માતા મને ખોળામાં બેસાડીને પિતાનું કથન દોહરાવે છે.
 
अंगादंगात् संभवसि
हृदयादधि जायसे
आत्मावै पुत्रनामासि
स जीव शरदः शतम्
 
 
મારાં અંગ પ્રત્યંગમાંથી મેં જન્મ લીધો, મારા હૃદયનું હૃદય છે તું, હું તું છું, તું હું છું, શતાયુ થા શતાયુ થા....
 
 
***
 
(સમાપ્ત)