સાંપ્રત । ઇણ્ડિ ગઠબંધન: એક દિલ કે ટુકડે હઝાર હુએ, કોઈ યહાં ગિરા, કોઈ વહાં

૨૦૨૪માં ઇણ્ડિ ગઠબંધનની મજબૂતીની વાતો ચારેકોર હતી. પરંતુ આજે સ્થિતિ એ છે કે કેજરીવાલનો પક્ષ આઆપ કૉંગ્રેસ પર તેને હરાવવા માટે રૂ. ૪૪ કરોડ લીધાનો આક્ષેપ કરે છે અને ગઠબંધન તોડી નાખે છે. તેજસ્વી યાદવને જનનાયક કહેનાર પપ્પુ યાદવને રાહુલ-તેજસ્વી વાનમાં આવવા નથી દેતા અને મોટા ભાઈ તેજપ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી કાઢી મૂકાયા છે, તો બીઆરએસમાંથી દીકરી કવિતાને જ બહાર કરી દેવાયાં છે.

    ૧૫-સપ્ટેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

rahul malesia
 
 
૨૦૨૪ની ચૂંટણી પૂર્વે ઇણ્ડિ ગઠબંધન બન્યું હતું. તેમાં જોડાનાર રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, નીતીશકુમાર… બધાને વડા પ્રધાન થવાના અભરખા હતા. અરવિંદ કેજરીવાલ દારૂ અંગેની આબકારી નીતિમાં ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભેગા થયા ત્યારે તેમની પત્ની સાથે વિપક્ષના ઉપરોક્ત બધા નેતાઓએ મોટી સભા કરી હતી. પરંતુ આદિવાસી નેતા અને વિપક્ષમાં છે, તેવા હેમંત સોરેન જેલમાં ગયા ત્યારે ‘દલિત, આદિવાસી અને મુસ્લિમ’ રાજકારણના સર્વેસર્વા ગણાતા આ એકેય નેતાએ આવી સભા કરી નહોતી. કારણ ! અમેરિકાના ડીપ સ્ટેટનો દાવ અરવિંદ કેજરીવાલ પર ૨૦૧૩થી છે.
 
૨૦૧૧માં સ્વામી રામદેવે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો પ્રારંભ કર્યો હતો. સ્વામી રામદેવ હિન્દુવાદી છે. આથી ભાજપને લાભ ન મળી જાય તે માટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ અન્ના હઝારેને આગળ કરીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું. તેના પરિપાક રૂપે દિલ્લીમાં કેજરીવાલને સત્તા મળી ગઈ. સ્વામી રામદેવના આંદોલનની સાપેક્ષે અન્ના આંદોલનને ભારતીય મીડિયા, વિશેષ રૂપે, બાદમાં આઆપમાં ગયેલા અને મોદી વિરોધી પત્રકાર ગણાતા આશુતોષે તેમની ચેનલ આઈબીએન-૭ પર ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું.
 
દિલ્લીની ચૂંટણી ૨૦૧૩માં સૌથી મોટો પક્ષ ભાજપ હતો. તેણે સરકાર રચવાનું પસંદ ન કર્યું. કૉંગ્રેસે વ્યૂહાત્મક રીતે સામેથી, વણમાગ્યું સમર્થન આઆપને આપ્યું. અને જે કેજરીવાલે કૉંગ્રેસના-શીલા દીક્ષિતના ભ્રષ્ટાચાર સામે ચૂંટણી લડી અને શીલા દીક્ષિતને હરાવી ચૂંટણી જીતી, અને પોતાનાં બાળકોના સોગંદ ખાઈ કૉંગ્રેસ-ભાજપનો ટેકો નહીં લઉં તેવું કહ્યું તે કેજરીવાલે લોકમતનું નાટક કરી કૉંગ્રેસનો ટેકો લઈ સરકાર બનાવી લીધી.
 
અને પછી મીડિયાએ એવું વાતાવરણ સર્જી દીધું કે જે રીતે કેજરીવાલ રાતોરાત દિલ્લીમાં સત્તામાં આવી ગયા તે રીતે કેન્દ્રમાં પણ સત્તામાં આવી જશે. મીડિયાને ખબર હતી કે કૉંગ્રેસ તો જશે જ. કૉંગ્રેસ અને ડીપ સ્ટેટને પણ અનુમાન હતું કે કૉંગ્રેસ પાછી સત્તામાં નહીં જ આવે. પ્રશ્ન એ હતો કે ભાજપ સત્તામાં ન આવી જાય.
 
બસ, ત્યારથી કેજરીવાલ અને મમતા બેનર્જી મીડિયાના માનીતા બની ગયાં. મમતા બેનર્જીનો પ્રભાવ જોકે પ. બંગાળ પૂરતો મર્યાદિત હોવાથી કેજરીવાલ પર દાવ લાગ્યો. ૨૦૨૨માં ગુજરાત ચૂંટણીમાં પણ કૉંગ્રેસને પડતી મૂકીને મીડિયાએ આઆપને આગળ કર્યો. કૉંગ્રેસ સાથે ગઠબંધન ન હોવાથી કેજરીવાલે કૉંગ્રેસ પર આક્ષેપ કર્યા કે તે ભાજપની ‘બી’ ટીમ છે. સામા પક્ષે કૉંગ્રેસે આઆપ ભાજપની ‘બી’ ટીમ હોવાનું કહ્યું. કૉંગ્રેસે કહ્યું કે અન્ના આંદોલન ભાજપના મગજની ઉપજ હતું. ૨૦૨૨ની ચૂંટણીમાં કેજરીવાલની કારી ન ફાવી. ગુજરાતમાં બંને સામસામે આક્ષેપો કરી લડનાર આઆપ અને કૉંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે એક થઈ ગયા !
 
પરંતુ ડીપ સ્ટેટના ધમપછાડા, વિપક્ષોનું ‘ઇણ્ડિ’ ગઠબંધન રચી એક થવું, મુસ્લિમોમાં પણ (જ્યાં જે પક્ષ મજબૂત હોય ત્યાં તેને મતદાન કરવું, દા. ત. પ. બંગાળમાં ઓવૈસીને નહીં, મમતાને મત આપવા, મહારાષ્ટ્રમાં આવશ્યક હોય તો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મત આપવો એ રીતે) એક તરફી મતદાન કર્યું છતાં, રાજગના કિલ્લાના કાંગરા ખેરવી શક્યા નહીં. ચૂંટણીનાં પરિણામો પછી તરત જ આ સરકાર નહીં ટકે કારણકે ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમાર તેમને બ્લેકમેઇલ કર્યા રાખશે. વક્ફ બૉર્ડ જેવા મુદ્દા પર ટેકો પાછો ખેંચી લેશે તેવી આગાહી વિપક્ષો કરે તે તો સમજ્યા, પણ કહેવાતા તટસ્થ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો કરવા લાગ્યા.
 
જોકે એ સરકાર તો એવી ચાલે છે જાણે ૩૦૦ બેઠક એકલા હાથે ભાજપે મેળવી હોય, પરંતુ ઇણ્ડિ ગઠબંધનના કાંગરા અવશ્ય ખરવા લાગ્યા. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં જ એ દેખાઈ ગયું. દિલ્લીમાંથી આઆપ અને કૉંગ્રેસ બંનેનો સફાયો થઈ ગયો. એટલે તેની ટીસ આઆપને રહી ગઈ છે. જે સગવડિયું ગઠબંધન ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કર્યું હતું તેને બંને પક્ષો ભૂલી ગયા છે.
 
ગુજરાતમાં વિસાવદરની પેટા ચૂંટણી સમયે આઆપ અભ્યર્થી ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે આઆપના નેતાઓને ખરીદવા માટે રૂ. બે લાખની લાલચ અપાઈ હતી. પોતે આખી ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કર્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. જે હૉટલમાં ગોપાલે સ્ટિંગ કર્યું તે હૉટલમાં કૉંગ્રેસના નેતા લલિત વસોયા પણ ઉપસ્થિત હતા. આઆપના નેતા મનોજ સોરઠિયાએ લલિત વસોયા પર આઆપના નેતાઓને ખરીદવાનો આક્ષેપ કર્યો. એટલે લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર ૧૦ કરોડની માનહાનિનો દાવો કરી દીધો. પણ આ લડાઈ માત્ર ગુજરાત પૂરતી નહોતી. આ લડાઈ દિલ્લી પણ પહોંચી…
ગત બે સપ્ટેમ્બરે આઆપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કૉંગ્રેસ પર વધુ ગંભીર આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે આઆપને હરાવવા માટે કૉંગ્રેસે ભાજપ સાથે સાંઠગાંઠ કરી. કૉંગ્રેસે આઆપના દરેક વરિષ્ઠ નેતાને લક્ષ્ય બનાવ્યા અને તે માટે રૂ. ૪૬ કરોડ વાપર્યા. તેમાં રૂ. ૪૪ કરોડ તો રોકડા હતા.
 
અરવિંદ કેજરીવાલે ગત ત્રણ જુલાઈએ અમદાવાદમાં ઇણ્ડિ ગઠબંધનનો મૃત્યુઘંટ વગાડી દીધો અને કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે કૉંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરાય. કારણ? એ જ જૂનું કે કૉંગ્રેસ ભાજપની ‘બી’ ટીમ છે. જોવા જેવું એ છે કે ૨૦૨૨માં કૉંગ્રેસ ભાજપની ‘બી’ ટીમ હતી. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં નહોતી (કારણકે જેલમાંથી બહાર આવવું હતું), ૨૦૨૪ની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેમજ ૨૦૨૫ની વિસાવદર તેમજ કડીની પેટા ચૂંટણીમાં ફરી કૉંગ્રેસ ભાજપની ‘બી’ ટીમ બની ગઈ.
 
‘ઉપયોગ કરો અને ફેંકી દો’ એ ઇણ્ડિ ગઠબંધનની જૂની નીતિ છે, રાધર, કૉંગ્રેસની જૂની નીતિ છે. સૌથી પહેલી સામ્યવાદી સરકાર ઉથલાવનાર ઈન્દિરાજી હતાં. તેમણે પિતા અને વડા પ્રધાન નહેરુ પર દબાણ લાવીને કેરળની નામ્બુદિરીપાદની વામપંથી સરકારને બરતરફ કરાવી હતી, પરંતુ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઈન્દિરાજીને કૉંગ્રેસમાંથી કાઢી મૂક્યા અને કૉંગ્રેસની બે મોટી ઊભી ફાડ પડી ત્યારે ઈન્દિરાજીએ સામ્યવાદીઓનો ટેકો લીધો, શિક્ષણ અને મનોરંજન જગત સામ્યવાદીઓને સોંપી દીધું હતું. એ જ કૉંગ્રેસ પ. બંગાળ અને કેરળમાં વામપંથીઓ સામે લડતી રહી અને આજેય લડે છે. મોરારજી દેસાઈને ઉથલાવવા ઈન્દિરાજીએ ચરણસિંહનો પગલુછણિયાની જેમ ઉપયોગ કર્યો. તેમને ૨૩ દિવસ જ શાસન કરવા દીધા. રાજીવ ગાંધીએ પણ વી. પી. સિંહ સામે ચંદ્રશેખરનો ઉપયોગ કરી ચંદ્રશેખરની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. દેવેગોવડા અને ઈન્દ્રકુમાર ગુજરાલને રાષ્ટ્રીય કક્ષાએ અને ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા-દિલીપ પરીખને પણ ચરણસિંહ અને ચંદ્રશેખર જેવો જ અનુભવ કૉંગ્રેસે કરાવ્યો હતો.
 
કૉંગ્રેસે અને તેમાંથી નીકળેલા શરદ પવારે ઉદ્ધવ ઠાકરેનો ઉપયોગ પણ મહારાષ્ટ્રમાં ફરીથી સત્તામાં આવવા કર્યો અને ઉદ્ધવ ઠાકરેની સ્થિતિ કેવી થઈ ગઈ છે તે અનેક વિડિયોમાં સાબિત થયું છે. વાઘ હવે મીંદડી બની ગયો છે. એટલે તો હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંનેએ હાથ મેળવવા પડ્યા છે.
 
બિહારમાં પપ્પુ યાદવને પણ ઉદ્ધવ ઠાકરે જેવી જ અનુભૂતિ કરાવાઈ રહી છે. જે પપ્પુ યાદવે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં પોતાના કાર્યકર્તાઓને કફન બાંધીને આવવા કહ્યું હતું (“અગર ઝબરદસ્તી લોકતંત્ર કી મૌત હોગી તો મહાભારત કા સંગ્રામ હોગા) એટલે કે સશસ્ત્ર હિંસા કરવા તૈયાર કર્યા હતા અને આ રીતે જયરામ રમેશ વગેરે કૉંગ્રેસ નેતા, સપાના નેતાઓ ચૂંટણી પંચને ધમકાવી રહ્યા હતા અને પરિણામ પર પ્રભાવ પાડવા પ્રયાસ કરી રહ્યા હતા તે પપ્પુ યાદવે તેજસ્વી યાદવને જનનાયક કહ્યા. પરંતુ તેમને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની યાત્રામાં વાહન પર ‘સુરક્ષાના કારણોસર’ ચડવા દેવાયા નહોતા ! પપ્પુ યાદવથી સુરક્ષાનો શેનો ડર?
 
પપ્પુ યાદવ આવો અનુભવ કરવામાં એકલા નથી. ભારતીય સામ્યવાદી પક્ષમાંથી ચૂંટણી લડીને હારી ગયેલા ચુસ્ત સામ્યવાદી અને ‘ભારત તેરે ટુકડે હોંગે’નાં સૂત્રોવાળા કન્હૈયાકુમારને પણ રાહુલ-તેજસ્વીની વાન પર ચડવા દેવાયો નહોતો.
 
આ મોટા ભાગના પક્ષો પરિવારવાદી છે. (અરવિંદ કેજરીવાલે પણ શરૂઆતમાં જેલવાસ દરમિયાન પત્ની સુનિતાને આગળ કરી જોયાં. તેમને જેલમાંથી મુક્ત કરવા જે સભાઓ થઈ તેમાં સુનિતા જ મુખ્ય નેત્રી હતાં, પરંતુ પછી લાગ્યું કે તેમનામાં એવો કોઈ ચમત્કાર નથી એટલે આતિશીને મુખ્ય પ્રધાન બનાવ્યા). સત્તા માટે અખિલેશ યાદવ પિતા મુલાયમ અને કાકા શિવપાલ યાદવ સામે પણ બળવો કરી શકે. ડીએમકેમાં કરુણાનિધિના પુત્રો સ્ટાલિન અને એમ. કે. અલાગિરી બંને સામસામે છેડે થઈ ગયા હતા. તાજેતરમાં તેલંગાણા પૂરતા સીમિત પક્ષ ટીઆરએસ જેનું હવે નામ બીઆરએસ છે, તેમાં દીકરી કવિતાને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પિતા કે. ચંદ્રશેખર રાવે કાઢી મૂકી ! વચ્ચે પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચે સાવ છૂટા પડવાના આરે પહોંચી જાય તેવા મતભેદો સત્તાના લીધે થયા હતા, તો માયાવતીએ તો તેમના ભત્રીજા આકાશ આનંદને બસપમાંથી કાઢી જ મૂક્યા હતા, હમણાં પાછા લીધા. રાજ ઠાકરેને પણ બાળ ઠાકરેના પુત્રમોહના લીધે શિવસેનાથી અલગ થઈ મનસે રચવી પડી. કાકા શરદ પવારના દીકરી સુપ્રિયા શૂળેના મોહની સામે ભત્રીજા અજિત પવારને બળવો કરવો પડ્યો.
 
આવું જ રાષ્ટ્રીય જનતા દળમાં છે. તેજસ્વી યાદવના મોહમાં પક્ષમાં મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની અવગણના અને તેમનાં પત્ની ઐશ્વર્યા સાથે અણબનાવ, અનુષ્કા યાદવ સાથે પ્રેમ પ્રકરણ, વાંસળી વગાડવાનાં નાટક, આ બધાંના કારણે લાલુપ્રસાદ યાદવે તેજપ્રતાપ યાદવને પરિવાર અને પક્ષ બંનેમાંથી કાઢી મૂક્યા છે.
 
સત્તા માટે ‘ભારત તેરે ટુકડે હોંગે’ના સપનાં જોનારાઓ કે તેમના સમર્થક રાજકારણીઓના પોતાના પક્ષમાં આગ લાગી છે અને તેમના ઇણ્ડિ ગઠબંધનમાં પણ.
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…