રા.સ્વ.સંઘના શ્રદ્ધેય પ્રચારક શ્રી મધુભાઈ કુલકર્ણીજીની ૮૮ વર્ષે વિદાય

18 Sep 2025 18:17:44

pracharak-madhubhai-kulkarni-jivani-gujarati-
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક મા. શ્રી મધુભાઈ કુલકર્ણીનું આજે (૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫) સંભાજીનગર (ઔરંગાબાદ) ની ડૉ. હેડગેવાર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૮૮ વર્ષના હતા. તેમણે દેહદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તેમની અંતિમ ઇચ્છા મુજબ, તેમના પાર્થિવદેહ, રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આર.કે. દામાણી મેડિકલ કોલેજ, સંભાજીનગરમાં લઈ જવામાં આવશે. આજે બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી સમર્પણ કાર્યાલયમાં તેમના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે.
 
 જીવન પરિચય...
 
મધુભાઈનું પૂરું નામ માધવ વિનાયક કુલકર્ણી હતું. તેમનો જન્મ ૧૭ મે ૧૯૩૮ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ કર્ણાટકના ચિકોડીમાં થયું. ૧૯૫૪માં તેમણે વિદ્યાપીઠ હાઈસ્કૂલ, કોલ્હાપુરથી મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ચિકોડીમાં રહેતા હતા ત્યારે તેઓ સંઘ શાખામાં જવા લાગ્યા. તેઓ સ્વતંત્રતા પહેલાં અને પછીના સમયના પ્રત્યક્ષદર્શી હતા. તેમણે ૧૯૫૮માં મુંબઈની રૂપારેલ કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. થોડા સમય માટે તેમણે મુંબઈની સેલ્સ ટેક્સ ઑફિસમાં નોકરી કરી. ત્યાર બાદ, તેમણે ૧૯૬0-૬૧માં બી.એડ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. કોલેજનો અભ્યાસ પૂણ કરીને તેઓ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. આ દરમિયાન સંઘ સાથે તો તેઓ જોડાયેલા જ હતા પણ વર્ષ ૧૯૬૨માં તેઓ પ્રચારક બન્યા. નાગપુરમાં મરાઠાવાડ, સોલાપુરમાં તેમણે પ્રચારક તરીકે કામ કર્યું. ત્યાર પછી પુના મહાનગર પ્રચારકની જવાબદારી તેમને સોંપવામાં આવી. અહીં તેમણે એક કુશળ પ્રચારક તરીકે કામગીરી કરી. પુના મહાનગર સંગઠનકાર તરીકે તેમણે વિશેષ છાપ છોડી. એ સમયે પુનામાં મહારાષ્ટ્ર પ્રાંતનો ૩૫૦૦૦ સ્વયંસેવકોનો શિબિર યોજાયો હતો, જેના તેઓ મુખ્ય યોજક હતા.
 
સંઘકાર્ય... 
 
આ પછી સંઘકાર્યની યોજના અનુસાર મધુભાઈને ગુજરાતના સહપ્રાંત પ્રચારકની જવાબદારી સોંપવામાં આવી. વર્ષ ૧૯૮૧માં ગુજરાતના પ્રાંત પ્રચારક શ્રી કેશવરાવ દેશમુખ હતા પણ તેમનું અવસાન થતાં બાબુભાઈ ઓઝા પ્રાંત પ્રચારક બન્યા. એ સમયે તેમની સાથે સહ પ્રાંતપ્રચારકની જવાબદારી શ્રી મધુભાઈ કુલકર્ણીને સોંપવામાં આવી. પુનાના માધવરાવ કુલકર્ણી હવે ગુજરાતના મધુભાઈ કુલકર્ણી બન્યા. ટૂંક સમયમાં એમણે ગુજરાતી ભાષા પણ શીખી લીધી. પછી તો ગુજરાતમાં અનેક સ્થાને, શાખાઓમાં, કાર્યક્રમમાં, સંઘના વર્ગોમાં તેમણે ગુજરાતીમાં બૈદ્ધિક આપ્યું. એમના ઉદબોધનમાં દરેક સ્વયંસેવકને એક અચ્છા શિક્ષકના દર્શન થઈ શકતાં. પોતાની કુશળતા અને ચીવટથી ખૂબ ટૂંકા સમયમાં તેઓ ગુજરાત પ્રાંતથી માહિતગાર બન્યા. આ સમય દરમિયાન એટલે કે ૧૯૮૫માં પ્રાંત પ્રચારક બાબુભાઈ ઓઝાનું અવસાન થયું અને ગુજરાત પ્રાંત પ્રચારકની જવાબદારી શ્રી મધુભાઈ કુલકર્ણીને સોંપવામાં આવી. ત્યાર પછી તો તેમણે પ્રાંતિય સ્તરે વ્યાપક પ્રવાસ કર્યો. ગુજરાતને, ગુજરાતના ભાતીગળતાને તેઓ બરાબર સમજ્યા અને ગુજરાતમાં સંઘકાર્યનો વિસ્તાર આગળ વધાર્યો.
 
અનેક જવાબદારી... 
 
૧૯૮૫થી ૧૯૯૬ સુધી તેઓ ગુજરાત પ્રાંતના પ્રચારક રહ્યા. ૧૯૯૬થી ૨૦૦૩ સુધી તેઓ પશ્ચિમ ક્ષેત્ર (ગુજરાત+મહારાષ્ટ્ર+ગોવા) ના ક્ષેત્ર પ્રચારક, અને ૨૦૦૩થી ૨૦૦૯ સુધી અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ જેવી વિવિધ જવાબદારીઓ તેમણે સંભાળી. ૨૦૧૫ સુધી તેઓ કાર્યકારિમંડળના સભ્ય રહ્યા. વર્ષ ૨૦૧૫ પછી તેઓ જવાબદારીમુક્ત થઈને પોતાના અનુભવનો લાભ બધાને આપતા રહ્યા. તેમનું અંતિમ કેન્દ્ર સંભાજીનગર દેવગિરી પ્રાંત રહ્યું. તેમની દિનચર્યામાં નિત્ય શાખા, હોસ્પિટલમાં દાખલ થતા પહેલાંના અંતિમ ક્ષણ સુધી સંપર્ક, સંવાદ, પ્રવાસ, અને અનેક કાર્યક્રમોમાં જવાનું રહેતું હતું. સંઘમાં જોડાઈ રહેલા અનેક નવા યુવાનો માટે તેમણે ‘અથાતો સંઘ જિજ્ઞાસા’ નામનું પુસ્તક લખ્યું, જેનો અનેક ભાષાઓમાં અનુવાદ થયો છે.
 
આ ઉપરાંત તેઓ સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી પણ રહ્યા. હજી હમણાં ૩ મે ૨૦૨૫થી ૧૨ જુલાઈ ૨૦૨૫ સુધીના સાધનાના અંકમાં “સંઘગાથા” નામની એક અભ્યાસપૂર્ણ અને ભાવસભર કોલમ પણ લખી. ૧૧ ભાગમાં પ્રકાશિત આ શ્રેણી વાંચો તો સંઘ શું છે એ સૌને બરોબર સમજાય જાય. શાખાના સ્વયંસેવકથી લઈને રાષ્ટ્રનિર્માણ સુધીની બધી વાત તેમણે ખૂબ સરળ ભાષામાં લખી છે.
 
અંતિમ સમય... 
 
વૃદ્ધાવસ્થાને કારણે એક મહિના પહેલાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંતે ૮૮ વર્ષની ઉંમરે ૧૮ સપ્ટેમ્બર ૧૯૨૫ના રોજ તેમનું અવસાન થયું. તેમનું જીવન દરેક કાર્યકર્તા માટે આદર્શરૂપ રહ્યું છે. ગુજરાતના અનેક કાર્યકર્તાઓ માટે તેઓ સદૈવ પ્રેરણાસ્ત્રોત છે અને રહેશે.
 
રા.સ્વ.સંઘના શ્રદ્ધેય પ્રચારક શ્રી મધુભાઈ કુલકર્ણીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, પ્રભુ એમના આત્માને મોક્ષગતિ આપે. ૐ શાંતિ...
Powered By Sangraha 9.0