
છેલ્લાં પાંચ વર્ષનો માહોલ જોતાં હવે ખરેખર લાગી રહ્યું છે કે, એક નવા યુગનું ઝડપભેર મંડાણ થઈ રહ્યું છે. કોવિડ-૧૯ની હાલાકી, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયેલ પર ક્રૂર હુમલો કરનાર હમાસને “ઈંટનો જવાબ પથ્થરથી'વાળો મળી રહેલો વળતો જવાબ, વૈશ્વિક સ્તરે AIએ ઉભી કરેલ અનુકૂળતાઓ અને તેણે જ સર્જેલી સાવ અકલ્પ્ય નવી પ્રતિકૂળતાઓ, ચીન—અમેરિકા—તૂર્કીયે—અજરબેઝાનનો છૂપો-જાહેર ટેકો હતો છતાં આપણા ‘ઓપરેશન સિંદૂરે' પાકિસ્તાનને ભણાવેલા પદાર્થ પાઠ થકી બીજા દેશોએ પણ ભણેલો પદાર્થપાઠ, દેવાદાર અમેરિકાએ લાદેલો ટેરિફ, અને છેલ્લે છેલ્લે નેપાળનું જેન—ઝી આંદોલન તથા UKમાં Reformના દમદાર દેખાવો, આ સઘળું નજરની સામે તરવરી ઉઠે છે. છેલ્લા મુદ્દાને વિશેષ સમજવા જેવો છે, કારણ કે જે ભૌતિકવાદી પશ્ચિમ પોતાને વિશ્વનું ચાલક માનતું હતું, પણ હવે તેના નીચેથી ધરતી ખસી રહી છે. પશ્ચિમ બેબાકળું બન્યું છે, 'સ્વ'ની ઓળખ માટે બેચેન—બ્હાવરું બની રહ્યું છે.
અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના પગલે હવે બ્રિટનમાં 'વંશીય' દેખાવો જોર-શોરથી રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યા છે, જેનું એપી સેન્ટર બન્યું છે- રાજધાની લંડન. બ્રિટનમાં અંદાજે દશ લાખથી વધુ ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલા વસાહતીઓ, અને તેમાં પણ નિશ્ચિતરૂપે કટ્ટર મુસ્લિમ ઘૂસણખોરો સામે બ્રિટિશ ઝંડા અને સેન્ટ જ્યોર્જ ક્રોસ સાથે લાખો અંગ્રેજો રસ્તા ઉપર આવી ગયા. દેખાવો યોજ્યા. આમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાન અને સુદાનના મુસ્લિમોની સંખ્યા ખૂબ જ મોટી હોવાનું કહેવાય છે. દેખાવકારો નારા બોલાવી રહ્યાં હતાં કે, We want our country back. (અમને અમારો દેશ પાછો જોઈએ છે.) મોટા ગજાના જમણેરી નેતા ટોમી રોબિન્સન (સ્ટીફન ક્રિસ્ટોફર યાક્સવી લેનન)ના નેતૃત્વમાં ૧.૫ લાખથી વધુ અંગ્રેજોની મેદની સાથે નીકળેલી મહારેલીમાં એલન મસ્ક, ફ્રાન્સના એરિક ઝેમોદ સહિતના નેતાઓએ પણ સમર્થન આપીને ઝંપલાવ્યું. આ મહારેલીમાં વર્ચ્યુઅલી જોડાયેલા એલન મસ્કે કહ્યું કે, હવે યુકેમાં પરિવર્તનનો સમય આવ્યો છે, કારણ કે હિંસા તમારી નજીક આવી રહી છે. ડાબેરીઓના “વૉકેઈઝમ'ના વાયરસ સામે એલન મસ્કે ચેતવણી પણ ઉચ્ચારી હતી. પશ્ચિમના દેશોમાં આ ગેરકાયદે ઘૂસી ગયેલા વસાહતીઓ એવા કટ્ટરવાદી મુસ્લિમોના વિરોધમાં નારો નવી બુલંદી પર ગાજી રહ્યો છે, હજુ પડઘાઈ પણ રહ્યો છે.
આ વિરોધવંટોળની રૌદ્રતા જોતાં હવે તે લંડનથી આગળ વધીને આગામી થોડા દિવસોમાં બ્રિટનનાં બીજાં શહેરો અને આમ આખા બ્રિટનને આવરી લેશે, તેવું દેખાઈ રહ્યું છે. આ મુદ્દો ફ્રાન્સ, જર્મની, ઈટાલી, પોલેન્ડ, આયર્લેન્ડ અને નેધરલેન્ડમાં પણ લોકોને મોટા પાયે આંદોલિત કરી રહ્યો છે.
પોતે આપેલાં વચન પ્રમાણે બ્રિટનની કીર સ્ટાર્મર સરકારે અમેરિકાની જેમ ગેરકાયદેસર વસાહતીઓને ડીપોર્ટ કરવાનાં પગલાં ભરવાનાં થતાં હતાં, પરંતુ એવાં કોઈ જ પગલાં ભરવામાં ના આવતાં બ્રિટનની જનતાનો અપેક્ષાભંગ થયો. આમ પણ બ્રિટન અનેક પ્રશ્નોનો સામનો કરી જ રહ્યું છે અને તેનું અર્થતંત્ર પણ ખાસ્સું નબળું પડ્યું છે, તેમાં પણ આજે તે પોતાની બ્રિટિશ સંસ્કૃતિની રક્ષાના મુદ્દે અને બ્રિટિશ ઓળખની રક્ષાના મુદ્દે ખાસ્સું સંવેદનશીલ બન્યું છે, ત્યારે આગામી દિવસોમાં એક નવો ઈતિહાસ સર્જાય તો નવાઈ નહીં.
માત્ર સેંકડો વર્ષોની સંસ્કૃતિ ધરાવતા કેટલાય દેશોનાં નામ અગાઉ યુનાન, મિસ, રોમની પંક્તિમાં ગોઠવાઈ ગયેલાં છે. તે પંક્તિમાં પોતાનો વારો ન આવી જાય તે માટે પશ્ચિમી દેશો હવે ચિંતિત છે, કદાચ સફાળા જાગ્યા છે. હા, પણ અંધકારથી પ્રકાશ તરફ ( तमसो मा ज्योतिर्गमय ) સતત ગતિશીલ 'ભારત”, તેની સમાવેશી સંસ્કૃતિ અને તેની અનંતની ઓળખ, આ બધુ યુગો—યુગોથી અડિખમ છે. સંપૂર્ણ વિશ્વના સહ અસ્તિત્વનું વચન લઇને આજે ‘ભારત’ ઝડપથી પોતાની ભૂમિકા નિભાવવા આગળ વધી રહ્યું છે. ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’વાળા સંકલ્પ સાથે વ્યક્તિ વ્યક્તિ 'ભારત' બને.