સાંપ્રત । હઝરતબાલ દરગાહમાં રાષ્ટ્રચિહ્નની તોડફોડ: મઝહબ રાષ્ટ્ર કરતાં મોટો !

22 Sep 2025 14:26:47

hazratbal-dargah-incident-ashok-chinh-gujarati
 
 
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ હટ્યા પછી સારો એવો વિકાસ થઈ રહ્યો છે. સંગીત ઉત્સવ થઈ રહ્યા છે, જી-૨૦ની બેઠક થઈ, મહા શિવરાત્રિની ઉપાસના થઈ, મોહર્રમના તાજિયા નીકળ્યા, રસ્તા-પૂલ-ટ્રેન વગેરે આંતરમાળખાની રીતે પણ વિકાસ થઈ રહ્યો છે, પરંતુ આ વાત કેટલાક પાકિસ્તાન પ્રેમી અને કટ્ટર મુસ્લિમોને ખટકે છે. આમાં બીજા કોઈ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરના વર્તમાન શાસક નેશનલ કૉન્ફરન્સના જ એક નેતા છે.
 
આ નેતાનું નામ છે તનવીર સાદિક. શ્રીનગરમાં હઝરતબાલ દરગાહમાં નામપટ્ટિકા પર અશોક ચિહ્ન જે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે, તે મૂકાયેલું હતું. તનવીર સાદ્દિકે કહ્યું કે આ ઇસ્લામના એકેશ્વરવાદના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ઇસ્લામમાં મૂર્તિપૂજાની મનાઈ કરવામાં આવી છે. તનવીર સાદ્દિકે મુસ્લિમોને ભડકાવ્યા અને એક ટોળાએ ભડકીને આ દરગાહની નામપટ્ટિકા પર કોતરાયેલું રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાખ્યું ! આ ઘટના પાછી તેમના પવિત્ર તહેવાર ઇદ એ મિલાદની ઉજવણી દરમિયાન જ બની. એવા અનેક દાખલા છે જેમાં આવા તહેવાર કે પવિત્ર રમઝાન મહિનામાં જ જિહાદીઓએ હિંસા કરી હોય, હત્યા કરી હોય.
 
આનાથી મુસ્લિમ નેતાઓએ ક્ષમા માગવી જોઈએ, આવું કરનારને ઠપકો આપવો જોઈએ. તેની ઉશ્કેરણી કરનાર નેતાને પક્ષમાંથી બરતરફ ન કરે તો કંઈ નહીં, પણ સસ્પેન્ડ ક કરવા જોઈએ, પરંતુ થયું ઉલટું. જ્યારે કટ્ટર મુસ્લિમ વ્યક્તિ મુખ્ય પ્રધાન બને કે બીજા કોઈ ઉચ્ચ પદ પર, ત્યારે તેમના માટે સંવિધાન ગૌણ બની જાય છે. ઇતિહાસ આવાં ઉદાહરણોથી ભરપૂર છે. અવિભાજીત ભારતના બંગાળના મુખ્ય પ્રધાન સુહરાવર્દી, થોડા સમય પહેલાં ભારતના ઉપ રાષ્ટ્રપતિ હામીદ અન્સારી…આ સૂચિમાં ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિનાં નામો પણ આવે. ઓમર અબ્દુલ્લા વર્તમાનમાં મુખ્ય પ્રધાન છે, તેમણે તેના માટે દુઃખ તો વ્યક્ત કર્યું પરંતુ ઘટનાનો બચાવ પણ કર્યો !
 
ઓમર અબ્દુલ્લાએ પંથીય સ્થળ પર રાષ્ટ્ર ચિહ્નને સ્થાપિત કરવા સામે પ્રશ્ન ઉઠાવતા કહ્યું, “પહેલો પ્રશ્ન એ છે કે પથ્થર પર રાષ્ટ્ર ચિહ્ન કોતરવાની આવશ્યકતા હતી ખરી?” ઓમરે આગળ જે કહ્યું તે પ્રશ્ન ઉઠાવનારું છે. તેમણે કહ્યું કે “પંથીય સ્થળો સરકારી સંસ્થાઓ નથી. તેથી તેમાં રાજ્યનાં કોઈ ચિહ્નો ન હોવા જોઈએ.” મહેબૂબા મુફ્તિએ આ ઘટનાને ‘અપરાધ’ ગણવાના બદલે તેને ‘લાગણી’ ગણાવી !
 
યથાર્થમાં, જમ્મુ-કાશ્મીર વક્ફ બૉર્ડનાં અધ્યક્ષા અને ભાજપનાં નેત્રી દરખશાન અંદ્રાબીએ હઝરતબાલ દરગાહનો ઝીર્ણોદ્ધાર કરાવ્યો અને તેની આંતરિક રંગબેરંગી સજ્જા સુંદર કરાવી. ‘ખાતમબંદ’ કામ પણ કરાવ્યું. ‘ખાતમબંધ’ એટલે કાશ્મીરની પરંપરાગત કળા છે જેમાં લાકડાનાં બહુભુજ ટુકડાઓને અલગ-અલગ ભૂમિતિક ઢબે મૂકીને છત અને દીવાલો સજાવાય છે. તેમાં ગુંદર વગેરેનો ઉપયોગ કરાતો નથી. આવા સરસ કામ માટે તેમની મુસ્લિમોએ પ્રશંસા પણ કરી, એટલે આ વાત નેશનલ કૉન્ફરન્સને પસંદ ન પડી. તનવીર સાદ્દિકને આગળ કરીને આનો ઇસ્લામના નામે વિરોધ કરાયો. અંદ્રાબીએ કહ્યું કે આ કૃત્ય ત્રાસવાદ છે અને તેમની સામે જાહેર સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાવી જોઈએ. અંદ્રાબી હવે કટ્ટરો જ નહીં, ત્રાસવાદી સંગઠનોના નિશાના પર પણ છે. પહલગામ ત્રાસવાદી આક્રમણ માટે ઉત્તરદાયિત્વ લેનાર ટીઆરએફ સંગઠને અંદ્રાબીને રા. સ્વ. સંઘનાં કઠપૂતળી ગણાવી તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી છે !
 
હઝરતબાલ દરગાહનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.
 
હઝરતબાલ નામ પરથી જ સ્પષ્ટ છે કે હઝરત એટલે માનવાચક સંબોધન છે. બાલ એટલે વાળ. દરગાહમાં મોહમ્મદ પયગંબરનો વાળ રખાયો છે જેને મોઇ-એ-મુકદ્દસ કહે છે. એવું મનાય છે કે આ વાળ પયગંબરના એક વંશજ સૈયદ અબ્દુલ્લાહ મદાની બીજાપુર લાવ્યા હતા.
 
અસદુદ્દીન ઓવૈસી જેવા કટ્ટરો અને સેક્યુલર હિન્દુઓ મોગલોને મહાન માને છે, સત્ય હકીકત એ છે કે મોગલોએ જેમ અન્ય અનેક અત્યાચાર હિન્દુઓ પર કર્યા પરંતુ તેમણે મોહમ્મદ પયગંબરના વંશજોનેય છોડ્યા નહોતા.
 
 
સૈયદ અબ્દુલ્લાહ મદાની પછી તેમના પુત્ર સૈયદ હમીદ પાસે આ વાળ હતો અને બીજાપુર પ્રદેશ મોગલોએ જીતી લીધો અને સૈયદ હમીદ પાસેથી સંપત્તિ છિનવી લીધી જેથી તે વાળ સાચવી શકે તેવી સ્થિતિમાં ન રહ્યા ! આમ, જે મોગલોના ગુણગાન ગવાય છે તે મોગલોએ મોહમ્મદ પયગંબરના વંશજને એવો પાયમાલ કરી નાખ્યો હતો કે તે વાળ પણ સાચવી શકે તેમ નહોતો. આથી તેમણે એક કાશ્મીરી વેપારી નુરુદ્દીન ઈશાઈને એક લાખ રૂપિયા (એ જમાનામાં !) વાળ વેચી દીધો !
 
પણ મોગલોની ક્રૂરતા આટલેથી અટકી નહોતી. ઔરંગઝેબ જેની કબર સાચવવા તાજેતરમાં નાગપુરમાં કટ્ટર મુસ્લિમોએ હિંસા કરી તે ઔરંગઝેબને આ વાતની જાણ થતાં, તેણે આ વાળ નુરુદ્દીન ઈશાઈ પાસેથી ઝૂંટવી લઈ અજમેરમાં મુઇન અલ દિન ચિશ્તીની દરગાહમાં મોકલી દીધો હતો અને નુરુદ્દીન ઈશાઈને દિલ્લીમાં કારાવાસમાં પૂરી દીધા હતા ! પરંતુ નવ દિવસ પછી ઔરંગઝેબને સપનું આવ્યું અને સપનામાં મોહમ્મદ પયગંબર સાથે ચાર ખલીફાઓ- અબુ બક્ર, ઉમર, ઉસ્માન અને અલી આવ્યા અને તેમણે આદેશ આપ્યો કે આ વાળને ફરી કાશ્મીર મોકલી દેવામાં આવે. નુરુદ્દીન ઈશાઈનું તો કારાવાસમાં જ કરુણ મૃત્યુ થઈ ગયું હતું. આથી ઔરંગઝેબે આ પવિત્ર મનાતા વાળને ઈશાઈના મૃતદેહ સાથે કાશ્મીર મોકલ્યો.
 
તે પછી આ વાળનાં રખેવાળ નુરુદ્દીન ઈશાઈનાં દીકરી ઈનાયત બેગમ બન્યાં. તેમણે આ દરગાહની સ્થાપના કરી હતી. ઈનાયત બેગમના પુરુષ વંશજોએ આ વાળની તે પછીથી રખેવાળી કરી છે.
 
અહીં એક પ્રશ્ન એ પણ છે કે નેશનલ કૉન્ફરન્સના તનવીર સાદ્દિક જેવા લોકો ઇસ્લામ મૂર્તિપૂજાનો વિરોધ કરે છે તેમ કહે છે તો દરગાહ અને વાળ બંને શું એક પ્રકારની પૂજા નથી? ઇસ્લામ તો નિરાકાર ઈશ્વરને માને છે તો પછી દરગાહ એટલે સંત કે પીરની સમાધિ. કબર. એક મૃત વ્યક્તિના દેહ જેમાંથી આત્મા ચાલ્યો ગયો છે તે દેહની પૂજા કેવી રીતે કરી શકાય? અને બીજો પ્રશ્ન એ છે કે આ મુસ્લિમો રાષ્ટ્રચિહ્નનો વિરોધ કરે છે પરંતુ બીજી બાજુ કંઈ પણ થાય તો સંવિધાનની વાત કરે છે. દેશ સંવિધાન મુજબ ચાલશે. તો પછી સંવૈધાનિક ચિહ્નનો વિરોધ શા માટે? એવું હોય તો ચલણી નૉટ અને સિક્કા પણ ન રાખવા જોઈએ કેમ કે તેના પર પણ રાષ્ટ્ર ચિહ્ન છપાયેલું અથવા કોતરાયેલું હોય છે.
 
વર્તમાન તોડફોડનો અપરાધ કટ્ટરતા અને રાજકારણનો છે તેમ આ વાળ સાથે અગાઉ પણ આવી ઘટના કટ્ટરતા અને રાજકારણના કારણે થઈ ચૂકી છે. સમય હતો ૧૯૬૩નો. ૨૭ ડિસેમ્બરનો દિવસ. દરગાહમાંથી અચાનક વાળ ગૂમ થઈ જાય છે. પરિણામે શ્રીનગરમાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવે છે.
 
આ સાથે એ વાત પણ જાણી લેવી આવશ્યક રહેશે કે નહેરુની મિત્રપ્રીતિના કારણે શૈખ અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર-લદ્દાખ જાણે અલગ દેશ હોય તેમ, તેના વઝીર એ આઝમ (વડા પ્રધાન) બની ગયા હતા, પરંતુ થોડા જ સમયમાં એવું બન્યું કે નહેરુનો મોહભંગ થઈ ગયો. શૈખ અબ્દુલ્લા પાકિસ્તાન તરફી દેશવિરોધી પ્રવૃત્તિ કરવા લાગ્યા. આથી નાછુટકે નહેરુએ તેમને જેલભેગા કરવા પડ્યા.
 
બક્ષી ગુલામ મોહમ્મદ વડા પ્રધાન બન્યા. તેઓ મજબૂત બનતા જતા હતા. આ વાત જેલમાં બંધ શૈખને પસંદ ન પડે તે સ્વાભાવિક છે.
 
‘ઇણ્ડિયા ટૂડે’નો ૯ સપ્ટેમ્બર ૨૦૨૫નો અહેવાલ કહે છે કે એક થિયરી એવી પણ છે કે શૈખ અબ્દુલ્લાએ પોતાને જેલમાંથી નહેરુ બહાર કાઢે (અથવા નહેરુને શૈખને જેલ બહાર કાઢવાનું બહાનું મળે) તે માટે આ વાળ ચોરાવ્યો હતો કારણકે વાળ ચોરીનો વિરોધ શૈખ અબ્દુલ્લાની મુક્તિની માગણીમાં ફેરવાઈ ગયો હતો. જે મુસ્લિમો વાળ ચોરીનો વિરોધ કરતા હતા તેઓ એવી માગણી કરવા લાગ્યા કે શૈખ અબ્દુલ્લાને મુક્ત કરો. એટલું જ નહીં, કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (આજનું સંયુક્ત રાષ્ટ્રો)ની મધ્યસ્થીમાં લોકમત સંગ્રહ કરાવો તેવી માગણી પણ થવા લાગી. તેઓ કહેતા હતા, “યે મુલ્ક હમારા હૈ, ઇસકા ફૈસલા હમ કરેંગે.” બીજી બાજુ, પાકિસ્તાનના રેડિયો પર ઉશ્કેરણીજનક ભાષણો થઈ રહ્યાં હતાં. તેમાં કહેવાઈ રહ્યું હતું કે વાળની ચોરી કાશ્મીરના મુસ્લિમોને દબાવવા માટે ભારત સરકારે કરાવી છે.
 
અલગ પાકિસ્તાનની માગણી હોય, હઝરત બાલની ચોરી, શ્રી રામજન્મભૂમિમાં જર્જરીત ઢાંચો ધ્વંસ થવાની ઘટના હોય, વક્ફ બૉર્ડનો વિરોધ હોય કે ઔરંગઝેબની કબર સાચવવાનો વિષય હોય, દર સમયે હિંસક મુસ્લિમોની ભીડ નિર્દોષ હિન્દુઓને અને તેમની સંપત્તિને હિંસાનો શિકાર બનાવે છે. હઝરતના બાલની ચોરીમાં પણ આવું જ થયું. કાશ્મીરમાં તો હિંસા થઈ જ થઈ, સાથે તે સમયે પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં પણ કટ્ટર મુસ્લિમોએ હિંસા કરી. ડિસેમ્બર ૧૯૬૩ અને ફેબ્રુઆરી ૧૯૬૪ વચ્ચે લાખો હિન્દુઓ પૂર્વ પાકિસ્તાનથી ભાગીને એક સમયના પોતાના દેશ ભારતમાં જ શરણાર્થી બનીને આવ્યા. માત્ર હિન્દુ જ નહીં, ખ્રિસ્તી આદિવાસીઓને પણ પૂર્વ પાકિસ્તાનથી ભારત ભાગીને આવવું પડ્યું ! તે પછી પશ્ચિમ બંગાળમાં પણ રમખાણો ભડકી ઉઠ્યાં.
 
આથી નહેરુએ સીબીઆઈની ટીમને શ્રીનગર મોકલી. ૪ જાન્યુઆરી ૧૯૬૪ એટલે કે આઠ દિવસમાં જ વાળ મળી આવ્યાની ઘોષણા કરવામાં આવી ! પરંતુ કટ્ટર મુસ્લિમોનો ઉદ્દેશ તો અલગ હતો. તેમને વાળની થોડી પડી હતી ! એટલે આ ઘોષણા પછી પણ થોડો સમય અશાંતિ ચાલુ રહી. વિરોધ કરનારાઓની કાર્ય સમિતિએ ૧૪ પંથગુરુઓને વાળની અધિકૃતતા નક્કી કરવાનું સોંપ્યું. ત્રણ ફેબ્રુઆરીએ નહેરુના પ્રતિનિધિ તરીકે લાલબહાદુર શાસ્ત્રીની ઉપસ્થિતિમાં દરગાહના રખેવાળ (મુતવલ્લી)એ જાહેરાત કરી કે હા, આ વાળ અસલી છે. છ ફેબ્રુઆરીએ વાળના જાહેર ‘દીદાર’ (દર્શન) રખાયા.
 
વાળ ચોરીના આરોપમાં જે ત્રણ જણા પકડાયા તે કાશ્મીરી મુસ્લિમ જ હતા – અબ્દુલ રહીમ બંદે, અબ્દુલ રશીદ અને કાદીર બટ્ટ (ભટ્ટમાંથી મુસ્લિમ બન્યા હોય એટલે બટ્ટ). તેમની પાકિસ્તાન સાથે સાંઠગાંઠ હતી. શૈખ અબ્દુલ્લાને તરત તો છોડી ન શકાય પણ એપ્રિલ ૧૯૬૪માં જેલમાંથી છોડી દેવામાં આવ્યા. નહેરુએ તેમને ભારત અને પાકિસ્તાન વચ્ચે સેતુની ભૂમિકા ભજવવાનું કામ સોંપી પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની છૂટ આપી દીધી ! કાશ્મીરના ઉકેલમાં પાકિસ્તાનની ભૂમિકા નહેરુએ વધુ જડબેસલાક કરી દીધી…જે ૨૦૧૯ સુધી ભારતને ડંખતી રહી. આજે પણ પહલગામ આક્રમણ જેવા દુષ્કૃત્યો દ્વારા પાકિસ્તાન ભારતને ડંખી રહ્યું છે.
 
 
Powered By Sangraha 9.0