ડૉ. કેશવ બલિરામ હેડગેવાર સંઘનિર્માતા તરીકે સુપરિચિત છે. ભારત સરકારે તેમના જીવન પર એક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. અનેક પ્રાદેશિક ભાષાઓમાં તે અનુવાદિત થયો છે. સ્વાતંત્ર્ય માટે ચાલતા બધા જ પ્રકારના પ્રયાસોમાં તેમનો સક્રિય ફાળો હતો. કોઈ પણ પ્રશ્નના મૂળમાં જઈને વિચાર કરવો એ તેમનો સ્વભાવ હતો. સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવું જ જોઈએ. જરૂર પડ્યે બલિદાન પણ આપી દેવું પડે તો આપવું માન્ય છે, પણ સ્વાતંત્ર્ય ગયું જ કેમ? જેમ બ્રિટિશ પરાયા તેમ મોગલ, તુર્ક, ગ્રીક પણ પરાયા હતા. આ બધા પરકીયોસાથે સંઘર્ષ કરનારો મૂળ સમાજ કયો છે? આ દેશને પોતાનો માનનારો, પોતાની માતૃભૂમિ માનનારો સમાજ ક્યો છે?
આ દેશને દેશનું સ્વરૂપ પ્રાપ્ત કરાવી દેનારો હિન્દુ સમાજ છે. હિન્દુ સમાજમાં આવેલી આત્મવિસ્મૃતિ, તેને કારણે ક્ષીણ થયેલી રાષ્ટ્રભક્તિની ભાવના, તેનાથી ઉત્પન્ન થએલી સમાજની વિઘટિત અવસ્થા, તેનાં પરિણામરૂપ પોતાના પૂરતો જ વિચાર કરવાની સંકુચિત માનસિકતા વગેરે બધાં પારતંત્ર્યના મૂળ કારણો છે, એ નિષ્કર્ષ પર તેઓ પહોંચ્યા. અને તેથી હિન્દુ સમાજને આત્મવિસ્મૃતિ, વિઘટન અને સંકુચિત માનસિક્તાના ત્રિદોષથી મુક્ત કરવો રાષ્ટ્રોન્નતિ માટે અત્યાવશ્યક છે એવું તેમનું મન તેમને કહેવાં લાગ્યું. આસેતુ હિમાચલ પ્રસરેલા વિરાટ હિન્દુ સમાજને સંગઠિત કરવાનું ધ્યેય દૃષ્ટિ સમક્ષ રાખી તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ કર્યો.
“હિન્દુ સમાજને સંગઠિત કરવો"એ શબ્દો બોલવા ઘણા સહેલા છે. “સંપૂર્ણ હિન્દુ સમાજનું સંગઠન", એ સંકલ્પના પણ મનને આકર્ષિત કરનારી છે. ક્રાંતિકારી છે. પણ વ્યાવહારિક સ્તરે શું કરવાનું? સભ્યો કોણ હશે? વિસ્તાર કરવા માટે કાર્યક્રમો કયા હશે? સંગઠનનું સ્વરૂપ કેવું હશે? ડૉ. હેડગેવારે આ બાબતે કોઈ જ લેખિત નિયમાવલી તૈયાર ન કરી. કાર્યપદ્ધતિ તરીકે દૈનંદિન ચલાવવા શાખા આપી. ત્રિદોષ દૂર કરવાના કાર્યક્રમો આપ્યા. ભગવા ધ્વજને કારણે આત્મવિસ્મૃતિ દૂર થાય છે અને આપણે બધા હિન્દુ એક છીએ તેની અનુભૂતિ ઉત્પન્ન થાય છે. સામૂહિક કાર્યક્રમોને લીધે વિઘટનના સ્વભાવમાં પરિવર્તન આવે છે. પ્રાર્થના થવાથી રાષ્ટ્રભક્તિભાવ દૃઢ થતો જાય છે. સંકુચિત વિચારમાં પરિવર્તન થઈને સામાજિક કર્તવ્યની ભાવના નિર્માણ થાય છે. ડૉક્ટરજી પોતે જ સંઘનિર્માતા હોવાથી સ્વાભાવિક રીતે જ તેમનું બેસવું, ઊઠવું, બોલવું, પત્રલેખન, મુલાકાતો વગેરે બધું સંઘ માટે જ રહેતું. તેમનાં આચરણમાંથી સંગઠનની રીતિ-નીતિ પ્રસ્થાપિત થતી ગઈ.
૧, કુમાર માધવ ધોરણ અગિયારની પરીક્ષા આપી નાગપુરથી પોતાને ઘેર કોંકણ જતો હતો. બપોરે તેની ગાડી હતી. તેને વિદાય આપવા ડોક્ટરજી વરસતા વરસાદમાં પલળતા રેલ્વે સ્ટેશન આવ્યા હતા. ડોક્ટરજીએ તેને ઘેર પહોંચ્યા પછી પહોંચ્યાનો પત્ર લખવા કહ્યું. તે છોકરો કાયમ માટે સંઘ સાથે જોડાયો. સંઘપ્રચારક તરીકે પંજાબ ગયો. (શ્રી માધવરાવ મુળે)
૨. યવતમાળનો એક નવમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી રજાના દિવસોમાં તેનાં માસીને ઘેર આવ્યો હતો. માસીના ઘર પાસે જ વિદ્યાર્થી શાખા લાગતી હતી. રમતોથી આકર્ષાઈને આ છોકરો પણ શાખામાં જવા લાગ્યો. ડોક્ટરજી પણ શાખામાં ગયા હોવાથી તેમનો તેની સાથે પરિચય થયો. ડોક્ટરજી નાગપુરમાં પ્રસિદ્ધ હતા. પોતાના નાનકડા ભાણિયાને લીધે આટલો મોટો માણસ આપણે ઘેર આવ્યો, એનો ઘરના લોકોને ઘણો આનંદ થયો. તે છોકરાને લીધે યવતમાળમાં એક નવી શાખા શરૂ થઈ.
૩, શ્રી નાનાજી દેશમુખે(ચિત્રકૂટ ગ્રામવિકાસ પ્રકલ્પના પ્રણેતાએ)પોતે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારનું એક સંસ્મરણ નોંધી રાખ્યું છે. તેમનાં પડોશમાં જ શ્રી ગંધે વકીલનું ઘર હતું. એક દિવસ તેમને ઘેર ઘણા લોકોની અવરજવર થઈ રહી હતી. ડૉક્ટર હેડગેવાર ત્યાં આવ્યાની ખબર પડી. ડોક્ટરજીને જોયા નહોતા. પણ તેમને જોવાની ઘણી ઇચ્છા હતી. અમારી પરીક્ષા હતી. ચાર મિત્રો સાથે વકીલસાહેબના ઘેર ગયો. ડોક્ટરજીએ અમને ચારેને પોતાની પાસે બોલાવ્યા. અત્યંત આત્મીયતાથી પ્રત્યેકની પૂછપરછ કરી. અમારી બીક ભાગી ગઈ. અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ તે જાણ્યા પછી તેમણે વકીલસાહેબ દ્વારા દહીંસાકર મંગાવ્યું અને અમારા બધાની હથેળી પર મૂકતાં કહ્યું, 'જાવ, તમારું પેપર સારું જશે.'
૪. પ્રસિદ્ધ સાહિત્યકાર આચાર્ય અત્રેએ પોતાનું એક સંસ્મરણ લખી રાખ્યું છે. 'ડૉકટર અમારે ઘેર આવ્યા. વ્યક્તિત્વ અત્યંત ભવ્ય, ગંભીર અને શાંત હતું. તેઓના પ્રવેશમાત્રથી અમને લાગવા લાગ્યું કે, ઘરના જ કોઈ સન્માનનીય વડીલ પ્રવાસ પરથી ઘેર પહોંચ્યા છે. તેમણે સરળ અને સહજ ભાવે વાર્તાલાપ શરૂ કર્યો. જોતજોતામાં વાતાવરણની ઔપચારિકતા દૂર થઈને પ્રસન્નતા વ્યાપી ગઈ.
૫, વિદર્ભ પ્રાંતની મહાશિબિર થઈ. ત્રીસ હજાર કરતાં પણ વધુ સંખ્યા હતી. ૫. પૂ. ડોક્ટરજીના કાળમાં જ સ્વયંસેવક બનેલા સો-સવાસો પ્રૌઢ સ્વયંસેવકોનું એક જૂથ એક દિવસ શિબિર જોવા આવ્યું હતું. પરમ પૂજનીય સરસંઘચાલક રાજેન્દ્રસિંહજી અને માન્યવર સરકાર્યવાહ શેષાદ્રિજી સાથે આ બધા લોકોની પરિચય બેઠક થઈ.
મા. શેષાદ્રિજીએ કહ્યું, મેં અને માન્યવર રજ્જુભૈયાએ પૂજનીય ડૉક્ટરજીને જોયા નથી. પણ તમે બધાએ જોયા છે. તેમને સાંભળ્યા પણ છે, તમે અમને તેમના વિષે કાંઇક કહો. ચાર પાંચ જ્યેષ્ઠ સ્વયંસેવકોએ કશુંક કહેવાનો પ્રયાસ કર્યો. જેવો બોલવાની શરૂઆત કરે એટલે અશ્રુપ્રવાહ શરૂ થઈ જતો. છેલ્લે એકે કહ્યું, ડૉક્ટરજી એટલે પ્રેમ, પ્રેમ બસ પ્રેમ. બસ આટલું બોલતાં જ એ કાર્યકર્તા નીચે બેસી ગયેલા.
સંઘનું બધું કામ પ્રેમ, સ્નેહ અને આત્મીયતા પર જ આધારિત છે. "शुद्ध सात्त्विक प्रेम अपने कार्य का आधार है" એવું એક ગીત શાખામાં ગવાય છે. ભાઈચારો જેવો પરિવારમાં હોય છે તેવો જ શાખામાં હોય છે. પરિવારમાં નાનામોટા બધાનું જ એક મહત્ત્વ હોય છે. શાખામાં શિશુ, બાલ, તરુણ, પ્રૌઢ ગટને સ્વતંત્ર મહત્ત્વ છે. ઘરમાં એક સભ્ય બીમાર પડે તો ઘરમાં બધા જ લોકોને તેની ચિંતા હોય છે. એ જ રીતે બીમાર સ્વયંસેવક માટે આખી શાખા ચિંતાતુર હોય છે. મંગળ પ્રસંગે જેમ આખું ઘર કામ કરે છે એવી રીતે શાખાના એકાદ સ્વયંસેવકને ત્યાં મોટો મંગળપ્રસંગ હોય ત્યારે શાખાના ઘણા સ્વયંસેવકો કામે લાગેલા જોવા મળે છે. બધાની પ્રામાણિકતા એ પરિવારનો આત્મા છે. સંઘશાખાનો આધાર જ સ્વયંસેવકોના પ્રામાણિકપણા પર અને પરસ્પર વિશ્વાસભાવ પર છે. સંઘશાખા એટલે વિસ્તારિત પરિવાર જ છે. શાખામાં થનારા સહજ આત્મીયતાપૂર્ણ વ્યવહારને કારણે જ સંઘ વધે છે.
જ્યારે ડૉક્ટરજીનું અસ્તિત્વ હતું ત્યારે જ એટલે ૧૯૪૦ સુધીમાં તો સંગઠનને અખિલ ભારતીય સ્વરૂપ થઈ ગયું હતું. ડૉક્ટરજીની આત્મીયતાનો અનુભવ સર્વત્ર થતો હતો. આપણે સંઘનું એટલે કોઈ બીજાનું કામ કરીએ છીએ એવી કોઈની માનસિકતા નહોતી. આપણા જ પરિવારનું કાર્ય આપણે કરી રહ્યા છીએ એવી ભાવના જ પૂ ડૉક્ટરજીએ સ્વયંસેવકોનાં હૃદયમાં ઉતારી હતી.
૧૯૪૦નાં નાગપુર તૃતીય વર્ષનાં દીક્ષાંત સમારંભમાં થએલું ઉદ્બોધન વખતે હિન્દુ સમાજની સંગઠનના સ્વરૂપની સ્પષ્ટતા તેઓનું શબ્દોમાં જ જોઈએ. તેમણે કહ્યું, મારો અને આપનો જરા પણ પરિચય ન હોવા છતાં એવી કઈ વાત છે કે જેને લીધે આપનાં અંતઃકરણો મારી તરફ અને મારું અંતઃકરણ આપના તરફ આકર્ષાય છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું તત્ત્વજ્ઞાન જ એવું પ્રભાવી છે, કે જે સ્વયંસેવકોનો પરસ્પર પરિચય નથી તેવા સ્વયંસેવકોને પણ જોતાંની સાથે જ એકબીજા તરફ પ્રેમ ઊમટે છે. ભાષાભિન્નતા અને આચારભિન્નતા હોવા છતાં પણ પંજાબ, બંગાળ, મદ્રાસ, મુંબઈ, સિંધના સ્વયંસેવકોનો પરસ્પર પર આટલો પ્રેમ કેમ? એક માત્ર કારણ એટલે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘટક છે. આપણા સંઘમાં પ્રત્યેક સ્વયંસેવક બીજા સ્વયંસેવક પર સગાભાઈ કરતાં પણ વધુ પ્રેમ કરે છે.
વર્ગમાં આશરે દોઢ હજાર સ્વયંસેવકો હતા. તે બધા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘટકો છે; એમ ડૉક્ટરજીએ કહ્યું. સભ્ય છે એમ ન કહ્યું. હું સંઘનો સભ્ય છું એમ કહેતાં હું અને સંઘ જુદાં હોવાનો ભાવ ઉત્પન્ન થાય છે. મારી ઇચ્છા છે ત્યાં સુધી સદસ્ય રહીશ. પરંતુ જ્યારે ઘટક છું એમ કહીએ એટલે હું સંઘ જ છું, તે પ્રસ્થાપિત થાય છે. નવજાત બાળક પણ જન્મતાંની સાથે જ પરિવારનું ઘટક થઈ જાય છે. તે બાળક એટલે આખું કુટુંબ જ હોય છે. મારો જન્મ હિન્દુ સમાજમાં થયો એટલે હું હિન્દુ સમાજનો ઘટક થયો. ઘટક થયો એમ કહ્યા પછી હિન્દુ સમાજનો આનંદ અને મારો આનંદ જુદો હોઈ જ ન શકે. આવો ઘટકભાવ વ્યક્તિ-વ્યક્તિમાં નિર્માણ કરવો એનો અર્થ જ હિન્દુ સંગઠન કરવું એવો છે.
"एक बड़ा परिवार हमारा, पुरखें सबके हिंदु है” ૧૯૪૦ના વર્ગના દીક્ષાંત ઉદ્બોધનમાં ડૉક્ટરજીએ આગ્રહપૂર્વક આ જ વાતનું પ્રતિપાદન કર્યુ છે. હિન્દુ સમાજનું અંતિમ કલ્યાણ આ સંગઠન દ્વારા જ થવાનું છે. બીજું કોઇ પણ કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કરવું નથી. સંઘ આગળ શું કરવાનો છે? એ પ્રશ્ન જ નિરર્થક છે. સંઘ આ જ સંગઠનનું કાર્ય અનેકગણા વેગથી વધારવાનો છે. આ માર્ગક્રમણ કરતાં કરતાં નિશ્ચિતપણે એક દિવસ એવો સોનાનો ઊગશે કે તે દિવસે આખું હિંદુસ્થાન સંઘમય થયેલું દેખાશે.
સંઘ વિચારધારા અને કાર્યપદ્ધતિ એ ડૉક્ટર હેડગેવારજીની આ કલ્પનાઓનું જ ઉત્તરોત્તર થતું ગએલું આવિષ્કરણ છે? એવું માન્યવર દત્તોપંત ઠેંગડી કહેતા. ૧૯૪૦ની ૧૫ જૂને ડૉક્ટરજીએ મા. યાદવરાવ જોશીને પાસે બેસાડીને પૂછ્યું. સંઘનો સર્વોચ્ચ અધિકારી દિવંગત થાય તો તેના અંતિમ સંસ્કાર લશ્કરી પદ્ધતિથી કરશો કે? પોતે જ સ્પષ્ટીકરણ કર્યું કે સંઘ જ એક મોટો પરિવાર જ છે. તે કોઈ લશ્કરી સંગઠન નથી. પરિવારજનો પરિવારના વડીલના જેવા અંત્યસંસ્કાર કરે છે તેવું સહજ અને પ્રચલિત રૂપ જ હોવું જોઈએ.
આસેતુ હિમાલય પ્રસરેલો વિરાટ હિન્દુસમાજ પરિવારભાવથી ઊભો રહેશે તો તે હિન્દુ સમાજ તરફ આડી નજરે જોવાની કોઈની હિંમત પણ થશે નહીં અને બધા જ સામાજિક પ્રશ્નો ઉકેલી શકાશે.
જરૂરિયાત ધ્યાનમાં લઈને નાગપુરમાં એક અનાથ વિદ્યાર્થીગૃહ ડૉક્ટરજીએ શરૂ કર્યું. આ વિદ્યાર્થીગૃહમાં અસ્પૃશ્યતા, જાતિભેદ વગેરેને જરા પણ સ્થાન નહોતું. આ વિદ્યાર્થીગૃહની મહાત્મા ગાંધી, સર શંકરનારાયણ, પંડિત મદનમોહન માલવીય, લાલા લાજપતરાય વગેરે મહાનુભાવોએ મુલાકાતો લીધી છે. (ભારત સરકાર પ્રકાશન, ડૉક્ટર હેડગેવાર). ડૉ. હેડગેવારને પણ; નાની વયે જ માતાપિતાનું અવસાન થયેલું હોવાથી એક અર્થમાં અનાથ જ કહી શકાય. પણ મોટા ભાઈ, ભાભી વગેરે મળીને પરિવાર હતો. અનાથ વિદ્યાર્થીગૃહ શરૂ કરતી વખતે તેમના સહજ ઉદ્ગારો નીકળ્યા, આખા સમાજને જ પરિવાર સ્વરૂપે પરિવર્તિત કરવાથી આવી સમસ્યાઓનો ઉકેલ સહજપણે આવી જશે. કોઇ પણ અનાથ કેમ રહેવું જોઈએ?
હિન્દુ યુવક પરિષદ માટે ડૉક્ટરજી પૂણે ગયા હતા. ડૉક્ટરજીને રથમાં બૈસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાની ધમાલ દરમિયાન પણ ડૉક્ટરજીને પોતાના રથ પાછળ એક અપંગ છોકરો લાકડીને આધારે ઉત્સાહપૂર્વક દોડતો દેખાયો. ચોકમાં રથ રોકાતાં જ તેમણે તે છોકરાને બોલાવ્યો અને ફૂલની જેમ હળવે હાથે ઊંચકીને પોતાની સાથે રથમાં બેસાડયો. પારકું કોઈ જ નહીં.
शिवरायांचे कैसे बोलणे ।
शिवरायांचे कैसे चालणे ।।
शिवरायांचे सलगी देणे ।
कैसे असे ।।
(શિવ છત્રપતિનું બોલવું, ચાલવું, કેવું હતું, સલાહ શિખામણ કેવાં હતાં,) એવી સમર્થ રામદાસની ઉક્તિનું અહીં સ્મરણ થાય છે.
સંઘ આગળ શું શું કરવાનો છે? એ પ્રશ્ન જ નિરર્થક છે. સંઘ આ સંગઠનનું જ કાર્ય આગળ પણ અનેકગણા વેગથી કરવાનો છે.
ગત સો વર્ષમાં સંઘને પરિવારભાવ ઉત્પન્ન કરવામાં સારો એવો યશ મળ્યો છે. કોઈ પણ પ્રાંત સ્વયંસેવકને પારકો લાગતો નથી. ભાષા આડી આવતી નથી, જ્ઞાતિજાતિ આડાં આવતાં નથી, કોઈ પ્રાંતમાં કોઈ આપત્તિ આવે તો આખા દેશમાંથી સહાયતાનો વેગવાન પ્રવાહ શરૂ થઈ જાય છે. સંઘનો સ્વયંસેવક જ્યાં હોય ત્યાં પરિવારભાવ નિર્માણ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. કેટલાક સ્વયંસેવકો સમાજના વિશિષ્ટ વર્ગોમાં કાર્ય કરે છે. ત્યાં પણ તેઓ પરિવારભાવ નિર્માણ કરવા માટે જ પ્રયત્ન કરે છે. દા.ત. કિસાન પરિવાર, શિક્ષણ પરિવાર, ઉદ્યોગ પરિવાર, ક્રીડા પરિવાર, કળા પરિવાર, સાહિત્ય પરિવાર વગેરે.
'હિન્દુ પરિવાર વિશ્વ પરિવારનું સૌથી નાનું એકમ છે. હિન્દુ પરિવાર એટલે માત્ર પતિપત્ની અને તેમનાં શારીરિક સંબંધોને કારણે ઉત્પન્ન થએલાં સંતાન એટલી જ કલ્પના નથી. હિન્દુ પરિવારમાં માતાપિતાની સાથે સાથે દાદા, દાદીમા, કાકા-કાકી, મામા-મામી, ફોઈ-માસી વગેરે સંબંધો નિર્માણ થાય છે. હિન્દુ પરિવારમાં ચંદ્ર મામા છે, બિલ્લી માસી છે. કાગડો મહેમાન છે. હિન્દુ પરિવારમાં વાછરડાની પૂજા, ગાયની પૂજા, બળદની પૂજા, વડની પૂજા થાય છે. સંપૂર્ણ માનવત્વના કલ્યાણની પ્રાર્થના
"सर्वे भवन्तु सुखिनः
सर्वे संतु निरामया ।
सर्वे भद्राणि पश्यन्तु
मा कश्चित दुःख माप्नुयात् ।।"
હિન્દુ પરિવારમાં જ બોલાય છે. એટલે આ કલ્પના પ્રસ્થાપિત કરવી હશે તો હિન્દુ સમાજે જ અગ્રેસર બનવું પડશે. ભારતની બહાર ૬૦ દેશોમાં હિન્દુ સંગઠનનું કાર્ય ચાલુ છે. હિન્દુ પરિવારનો પરિઘ જેટલો કરવો હોય એટલો મોટો થઈ શકે છે.
वसुंधरा हे कुटुंब अवघे,
भारतभूचे विशाल चिंतन ।
हिंदू जीवनदर्शन साऱ्या,
मानवतेला करील पावन ।।
વસુંધરા પરિવાર સકલ છે, એ ભારતનું વિશાળ ચિંતન. હિન્દુ જીવનદર્શન આખી માનવતાને કરશે પાવન..
***
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
અનુવાદ - જ્યોતિ ભાંડારી
સમાપ્ત...