લોકતંત્ર એ એક શાસનતંત્રનું નામ છે. જુઓને આ Peoples Republic of China - 'લોકતાંત્રિક ચીન' ! કેવી 'જૉક' (મજાક)! આવું ચીન પણ પાકિસ્તાનમાં 'ટૂંપતંત્ર' (ટુંપશાહી) જોઈને ચકરાવે ચડ્યું છે. ભારત સૌથી વજનદાર લોકતંત્ર છે, જનસંખ્યાની દૃષ્ટિએ પ્રથમ ક્રમે છે, પણ તેના ઉપરનાં કલંક વરવાં, બિહામણાં અને ચિંતા ઉપજાવે તેવાં છે. જો કે સિદ્ધો કહી ગયા છે કે, ચિંતા ક્યારેય કરી નહીં! ચિંતન ક્યારેય છોડો નહીં!
કોંગ્રેસની ઈન્દિરા સરકારે મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોંબ ફેંકેલા. સત્તા કેટલી હદે બહેકાવી દે છે, એનો આ વરવો નમૂનો છે. એ સરમુખત્યારની વર્તમાન પેઢીની વારસાગત નેતાગીરીની; કોર્ટોએ અનેકવાર ઉધડો લીધા પછી પણ સાન ઠેકાણે આવી નથી. દિવસે દિવસે કેસ બગડતો જ રહ્યો છે. વડાપ્રધાનનાં સ્વર્ગસ્થ માતુશ્રીને જાહેર મંચ પરથી ગાળો કાઢનાર ધરાર અસભ્યતા આચરનાર વિપક્ષ હવે ભારતભૂમિ માટે ભારરૂપ છે.
વિપક્ષને એમ છે કે, એક પણ રચનાત્મક કાર્ય કરવાની ક્યાં જરૂર જ છે, માત્ર ખોટા આરોપો, અપમાનો, ગાળાગાળી, રાષ્ટ્રવિરોધી ભ્રમણાઓ, નર્યા જૂઠાણાં ઉભાં કરી, તેનો આધાર લઈને અરાજકતા ફેલાવીને, ધિક્કારનું વાતાવરણ ઊભું કરીને સત્તાસ્થાને ચઢી જઈશું. આવાં તત્વોએ એ જાણવાની જરૂર છે કે, પેલી ઈંદિરાજી વખતની ઈસુની વીસમી સદી વીતી ગઈ છે. આ યુગાબ્દની બાવનમી શતાબ્દી; રાષ્ટ્રીયતાની ચાલી રહી છે. સમાજને ઠાલાં વચનો આપી, ફોસલાવી-પટાવીને, જાતિ-ભાષા-પ્રાંત-પંથ-નદીઓનાં નીર અને નકસલવાદ જેવા દેશને તોડી રહેલા મુદ્દાઓ પર જન-જનને ભડકાવીને, લઘુમતી સમાજનું તુષ્ટિકરણ કરીને, ઉશ્કેરાટ ફેલાવીને મતો બટોરી લેવાનું કાર્ય હવે અશક્ય છે, કારણ કે હવે આ ભાગલાવાદી ચાલ સૌની સમજમાં આવી રહી છે.
મતદાર યાદીમાંથી ઘુસપેઠી રોહિંગ્યા/બાંગ્લાદેશીઓનાં નામોને હટાવવાની અને તેમનો દેશનિકાલ કરવાની કાર્યવાહી વિરુદ્ધ ગ્લિસરીનનાં બનાવટી આંસુ સારનારાઓને રોકકળ કરતા જોઈએ ત્યારે લાગે કે, આવા લોકોનું આવી છેલ્લી પાયરીનું પતન! મતોની લાલચમાં કેવાં કેવાં નાટક-નોટંકી? પોતાના દેશનું અહિત કરવાથી જો મતો મળતા હોય (સત્તા મળતી હોય) તો તે માટે આવા લેભાગુઓ ભેગાં થઈને બેફામ બેશરમ થઈ મચી પડતાં હોય છે.
આવા ડહોળાયેલા વાતાવરણમાં રા. સ્વ. સંઘની શતાબ્દીએ પંચ પરિવર્તનનો એક રાષ્ટ્રીય સંકલ્પસંદેશ સમાજવ્યાપી બની રહ્યો છે, આની આડઅસરમાં આવીને હમણાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ વિધાનસભામાં રા. સ્વ. સંઘમાં નિત્ય થતી પ્રાર્થનાનો પહેલો સંસ્કૃત શ્લોક ખૂબ જ સાચા ઉચ્ચારણો સાથે ઉચ્ચાર્યો...
नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम् ।
महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतत्वेष कायो नमस्ते नमस्ते ॥
અર્થઃ હે વાત્સલ્યદાયી, હે માતૃભૂમિ, તને સદા નમન. હે હિન્દુભૂમિ (હિન્દુસ્થાન), તારા વડે હું સુખમાં ઉછેરાયો છું. હે મહામંગલકારી, હે પુણ્યભૂમિ, તારા કાજે આ શરીર પડો (બલિદાન થાઓ). તને સદા નમન.
ઉપરોક્ત પ્રાર્થના થકી રાષ્ટ્રની સેવામાં રત પ્રત્યેક રાષ્ટ્રભક્ત સ્વયંસેવક સંપૂર્ણ સમર્પિત થઈ માતૃભૂમિ માટે ખપી જવાનો પોતાનો દૃઢ સંકલ્પ નિત્ય દોહરાવે છે. આ પ્રાર્થના વાસ્તવમાં પ્રત્યેક ભારતીયની છે. શ્રીરામે લક્ષ્મણજીને માતૃભૂમિનું મહત્વ સમજાવતાં કહ્યું હતું કે- મૂમિ યલી. લક્ષાવધિ વીરોએ માતૃભૂમિ માટે આપેલાં બલિદાનોથી આપણું અસ્તિત્વ-સ્વાતંત્ર્ય-ગુરુત્વ સચવાયું છે. માતૃભૂમિનું, તેની પ્રાર્થનાનું આ મહત્વ છે, છતાં કર્ણાટકની વિધાનસભામાં માતૃભૂમિને સમર્પિત થવાની સંઘની પ્રાર્થના બોલનાર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારનું હમણાં આવી જ બન્યું. એમનો જ પક્ષ એમના પર તૂટી પડ્યો, અંતે એમણે માફી માંગવી પડી. આ લોકોએ લોકતંત્રને શું મજાક બનાવી છે? શું ખોટું કર્યું હતું એમણે? આખી કોંગ્રેસને શું (કેમ) વાંધો પડ્યો? કોંગ્રેસની કઈ નીતિગત બાબત પ્રભાવિત થઈ? શું તેના કાર્યકર્તા-પદાધિકારીઓ માતૃભૂમિ માટે સમર્પિત થવાની વિરુદ્ધમાં છે? તેઓ રાષ્ટ્રભક્તિની વિરુદ્ધમાં છે? શું તેઓ માતૃભૂમિનું ભલું ઈચ્છતા નથી?