ભારતીય વિચારધારાના ૧૦૦ વર્ષ: વામપંથનો અસ્ત અને RSSનો ઉદય

    ૦૧-જાન્યુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |



વીસમી સદીના પ્રારંભે ભારત માત્ર અંગ્રેજો સામે જ નહીં, પણ પોતાની ઓળખ માટે પણ લડતું હતું. વિદેશી વિચારોમાં અટવાયેલો વામપંથ ભારતને માત્ર શોષિત અને શોષકના ભેદમાં જોતો રહ્યો, જ્યારે સંઘે ભારતને એક જીવંત સાંસ્કૃતિક તત્ત્વ તરીકે ઓળખ્યું. આજે એક સદીના અંતે, જનતાનો ચુકાદો સ્પષ્ટ છે: આસ્થાનો વિજય થયો છે અને આયાતી વિચારો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.

વીસમી સદીની શરૂઆતમાં ભારત જ્યારે સ્વાધીનતાની લડાઈ લડી રહ્યું હતું, ત્યારે તેની અંદર એક વૈચારિક મંથન પણ ચાલી રહ્યું હતું. પ્રશ્ન એ હતો કે સ્વાધીનતા પછીનું ભારત કેવું હશે? આ સંઘર્ષના બે મુખ્ય ધ્રુવ હતા: એક તરફ પશ્ચિમ અને રશિયાથી આયાત થયેલી 'વામપંથી' (Leftist) વિચારધારા અને બીજી તરફ ભારતની સાંસ્કૃતિક જડોને વરેલી 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' (RSS)ની વિચારધારા. આજે એક સદી બાદ જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ, ત્યારે સ્પષ્ટ જણાય છે કે વામપંથ હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે અને સંઘ સમાજના દરેક વર્ગ સુધી પહોંચી ચૂક્યો છે.

આયાતિત વિચારધારા વિરુદ્ધ સાંસ્કૃતિક ગૌરવ

વામપંથની સૌથી મોટી મર્યાદા એ રહી કે તેની મૂળ વિચારધારા યુરોપની ફેક્ટરીઓ અને મજૂર સંઘર્ષોમાંથી જન્મી હતી. ભારતીય વામપંથીઓએ ભારતને ક્યારેય તેની આસ્થા અને પરંપરાના દ્રષ્ટિકોણથી જોયું જ નહીં. કાર્લ માર્ક્સના 'ધર્મ એ અફીણ છે' તે સૂત્રને વળગી રહીને વામપંથ આ દેશના તહેવારો, મંદિરો અને આસ્થાને શંકાની નજરે જોતો રહ્યો. જ્યારે કરોડો લોકોની આસ્થાને જ 'પછાતપણું' કહેવામાં આવે, ત્યારે તે વિચારધારા લાંબો સમય ટકી શકતી નથી. તેનાથી વિપરીત, ૧૯૨૫માં ડૉ. હેડગેવારે જ્યારે સંઘની સ્થાપના કરી, ત્યારે તેમણે રાષ્ટ્રને માત્ર જમીનનો ટુકડો નહીં પણ એક જીવંત સાંસ્કૃતિક તત્ત્વ ગણાવ્યું. સંઘે પરંપરાને બોજ નહીં પણ શક્તિ માનીને સમાજને જોડવાનું કામ કર્યું.

સત્તા કેન્દ્રિત રાજનીતિ વિરુદ્ધ સેવા કાર્ય

વામપંથનું સમગ્ર ધ્યાન હંમેશા સત્તા અને સિસ્ટમ પર કબજો કરવા પર રહ્યું. બંગાળ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં દાયકાઓ સુધી શાસન કરવા છતાં, તેઓ કોઈ નમૂનારૂપ વિકાસ મોડેલ રજૂ કરી શક્યા નહીં. પરિણામે, સત્તા ગુમાવતા જ તેમનો જનાધાર વેરવિખેર થઈ ગયો. બીજી તરફ, સંઘે સત્તાને ક્યારેય અંતિમ લક્ષ્ય માન્યું નથી. સંઘે 'શાખા', 'પ્રચારક' અને 'સેવા'ના માધ્યમથી ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું. આજે સેવા ભારતી અને વનવાસી કલ્યાણ આશ્રમ જેવા સંગઠનો દ્વારા લાખો ગરીબ બાળકો અને આદિવાસીઓ સુધી શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવા પહોંચી રહી છે. સંઘે સાબિત કર્યું કે સમાજ પરિવર્તન ઉપદેશ આપવાથી નહીં, પણ સમાજની વચ્ચે રહીને કામ કરવાથી આવે છે.

બૌદ્ધિક પરાજય અને નવો વિમર્શ

એક સમય એવો હતો જ્યારે યુનિવર્સિટીઓ અને મીડિયામાં વામપંથી વિચારધારાનું વર્ચસ્વ હતું. પરંતુ સમયની સાથે તેમનો તર્ક નબળો પડતો ગયો. તેઓ અટવાયેલા ઇતિહાસ અને નકારાત્મક વિશ્લેષણમાં વ્યસ્ત રહ્યા, જ્યારે સંઘના વિચારકોએ ભારતનો વાસ્તવિક ઇતિહાસ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો સકારાત્મક વિકલ્પ રજૂ કર્યો. 'અખંડ ભારત' અને 'વિશ્વગુરુ' જેવા વિચારો આજે યુવાનોને વધુ આકર્ષી રહ્યા છે.

અને છેલ્લે…

આજે વામપંથ માત્ર કેરળ કે અમુક શૈક્ષણિક સંકુલો પૂરતો સીમિત થઈ ગયો છે, કારણ કે તેણે પોતાની મૂળ જમીન સાથેનો સંપર્ક ગુમાવી દીધો છે. તેની સામે RSS આજે એક એવું વટવૃક્ષ બન્યું છે જેની શાખાઓ શિક્ષણ, શ્રમ, વિજ્ઞાન અને સેવા જેવા દરેક ક્ષેત્રમાં ફેલાયેલી છે. આ વૈચારિક યુદ્ધમાં ભારતની સંસ્કૃતિ અને ભારતીયતાનો વિજય એ સાબિત કરે છે કે આ દેશની માટી આયાતી વિચારોને નહીં, પણ પોતાના મૂળભૂત સંસ્કારોને જ સ્વીકારે છે.


ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...