લદ્દાખમાં 'લવ જિહાદ'નું ગ્રહણ: શું બૌદ્ધ દીકરીઓને નિશાન બનાવીને આખી સંસ્કૃતિને ખતમ કરવાનું ષડયંત્ર છે?

16 Jan 2026 15:57:09

Love Jihad Threat in Ladakh
 
 
લદ્દાખનું નામ સાંભળતા જ નજર સામે હિમાલયની ગિરિમાળાઓ, શાંત વાતાવરણ, રોમાંચક બાઇક રાઈડ, પ્રવાસન અને ભવ્ય બૌદ્ધ મઠો તરવરી ઉઠે છે. મઠોમાં ગુંજતા પવિત્ર મંત્રોના જાપ અને ધ્યાન (મેડિટેશન) અહીંની ઓળખ છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ શાંત પહાડોની વચ્ચે એક એવો ગભરાટ ફેલાયો છે જેણે સ્થાનિક બૌદ્ધ સમુદાયની ઊંઘ હરામ કરી દીધી છે. આ ગભરાટનું નામ છે 'લવ જિહાદ'. સામાન્ય રીતે જ્યારે પણ આ શબ્દ પ્રયોજાય ત્યારે તેને રાજનીતિના ચશ્માથી જોવામાં આવે છે, પરંતુ લદ્દાખના કિસ્સામાં આ માત્ર એક રાજકીય શબ્દ નથી, પણ આખા સમુદાયના અસ્તિત્વ પર મંડરાતો ખતરો છે. લદ્દાખના બૌદ્ધોને આજે ભય છે કે જો તેમની દીકરીઓને આ રીતે 'લવ જિહાદ'નું નિશાન બનાવવાનું ચાલુ રહેશે, તો આગામી થોડા દાયકાઓમાં આ પવિત્ર ધરતી પરથી બૌદ્ધ સંસ્કૃતિ વિલુપ્ત થઈ જશે. આ કોઈ મજાક નથી, પણ અત્યંત જવાબદારીપૂર્વક કહેલી વાત છે, જેની પાછળ છેલ્લા થોડા વર્ષોમાં ઘટેલી સત્ય ઘટનાઓ અને લવ જિહાદના કિસ્સાઓ જવાબદાર છે.
 
લદ્દાખ અને લવ જિહાદના જોડાણના મૂળમાં જઈએ તો ૨૦૧૭ની એ ઘટના યાદ આવે છે જેણે આખું લદ્દાખ રસ્તા પર લાવી દીધું હતું. લેહની શિક્ષિત બૌદ્ધ યુવતી સ્તાંઝિન સેલ્ડોને (Stanzin Seldon) જ્યારે મુસ્લિમ યુવક મુર્તઝા અગા સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કર્યું, ત્યારે આખો પ્રદેશ સ્તબ્ધ થઈ ગયો હતો. લદ્દાખ બુદ્ધિસ્ટ એસોસિએશને (LBA) ત્યારે અત્યંત આક્રોશ સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ માત્ર બે વ્યક્તિના પ્રેમનો વિષય નહોતો, પરંતુ બૌદ્ધો વિરુદ્ધનું એક સુઆયોજિત ષડયંત્ર હતું. આ ઘટના બાદ મહિનાઓ સુધી લદ્દાખમાં તણાવ રહ્યો અને પહેલીવાર લોકોએ પોતાનું અસ્તિત્વ બચાવવા રસ્તા પર ઉતરીને નારા લગાવ્યા હતા. ત્યારબાદ ૨૦૨૦ અને ૨૦૨૧માં પણ લેહમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા, જેમાં યુવતીઓને લલચાવી-ફોસલાવીને કે પોતાની સાચી ઓળખ છુપાવીને ફસાવવામાં આવી હતી.
 
તાજેતરમાં, ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ઝંસ્કાર બુદ્ધિસ્ટ એસોસિએશન (Zanskar Buddhist Association) દ્વારા વહીવટીતંત્રને લખાયેલો પત્ર આ ચિંતાને ફરી ચર્ચામાં લાવ્યો છે. ઝંસ્કારની યુવતી સ્તાંઝિન યાંગડોલ (Stanzin Yangdol) છેલ્લા ઘણા દિવસોથી ગુમ છે. તેના પરિવારે તેને શોધવા આકાશ-પાતાળ એક કરી દીધા, છતાં કોઈ ભાળ મળી નથી. એસોસિએશનનો સ્પષ્ટ આરોપ છે કે આ યુવતીનું અપહરણ કરી તેને કોઈ અજ્ઞાત સ્થળે ગોંધી રાખવામાં આવી છે. પત્રમાં ભારપૂર્વક કહેવાયું છે કે યુવતીનું બ્રેઈનવોશ કરી, ખોટી માહિતી આપી તેને ગેરમાર્ગે દોરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાક્રમ બૌદ્ધો વિરુદ્ધ લવ જિહાદના એક મોટા ષડયંત્ર તરફ આંગળી ચીંધે છે.
 
 
 

pic.twitter.com/JZqNgYVHEn

— Manu Khajuria (@KhajuriaManu) January 15, 2026 ">

 
 
અહીં નોંધપાત્ર બાબત એ છે કે આવા કિસ્સાઓમાં હંમેશા બૌદ્ધ યુવતીનું જ ધર્માંતરણ કરાવવામાં આવે છે, જ્યારે મુસ્લિમ યુવક ક્યારેય પોતાનો ધર્મ બદલતો નથી. આ એકતરફી ધર્માંતરણ જ અનેક શંકાઓ જન્માવે છે. શું આ ખરેખર પ્રેમ છે કે પછી સંખ્યાબળ વધારવાની કોઈ મેલી રમત? બૌદ્ધ સંગઠનોનું માનવું છે કે આ બધું ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવે છે; પહેલા યુવતીઓને ફસાવવામાં આવે છે, ત્યારબાદ તેમનું મનોવૈજ્ઞાનિક રીતે બ્રેઈનવોશ કરી અંતે તેમને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પાડવામાં આવે છે.
 
આ સ્થિતિને કારણે શાંતિપ્રિય બૌદ્ધ સમાજમાં ભારે રોષ છે. તેમનું કહેવું છે કે તેઓ ભાઈચારામાં માને છે, પણ તેનો અર્થ એ નથી કે તેઓ પોતાની દીકરીઓને લવ જિહાદના ષડયંત્રમાં હોમી દે. આ મામલે મુસ્લિમ સમુદાયના નેતાઓને પણ વારંવાર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના યુવાનોને સમજાવે અને આવા અનૈતિક કામો રોકે. જો આ પ્રવૃત્તિઓ નહીં અટકે તો લદ્દાખમાં વર્ષોથી ચાલી આવતી કોમી એકતા કાયમ માટે જોખમાઈ શકે છે. સામાજિક સૌહાર્દ જાળવવાની જવાબદારી બંને પક્ષની છે, પણ અત્યારે બૌદ્ધોને લાગે છે કે આ જવાબદારી માત્ર તેમના જ ખભે છે.
 
લદ્દાખની ભૌગોલિક અને વસ્તીવિષયક સ્થિતિ પણ આમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એક સરહદી વિસ્તાર અને અલ્પ વસ્તી ધરાવતા આ પ્રદેશમાં જ્યારે દીકરીઓ પરજ્ઞાતિમાં જાય છે ત્યારે આખા સમુદાયનું સંતુલન બગડે છે. આથી જ હવે લદ્દાખમાં કડક 'એન્ટી-કન્વર્ઝન' એટલે કે ધર્માંતરણ વિરોધી કાયદાની માંગ પ્રબળ બની છે. બૌદ્ધ સંસ્થાઓની ઈચ્છા છે કે ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોની જેમ લદ્દાખમાં પણ એવો કાયદો હોય જે છેતરપિંડી કે બળજબરીથી થતા ધર્માંતરણને રોકી શકે અને આરોપીઓ સામે કડક એફઆઈઆર (FIR) નોંધી ન્યાયિક તપાસ હાથ ધરાય.
 
અંતે, આ લડાઈ માત્ર ધર્મની નથી, પણ સંસ્કૃતિ અને ઓળખની છે. કયો સમાજ પોતાની દીકરીઓને છેતરાઈને દૂર થતી જોઈ શકે? જ્યારે કોઈ બૌદ્ધ યુવતી ગાયબ થાય છે કે તેનું ધર્માંતરણ થાય છે, ત્યારે માત્ર એક પરિવાર નથી તૂટતો, પણ આખો બૌદ્ધ સમાજ નબળો પડે છે. લદ્દાખના લોકો હવે જાગૃત થયા છે અને પોતાની આવનારી પેઢીને બચાવવા કોઈ પણ હદે જવા તૈયાર છે. વહીવટીતંત્રે આ બાબતને ગંભીરતાથી લેવી જ પડશે, કારણ કે આ માત્ર સામાજિક દૂષણ નથી, પણ આખા પ્રદેશની સુરક્ષા અને શાંતિ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. જો આજે આ લવ જિહાદના કિસ્સાઓ પર લગામ નહીં ખેંચાય, તો ભવિષ્યમાં લદ્દાખના બૌદ્ધો લઘુમતી બની જશે અને તેમની હજારો વર્ષ જૂની ભવ્ય પરંપરાઓનો સૂરજ હંમેશા માટે આથમી જશે.
 
Powered By Sangraha 9.0