સંઘ શતાબ્દી વર્ષ । RSS @100: ભારતને સશક્ત બનાવવા માટેનો ૨૫ વર્ષનો રોડમેપ – 'પંચ પરિવર્તન'

17 Jan 2026 15:56:34

panch parivartan
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે તેના સ્થાપનાકાળનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આ અવસર માત્ર એક સંગઠનની શતાબ્દી નથી, પરંતુ સંસ્કાર, સેવા અને સંગઠન દ્વારા સમાજ નિર્માણની એક સદી લાંબી અવિરત યાત્રાનો પડઘો છે. એક સદી સુધી શાખાના માધ્યમથી પાયાના સ્તરે વ્યક્તિ નિર્માણનું કાર્ય કર્યા પછી, સંઘ હવે એક એવા પડાવ પર ઊભો છે જ્યાં ચર્ચા માત્ર સંગઠનના વિસ્તારની નથી, પરંતુ સમગ્ર સમાજના સર્વાંગી ઉત્થાન અને રાષ્ટ્રીય પુનરુત્થાનની છે. વ્યક્તિથી પરિવાર અને પરિવારથી રાષ્ટ્ર નિર્માણની આ દ્રષ્ટિ સાથે સંઘે આગામી ૨૫ વર્ષ માટે 'પંચ પરિવર્તન'નો એક સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો છે. આ પંચ પરિવર્તન એ સમાજના આચરણમાં મૂળભૂત ફેરફાર લાવનારી એક સામાજિક પહેલ છે, જેમાં માત્ર નીતિઓની વાતો નથી પણ નાગરિકની ભૂમિકા નક્કી કરવામાં આવી છે અને દરેક ઘર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
 
 
૧. કુંટુંબ પ્રબોધન
 
 
પંચ પરિવર્તનમાં પ્રથમ અને પાયાનું પાસું 'કુટુંબ પરિવર્તન' છે, કારણ કે સંઘ માને છે કે પરિવાર એ જ સમાજની પ્રથમ પાઠશાળા છે. કુટુંબ પરિવર્તનનો અર્થ પરિવારો વચ્ચે આત્મીય સંવાદ વધારવો, વડીલો પ્રત્યે સન્માન જાળવવું અને બાળકોમાં સંસ્કાર, શિસ્ત તથા કર્તવ્યબોધનું સિંચન કરવું એવો થાય છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે ભૌતિક સગવડો વધી રહી છે, ત્યારે પારિવારિક જોડાણ જાળવી રાખવું અત્યંત અનિવાર્ય છે. સંઘનો દ્રઢ વિશ્વાસ છે કે જો પરિવાર મજબૂત હશે, તો સમાજ આપોઆપ મજબૂત અને ગતિશીલ બનશે.
 
 
૨. સામાજિક સમરતા
 
 
બીજું મહત્વનું અંગ 'સામાજિક સમરસતા' છે, જેને સામાજિક સદભાવ તરીકે પણ ઓળખી શકાય છે. સંઘનો સ્પષ્ટ મત છે કે જ્ઞાતિ, પંથ, ભાષા કે પ્રદેશના આધારે થતા ભેદભાવો ભારતની શક્તિને નબળી પાડે છે. સામાજિક સમરસતાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વ્યક્તિને સમાન સન્માન મળે, અસ્પૃશ્યતા અને ભેદભાવનો કાયમી અંત આવે તથા 'સબકા સાથ, સબકા સન્માન'ની ભાવના જાગ્રત થાય તે છે. સામાજિક એકતા અને રાષ્ટ્રીય એકાત્મકતા એ માત્ર એક નારો નથી, પરંતુ તેને વ્યવહારમાં ઉતારવા જેવો વિચાર છે જેના થકી રાષ્ટ્રની આંતરિક એકતા અખંડ રહી શકે છે.
 
 
૩. પર્યાવરણ સંરક્ષણ
 
 
ત્રીજું પરિવર્તન 'પર્યાવરણ પરિવર્તન' છે, જે પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીની યાદ અપાવે છે. ભારતીય પરંપરામાં પ્રકૃતિનું શોષણ નહીં પણ સંરક્ષણ એ મૂળભૂત વિચાર છે. પર્યાવરણ પરિવર્તનનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણ, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો, ઉર્જાની બચત અને પર્યાવરણ પ્રત્યે વ્યક્તિગત જવાબદારી કેળવવાનો છે. સંઘનો દ્રષ્ટિકોણ છે કે આ ધરતી માત્ર આપણી નથી, પરંતુ તે આવનારી પેઢીઓની ધરોહર છે અને તેને સુરક્ષિત રાખવી એ આપણું અનિવાર્ય કર્તવ્ય છે.
 
૪. નાગરિક કર્તવ્ય
 
 
ચોથું પરિવર્તન 'નાગરિક અનુશાસન' છે, જેને કર્તવ્ય આધારિત લોકતંત્ર કહી શકાય. સંઘ વારંવાર એ વાત પર ભાર મૂકે છે કે અધિકારોની સાથે કર્તવ્યોનું પાલન પણ અત્યંત જરૂરી છે. નાગરિક અનુશાસનનો અર્થ છે કાયદાનું સન્માન, જાહેર સંપત્તિની રક્ષા, ટ્રાફિકના નિયમોનું પાલન, સ્વચ્છતા અને લોકશાહી પ્રક્રિયાઓમાં સક્રિય ભાગીદારી. જાગૃત અને અનુશાસિત નાગરિકો જ મજબૂત લોકશાહીનો સાચો આધાર હોય છે.
 
 
૫. સ્વબોધ
 
 
પાંચમું અને અંતિમ અંગ 'સ્વદેશી જીવનશૈલી' છે, જે સંઘની દ્રષ્ટિએ માત્ર આર્થિક જ નહીં પણ સાંસ્કૃતિક વિચાર છે. સ્વદેશી જીવનશૈલીનો અર્થ સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી, ભારતીય પરંપરાઓ પર ગૌરવ લેવું અને સાદગીપૂર્ણ તથા આત્મનિર્ભર જીવન જીવવું એવો થાય છે. આ વિચારધારા માત્ર ભૌતિક ઉપભોગ પર નહીં પણ જરૂરિયાત આધારિત વિચાર પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતની માનસિક અને સાંસ્કૃતિક નીવ નાખવા માટે સ્વદેશી આચરણ અનિવાર્ય છે.
 
અને છેલ્લે…
 
આ પંચ પરિવર્તનનો મુખ્ય લક્ષ્ય વ્યક્તિમાં જવાબદારીનો ભાવ જગાડવો, પરિવારમાં સંસ્કારનું સિંચન કરવું, સમાજમાં સમરસતા સ્થાપીને રાષ્ટ્રમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો અને ભારતને વિશ્વગુરુની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે. જો આપણે આપણી જવાબદારી સમજીશું, તો સમાજ સરકાર પર નિર્ભર નહીં રહે અને નાગરિકો સમસ્યાનો ભાગ બનવાને બદલે સમાધાનનો ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંઘના આ પંચ પરિવર્તનના સંકલ્પોની પ્રશંસા કરી છે. આ કોઈ સરકારી યોજના કે કાયદો નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટે દરેક પરિવાર અને સમાજને કરવામાં આવેલું એક આહ્વાન છે. રાષ્ટ્ર નિર્માણ સંસદથી નહીં પણ સંસ્કારથી શરૂ થાય છે; ઘરના આંગણેથી શરૂ થાય છે; જ્યારે વ્યક્તિ બદલાશે તેનું ઘડતર થશે ત્યારે પરિવાર, સમાજ અને અંતે રાષ્ટ્ર આપોઆપ સશક્ત બનશે.
Powered By Sangraha 9.0