યુવાનોની જિજ્ઞાસા અને મોહનજી ભાગવત: કરિયરથી લઈને રાષ્ટ્રવાદ સુધીના દરેક પ્રશ્નનું સચોટ સમાધાન
19 Jan 2026 15:32:52
સંઘના ૧૦૦ વર્ષ અને ભારતનું ભવિષ્ય
સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર તમે ભારતને કયા સ્થાન પર જોવા માંગો છો અને તેમાં સંઘની ભૂમિકા શું હશે?
એક તરફ દેખાય છે કે ભારત આગળ વધી રહ્યું છે. વિશેષ કરીને ભારતની યુવા પેઢીમાં એ વાત જાગી છે કે આપણે આપણા દેશને મોટો બનાવવો છે. વિશ્વની સ્થિતિઓ દેશોને મજબૂર કરી રહી છે કે તેઓ ભારત પાસેથી કંઈક શીખે. પરંતુ આ માટે સ્વયં પરમ વૈભવ સંપન્ન અને બલ સંપન્ન બનવું પડશે, કારણ કે વિશ્વ શક્તિનું સાંભળે છે. જે દેશની વાત સત્ય છે પરંતુ જો તે દુર્બળ છે, તો તેને કોઈ સાંભળતું નથી.
સંઘની ભૂમિકા હંમેશા એ જ રહી છે કે સંપૂર્ણ સમાજની સંગઠિત શક્તિના આધારે પોતાના ધર્મનું સંરક્ષણ કરી, આપણે આપણા દેશને પરમ વૈભવ સંપન્ન બનાવીએ. જ્યારે ભારત મોટું બને છે ત્યારે વિશ્વને નવો રસ્તો બતાવે જ છે. નેતા, નારા, નીતિ, પાર્ટી, વિચાર કે સરકાર - આ બધું ત્યારે જ સહાયક બને છે જ્યારે જાગૃત અને ગુણસંપન્ન સમાજ હોય. સમાજમાં સદાચાર અને સદવિચારનું વાતાવરણ ઊભું કરવું અને વ્યક્તિ નિર્માણ પર કેન્દ્રિત થઈ કામ કરવું એ જ સંઘની ભૂમિકા રહી છે.
સુરક્ષા, સુવિધા અને કારકિર્દીનો ભ્રમ
આજનો શિક્ષિત યુવા રાષ્ટ્રને પ્રથમ તો માને છે, પરંતુ કરિયર, સુવિધા અને વ્યક્તિગત સુરક્ષાના દબાણમાં તેનું નૈતિક સાહસ નબળું પડે છે. આવા સમયે કયા સંસ્કાર કેળવવા?
વ્યક્તિગત સુરક્ષાની ગેરેંટી કોની પાસે છે? સુરક્ષા તો એક 'મૃગતૃષ્ણા' છે. સુરક્ષાની ચિંતામાં પશુ જેવું જીવન જીવવા કરતા સારું છે કે સુરક્ષાની ચિંતા કર્યા વગર મનુષ્ય જેવું જીવન જીવવું. મનુષ્ય એ છે જે રિસ્ક લે છે અને રિસ્ક લીધા વગર ઉન્નતિ સંભવ નથી. આપણી પરંપરા કહે છે કે શરીર નશ્વર છે પણ જીવ અમર છે. ગીતામાં ભગવાન કૃષ્ણે અર્જુનને આ જ કહ્યું હતું. આટલો શ્રેષ્ઠ વિચાર હોવા છતાં સુરક્ષાની ચિંતા કરવી એ મોટી વિસંગતતા છે. જો સરહદ પર લડતો સૈનિક સુરક્ષાની ચિંતા કરે તો દેશની રક્ષા કેવી રીતે થશે?
રહી વાત કરિયરની, તો દુનિયામાં સક્સેસફુલ લોકોની સંખ્યા ઓછી છે અને ફેલ્યુઅર્સની બહુમતી છે. કરિયર એટલે વધુ પૈસા કમાવા કે ઊંચા પદ પર પહોંચવું એ નથી, કરિયર એટલે તમે જે પણ કરો તે 'ઉત્કૃષ્ટ' કરો. જો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદે પોતાના કરિયરની ચિંતા કરી હોત તો શું આપણે સ્વતંત્ર હોત? ગુલામ લોકોનું કોઈ કરિયર હોતું નથી. સુવિધાથી સુખ મળે છે એ વાત પણ ભ્રમ છે. અસલી જીવન સાર્થક જીવન છે.
સંઘર્ષ અને હિન્દુ ભાવ
પડોશી દેશોમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના સમયે દેશના યુવાનોની ભૂમિકા શું હોવી જોઈએ?
આપણે તેમની મદદ કરી શકીએ એ ભાવ હોવો જોઇએ. ત્યાં હિન્દુ માઈનોરિટીમાં છે એટલે આ સ્થિતિ થઈ છે. ૧૯૪૭માં પાકિસ્તાન પણ એટલે બન્યું કારણ કે ત્યાં હિન્દુ લઘુમતીમાં આવી ગયો. જ્યારે હિન્દુ ભાવ ઓછો થાય છે ત્યારે આફત આવે છે. હિન્દુ જનસંખ્યા અને હિન્દુ ભાવ સતત વધતો રહે અને સમાજનો આત્મવિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. આપણી દુશ્મની કોઈની સાથે નથી, પણ દુરાચાર સહન કરવો એ પણ યોગ્ય નથી. જો બીજો કોઈ ઉપાય ન હોય તો દુષ્પ્રવૃત્તિઓને નષ્ટ કરવી જ ઈલાજ છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સંસ્કાર
AI જેવી આધુનિક ટેકનિકના પ્રભાવ વચ્ચે ટેકનિકનો ઉપયોગ સંસ્કાર અને સામાજિક જવાબદારી વધારવા માટે થાય તે સંઘ કેવી રીતે સુનિશ્ચિત કરશે?
ટેકનિકલ માધ્યમો નૈતિકતા કે સંસ્કાર ઉત્પન્ન કરી શકતા નથી. મનુષ્યમાં સંસ્કાર જાગે એ પછી જ ટેકનિકનો ઉપયોગ બરાબર થાય છે. મશીન કશું ઉત્પન્ન નથી કરી શકતું, એ માટે જીવંત ઉદાહરણો જોઈએ. આપણી પાસે મહાપુરુષોના આદર્શો તો છે જ, પણ આપણી આસપાસ એવા સાથી જોઈએ જે ચરિત્ર સંપન્ન હોય. જેવી માણસની વૃત્તિ હશે તેવી જ ટેકનિક ચાલશે. દુષ્ટ લોકો વિદ્યાનો ઉપયોગ વિવાદ માટે કરે અને શક્તિનો બીજાને પીડા આપવા માટે, જ્યારે સજ્જન લોકો વિદ્યાનો ઉપયોગ જ્ઞાન અને શક્તિનો ઉપયોગ દુર્બળની રક્ષા માટે કરે છે. આપણે ટેકનિકના માલિક બનવું જોઈએ, તેના ગુલામ નહીં.
યુવાનોમાં વધતું વ્યસન અને એકલતા
યુવાનોમાં વ્યસન વધતું જાય છે, તેમને નશાથી દૂર રાખવા કેવી રીતે સકારાત્મક વિમર્શ ઊભો કરી શકાય?
વ્યસન હાનિકારક છે એ બધું જ વિજ્ઞાન જાણે છે, છતાં આદત લાગ્યા પછી તેને રોકવી કે છોડાવવી મુશ્કેલ છે. આ માટે મનનું અનુશાસન અને સંસ્કાર જોઈએ. બાળપણથી જ ઘરોમાં એવો વિવેક જાગવો જોઈએ કે જે સારું લાગે પણ બગાડે તે રસ્તે નથી જવાનું. સુખ ત્રણ પ્રકારના છે - સાત્વિક, રાજસ અને તામસ. તામસ સુખ હસ્તી મરે અને લોહી નીકળે તો તેને સુખ લાગે તેવું છે, જે અંતે વિનાશ જ લાવે છે.
આજકાલ સમાજ અને પરીક્ષાઓનો ડર યુવાનોને એકલા પાડી દે છે. ૧૨મા ધોરણમાં નાપાસ થવાથી જીવન બરબાદ નથી થઈ જતું, પણ સમાજ એવું વાતાવરણ બનાવે છે કે યુવાન એકલો પડી જાય છે અને પછી ડ્રગ્સ કે આત્મહત્યા તરફ વળે છે. પરિવારમાં મુક્ત સંવાદ હોવો જોઈએ. જો માણસ એકલો નથી તો તે ગમે તેવું દુઃખ સહન કરીને પણ ફરી બેઠો થશે. સંસ્કાર અને એકલતા દૂર કરવી એ જ આનો મૂળ ઉપાય છે.
જનસંખ્યા અસંતુલન અને ૧૯૪૭ જેવી સ્થિતિ
ડેમોગ્રાફીમાં જે ફેરફાર થઈ રહ્યો છે, શું તેનાથી ૧૯૪૭ જેવી સ્થિતિ નિર્મિત થઈ શકે?
મનમાં આવો ભય ન રાખવો જોઈએ. ૧૯૪૭ જેવી સ્થિતિ નહીં થાય એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. જનસંખ્યા પરિવર્તનના ત્રણ કારણો છે: મતાંતરણ, ઘૂસણખોરી અને જન્મદર. ૧. મતાંતરણ: હિન્દુઓમાં પોતાના ધર્મ પ્રત્યે જાગૃતિ ઓછી થઈ છે. જેઓ ગયા છે તેમના માટે પાછા આવવાના રસ્તા બનાવવા જોઈએ અને જે છે તેમની શ્રદ્ધા પક્કી કરવી જોઈએ. ૨. ઘૂસણખોરી: ઘૂસણખોરોને ઓળખીને પ્રશાસનને જાણ કરવી જોઈએ અને તેમને રોજગાર ન આપવો જોઈએ. ૩. જનસંખ્યા: જનસંખ્યા શાસ્ત્રીઓ અને ડોક્ટરો કહે છે કે ત્રણથી ઓછો એવરેજ દર હોય તો ખતરો છે અને બે થી ઓછો હોય તો વિનાશ. દેશની પૉલિસી અને સાયકોલોજી પણ ૨.૧ થી વધુ એટલે કે ૩ બાળકોનું કહે છે.
સંઘની શાખામાં આવો....
સમાપનમાં ડૉ. ભાગવતે જણાવ્યું કે, માત્ર વિચાર કે બુદ્ધિથી પરિવર્તન આવતું નથી, તે માટે આદત પાડવી પડે છે. રામ અને રાવણ બંને પાસે વ્યક્તિત્વ, કર્તૃત્વ અને નેતૃત્વ હતું, પણ અંતર 'સમજદારી અને ભક્તિ'નું હતું. રાવણમાં અહંકાર હતો જ્યારે રામમાં વિનમ્રતા. સંઘ માત્ર એક પદ્ધતિ છે જે માણસને તૈયાર કરે છે. ૧૯૨૫માં ડૉ. હેડગેવારે આ જ જરૂરિયાત ઓળખી હતી કે દેશમાં જ્યાં સુધી એકતા અને ગુણવત્તા ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી બધું અધૂરું રહેશે. યુવાનોને આહ્વાન આપતા તેમણે કહ્યું કે જો તમે નિઃસ્વાર્થ બુદ્ધિથી દેશ માટે જીવવા માંગતા હોવ તો સંઘની શાખામાં આવો. શાખા આપણને ચાર લોકોની સાથે ચાલવાની અને ચાર લોકોને સાથે લઈને ચાલવાની કળા શીખવે છે.
નોંધ – આ લેખ મૂળ વ્યાખ્યાનનો ભાવાનુવાદ અને ટૂંકસાર છે. ભાષાંતર દરમિયાન કોઈ અર્થઘટન કે અર્થફેરની શક્યતા ન રહે અને પૂજ્ય સરસંઘચાલકજીના મૂળ વિચારો તેમજ ભાવને યથાવત સમજી શકાય તે હેતુથી વાચકોને નીચે આપેલ મૂળ વીડિયો સાંભળવા વિનંતી છે. સંપૂર્ણ માર્ગદર્શન સાંભળવા માટે અહીં ક્લિક કરો...