એશિયાનો સૌથી મોટો આદિવાસી મેળો: જ્યાં દેવી માટે ભક્તો ચઢાવે છે પોતાના વજન જેટલો ગોળ!

મેડરમ જતારા: કેમ અહીંના પૂજારીઓએ પૂજા કરતી વખતે પહેરવા પડે છે હેલ્મેટ? બલિદાનની અમર ગાથા: ૧૩મી સદીનો એ સંઘર્ષ જે આજે વિશ્વના સૌથી મોટા આદિવાસી પર્વમાં ફેરવાયો.

    ૨૧-જાન્યુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |

Asia
 

મેડરમ જતારા: આદિવાસી અસ્મિતા અને આધુનિકતાના સંગમ પર ઊભું એક મહાપર્વ

 
તેલંગાણાના મુલુગુ જિલ્લાના ગાઢ જંગલોમાં વસેલું નાનકડું મેડરમ ગામ આજે ઇતિહાસના એક વિશેષ વળાંક પર ઊભું છે. અહીં પ્રાચીન પરંપરાઓ અને આધુનિક ઈજનેરી કૌશલ્યનો એવો અનોખો સંગમ સર્જાઈ રહ્યો છે, જે ભાગ્યે જ ક્યાંય જોવા મળે. એશિયાના સૌથી મોટા આદિવાસી મેળાઓમાં સ્થાન ધરાવતી સમ્મક્કા-સારલમ્મા જતારા માત્ર ધાર્મિક આયોજન નથી પણ તેમા છે ભારતીય વનવાસી સંસ્કૃતિની અતૂટ શ્રદ્ધા, અસ્મિતા અને બલિદાનની જીવંત ગાથા.
 
દર બે વર્ષે યોજાતો આ દ્વિવાર્ષિક ઉત્સવ નજીક આવી રહ્યો છે અને તેની તૈયારીઓ સાથે જ મેડરમનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે. શાંત જંગલ વિસ્તાર આજે અશાંત છે. આ વિસ્તાર આજે જાણે એક વિશાળ નિર્માણ ક્ષેત્ર બની ગયો છે. આ વખતે જતારાનું સ્વરૂપ વધુ વિરાટ બન્યું છે. અહીં લાખોની સંખ્યામાં આવતા ભક્તોને વ્યવસ્થા અને સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
 
આ મહાપર્વના મૂળમાં વનવાસી સમાજનું એક કુટુંબ અને અન્યાય સામેનો તેમનો અડગ સંઘર્ષ છુપાયેલો છે. એવું કહેવાય છે કે આ કોઈ પૌરાણિક કથા નથી, પરંતુ સત્ય ઇતિહાસ છે. લોકવાયકા પ્રમાણે તેરમી સદીમાં કાકતીય શાસકો સામે કરવેરાના અન્યાય વિરુદ્ધ આદિવાસીઓએ સંગ્રામ કર્યો હતો. આ સંઘર્ષમાં સમ્મક્કા, તેમના પતિ પગીદિદ્ધા રાજુ, પુત્રી સારલમ્મા અને જમાઈ ગોવિંદા રાજુએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આ કથા અનુસાર, ઇજાગ્રસ્ત સમ્મક્કા જંગલમાં અદ્રશ્ય થઈ ગયા અને પાછળ માત્ર બંગડીઓ તથા સિંદૂરની પેટી છોડી ગયા. આજે આ શહીદ પરિવારને લોકો દેવી-દેવતા રૂપે પૂજે છે. અહીં કોઈ ભવ્ય મંદિર કે મૂર્તિ નથી, વાંસના પ્રતીકો અને પવિત્ર વૃક્ષોમાં જ ભક્તો પોતાની દેવીના દર્શન કરે છે. આ જ તેની વિશિષ્ટતા છે.
 

Asia 
 
વર્ષ ૨૦૨૬ની જતારા માટે તેલંગાણા સરકારે અદ્‍ભુત આયોજન કર્યુ છે. આ પવિત્ર ધામના પ્રવેશદ્વારે ૫૦ ફૂટ ઊંચો ભવ્ય ગ્રેનાઈટ કમાન (પ્રવેશદ્વાર - દરવાજા) ઊભો કરવામાં આવ્યો છે, જે ત્રણ વિશાળ શિલાઓમાંથી બનાવાયો છે. આ કમાન પર વનવાસી સંસ્કૃતિના પ્રતીકો ઢોલ-નગારા વગાડતા નર્તકો, ગરોળી, ગાય, પક્ષીઓ અને સ્વસ્તિકનું સુંદર કોતરણીકામ કરવામાં આવ્યું છે.
 
ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુખ્ય પૂજા ચોગાનનો વિસ્તાર ૨,૯૪૦ ચોરસ મીટરથી વધારીને ૫,૮૧૬ ચોરસ મીટર કરવામાં આવ્યો છે. જે જંગલોમાં ક્યારેક સિંહ અને વાઘની ડણક સંભળાતી હતી ત્યા આજે આધુનિક ક્રેન્સ, વેલ્ડિંગના તણખા અને ડ્રિલિંગ મશીનોનો અવાજ ગૂંજી રહ્યો છે.
 
મેડરમ જતારાની પૂજા પદ્ધતિ પણ અનોખી છે. માઘ મહિનાની પૂનમે ભક્તો અહીં ખૂબ મોટી સંખ્યામાં આવી પહોંચે છે. અહીં ભક્તો ‘બંગારમ’ એટલે કે ગોળ અર્પણ કરે છે. પોતાના વજન જેટલો ગોળ દેવીને અર્પણ કરવાની અહીં પરંપરા છે. આટલી મોટી માત્રામાં ગોળ ચઢાવવાથી અહીં જમીન ચીકણી અને લપસણી બની જતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ વખતે સમગ્ર વિસ્તારમાં ગ્રેનાઈટ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. ભક્તોની શ્રદ્ધા એટલી બધી છે કે ભક્તો અહીં દૂરથી જ નાળિયેર અને અન્ય પૂજા સામગ્રી મંચ તરફ ફેંકે છે. પરિણામે ત્યાં હાજર પૂજારીઓને સુરક્ષા હેલ્મેટ પહેરવાની ફરજ પડે છે. આ દ્રશ્ય અલ્હાદક હોય છે. વાતાવરણ ભક્તિમય હોય છે.
 

Asia 
 
આ આયોજનને લઈને આ વખતે થોડો મતભેદ પણ જોવા મળ્યો છે. કોયા જાતિના પરંપરાગત પૂજારીઓ અને અગ્રણીઓમાં એક વર્ગ એવું માને છે કે આયોજન અને વ્યવસ્થાના નામે જે ફેરફારો કરવામાં આવ્યા છે તે તેમની મૂળ શ્રદ્ધા સાથે છેડછાડ સમાન છે. કોયા સમુદાય માટે દેવી-દેવતાઓ માત્ર ત્રણ દિવસ માટે જ પૃથ્વી પર પધારે છે, તેથી તેમને કોઈ કાયમી અને ભવ્ય સ્થાપત્યની જરૂર નથી.
 
સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક ફેરફારોમાં વનવાસી સમુદાયને પૂરતા પ્રમાણમાં વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. એટલું જ નહીં, સમય જતાં પૂજાની રીતોમાં પણ ફેરફાર થયો છે. જ્યાં એક સમયે ફળો અને ફૂલોથી પૂજા થતી હતી, ત્યાં આજે બજારમાં મળતા નાળિયેર અને બોટલબંધ દારૂએ સ્થાન લીધું છે. આ પરિવર્તન પર પણ પ્રશ્નો ઊભા થાય છે.
 

Asia 
 
આમ છતાં, મેડરમ જતારાનું મહત્વ જરાય ઓછું થયું નથી. તે તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢના આદિવાસીઓને એક તાંતણે બાંધે છે. અહીં માત્ર પૂજા થતી નથી, કુટુંબો મળે છે, નવા સંબંધો બંધાય છે અને વનવાસી ઇતિહાસની યાદ તાજી થાય છે. કોયા વાર્તાકારો, આર્થી કલાકારો આજે પણ ત્રિકોણાકાર ધ્વજ ‘દલગુડ્ડા’ દ્વારા પોતાની વંશાવલી અને ઇતિહાસનું ગાન કરે છે. આ ધ્વજ પર કોતરાયેલી છબીઓ માત્ર ચિત્રો નથી, પરંતુ આખા સમુદાયની ઓળખ અને આત્મા છે.
 
૨૮ જાન્યુઆરીથી જ્યારે આ મહાપર્વનો આરંભ થશે, ત્યારે આખું મેડરમ શ્રદ્ધાના અસીમ સાગરમાં ડૂબકી લગાવશે અને આ નવું નિર્માણ થયેલું માળખું એ અખંડ શ્રદ્ધાનું નવું સાક્ષી બનશે. એક તરફ લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ભવ્ય સ્થાપત્યો જરૂરી બન્યા છે, તો બીજી તરફ વનવાસીઓની મૂળભૂત આસ્થા અને પ્રકૃતિ સાથેની તેમની નિકટતા જળવાઈ રહેવી એટલી જ આવશ્યક છે.