૨૫ નવેમ્બર, ૧૯૪૯ના દિને ડૉ. આંબેડકરે કહેલું કે, ‘એવું નથી કે ભારત ક્યારેય એક સ્વતંત્ર દેશ નહતો..’ આ ઐતિહાસિક સત્યનો પુનરોચ્ચાર ડૉ. આંબેડકરજીએ કર્યો હતો કારણ કે, ભારતના વેદોમાં એક રાષ્ટ્ર તરીકે ભારતનું વર્ણન છે. હા, વેદોથી પણ કેટલા વર્ષ પહેલાં ભારત એક ‘રાષ્ટ્ર’ બન્યું હશે તે કહેવું મુશ્કેલ છે.
આપણું ભારત માત્ર એક ભૂમિખંડ કે સરકાર સુધી સીમિત નહોતુ, પરંતુ તે એક જીવંત સાંસ્કૃતિક રાષ્ટ્ર હતું. જુઓ... અથર્વવેદમાં થયેલો રાષ્ટ્રનો ઉલ્લેખ..
આપણા વેદકાલીન પૂર્વજોએ વિચાર્યું કે, જો મનુષ્યને સંસ્કારિત કરવો હોય તો તે ગુણોના વિકાસના આધારે જ શક્ય છે. આવા આત્મજ્ઞાની ઋષિઓએ જગતના કલ્યાણની ઈચ્છાથી સૃષ્ટિના પ્રારંભથી જ દીક્ષા લઈને અખંડ તપ કર્યું, ગામેગામ જઈને પ્રવાસ કર્યા, પરિશ્રમ કર્યો. તેના ફળસ્વરૂપે તે દૃષ્ટાઓને રાષ્ટ્રીય બળ અને તેજ (ઓજ)નાં દર્શન થયાં. માનવસમૂહ પોતે જ પ્રબુદ્ધ બનવાની મહાન વ્યવસ્થાનો ઘટક થયો. અર્થાત્ તે રાષ્ટ્ર બની ગયો. બીજા અર્થમાં કહીએ તો જનસમુદાય જ્યારે સમૂહની રીતે ગુણયુક્ત અને સુસંસ્કારિત થાય છે ત્યારે તે રાષ્ટ્ર બને છે.
આમ, ભારતમાં વેદકાળ વખતે રાષ્ટ્રનો ઉદય; અધ્યાત્મના આધાર પર થઈ ગયેલો, જે વેદોથી કેટલો વહેલો હશે એ કહેવું મુશ્કેલ છે.
યજુર્વેદમાં પણ રાષ્ટ્રની સંકલ્પના સ્પષ્ટ રીતે દર્શાવી છે. તદ્અનુસાર એક સુનિશ્ચિત ભૂમિખંડમાં રહેનારો જનસમુદાય, જે સંસારને ચલાવનાર પરમાત્મા અથવા પ્રકૃતિના અસ્તિત્વને સ્વીકારે છે, જે બુદ્ધિને પ્રાથમિકતા આપે છે અને વિદ્વદ્જનોનો આદર કરે છે, અને જે પોતાના દેશને બહારનાં આક્રમણો અને આંતરિક, પ્રાકૃતિક આપત્તિઓ સામે ઝઝૂમવાની અને સૌના યોગક્ષેમની ક્ષમતા ધરાવે છે, એ રાષ્ટ્ર છે.
વિષ્ણુ પુરાણમાં પ્રાચીન ભારતની ભૌગોલિક સીમાઓ અંગે વર્ણવ્યું છે,
उत्तरं यत् समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र सन्ततिः ॥
અર્થાત્, હિન્દ મહાસાગરની ઉત્તરમાં તથા હિમાલયની દક્ષિણમાં આવેલા મહાન દેશનું નામ ભારત અને અહીંનો પુત્રરૂપ સમાજ ભારતીય છે. ભારત આટલા મોટા વિશાળ ભૂભાગમાં વિસ્તરિત થયેલ છે..
ધર્મશાસ્ત્રોમાં ભારત પ્રાચીન હોવાના અનેક પુરાવા છે. રામાયણકાલીન રામસેતુને નાસાએ પણ ૧૭.૫ લાખ વર્ષો પુરાણો માન્યો છે. મહાભારતનો કાલખંડ ૫૦૦૦ વર્ષથી પણ વધુ છે. મહાભારતમાં ઈરાનથી ઇન્ડોનેશિયા સુધી સંપૂર્ણ ભારતીય ઉપખંડનો ભારત તરીકે ઉલ્લેખ કર્યો છે. ત્યારે ભારતવર્ષમાં અનેક રાજાઓનાં રાજ્યોની સંસ્કૃતિ, રાજ્યસંહિતા અને શાસનવ્યવસ્થા સમાન હતી. યુરોપ અને અમેરિકાના અનેક દેશોમાં આજે પણ સૂર્યનાં મંદિરો, સૂર્યની પ્રતિમા કે સૂર્યના કોઈ ને કોઈ પ્રતીકચિહ્ન વિદ્યમાન છે. યુરોપના પુરાતત્ત્વવિદો એડમ્સ અને ફીથિયન દ્વારા લિખિત પુસ્તક mithraism in europe માં દર્શાવ્યા પ્રમાણે ખ્રિસ્તીઓના પ્રસારથી પણ પહેલાં યુરોપ અને અમેરિકામાં સૂર્યના ઉપાસકો હતા.. દક્ષિણ અમેરિકાના દેશોમાં પ્રાપ્ત શિલાલેખોની લિપિ સિંધુ ઘાટીમાં પ્રાપ્ત લિપિ સાથે સમાનતા ધરાવે છે. વિશ્વના વિવિધ ભાગોમાં થયેલાં આવાં ઐતિહાસિક સંશોધનો અને અનેક પ્રાપ્ત પુરાતન અવશેષોના આધારે એવું ફલિત થયું છે કે, વિશ્વના વિવિધ એકાંતવાદી સમુદાયોના ઉદ્ભવ પૂર્વેથી જ પૃથ્વીના સંપૂર્ણ ભૂભાગ પર ભારતીય જીવનપદ્ધતિ અને આચારવિચાર વિદ્યમાન હતા. આટલી દીર્ઘ અને અખંડ નિરંતરતા ધરાવતું હોય તેવું અન્ય કોઈ રાષ્ટ્ર કે સંસ્કૃતિ વિશ્વમાં નથી.
આ રીતે ભારતની ઓળખ એક પ્રાચીન અને સાંસ્કૃતિક રાષ્ટ્ર તરીકે સ્થાપિત હતી. સમગ્ર ભારતમાં એક જ શાસન કે એક જ રાજા નહોતા, અનેક રાજા અને અનેક શાસનપ્રણાલી હતી, પરંતુ સમાજ એક હતો અને સમાજને જોડનારું તત્ત્વ એ અહીંની અધ્યાત્મ આધારિત જીવનદૃષ્ટિ હતું. અર્થાત્ અધ્યાત્મ આધારિત જીવનશૈલી (spirituality based way of life) એ અહીંની વિશેષતા રહી છે. એટલે તે એકાત્મક, સર્વાંગીણ, સર્વસમાવેશક અને વૈશ્વિક છે.
ભારતે આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક સમૃદ્ધિ બંનેને સમાન મહત્ત્વ આપ્યું છે, કોઈ એકને નહીં. ઈશાવાસ્ય ઉપનિષદમાં એવું સ્પષ્ટપણે જણાવાયું છે કે જે કેવળ ભૌતિક સમૃદ્ધિની પાછળ દોડે છે તે ઊંડા અંધકારમાં પ્રવેશ કરે છે, જે ફક્ત આધ્યાત્મિક સાધનામાં જ વ્યસ્ત રહે છે તે તો તેથી પણ વધુ ઊંડા અંધકારમાં પ્રવેશ કરે છે. ભૌતિક સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ આ બંનેને સાથે સાથે સાધી લેવાં એ જ જીવન છે. આ બંનેને એક સાથે સાધવા માટેનું યોગ્ય વાતાવરણ ભારતના સમાજજીવનમાં છે.
ભારતીય સમાજ પોતાની મૂળભૂત આર્થિક, શૈક્ષણિક, વૈચારિક અને આધ્યાત્મિક જરૂરિયાતો માટે પોતાની ભૌગોલિક પરિસ્થિતિ અને પોતાના વાતાવરણને અનુરૂપ તંત્રવ્યવસ્થા વિકસિત કરવામાં સફળ રહ્યો હતો. ભારતમાં સંરક્ષણ, વિદેશનીતિ, ન્યાયનીતિ અને સુરક્ષા એ વ્યવસ્થાઓ જ રાજ્ય પર આધીન હતી, જ્યારે સ્વાસ્થ્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, મંદિર, કલા, સંગીત, યાત્રા વગેરે વ્યવસ્થાઓ સમાજ આધારિત હતી. આના માટે રાજ્યકોષમાંથી ધન નહોતું આવતું. સમાજ પોતાની આવશ્યકતા માટે શાસન પર ન્યૂનતમ અવલંબિત હતો. બીજા અર્થમાં કહીએ તો ભારત સ્વતંત્ર અને આત્મનિર્ભર હતું. ગુરુવર્ય રવીન્દ્રનાથ ઠાકુરના પુસ્તક ‘સ્વદેશી સમાજ’માં આનું સુંદર વર્ણન છે..
આપણી ગ્રામ આધારિત વિકેન્દ્રિત વ્યવસ્થાઓ દૃઢ અને સ્વયંપૂર્ણ હતી. એટલે રાજ્ય કોઈનું પણ હોય પરંતુ ગ્રામ પંચાયતોની વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત હતી. આપણે ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ સારું હતું. ગામોમાં શાળાઓ ચલાવવા માટે જમીન અપાતી. તે જમીન પર થતી આવકથી શાળાઓ વ્યવસ્થિત ચાલતી. મંદિરોની વ્યવસ્થા પણ એવી જ હતી. સ્વાસ્થ્ય સંબંધિત વ્યવસ્થાઓ પણ વિકેન્દ્રિત હતી. સમ્રાટ અશોકના કાળમાં તો આપણા રાષ્ટ્રમાં પશુચિકિત્સાલયો પણ હતા. વેક્સીનનો પ્રયોગ પણ દુનિયામાં સૌ પ્રથમ ભારતમાં થયો હતો.
વ્યવસ્થિત અને અનુશાસિત પદ્ધતિથી કામ કરવું એ આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ હતું. આટલી પૂર્ણતા સાથે બનેલા આપણાં હજારો મંદિરો, મોટા મોટા મહેલો વગેરે તમામ એ વાતની સાબિતી આપે છે કે વિશ્વમાં સૌથી વધુ પરફેક્શનિસ્ટ ભારતીયો જ હતા. સમયની ગણનામાં આપણે વિશ્વમાં અગ્રણી હતા. છત્રપતિ શિવાજી મહારાજનાં અનેક અભિયાનોનું જો આપણે અધ્યયન કરીએ તો તેમાં અનુશાસન અને સમયનું મહત્વ સ્પષ્ટરૂપે જણાઈ આવે છે. મરાઠા શાસનના અંતિમ કાલખંડમાં યશવંતરાવ હોળકરે જે રણનીતિઓથી અનેક વખત અંગ્રેજોને પરાસ્ત કર્યા એ બધી ચુસ્ત અનુશાસન આધારિત હતી.
ભારતની સમૃદ્ધિની ચર્ચા સંપૂર્ણ વિશ્વમાં હતી. વિશ્વ વેપારમાં ભારતની ભાગીદારી સૌથી વધુ હતી. સમગ્ર વિશ્વને કલ્યાણકારી બનવાની પ્રેરણા આપતો રહ્યો અને પોતાની આ વિશ્વકલ્યાણક ભાવનાને ખૂણેખૂણે પહોંચાડીને જગતકલ્યાણ કરતો રહ્યો.
ભારતીય સંસ્કૃતિની આટલી મોટી નિરંતરતા પાછળ તેનો નિરંતર સંઘર્ષ પણ રહેલો છે. કોઈપણ રાષ્ટ્ર સંઘર્ષ વિના જીવિત ન રહી શકે. ભારતની અપાર સમૃદ્ધિ અને જ્ઞાન પરંપરાથી આકર્ષિત થઈ સેકડો વર્ષોથી લુંટારા આક્રમકોનાં આક્રમણો પણ થતાં રહ્યાં. ઇતિહાસ કહે છે, ભારતમાં અનેક યુદ્ધો થયાં તેમ છતાં સંઘર્ષના કાલખંડમાં ભારતીય જનમાનસે વિદેશી તાકાતો સામે હાર નહોતી માની. અહીંની સ્થાનિક જીવનપદ્ધતિ તથા જીવનમૂલ્યોને બચાવી લેવા માટે અસાધારણ નેતૃત્વએ જનસામાન્યને પણ પ્રેરણા આપી હતી. ભારતના વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોમાં ખેડૂતો, શ્રમિકો, વનવાસીઓ તથા અન્ય લોકો દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનો સ્થાનીય કારણોના પ્રભાવથી જન્મ્યા હતા, પરંતુ તે બધાએ નિશ્ચિતપણે વિદેશી શાસન વિરુદ્ધ ઊઠેલા સ્વરને શક્તિ પ્રદાન કરી ભારતને સશક્ત બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ સંઘર્ષ માત્ર રાજનૈતિક સત્તાપ્રાપ્તિ માટે નહીં પરંતુ રાષ્ટ્રજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણી અસ્મિતાની અભિવ્યક્તિ અને રાષ્ટ્રી૨ય અસ્મિતાના પુનઃ જાગરણ માટે હતો.
વિશ્વના અનેક રાષ્ટ્રોનો કાળની થપાટ વચ્ચે લોપ થયો, પણ આક્રમણોનો સતત એક હજાર વર્ષ સુધી સામનો કરીને પણ ભારત અણનમ રહ્યું. વિજય-પરાજય છતાં સતત સંઘર્ષરત રહી ભારત ઉન્નત મસ્તકે રહ્યું છે. વીર સાવરકરના ઐતિહાસિક પુસ્તકોમાં એનો સુંદર ઉલ્લેખ છે. કોઈપણ આક્રમણખોર ભારતને કદીય સંપૂર્ણપણે જીતી શક્યો ન હતો. આપણા દેશે આક્રમણખોરોને હંમેશાં અસરકારક જવાબ આપ્યો છે અને ક્યારેય માનસિક હાર સ્વીકારી નથી. અને, એટલે જ તો ભારત ચિરંજીવ રાષ્ટ્ર બની રહ્યું છે!
આમ આજ ઉદ્બોધનમાં ડૉ. આંબેડકરજીએ કહ્યું હતું કે, ‘શું (ભારત) તેને (સ્વાતંત્ર્યને) ગુમાવી દેશે? આ જ તે વિચાર છે જે મને ભવિષ્ય માટે સૌથી વધુ ચિંતિત કરે છે.’
ડૉ. આંબેડકરજીએ આ કહ્યું હશે ત્યારે તેઓની સામે ચિંતા કરવી પડે તેવું ચિત્ર હતું, જેનું વર્ણન તેઓએ પોતાના ઉદ્બોધનમાં આગળ ઉપર કરેલ છે. પરંતુ આજે સમય બદલાયો છે. Transit Periodમાંથી ભારત હેમખેમ બહાર આવી ગયું છે. ભારતે પોતાના મૂળ સાંસ્કૃતિક વારસો પુનઃ અંગીકૃત કર્યો છે. ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વગુરુપદે વિશ્વકલ્યાણ માટેનો માર્ગ પ્રદર્શિત કરતું હશે, તેવું સ્થાન જોનારાઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. નવું ભારત ડૉ. આંબેડકરજીએ રજૂકરેલ ચિંતાનું શમન કરવા સક્ષમ છે તેવું જાણીને તેઓના દિવ્ય આત્માને કેટલો આનંદ થતો હશે?!
આ જ ભારતની સાચી ઓળખ છે. આ જ સ્વતંત્ર ભારતની અભિવ્યક્તિ છે.