ડો. બાબાસાહેબ આંબેડકર અને ભારતની વેદકાલીન લોકતાંત્રિક સંકલ્પના

24 Jan 2026 15:35:52

babasaheb
 

ભારતમાં સ્વતંત્રતા પૂર્વે પણ લોકતંત્ર હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરે ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ કરેલા ઉદ્‌બોધનમાં આ અંગેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘... એવું નથી કે ભારત લોકતંત્ર શું છે તે જાણતું ન હતું. એક સમય હતો જ્યારે ભારત ગણરાજ્યોથી ભરેલું હતું. અને અહી સુધી કે જ્યાં રાજાશાહી હતી, તે કાં તો ચૂંટાયેલી હતી અથવા મર્યાદિત પ્રકારની હતી. તે ક્યારેય પૂરેપૂરી નિરપેક્ષ નહોતી. એવું નથી કે ભારત સંસદ કે સંસદીય પ્રક્રિયાને જાણતું ન હતું. બૌદ્ધ ભિક્ષુ સંઘોનો એક અભ્યાસ એ બતાવે છે કે, ન માત્ર સંસદો હતી, કારણ કે સંઘ સંસદ સિવાય બીજું કંઈ ન હતા- પણ સંઘ આધુનિક સમયમાં જાણીતા સંસદીય પ્રક્રિયાના બધા નિયમોને જાણતા અને તેનું પાલન કરતા હતા. તેમની પાસે બેઠક વ્યવસ્થા પ્રસ્તાવો, સંકલ્પો, કોરમ, વ્હિપ, મતોની ગણતરી, ગુપ્ત મતદાન, નિંદા પ્રસ્તાવ નિયમન, રેસ જ્યુડિકાટા (Res Judicata) વગેરેને સંબંધિત નિયમો હતા. જોકે સંસદીય પ્રક્રિયાના આ નિયમોને બુદ્ધ દ્વારા સંઘોની બેઠકો પર લાગુ કરવામાં આવ્યા હતા, તેમણે તેમને પોતાના સમયમાં દેશમાં કાર્યરત રાજકીય સભાઓના નિયમોમાંથી યથારૂપે લીધા હશે.’ તો આ વિષય અંગે આ લેખમાં વિસ્તૃત વિશ્લેષણ પ્રસ્તુત છે.
 
ભારતમાં વેદકાલીન એક રાષ્ટ્રની સંકલ્પના સ્પષ્ટ રીતે વર્ણવી છે. યજુર્વેદના સુબોધ ભાષ્ય-ભાગ-૨ના શ્લોક -૨૨, અથ દ્વાધ્વિશોધ્યાય:) આ મંત્રમાં આપણા પૂર્વજ, આ વેદકાલીન ઋષિ, ઈશ્વર પાસે (આ બ્રહ્મન) રાષ્ટ્ર માટે શું શું માંગી રહ્યા છે?
હે ઈશ્વર, અમારા રાષ્ટ્રમાં વિવિધ સત્યોને, બ્રહ્મને શોધનારા જ્ઞાનવાનો જન્મ આપો ‘जायतामा राष्ट्रे’ શૂરવીર અને કોઈ પણ દૂષણ વગરના (અદૂષણ્યો) નેતૃત્વને જન્મ આપો. સર્વ આયુધોમાં પારંગત એવા સેનાપતિઓ જન્મ આપો. પ્રચુર દૂધ આપનારી ગાયોને, શક્તિશાળી બળદોને, ઝડપી ઘોડાઓને તથા નગરોમાં રહી શકે (એવી તેજસ્વી, શિક્ષિત અને સંસ્કારી) કન્યાઓને જન્મ આપો. (યોષા પુરન્ધ્રિ:) (આહ્વાન થાય ત્યારે) યજમાનોની સભાઓ દિપાવી શકે એવા યુવાન, યુદ્ધોમાં વિજયશ્રીને વરેલા, રથોમાં બિરાજમાન વીરોને જન્મ આપો. (અમારા રાષ્ટ્રમાં) સમય સમય પર ધન, ધાન્ય અને ઔષધિઓ ઉગાડનારી વર્ષા થતી રહે. ( અમારું રાષ્ટ્ર) સુરક્ષિત રહે !
 
મેકોલેના ષડયંત્રના ભાગરૂપે એવું ઠસાવવામાં આવ્યું કે, વર્તમાન રાજકીય ભારત અને લોકતંત્ર આપણને અંગ્રેજોની દેન છે, તે પહેલાં હિંદુઓને રાષ્ટ્ર અને લોકતંત્રની કોઈ કલ્પના જ નહોતી !
 
આપણા વેદો વિશ્વના પ્રાચીનતમ ગ્રંથો છે, જેમાં જનતા જનાર્દનના સાચા રાજાઓ એવા ઋષિઓએ રાષ્ટ્રને વ્યાખ્યાયિત કરી ઈશ્વર પાસે રાષ્ટ્રની આવશ્યકતાની પૂર્તિ માટે પ્રાર્થના કરી છે.
 
ભારત લોકતંત્રની જનની છે.
 
संगठन मंत्र
संगच्छध्वं संवदध्वं, सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे, सञ्जानाना उपासते ॥१॥
 
અર્થ : કદમથી કદમ મેળવીને મિલાવીને ચાલો, એક સ્વરમાં બોલો, સહુના મન એક બનો, પૂર્વકાળમાં જેવી રીતે દેવોએ પોતાનો ભાગ પ્રાપ્ત કર્યો હતો તેવીજ રીતે સંમિલિત બુદ્ધિથી કાર્ય કરનારાઓ આ જ માર્ગે સ્વકલ્યાણ પ્રાપ્ત કરે.
 
समानो मंत्रः समितिः समानी, समानं मनः सहचित्तमेषाम् ।
समानं मंत्रमभिमंत्रये वः, समानेन वो हविषा जुहोमि ॥२॥
 
અર્થ : આ પ્રમાણે સાથે મળીને કાર્ય કરનારાઓનો મંત્ર સમાન હોય છે અર્થાત્ તેઓ સાથે મંત્રણા કરી એક નિર્ણય પર પહોંચે છે. ચિત્ત સહિત તેમના મન સમાન હોય છે. હું તમને મળીને સમાન નિષ્કર્ષ પર પહોંચવાની પ્રેરણા આપું છું. તમને સમાન ભોજ્ય પ્રદાન કરું છું.
 
समानी व आकूति:, समाना हृदयानि वः ।
समानमस्तु वो मनो, यथा व: सुसहासति ॥३॥
 
અર્થ : તમારી ભાવના તથા સંકલ્પ સમાન હો, તમારા હૃદય સમાન હો, તમારા મન સમાન હો, જેનાથી તમે લોકો પરસ્પર સહકાર સાધી શકો.
 
ॐ शान्ति: ॐ शान्ति: ॐ शान्ति:
 
વેદોમાંના આ સુભાષિત લોકતંત્રની સ્થાપના માટે અનિવાર્ય પૂર્વશરત જેવા છે.
 
રામરાજ્ય એક અત્યંત ઉચ્ચ આદર્શ સંકલ્પના.. કે જ્યાં રાજ્યના પ્રત્યેક પ્રજાજનની જવાબદારી સુનિશ્ચિત કરે છે. જે દેશના નાગરિકોને એ અનુભવ થાય કે મારા મતની / અભિમતની અસર અસામાન્ય છે, તો તે પોતાના વિચાર કે સ્વયંનો મત ખૂબ ગંભીરતાપૂર્વક વ્યક્ત કરશે.
 
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી જ ભારતમાં લોકતંત્ર આવ્યું તે વાત સાથે સ્વયં આંબેડકરજી પણ સંમત નથી. ૧૫ ઓગષ્ટ ૧૯૪૭ પહેલાં દેશમાં રાજાશાહી હતી અને અંગ્રેજો ગયા બાદ જ દેશમાં લોકશાહી આવી એવું કહેવું પણ સત્ય નથી, કારણ કે રાજા કહો કે રાજનેતા (પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી વગેરે) ને નક્કી કરવાની પદ્ધતિમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી બદલ આવ્યો.
 
માત્ર વંશવાદને આધારે જ રાજા નક્કી થાય કે લોકતંત્રના નામે વંશવાદને જ આગળ ધપાવતા હોય તો, બંનેમાં કોઈ ફેર નથી. જો માત્ર ચૂંટણીપ્રક્રિયા (વોટ આપવાની)ને જ લોકતંત્ર કહેવાય તો રામરાજ્યની સંકલ્પના એટલે શું! જ્યાં રાત્રિ નગરચર્યા દરમિયાન રાજા રામને અયોધ્યાના એક સામાન્ય નાગરિકના મતને જાણવા માત્રથી સીતામાતાએ સર્વસ્વ છોડી વનમાં જવાનો નિર્ણય લીધો. શું આ લોકતંત્રની પરમોચ્ચ અવસ્થા નથી!
 
મહાભારત કાળમાં મહારાજા ભરતે પોતાના વંશને બદલે પ્રજામાંથી યોગ્યતમ પસંદગીને આધારે રાજા તરીકે શાંતનુની પસંદગી કરવી એ પણ લોકતંત્રની જ અભિવ્યક્તિ છે. વંશવાદમાં અંધ ધૃતરાષ્ટ્ર સામે યુવરાજની નિયુક્તિ સમયે મહાત્મા વિદુર દ્વારા પરીક્ષામાં દુર્યોધન સામે યુધિષ્ઠિરનો વિજય એ મહામંત્રી વિદુરજીની લોકતંત્રની જ પ્રતિબદ્ધતા દર્શાવે છે.
 
એ જ રીતે મથુરા અને ગોકુળની ધનધાન્યથી ભરપૂર આ ભૂમિમાં મેરુ સમાન ગોવર્ધન પર્વત હતો. યાદવો તેની પૂજા કરતા. યાદવસંઘ કુક્કુર, અંધક, વૃષ્ણિ, સાત્વત, ભોજ, મધુ અને શૂર આદિ જાતિઓનો બન્યો હતો. તેને વૃષ્ણિસંઘ પણ કહેતા. તેમની રાજ્ય-વ્યવસ્થા ગણતંત્રીય હતી. તેઓ પોતાના અગ્રણીને ‘રાજા’ શબ્દે વિભૂષિત કરતા. (અર્થાત્‌ વંશવાદને બદલે ગુણવત્તાને આધારે રાજા નક્કી કરતા) વંશવાદની નીપજ મગધના રાજા ધનનંદ સામે મહર્ષિ ચાણક્યનો સંઘર્ષ એ લોકતંત્રની સ્થાપનાનો જ સંઘર્ષ છે.
 
મહર્ષિ ચાણક્યએ તક્ષશિલા વિદ્યાપીઠથી સ્નાતક થઈ જનારાઓને દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે, મા ભારતીના પુત્રો આજે પોતપોતાની જન્મભૂમિ પરત જશે. પરંતુ હું આજે અહીંથી કોઈ માગધ, માલવ, લિચ્છવી, કુરૂ કે પાંચાલ ને નહીં જવા દઉં, આજે અહીંથી માત્ર ભારતીય જ જશે. આપણી માતૃભૂમિ રાજનીતિક જનપદોમાં વહેંચાયેલી છે પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ એક રાષ્ટ્ર છે. જે સ્નાતક અહીંથી જાય તે શક્ય એટલા ઊંચા અવાજમાં આપણી સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય એકતાના સમવેત સ્વરમાં ગાન કરે કે જેથી ગુરુકુલના આચાર્યોને વિશ્વાસ થાય કે તેઓએ એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે.
 
તથાગત બુદ્ધ દ્વારા ધર્માંધતા અને હિંસા સામે જનજાગરણ કરી બૌદ્ધ ભિક્ષુ સંઘની સ્થાપના, સભા-સમિતિની રચના એક શ્રેષ્ઠ લોકતંત્રનું ઉદાહરણ છે.
 
કાળક્રમે પ્રવેશેલાં દૂષણો સામે જગતગુરુ શંકરાચાર્યે એક પણ શસ્ત્ર કે યુદ્ધ વગર સમગ્ર રાષ્ટ્રના ચૈતન્યને ઢંઢોળી સનાતન સંસ્કૃતિના સ્વભાવગત લોકતંત્રની જ પુન:સ્થાપના કરી હતી.
 
રાજવી પરિવાર વિરુદ્ધ જનતાના પ્રેમના પ્રતાપે જ પ્રતાપ મહારાણા બન્યા. શિવાજી પણ પોતાના સ્વકર્તૃત્વને આધારે જ પ્રજાના હૃદયના છત્રપતિ શિવાજી મહારાજ બન્યા.
 
અહીં સરમુખત્યાર કે અન્ય આપખુદશાહી ને બદલે વિવિધતાને અધિકૃત માન્યતા આપવામાં આવી છે જે લોકતંત્રની પાયાની આવશ્યકતા છે.
 
હિંદુ દિગ્વિજય કરનાર સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદ શિકાગો (૧૧ સપ્ટે., ૧૮૯૩)માં ઉદ્ઘોષ કર્યો હતો કે જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ, એટલુંજ નહી પણ, સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે.
 
ત્યારબાદ ભગવદ્‌ગીતાનો શ્લોક ટાંકતાં કહ્યું કે
 
ये यथा मां प्रपध्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥
(गीता श्लोक ४.११)
 
અર્થ (સંક્ષેપમાં): ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.
 
ભારતીય જન મનના સાચા રાજાઓ તો ઋષિ મુનિ ત્યાગી તપસ્વી સંતો જ રહ્યા છે. જેઓ સદા લોકમત પરિષ્કાર કરતા રહ્યા છે. નેતા નક્કી કરવાની પદ્ધતિ બદલાતી રહી પણ ભારત સાચા અર્થમાં લોકતંત્રનું જ ઉદ્ઘોષક પ્રાગટ્યરૂપ રહ્યું છે. પદ્ધતિ સતત વિકસતી રહે છે. મહાત્મા ગાંધીજી એ પણ હિંદુત્વની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ‘સત્યની નિરંતર શોધનું નામ જ હિંદુત્વ છે.’
 
એક ગીતમાં કવિએ ગાયું છે કે
 
‘विश्र्व में हर देश भी दिग्भ्रमित हो लडखडाया ।
सत्य की पहेचान करने इस धरा के पास आया ॥
 
આમ હિંદુ તત્ત્વજ્ઞાનમાં સર્વત્ર દેખાતી વિવિધતાનો સ્વીકાર માત્ર નથી, પરંતુ સર્વ જડ ચેતન સૃષ્ટિમાં રહેલી અંતર્નિહિત એકતાનો આવિષ્કાર પણ કર્યો છે અને તેની અનુભૂતિ પણ કરી છે.
 
वसुधैव कुटुम्बकम्‌ - સમગ્ર વિશ્વ એક પરિવાર
 
सर्वे भवन्तु सुखिनः - સૌ સુખી થાઓ
 
कृण्वन्तो विश्र्वं आर्यम्‌ - વિશ્વને સુસંસ્કૃત બનાવીશું
 
एकं सत विप्राः बहुधा वदंति -સત્ય એક જ છે, વિદ્વાનો તેને અલગ અલગ રીતે રજૂ કરે છે.
 
सर्व खल्विदं ब्रह्म - સમગ્ર વિશ્વ એક જ છે, બ્રહ્મ છે.
 
आनो भद्राः क्रतवो यन्तु विश्र्वतः - સમગ્ર વિશ્વમાંથી અમને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાઓ.
 
શ્રેષ્ઠ લોકતંત્ર માટેના આ ઉચ્ચ ઉદ્ઘોષ છે, જેને ભારતે જીવી જાણ્યા છે.
 
વેદોથી લઈ અતિ પ્રાચીન અને અર્વાચીન સ્થિતિના અધ્યયનને આધારે એટલું ચોક્કસ કહી શકીએ કે હિંદુ ધર્મ એ માત્ર અમુક સિદ્ધાંતો કે વાદોને માનવાની ખેંચાખેચીમાં સમાયેલો નથી. હિંદુ ધર્મ એટલે સાક્ષાત્કાર. ઈશ્વરને માનવું એટલું જ નહી, પણ તેની સાથે એકાકાર થવું.
 
વર્તમાન વિશ્વને પણ લોકતંત્રની સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ભારતે જ આપવાની રહેશે. એ પ્રમાણે વર્તમાનમાં લોકતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ તરફ ભારત જઈ રહ્યું છે, જે દુનિયા અનુભવી રહી છે. ભારત સાથે સ્વતંત્ર થયેલાં કેટલાક દેશોમાં લોકતંત્રને નામે તાનાશાહી આવી ગઈ અથવા લોકતંત્ર ટક્યું જ નથી. પરંતુ ભારતનું લોકતંત્ર એ હિંદુઓના લોહીમાંજ, ડીએનએમાં જ હોવાને લીધે ભારતમાં ન માત્ર લોકતંત્ર ટક્યું છે, પરંતુ તે વધુ પ્રભાવી બનતું જાય છે. અર્થાત્‌ ભારત એ માત્ર સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે એટલું જ નહીં પણ સાચા અર્થમાં લોકતંત્રની જનની છે.
 
 
 
 
- ભૂપેન્દ્ર પટેલ 
Powered By Sangraha 9.0