વ્યક્તિ ગમે તેવી મહાન હોય, તેના ચરણોમાં સ્વતંત્રતા ન ધરી દો

24 Jan 2026 15:14:42

The Trap of Political Bhakti
 

આ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક રાષ્ટ્ર થયા ને ૭૬ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ નિમિત્તે આપણે બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બાબાસાહેબ આંબેડકરના ૨૫ નવેમ્બર, ૧૯૪૯એ સંવિધાન સભામાં આપેલા પ્રવચનને વાંચવું, તેના પર ચિંતન કરવું જોઈએ અને તેને વ્યવહારમાં મૂકવું જોઈએ. આ પ્રવચન પરથી ધ્યાનમાં આવે છે કે તેઓ કેટલું લાંબું વિચારી શકતા હતા અને લોકતંત્ર પર જોખમોથી તેઓ સુપેરે પરિચિત હતા. ડૉ. બાબાસાહેબે આમ તો લાંબું પ્રવચન આપ્યું છે પરંતુ આપણે મુદ્દો કહેવો છે તે છે– ‘વ્યક્તિભક્તિ.’ ડૉ. બાબાસાહેબે એ ઉદ્‌બોધનમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘...બીજી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે તે ચેતવણીનું પાલન કરવું જે જ્હોન સ્ટુઅર્ટ મિલે લોકતંત્રની જાળવણીમાં રસ ધરાવનારા બધા લોકોને આપી છે, અર્થાત્ - પોતાની સ્વતંત્રતાને એક મહાન વ્યક્તિના ચરણોમાં પણ ન મૂકો, અથવા તેની એવી શક્તિ પર ભરોસો ન કરો, જે તેને પોતાની સંસ્થાઓને નષ્ટ કરવામાં સક્ષમ બનાવે.’ ઉલ્લેખનીય છે કે, જૉન સ્ટુઅર્ટ મિલ બ્રિટનના તત્ત્વચિંતક, રાજકારણી અને સનદી અધિકારી હતા. અને ડૉ. બાબાસાહેબે તેમને ટાંકીને પોતાના ઉદ્‌બોધનમાં ભારતીય સમાજ વ્યક્તિવાદનો શિકાર ન બને તે ચેતવણી આપી હતી. આ મુદ્દા પર વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે.
 
 
ડૉ. બાબાસાહેબે એ ઉદ્‌બોધનમાં કહેલી વાત થોડા વિસ્તારપૂર્વક જાણીએ. તેમણે એમ કહ્યું હતું કે, ‘...બીજી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે તે ચેતવણીનું પાલન કરવું જે જ્હોન સ્ટુઅર્ટ મિલે લોકતંત્રની જાળવણીમાં રસ ધરાવનારા બધા લોકોને આપી છે, અર્થાત્ - પોતાની સ્વતંત્રતાને એક મહાન વ્યક્તિના ચરણોમાં પણ ન મૂકો, અથવા તેની એવી શક્તિ પર ભરોસો ન કરો, જે તેને પોતાની સંસ્થાઓને નષ્ટ કરવામાં સક્ષમ બનાવે.’
 
બાબાસાહેબ આંબેડકર ઇતિહાસના અભ્યાસુ હતા. તેમણે આ બધો વિચાર કરીને જ આ ચેતવણી આપી હતી. સ્વતંત્રતા સમયે ગાંધીજીની આભા અને હઠ તેમણે જોઈ હતી. નહેરુની આભા, જીદ અને સત્તાલાલસાથી તેઓ પરિચિત હતા. તેમના પ્રવચનમાં ભલે તેમણે દૃષ્ટાંત આપીને ન કહ્યું હોય, પરંતુ મહાન માણસોએ આજીવન દેશની સેવા કરી હોય તો પણ તેમનાં ચરણોમાં લોકોએ પોતાની સ્વતંત્રતા ન આપવી જોઈએ તેમ તેમણે આ પરિબળોને ધ્યાનમાં રાખીને જ કહ્યું હોઈ શકે.
ગાંધીજી લોકતંત્રના પક્ષધર હતા, પરંતુ કૉંગ્રેસમાંથી સુભાષચંદ્ર બોઝને અધ્યક્ષ તરીકે કઢાવવામાં તેમની હઠ અને કુટિલતાને અવગણી શકાય તેમ નથી. દેશના વિભાજનના નિર્ણયમાં પણ લોકોની ઇચ્છા જાણ્યા વગર માત્ર પાંચ-દસ નેતાઓએ ઝીણા અને તેમના અનુયાયીઓ દ્વારા હિંસાને વશ થઈને નિર્ણય લઈ લીધો! કેટલો મોટો નરસંહાર, લાશોની લાશો અને સ્ત્રીઓ પર બળાત્કારો! લાખો લોકો રાતોરાત ગૃહવિહોણા થઈ ગયા! અને તે પછી શરણાર્થીઓની જે દશા થઈ તેની વિભીષિકા તો અલગ!
 
પાકિસ્તાનથી આવેલા હિન્દુ-શીખ શરણાર્થીઓ કડકડતી ઠંડીમાં મસ્જિદમાં આશ્રય લે તે પણ ગાંધીજીને સ્વીકાર્ય નહોતું. પાકિસ્તાને આક્રમણ કરી અડધું કાશ્મીર પચાવી પાડ્યું (તેમાંય અધિનાયક નહેરુએ સરદારની સલાહ વગર સંયુક્ત રાષ્ટ્રોમાં દોડી જઈ પાકિસ્તાનને અડધું કાશ્મીર હડપવા દીધું) તોય તેના ભાગના નીકળતા ૫૫ કરોડ તો ભારતે આપવા જ જોઈએ તેવી હઠસર ગાંધીજી તેમના જીવનના છેલ્લા ઉપવાસ પર બેઠા.
 
ગાંધીજીએ વડા પ્રધાન નક્કી કરવા માટે લોકોએ ચૂંટેલા સરદાર પટેલના બદલે નહેરુ પર કળશ ઢોળ્યો અને સરદારે તેનું મૂંગા મોઢે પાલન કર્યું, તેનું પરિણામ દેશે ઘણી બધી રીતે ભોગવવું પડ્યું. ચીને ૩૮,૦૦૦ ચો. કિ.મી. જેટલી ભારતની ભૂમિ હડપી લીધી. બલોચિસ્તાન ભારતને મળે તેમ હતું તે ન લીધું. શ્રી રામજન્મભૂમિનો મુદ્દો સ્વતંત્રતા પછી તરત જ ઉકેલાઈ જાય તેમ હતો તે ન ઉકેલાયો. સમાન નાગરિક સંહિતા ન આવી. ગાંધીજી સંત જેવું જીવન જીવતા હતા, તેમણે સ્વતંત્રતાપ્રાપ્તિમાં અમૂલ્ય યોગદાન આપ્યું અને તેમનો એક ભક્તિ માર્ગ – કલ્ટ – ગાંધીવાદ ઊભો થયો. તેઓ કહે તે પથ્થર કી લકીર જેવું દેશ માટે બની ગયું, તેનું ભારતે કેટલું મોટું મૂલ્ય ચૂકવ્યું.
 
આવું જ ઇન્દિરા ગાંધી સમયે બન્યું. ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતીય સેનાએ ધૂળ ચટાવી અને બાંગ્લાદેશ સ્વતંત્ર થયું તે પછી ઈ. સ. ૧૯૭૪ના સમયે ઈન્દિરાજીનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. ‘ઑન્લી મેન ઇન કેબિનેટ’ તેવું તેમના વિશે કહેવાતું હતું. કૉંગ્રેસ પ્રમુખ દેવકાંત બરુઆ માટે તો ‘Indira is India and India is Indira’ હતું. ફિલ્મોમાંય વિપક્ષો ચાલબાજી કરતાં બતાવાતા હતા. પરિણામ એ આવ્યું કે નવનિર્માણ આંદોલન થયું અને ઇન્દિરાને પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે ચૂંટણીમાં ગેરરીતિ બદલ દોષી જાહેર કરતાં તેમનું સંસદપદ ગયું, તેઓ ચૂંટણી લડવા અપાત્ર થયાં. અને પરિણામે દેશ કટોકટીના કાળા કાળમુખા કાળમાં ધકેલાઈ ગયો. આખો દેશ કારાગૃહ બની ગયો. વિપક્ષોના નેતાઓ તો ઠીક, કર્ણાટકનાં અભિનેત્રી સ્નેહલતા જેવાં ગણમાન્ય લોકો પણ કારાવાસમાં પૂરી દેવાયાં. અમાનવીય અત્યાચાર થયો. નસબંધી અને બીજું ઘણું બધું…
ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ સહિતની સંસ્થાઓ ઇન્દિરાજીના કહ્યા પર ચાલતી હતી. યુપીએ સરકારમાં સર્વોચ્ચ ન્યાયાલયે સીબીઆઈને પાંજરાનો પોપટ કહી હતી.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સહિતના લોકોએ લડત આપી. ઇન્દિરાજીને કટોકટી ઉઠાવી લેવી પડી. જનતાએ બીજી સ્વતંત્રતાનો અનુભવ કર્યો. પરંતુ બાબાસાહેબની આગાહી ગાંધીજી-નહેરુ પછી ઇન્દિરાજીના શબ્દોમાં પણ સાચી પડી.
એ વાત પણ એટલી જ સાચી છે કે ભારતમાં અધિનાયકો લાંબો સમય સત્તા ભોગવી શક્યા નથી. દુર્યોધન હોય કે ઔરંગઝેબ, તેમણે પોતાના વંશની ઘોર ખોદી છે. ઔરંગઝેબ પછી મોગલ વંશના શાસનના અંતનો આરંભ થઈ ગયો. અંગ્રેજો આવ્યા તો તેમનો પણ જનતાએ વિરોધ કર્યો. અંગ્રેજોની ભક્તિ કરનારા પણ ઓછા નહોતા. આજે પણ છે.
 
સૈફ અલી ખાન જેવા કલાકારો કહે છે કે અંગ્રેજો પહેલાં ભારત એક નહોતું. ઘણા કહે છે કે અંગ્રેજોએ રેલવે અને ટપાલ સેવા આપી ભારત પર ઉપકાર કર્યો છે. આ બધું અંગ્રેજોએ તેમના શાસનની સુગમતા માટે કર્યું હતું, તેનો લોકોને લાભ થયો તે આડપેદાશ છે.
 
પરંતુ બાબાસાહેબના શબ્દો શું વર્તમાન શાસનને લાગુ પડે છે? જરાય નહીં. તેનું કારણ એ છે કે વર્તમાન શાસક વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને સદાય લોકતંત્રની અગ્નિ પરીક્ષામાં તપાવ્યા છે. ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું તો ‘હું ખેડૂતોને સમજાવી ન શક્યો’ તેમ કહી ત્રણ કૃષિ કાયદા પાછા લેવામાં જરા પણ અહંકારને સ્થાન આપ્યું નહોતું. સર્વોચ્ચ ન્યાયાલયના વિધાનપાલિકામાં વારંવારના હસ્તક્ષેપ છતાં સર્વોચ્ચમાં હસ્તક્ષેપ નથી. બંધારણને નમન માત્ર ફૉટો ઑપ (ઑપૉર્ચ્યુનિટી) નથી, તેનું પાલન કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ કોઈ સત્તા ન હોવા છતાં યુપીએ સરકારના ભ્રષ્ટાચારી નેતાઓ ચૂંટણી લડી શકે તેવો કાયદો ફાડી નાખ્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે વડા પ્રધાન મનમોહનસિંહ અમેરિકા હતા, તેવી ઉદ્ધતાઈ વર્તમાન શાસનમાં નથી.
 
ભાજપમાં પક્ષપ્રમુખની ભૂમિકા સુનિશ્ચિત છે. કૉંગ્રેસમાં સોનિયા ગાંધી સત્તર વર્ષ પક્ષ અધ્યક્ષા રહ્યાં તેવું ભાજપમાં નથી. મોદી શાસનમાં રાજનાથસિંહ, પછી અમિત શાહ, તે પછી જયપ્રકાશ નડ્ડા અને હવે માત્ર ૪૫ જ વર્ષના નીતિન નબીન! કોઈએ પણ ન વિચાર્યું હોય તેવું નામ!
 
૧૪ ડિસેમ્બર, ૨૦૨૫એ રામલીલા મેદાનમાં કૉંગ્રેસની મહાસભા હતી. તેમાં રણદીપ સૂરજેવાલાએ પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને બોલવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ રાહુલ ગાંધીએ જીદ કરી કે ના, પહેલાં હું બોલીશ. અને ખડગેજી બેસી ગયા. આ છે પરિવારવાદ! આ છે વ્યક્તિની ભક્તિ! અધ્યક્ષની સ્થિતિ પગલૂછણિયા જેવી હોય છે, જ્યારે ભાજપમાં દરેક રાજ્યની ચૂંટણીના પરિણામ સમયે સાંજે થતી કાર્યકર્તાઓની સભા આખો દેશ જુએ છે કે પક્ષના અધ્યક્ષ (પહેલાં અમિત શાહ હતા ત્યારે તેઓ અને પછી નડ્ડાજી બન્યા ત્યારે તેઓ) બોલે પછી જ વડા પ્રધાન મોદીજી બોલતા હોય છે.
 
૧૯૮૨નો સમય હતો. સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થઈ ગયું હતું. રાજીવ ગાંધી પક્ષના મહામંત્રી બન્યા હતા. તે સમયે તેમને આંધ્ર પ્રદેશ જવાનું થયું. તે સમયે કૉંગ્રેસનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો. આંધ્રમાં દલિત કૉંગ્રેસી નેતા ટી. અંજૈયા મુખ્ય પ્રધાન હતા. તેમણે રાજીવ ગાંધી હૈદરાબાદના બેગમપેટ વિમાનમથકે આવે ત્યારે સ્વાગતમાં કોઈ ચૂક ન રાખી. બેન્ડવાજા સહિતની વ્યવસ્થા કરવામાં આવી. કૉંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓની ભીડ ઊમટી પડી.
 
પરંતુ આ તો રાજા હતા. અમિતાભ બચ્ચને પોતાના મિત્ર ગાંધી પરિવાર માટે કહ્યું હતું કે, “તેઓ રાજા છે અને અમે રંક છીએ.” જો સ્વાગત માટે લોકો ઉપસ્થિત ન હોય તો પણ રાજાને ખોટું લાગી શકે એટલે ટી. અંજૈયાએ ભપકાદાર સ્વાગત માટે તૈયાર કરી, પરંતુ રાજા નહોતા બન્યા તોય રાજીવ ગાંધીને તે ન ગમ્યું. ભીડની સામે જ મુખ્ય પ્રધાનને પોતાના જ પક્ષના નેતાને એવા તતડાવ્યા કે તેમાંથી જન્મ થયો તેલુગુ દેશમ્ પક્ષનો. તેલુગુ પ્રજાને અંજૈયાનું અપમાન પોતાનું અપમાન લાગ્યું. આંધ્રમાંથી કૉંગ્રેસનું શાસન ગયું.
 
આવો અનુભવ કૉંગ્રેસના નેતા હેમંત બિશ્વ શર્માને પણ થયો હતો. આસામના મુખ્ય પ્રધાન તરુણ ગોગોઈ અને રાજસ્થાનના સી. પી. જોશી સહિતના નેતાઓ રાહુલ ગાંધીને મળવા ગયા હતા. હેમંત બિશ્વ શર્માએ ‘આજ તક’ના એક કાર્યક્રમ ‘થર્ડ ડિગ્રી’માં કહ્યું હતું કે, રાહુલ ગાંધી વચ્ચે-વચ્ચે અદૃશ્ય થઈ જતા, લટાર મારવા લાગે, એ તો ઠીક, પરંતુ બિસ્કિટની ડિશ હતી તેમાં તેમનો પીદી નામનો શ્વાન બિસ્કિટ ખાય અને તેમાંથી જ કૉંગ્રેસ નેતાઓએ પણ બિસ્કિટ ખાવાના ! હેમંત બિશ્વ શર્માને આ વાત ખટકી. તેમણે ત્યાગપત્ર આપ્યો અને આસામ સહિત પૂર્વોત્તર ભારતમાંથી કૉંગ્રેસની સત્તા ગઈ.
 
એક સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા ગુલામ નબી આઝાદે પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના સચિવો, અરે સુરક્ષાકર્મીઓ પણ નિર્ણય લેતા હતા. આ સ્થિતિ કૉંગ્રેસમાં હતી.
 
જ્યારે મનમોહનસિંહજીની યુપીએ સરકાર હતી ત્યારે તેમની પણ શું દશા હતી તે હવે અજાણ્યું નથી. તે સમયના ટીવી ફૂટેજ બતાવે છે કે વિદેશી મહેમાનો – રાષ્ટ્રાધ્યક્ષો આવતા તો પહેલાં સોનિયાને મળતા. મનમોહનજી તો બાજુમાં રહી જતા. મનમોહનજીના મીડિયા સલાહકાર સંજય બારુએ ‘ધ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં સોનિયા ગાંધીએ કેબિનેટ કક્ષાની ‘રાષ્ટ્રીય સલાહકાર સમિતિ’ (એનએસી) બનાવી પોતાને વડા પ્રધાન કરતાં ઉપર રાખ્યા હતા તેની સ્પષ્ટ વાત કરેલી છે. વ્યથિત વડા પ્રધાન મનમોહને ભારત-અમેરિકા પરમાણુ સંધિ તેમજ યુપીએ-૨ના સમયમાં ભ્રષ્ટાચારનાં કૌભાંડો બહાર આવ્યાં અને રાહુલ ગાંધીએ દોષી ઠરેલા ભ્રષ્ટાચારી ધારાસભ્યો અને સાંસદોને સુરક્ષા આપતો કાયદો ફાડી નાખ્યો ત્યારે, ત્યારે ત્યાગપત્ર આપવાની તૈયારી દર્શાવી હતી.
 
રાજીવ ગાંધી જ્યારે દૂન શાળામાં ભણતા હતા ત્યારના સૌની સમૂહ છબિ પડાવવાની હતી. તે સમયે તેમની સાથે ‘ઇણ્ડિયા ટૂડે’ સમૂહના સંપાદક અરુણ પુરી પણ ભણતા હતા. તે સમયે અરુણ પુરીને સ્વાભાવિક જ નીચે બેસાડવામાં આવ્યા. તેઓ રાજીવ ગાંધીના પગ પાસે બેઠા હતા ત્યારે રાજીવ ગાંધીએ કટાક્ષ કર્યો હતો, “જુઓ, પ્રેસ (મીડિયા) મારા પગમાં આળોટે છે.”
એ જ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા ત્યારે અમેરિકાના વિકાસથી પ્રભાવિત થઈ તેઓ શહેરોનો વિકાસ કરવા માગતા હતા, પરંતુ ભારતની સ્થિતિ ખરાબ હતી. આથી આયોજન પંચના ઉપાધ્યક્ષ (એટલે કે ખરેખર તો અધ્યક્ષ કારણ કે વડા પ્રધાન પદની રીતે અધ્યક્ષ હોય છે, પરંતુ કાર્યભાર ઉપાધ્યક્ષે જ જોવાનો હોય) ડૉ. મનમોહનસિંહ તેમની સાથે સંમત નહોતા. આથી ગુસ્સે થઈ રાજીવજીએ પત્રકારો સમક્ષ આયોજન પંચમાં ‘બંચ ઑફ જૉકર’ છે તેમ કહ્યું હતું ! ભારતના નિવૃત્ત કેન્દ્રીય ગૃહ સચિવ સી. જી. સોમૈયાએ તેમના પુસ્તક ‘ધ ઑનેસ્ટ ઑલવેઝ સ્ટેન્ડ એલૉન’માં આ પ્રસંગ લખ્યો છે. સોમૈયાજીએ મનમોહનસિંહને આત્યંતિક પગલું ન ભરવા સલાહ આપી હતી અને મનમોહનજી અપમાન ગળી માની ગયા હતા !
 
આવા કિસ્સાઓ પરિવારવાદી પ્રાદેશિક પક્ષોમાં પણ જોવા મળે છે. અને આ બધાના કારણે સહન કરવું પડ્યું છે દેશે. દેશનો વિકાસ જે ગતિએ થવો જોઈતો હતો તે થયો નહીં, કારણ કે આ બધા પક્ષોમાં વ્યક્તિ પક્ષથી મોટી છે. નેતાજી જો કહે વો હી સહી તેવી નીતિ જોવા મળે છે.
 
ટ્રમ્પ નોબલ પારિતોષિક લેવા માટે હવાતિયાં મારે છે, પણ અહીંના વડાપ્રધાનોએ તો પોતાના કાર્યકાળમાં જ પોતાને ભારતરત્ન પુરસ્કાર આપી દીધેલો.
Powered By Sangraha 9.0