ભારત એક સમાજ તરીકે મહાપુરુષો માટે કૃતજ્ઞ બને, પણ સ્વતંત્રતાના ભોગે નહિ

24 Jan 2026 15:04:10

Ambedkar’s Constitutional Caution
 
 

૨૬ નવેમ્બર, ૧૯૪૯ના દિવસે, જ્યારે ભારત નવા બંધારણીય જીવનના ઉંબરે ઊભું હતું ત્યારે ડૉ. ભીમરાવ રામજી આંબેડકરે બંધારણ સભામાં આપેલું તેમનું ભાષણ ગંભીર, આત્મમંથનસભર અને વિચારપૂર્વક ચેતવણી આપતું હતું. તેમાં તેમણે રાષ્ટ્રસેવામાં જીવન અર્પણ કરનારા મહાનુભાવો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની બાબતમાં જણાવ્યું હતું કે, ‘... મહાન પુરુષો પ્રત્યે આભારી હોવું ખોટું નથી જેમણે દેશ માટે આજીવન સેવાઓ આપી છે, પરંતુ કૃતજ્ઞતાની સીમાઓ હોય છે. જેવું કે આઇરિશ દેશભક્ત ડેનિયલ ઓ’કોનેલે સારી રીતે કહ્યું છે, કોઈ પણ પુરુષ પોતાના સન્માનની કિંમત પર આભારી ન હોઈ શકે, કોઈ પણ મહિલા પોતાની પવિત્રતાની કિંમત પર આભારી ન હોઈ શકે અને કોઈ પણ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતાની કિંમત પર આભારી ન હોઈ શકે. આ ચેતવણી ભારતના મામલામાં કોઈપણ અન્ય દેશના મામલા કરતાં ક્યાંય વધુ આવશ્યક છે.’ ડૉ. બાબાસાહેબે વ્યક્ત કરેલો આ ભાવ વર્તમાન સમયમાં ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. અહીં મહાપુરુષો પ્રત્યેની કૃતજ્ઞતા અને સ્વતંત્રતા આ બંને બાબતોનું વિશ્લેષણ પ્રસ્તુત છે.
 
 
ડૉ. આંબેડકરે ઇતિહાસ ઘડવામાં મહાન પુરુષોની ભૂમિકા નકારી નથી. ઊલટું, તેમણે રાષ્ટ્રસેવામાં જીવન અર્પણ કરનાર મહાન વ્યક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી યોગ્ય છે, એવું સ્પષ્ટપણે સ્વીકાર્યું. પરંતુ તેમણે એક લક્ષ્મણરેખા ખેંચી - કૃતજ્ઞતા ક્યારેય સ્વતંત્રતાની કિંમતે ન હોવી જોઈએ. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે, જ્યારે સમાજ વ્યક્તિના ઉપકાર સામે પોતાનો આત્મવિચાર ત્યજે છે, ત્યારે તે અજાણતાં જ પોતાના ભવિષ્યને જોખમમાં મૂકે છે. જ્યારે આદર આત્મસમર્પણમાં ફેરવાય, પ્રશંસા વિચારશક્તિને મૌન બનાવી દે, અને વ્યક્તિ પ્રત્યેની નિષ્ઠા તે વ્યક્તિએ બનાવેલી સંસ્થાઓ પ્રત્યેની નિષ્ઠા રાષ્ટ્રહિત પર હાવી થઈ જાય ત્યારે લોકશાહી અંદરથી ખોખલી થવા લાગે છે.
 
તેમના ભાષણના અંતિમ ભાગમાં વ્યક્ત થયેલી આ ચેતવણી કોઈ ક્ષણિક વિચાર ન હતી; તે ભારતીય જનતાને આપેલી અંતિમ સંસ્કૃતિગત સૂચના હતી - એક એવી સૂચના, જે લોકશાહીના દીર્ઘકાલીન સંરક્ષણ માટે નાગરિક જાગૃતિને કેન્દ્રસ્થાને મૂકે છે.
 
લોકશાહીનો અદૃશ્ય શત્રુ
 
ડૉ. આંબેડકર જાણતા હતા કે, લોકશાહી માત્ર વિદેશી આક્રમણો કે હિંસક ક્રાંતિઓથી જ નષ્ટ થતી નથી. ઘણી વખત તે ધીમે ધીમે બળજબરીથી નહીં, પરંતુ ભાવનાત્મક આત્મસમર્પણથી નબળી પડે છે. લોકો પોતે જ પોતાના અધિકારો કોઈ કરિશ્માઈ નેતાના પગે મૂકી દે છે, આ માન્યતાથી કે મહાનતા હંમેશા કલ્યાણકારી જ હોય છે. આંબેડકરના મતે, આ એક ઘાતક ભ્રમ છે.
જોન ક્ચ્યુઅર્ટ મિલનો ઉલ્લેખ કરતાં તેમણે ચેતવણી આપી કે સંસ્થાઓને ખોખલી કરી શકે એવી સત્તા મહાન વ્યક્તિને પણ સોંપવી જોખમી છે. આ વિચારને તેમણે આયરિશ દેશભક્ત ડેનિયલ ઓ’કોનેલના શબ્દો દ્વારા મજબૂત બનાવ્યો, જેમણે કહ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્ર પોતાની સ્વતંત્રતાની કિંમતે કૃતજ્ઞ રહી શકતું નથી. આ માત્ર દાર્શનિક ઉદ્ધરણો નહોતાં; ભારત જેવી ભક્તિપ્રધાન સમાજરચનામાં યોગ્ય એવા નૈતિક સંકેતો હતા.
 
ડૉ. આંબેડકરની ચિંતા વિશિષ્ટ રીતે ભારતીય હતી. તેમણે નોંધ્યું કે, સ્વાતંત્ર્યપૂર્વેથી ભારતીય રાજકારણમાં વ્યક્તિપૂજાની ભૂમિકા વિશ્વના કોઈપણ દેશ કરતાં વધારે છે. ધર્મમાં ભક્તિ આત્મમોક્ષનો માર્ગ બની શકે, પરંતુ રાજકારણમાં તેમણે ચેતવ્યું ભક્તિ અનિવાર્ય રીતે અધોગતિ અને અંતે તાનાશાહીની દિશામાં લઈ જાય છે. આ ધર્મ કે આદર પર હુમલો નહોતો, પરંતુ વ્યક્તિગત આધ્યાત્મિક માર્ગ અને કુલ મળીને રાષ્ટ્રના નેતૃત્વએ અમલમાં મૂકેલા માર્ગો એ બંને વચ્ચેનો સ્પષ્ટ ભેદ હતો.
 
કૃષ્ણનો સંકેત અને અર્જુનનો નિર્ણય
 
ભારતીય સંસ્કૃતિ પોતે જ આ સિદ્ધાંતનું એક ઊંડું ઉદાહરણ આપે છે - મહાભારતમાં. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુન એક અસહ્ય નૈતિક સંકટનો સામનો કરે છે. સામે ઊભેલા છે ભીષ્મ - તેમના પિતામહ, અને દ્રોણાચાર્ય - તેમના ગુરુ: જેમને તેઓ જીવનભર કૃતજ્ઞતા, સન્માન અને પ્રેમ આપે છે. આ માત્ર વ્યક્તિગત સંબંધો નથી, પરંતુ સંસ્કાર, પરંપરા અને ગુરુપરંપરાનાં પ્રતીકો છે, જેને અર્જુન કદી નકારવા ઇચ્છતો નથી.
 
અર્જુનની અચળતા ભીરુતાનું લક્ષણ નથી; તે અંતરાત્માનો અવાજ છે. તે પ્રશ્ન કરે છે કે શું ધર્મ હંમેશા ભાવનાથી અલગ થઈ શકે? શું કર્તવ્ય વ્યક્તિગત ઋણોથી ઉપર જઈ શકે? આ સંશયમાં અર્જુન સમગ્ર માનવ સંવેદનાનો પ્રતિનિધિ બની જાય છે.
પરંતુ શ્રીકૃષ્ણ તેમને કર્તવ્યમાંથી મુક્ત નથી કરતા. તેઓ સામે ઊભેલા મહાન પુરુષોની મહાનતાને નકારતા નથી. તેના બદલે, તેઓ અર્જુન પાસેથી વધુ કઠિન માંગ કરે છે - વ્યક્તિગત આસક્તિ કરતાં ધર્મ અને ન્યાયવ્યવસ્થાના સંરક્ષણને પ્રાથમિકતા આપવાની હિંમત. કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે, ધર્મ વ્યક્તિગત લાગણીઓથી નહીં, પરંતુ સમાજના દીર્ઘકાલીન નૈતિક હિતોથી નિર્ધારિત થાય છે. કૃષ્ણ અર્જુનને દ્વેષથી નહીં, પરંતુ વિશાળ નૈતિક અને રાજકીય વ્યવસ્થા પ્રત્યેની જવાબદારીથી કાર્ય કરવાનું કહે છે.
 
આ પ્રસંગ આંબેડકરની ચેતવણીનો સનાતન મર્મ છે. કૃતજ્ઞતા ન્યાય પર હાવી થઈ શકતી નથી. આદર જવાબદારીને દબાવી શકતો નથી. જ્યારે વ્યક્તિગત નિષ્ઠા સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ઊંચી ફરજ સાથે ટકરાય ત્યારે ધર્મ અંતિમ વિકલ્પ પસંદ કરવાની હિંમત માગે છે. આ હિંમત લોકશાહી સમાજ માટે પણ એટલી જ આવશ્યક છે, જેટલી યુદ્ધભૂમિ પર અર્જુન માટે હતી.
 
વ્યક્તિત્વથી ઉપર રાષ્ટ્ર: જાપાનની શીખ
 
જાપાનની એક આધુનિક ઘટના આ વિચારને વધુ તીવ્રતાથી સ્પષ્ટ કરે છે. જ્યારે એક વિદેશીએ જાપાની વિદ્યાર્થીને પૂછ્યું કે પૃથ્વી પર સૌથી મહાન વ્યક્તિ કોણ છે, ત્યારે જવાબ તરત મળ્યો— ગૌતમ બુદ્ધ. જ્યારે પુછાયું કે કોઈ બુદ્ધ પર હુમલો કરે તો શું કરશે, વિદ્યાર્થીએ કહ્યું કે તે હુમલાખોરનું માથું કાપી નાખશે. પછી નિર્ણાયક પ્રશ્ન આવ્યો - જો બુદ્ધ પોતે જાપાન પર હુમલો કરે તો?
 
થોડા મૌન પછી જવાબ આવ્યો - ત્યારે હું બુદ્ધનું પણ માથું કાપી નાખીશ.
 
આ જવાબ અવમાનનાનો નથી; તે સિદ્ધાંતપરક રાષ્ટ્રવાદ છે. તે સ્પષ્ટ સમજ દર્શાવે છે કે કોઈપણ વ્યક્તિ કેટલીયે મહાન કે પ્રબુદ્ધ કેમ ન હોય રાષ્ટ્રથી ઉપર નથી. રાષ્ટ્ર, એક સામૂહિક નૈતિક અને સંસ્કૃતિગત એકમ તરીકે, હંમેશા વ્યક્તિગત મહાનતાથી ઉપર રહેવું જોઈએ. અહીં રાષ્ટ્ર માત્ર ભૂગોળ નથી, પરંતુ એક સંયુક્ત મૂલ્યપ્રણાલી છે, સંસ્કૃતિ છે, જેને સુરક્ષિત રાખવી દરેક નાગરિકની ફરજ છે.
 
આંબેડકરની ચેતવણી પણ આ જ નૈતિક વિશ્વમાં વસે છે. લોકશાહી નાયકપૂજાથી નહીં, પરંતુ એવા નાગરિકોથી જીવંત રહે છે, જેમને પોતાના પ્રિય વ્યક્તિત્વો વિશે પણ વિચારપૂર્વક, વિવેકપૂર્ણ અને નિર્ભય નિર્ણય કરવાની હિંમત હોય.
ભારતે વિશેષ સાવચેત રહેવું કેમ જરૂરી છે
 
આંબેડકરે આગ્રહપૂર્વક કહ્યું કે, આ ચેતવણી ભારત માટે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ આવશ્યક છે. સદીઓથી ચાલતી સ્તરવ્યવસ્થા, ભક્તિ અને વ્યક્તિકેન્દ્રિત સત્તાએ ભારતીય સમાજને સ્વાભાવિક રીતે સંવેદનશીલ બનાવ્યો છે. અહીં સત્તા પ્રત્યેનો આદર ઘણીવાર વિચારશક્તિ કરતાં વધુ પ્રબળ બન્યો છે, અને પરંપરાએ પ્રશ્ન કરતાં અનુસરણને પ્રાધાન્ય આપ્યું છે. પરિણામે સ્વતંત્ર નાગરિક બનવાની પ્રક્રિયા સરળ નથી. પ્રજામાંથી નાગરિક બનવાનું પરિવર્તન માત્ર કાનૂની નથી; તે માનસિક અને નૈતિક પણ છે. આ પરિવર્તનમાં વ્યક્તિએ પોતાની સમજ, વિવેક અને જવાબદારીને સક્રિય રાખવી પડે છે, જે લોકશાહીનો સાચો આધાર છે.
 
બંધારણ સંસ્થાઓ સ્થાપી શકે છે, પરંતુ નાગરિક ગુણધર્મો ઊભા કરી શકતું નથી. જો નાગરિકો વિચારશક્તિ છોડીને ભાવનાત્મક નિષ્ઠા સ્વીકારી લે તો બંધારણીય લોકશાહી દેખાવમાં જીવંત રહી શકે, પરંતુ સાર ગુમાવી બેસે છે. ચૂંટણીઓ થતી રહેશે, કાયદા રહેશે, પરંતુ સ્વતંત્રતા સિદ્ધાંતો દ્વારા નહીં વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી શરતી ભેટ બની જશે. આવી સ્થિતિમાં લોકશાહી અધિકાર નહીં, પરંતુ કૃપા સમાન બની જાય છે.
 
આંબેડકર આ જ પરિણામથી ભયભીત હતા - સ્વરૂપમાં લોકશાહી, હકીકતમાં તાનાશાહી..!
 
બંધન વિના કૃતજ્ઞતા
 
આંબેડકર શું કહી રહ્યા નહોતા, તે સ્પષ્ટ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેઓ ક્યારેય નિરાશાવાદ, અકૃતજ્ઞતા કે નેતૃત્વના ઇનકારની વાત કરતા નહોતા. તેમણે ઇતિહાસમાં મહાન વ્યક્તિઓની પરિવર્તનકારી ભૂમિકા સ્વીકારી, પરંતુ તેમણે સમાજ પાસેથી પરિપક્વતા માગી - આદર અને આત્મસમર્પણ વચ્ચેનો ભેદ સમજવાની પરિપક્વતા.
 
મહાન પુરુષો પ્રત્યેનો સાચો આદર અંધ અનુસરણમાં નહીં, પરંતુ તેમણે જે મૂલ્યોની વાત કરી હતી. તેના પ્રત્યેની નિષ્ઠામાં છે. જે રાષ્ટ્ર વ્યક્તિઓને સંસ્થાઓથી ઉપર રાખે છે, તે અંતે બંનેનું અપમાન કરે છે. સંસ્થાઓ નબળી પડે છે અને વ્યક્તિ પણ અયોગ્ય ભાર હેઠળ દેવત્વના કોટમાં બંધાઈ જાય છે.
 
નિયંત્રણ વિનાની કૃતજ્ઞતા બંધન બની શકે છે. વિચારો વિના આદર દાસ્ય બની શકે છે. આંબેડકરની ચેતવણી મહાનતાને સ્વીકારતા છતાં નૈતિક સ્વાયત્તતા જાળવવાની અપીલ હતી.
 
રાષ્ટ્ર પ્રથમ : સૌથી કઠિન અનુશાસન
 
‘રાષ્ટ્ર પ્રથમ’નો ઉલ્લેખ ઘણી વખત સહેલાઈથી થાય છે, પરંતુ આંબેડકરનો વિચાર દર્શાવે છે કે તે કેટલો કઠિન સિદ્ધાંત છે. રાષ્ટ્ર પ્રથમનો અર્થ વિચારવિહીન અનુસરણ નથી, કે ભાવનાત્મક સૂત્રોચ્ચાર નથી. તેનો અર્થ છે - વ્યક્તિગત નિષ્ઠા કરતાં બંધારણીય નૈતિકતા, સંસ્થાગત અખંડિતતા અને સામૂહિક સ્વતંત્રતાને પ્રાથમિકતા આપવાની તૈયારી.
 
આ શિસ્તની કસોટી ત્યારે નથી થતી જ્યારે રાષ્ટ્ર આપણી પસંદગી સાથે સહમત હોય; તે ત્યારે થાય છે જ્યારે રાષ્ટ્ર સંયમ, અસહમતી અથવા આપણને ગમતી વ્યક્તિ સામે ઊભા રહેવાની માંગ કરે. સાચી રાષ્ટ્રનિષ્ઠા ઘણી વખત અસુવિધાજનક પણ બની શકે છે. કુરુક્ષેત્રમાં અર્જુને જે શીખ્યું. અને જાપાનની ઘટનામાં જે દેખાય છે - ક્યારેક સર્વોચ્ચ નિષ્ઠા પોતાની જ આસક્તિઓની સામે ઊભા રહેવામાં હોય છે.
 
આંબેડકરની અંતિમ બંધારણીય સૂચના
 
આંબેડકરના અંતિમ વિચારો નિરાશાજનક નહોતા; તેઓ રક્ષણાત્મક હતા. તેમણે સમજ્યું કે, સ્વતંત્રતાએ વિદેશી શાસકોને દોષ આપવાનું બહાનું દૂર કરી દીધું છે. હવે સ્વતંત્રતાની રક્ષા કરવાની જવાબદારી સંપૂર્ણપણે ભારતીયો પર જ હતી.
તેથી વ્યક્તિપૂજા સામેની તેમની ચેતવણી માત્ર રાજકીય સલાહ નહોતી; તે એક બંધારણીય નૈતિકતા હતી. લોકશાહી, તેમના મતે, ત્યારે જ ટકી શકે જ્યારે નાગરિકો મહાનતમ વ્યક્તિ સામે પણ પોતાની સ્વતંત્રતા તેમના પગે મૂકવાનું ઇનકાર કરે.
 
સ્વતંત્રતાની રક્ષા કરવાની હિંમત
 
ભારત પોતાના મહાન પુરુષો પ્રત્યે ઋણી છે. પરંતુ, જેમ ડૉ. આંબેડકરે પ્રજાસત્તાક ભારતના જન્મની પૂર્વસંધ્યાએ યાદ અપાવ્યું - આ ઋણ સ્વતંત્રતાની કિંમતે ક્યારેય ચૂકવવું ન જોઈએ.
 
સંસ્કૃતિઓ નાયકો ઉત્પન્ન કરે એટલે ટકતી નથી; તે ટકે છે કારણ કે, તે એવા નાગરિકો ઉત્પન્ન કરે છે, જે નાયકોનો આદર રાખીને નાગરિકોના ચરણે સ્વતંત્રતાનું સમર્પણ કરતા નથી. કૃતજ્ઞતા સાથે જાગૃતિ હોવી જોઈએ. આદર સાથે વિચારશક્તિ હોવી જોઈએ.
 
ડૉ. આંબેડકરની ચેતવણી ભારતીય સમાજ સામે રાખાયેલું એક બંધારણીય દર્પણ છે. જો આપણે સાચા અર્થમાં મુક્ત રહેવા માગતા હોઈએ, તો તેમના શબ્દો યાદ રાખવા જ પડશે: મહાન પુરુષો પ્રત્યે કૃતજ્ઞ રહો, પરંતુ અંતિમ નિષ્ઠા માત્ર સ્વતંત્રતા પ્રત્યે રાખો કારણ કે તે જ એક સ્વતંત્ર લોકશાહીનો ધબકાર અને રાષ્ટ્રની ઉન્નતિનો આધાર છે.
 
અંતે, કોઈ વ્યક્તિ વિશેષ માટેની કૃતજ્ઞતા રાષ્ટ્ર માટે કૃતઘ્નતા સિદ્ધ ના થાય તેની પુરી તકેદારી રાખવી એ અતિ વિશિષ્ટ નાગરિક ધર્મ છે.
 
 
- કુલદીપ  લોહાણા 
 
 
Powered By Sangraha 9.0