એ લોકોની ગદ્દારીથી ચિંતિત હતા ડૉ. આંબેડકરજી...

24 Jan 2026 16:17:15


baba
 
 

૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં આપેલા પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ‘...ભારતે ફક્ત એકવાર પોતાની સ્વતંત્રતા નથી ગુમાવી, પરંતુ પહેલાં પોતાના જ કેટલાંક લોકોની બેવફાઈ અને વિશ્વાસઘાતને કારણે પણ તેણે આ સ્વતંત્રતા ગુમાવી દીધી છે. મુહમ્મદ-બિન-કાસિમ દ્વારા સિંધ પર આક્રમણમાં, રાજા દાહિરના સૈન્ય કમાન્ડરોએ મુહમ્મદ-બિન-કાસિમના એજન્ટો પાસેથી લાંચ સ્વીકારી અને પોતાના રાજાની તરફેણમાં લડવાનો ઇનકાર કરી દીધો... એ જયચંદ હતો જેણે મુહમ્મદ ઘોરીને ભારત પર આક્રમણ કરવા અને પૃથ્વીરાજની વિરુદ્ધ લડવા માટે આમંત્રિત કર્યો અને તેને પોતાની અને સોલંકી રાજાઓની મદદનું વચન આપ્યું... જ્યારે શિવાજી હિંદુઓની મુક્તિ માટે લડી રહ્યા હતા, ત્યારે અન્ય મરાઠા રઈસો અને રાજપૂત રાજાઓ મુઘલ સમ્રાટોની તરફેણમાં લડાઈ લડી રહ્યા હતા... જ્યારે અંગ્રેજો શીખ શાસકોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના મુખ્ય કમાન્ડર ગુલાબસિંહ ચૂપચાપ બેસી રહ્યા અને શીખ સામ્રાજ્યને બચાવવામાં મદદ ન કરી... ૧૮૫૭માં, જ્યારે ભારતના એક મોટા હિસ્સાએ અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઈ જાહેર કરી દીધી હતી, ત્યારે શીખ ઊભા રહીને એક મૂકદર્શક તરીકે ઘટનાને જોઈ રહ્યા હતા...’ અર્થાત્‌ ભારત પરતંત્ર થયું તેનું કારણ કેટલાક લોકોનો વિશ્વાસઘાત છે. વિશ્વાસઘાતના આવા કેટલાક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે.
 
 
ભારતની સ્વતંત્રતાના ભવિષ્ય વિશે ચિંતા કરતાં પોતાના હૃદયની વ્યથાને પ્રસ્તુત કરતાં ઉપરોક્ત જે શબ્દોનું ચયન ડૉ. બાબાસાહેબે કર્યું છે તે શબ્દોમાં ભારતના પુત્રવત્‌ સમાજ માટે ચિંતનના વિષયની સાથે સાથે રાષ્ટ્રની સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખવા જરૂરી એવા રાષ્ટ્રીય ચારિત્ર વિશે વિવેક અને સમજદારીયુક્ત રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવવાનું માર્ગદર્શન છુપાયેલ છે.
ડો. બાબાસાહેબના ઉપરોક્ત કથનમાં પ્રયોજાયેલ શબ્દાવલી જેવી કે ૧) ભારત પહેલાં સ્વતંત્ર હતું, ૨) દેશના કેટલાક…લોકો, ૩) વિશ્વાસઘાત કરવાવાળા અને અપ્રામાણિક લોકો અને ૪) ભારતે..સ્વતંત્રતા ગુમાવી, આ ચારેય તથ્યો પર સૌએ નિત્ય નિરંતર ગહન ચિંતન-મનન કરી સદૈવ સ્મૃતિમાં રાખવાની આવશ્યકતા છે.
 
આપણે સૌ જાણીએ છીએ કે યુગો યુગોથી ભારત એક રાષ્ટ્ર છે અને પ્રાચીન રાષ્ટ્ર છે. હજારો વર્ષ પૂર્વ આપણું વૈભવ તેમજ પરાક્રમ ઉચ્ચ સ્તરે હતું અને ભારત વિશ્વગુરુ પદે શોભાયમાન હતું. પરંતુ કાળક્રમે ભારતે સ્વતંત્રતા ગુમાવવી પડી. ભારતે જે સ્વતંત્રતા ગુમાવવી પડી તેના પાછળ ભારતના પુત્રવત્‌ સમાજના જ કેટલાક લોકો કારણભૂત હતા. વિશ્વના દરેક આઘાતનો જડબાતોડ ઉત્તર આપવામાં ભારત સક્ષમ હતું અને આજે પણ છે, પણ આ કેટલાક લોકો વિશે સમાજે વિચારવાની આવશ્યકતા છે. વારંવાર કહેવાઈ રહેલ આ કેટલાક લોકો એટલે કેવા લોકો? તે એવા લોકો કે જેમનામાં વિશ્વાસઘાત અને અપ્રામાણિકતા રૂપી અવગુણો છે અને તેવા જ લોકોએ વ્યક્તિગત લોભ-લાલચ-ઈર્ષા-અભિમાન-અહંકાર-સ્વાર્થ-અપેક્ષા-આકાંક્ષા ખાતર રાષ્ટ્ર અને ભારતના પુત્રવત્‌ સમાજના સુખ અને સુરક્ષાને કલ્પના ન કરી શકીએ એવી મોટી હાનિ પહોંચાડી છે અને પરિણામસ્વરૂપ આપણા રાષ્ટ્રએ સ્વતંત્રતા ગુમાવવી પડી હતી.
 
ભારતીય ઇતિહાસમાં આવા વિશ્વાસઘાતીઓ અને અપ્રામાણિકો દ્વારા ઘટિત રાષ્ટ્રને હાનિ પહોંચાડતી ઘટનાઓ, જેનો ડૉ. બાબાસાહેબે ઉલ્લેખ કરેલ છે તેને જાણવી અને સમજવી તેમજ રાષ્ટ્રહિતાર્થ તેનું સમ્યક્ મૂલ્યાંકન કરી તેમાંથી બોધપાઠ ગ્રહણ કરી રાષ્ટ્રની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવા પ્રામાણિક પ્રયાસ કરતા રહેવું એ આપણું નાગરિક કર્તવ્ય છે.
 
ઈતિહાસમાં નિર્માણ પામેલ આ દુ:ખદ ઘટનાઓને જાણીએ...
 
ભારતના સિંધ પ્રદેશમાં દાહિર નામના વૈદિક ધર્માભિમાની બ્રાહ્મણ રાજકુળના રાજાનું શાસન ચાલતું હતું. વર્ષ ૭૧૧માં અરબ મુસલમાન સેનાપતિ મુહમ્મદ બિન કાસીમ સિંધ પર આક્રમણ કરી દેવલ નામનું મહત્ત્વપૂર્ણ સિંધુદ્વાર જીતી લે છે. જ્યારે દેવલ સિંધુદ્વાર પર મુસલમાનોનો અધિકાર થઈ ગયો છે એવી જાણકારી મળતાં જ રાજા દાહિર સ્વયં પોતાની સમગ્ર સેનાને તૈયાર કરી મુસલમાનો સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ઊતરવાનો નિર્ણય કરે છે. પરંતુ દાહિર રાજાના સૈનિક અધિકારીઓએ મુહમ્મદ બિન કાસીમના દૂતો પાસેથી લાંચ લીધી અને પોતાના રાજ્ય વતી લડવાનો અસ્વીકાર કર્યો. આવી વિપરીત સ્થિતિમાં પણ રાજા દાહિર સ્વયં ધૈર્ય રાખી હાથી પર આરુઢ થઈ રણનું સંચાલન કરતા યુદ્ધમેદાનમાં ઉતરે છે. બ્રાહ્મણાબાદમાં મુસલમાન અને હિન્દુઓની મુખ્ય સેનાઓનો પરસ્પર સામનો થાય છે. અત્યંત શૂરવીરતા સાથે યુદ્ધ કરતાં કરતાં રાજા દાહિર વીરગતિને પામે છે.
 
મુસ્લિમ ઇતિહાસ-લેખકો આ આક્રમણનો વૃતાંત લખતાં જણાવે છે કે સિંધ પ્રાંતને જીતતા સમયે મુસ્લિમ સેનાપતિને દુર્ગમ માર્ગ દેખાડી, અરબસેનાને અન્ન પુરવઠો પહોંચાડી રાજા દાહિરના વિષયમાં ગુપ્ત રૂપથી સમાચાર પહોંચાડનાર ભારતના જ લોકોના કારણે પરિણામ એ આવે છે? મુસ્લિમ સેના નગરમાં ઘૂસી જાય છે. રાણી સહિત હજારો મહિલાઓ, હિંદુ વીરાંગનાઓને પ્રચંડ અગ્નિમાં કૂદી જૌહર કરી પોતાના પ્રાણની આહૂતિ આપવી પડે છે. મુહમ્મદ બિન કાસીમ સમસ્ત પરાજિત સૈનિકો અને નાગરિકોનો વધ કરે છે.
 
ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશની વીરાંગના રાણી નાયિકાદેવીએ વર્ષ ૧૧૭૮માં ગુજરાત પર આક્રમણ કરનાર મુહમ્મદ ગોરીને હિન્દુ રાજાઓ અને હિન્દુ સેના સાથે આબુ પર્વત વિસ્તારમાં ઘેરી, તેને યુદ્ધમાં હરાવી ભારતની બહાર ખદેડી મૂકે છે. ૧૩ વર્ષ બાદ એટલે કે વર્ષ ૧૧૯૧માં મુહમ્મદ ગોરી હિન્દુસ્થાન પર પુનઃ આક્રમણ કરે છે અને ઈન્દ્રપ્રસ્થ (દિલ્હી) સિંહાસનાધીશ્વર પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યમાં ઘૂસે છે. પૃથ્વીરાજ ચૌહાણ તેને પરાસ્ત કરે છે અને ‘હું ફરી હિન્દુસ્થાન પર આક્રમણ નહીં કરું’ આવું વચન મુહમ્મદ ગોરી દ્વારા આપવામાં આવતાં તેને છોડી મૂકે છે. અનેક આક્રમણો બાદ મુહમ્મદ ગોરી વર્ષ ૧૧૯૩માં મુસલમાનોની વિશાળ સેના સાથે પૃથ્વીરાજ પર પુનઃ આક્રમણ કરવાનું સાહસ એટલા માટે કરે છે કે પૃથ્વીરાજથી વેર રાખવાવાળા કનૌજના રાજા જયચંદે ગોરીને પૃથ્વીરાજની વિરુદ્ધ સહાયતા આપવાનું ગુપ્ત અને આત્મઘાતી આશ્વાસન આપ્યું હતું. મુહમ્મદ ગોરી વિરુદ્ધના આ યુદ્ધમાં રાજપૂતોના અનેક યોદ્ધાઓ તથા રાજાઓ સહિત પૃથ્વીરાજ મૃત્યુ પામે છે અને ઇંદ્રપ્રસ્થનું હિન્દુ સિંહાસન નષ્ટ થાય છે. આ યુદ્ધ બાદ ગોરીની સેના દિલ્હી નગરમાં પહોંચી હિન્દુ નાગરિકોને લૂંટી, તેમનો વધ કરે છે અને ઘરોને આગ લગાડે છે. હજારો માતા-બહેનો ‘જય હર’ જૌહર કરી મૃત્યુને ભેટે છે. વર્ષ ૧૧૯૫માં મુહમ્મદ ગોરી પોતાના વિશ્વાસપાત્ર ગુલામ કુતબુદ્દીન ઐબક સાથે રાજા જયચંદની રાજધાની કનૌજ પર પણ હુમલો કરે છે. આ યુદ્ધમાં જયચંદ પણ માર્યો જાય છે.
 
ઇન્દ્રપ્રસ્થમાં પૃથ્વીરાજ ચૌહાણના પતન બાદ કોઈપણ હિન્દુ રાજાના હૃદયમાં પુનઃ ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) પર અધિકાર પ્રાપ્ત કરવાની કલ્પના પણ નથી આવતી તેવી પરિસ્થિતિમાં ૧૩ વર્ષના શિવાજી રોહિડેશ્વરના સ્વયંભૂ શિવલિંગ સમક્ષ મિત્રમંડળી સાથે ‘હિન્દવી સ્વરાજ્ય’ સ્થાપિત કરવાના સોગંદ લે છે. આ સોગંદને પરિપૂર્ણ કરવા અને હિન્દુઓની મુક્તિના પવિત્ર ઉદ્દેશ્ય સાથે શિવાજી મહારાજ અનેક ધર્મયુદ્ધ લડે છે, પરંતુ શિવાજી મહારાજના સમાજહિત-રાષ્ટ્રહિતના આ પવિત્ર કાર્ય વિરુદ્ધ ખંડોજી ખોપડે, ચંદ્રરાવ મોરે, સૂર્યરાવ સર્વે, જશવંતરાવ પાલવણીકર, વંકોજી રાજે, પોતાને પ્રભુ શ્રી રામચંદ્રનો વંશજ કહેવરાવતા જયપુરના મિર્જા રાજા જયસિંહ તેમજ અનેક રાજપૂત અને મરાઠા સરદારો અને રાજાઓ મુગલોને સહયોગ કરી મુગલ સમ્રાટો તરફે રહી યુદ્ધ લડે છે. આવા દરેક યુદ્ધના અંતે બંને પક્ષે હિન્દુઓનો જ નાશ થતો હતો.
 
મહારાજા રણજીતસિંહ એટલે શીખ સામ્રાજ્યના પ્રથમ મહારાજા કે જેમને ‘શેર-એ-પંજાબ’ નામથી ઓળખવામાં આવે છે. તેઓશ્રીએ ‘શીખ ખાલસા સેના - સરબત ખાલસા’ નિર્માણ કરી અફઘાનોને પરાસ્ત કરી પેશાવર સહિત પશ્તૂન ક્ષેત્ર પર પોતાનો અધિકાર સ્થાપિત કરેલ. ભારતના મોટાભાગના ક્ષેત્ર પર કબજો કરનાર અંગ્રેજો પણ મહારાજા રણજીતસિંહ જીવિત રહ્યા ત્યાં સુધી તેમના સામ્રાજ્ય નજીક ફરકી પણ શક્યા નહોતા. પરંતુ મહારાજાના નિધનનાં ૬ વર્ષ બાદ શીખો અને અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ પ્રારંભ થાય છે. શીખ સામ્રાજ્ય વિરુદ્ધના આ યુદ્ધ દરમિયાન પ્રમુખ સેનાપતિ ગુલાબસિંહ ‘અંગ્રેજોએ સંધિનું ઉલ્લંઘન કર્યું નથી’, ‘મને રાણી દ્વારા બોલાવવામાં આવ્યો નથી’ તેમ કહી તેઓ તીર્થયાત્રા પર નીકળી જઈ યુદ્ધમાં સંમિલિત ન થયા. ટૂંકમાં તેઓ ચૂપ બેસી રહ્યા.
 
પંજાબ પર આક્રમણનો ઉદ્દેશ્ય જણાવતો ૧૮ ફેબ્રુઆરી, ૧૮૪૬એ તત્કાલીન ગવર્નર જનરલ દ્વારા મહારાણી વિક્ટોરિયાને લખેલ પત્ર જોઈએ તો એટલું સ્પષ્ટ થાય છે કે ૧. શીખ સામ્રાજ્યને કમજોર કરવું અને ૨. આ પ્રક્રિયામાં કાશ્મીર અને પહાડી પ્રદેશને પંજાબથી અલગ કરી આપણા સ્વામીભક્ત ગુલાબસિંહને સોંપી દેવું.
 
આ ઘટનાક્રમનું અંતે પરિણામ એ આવ્યું કે, આપણી શીખ સેનાનો ફેબ્રુઆરી ૧૮૪૬માં પરાજય થયો અને જે રાજ્ય નજીક અંગ્રેજો ક્યારેય ફરકી પણ શકતા નહોતા, તે પંજાબ રાજ્ય પર અંગ્રેજ કર્નલ હેનરી લૉરેન્સનું શાસન આવી ગયું.
 
ડૉ. આંબેડકરજીના આપેલા ઉપરોક્ત ઉદાહરણોથી એટલું ફલિત થાય છે કે, આપણી અવનીતિ અને સમયે સમયે નિર્માણ થયેલ પરતંત્રતાનું કારણ ભારતવર્ષ પર વિદેશીઓ દ્વારા થતા આક્રમણો દરમ્યાન ભારતના ભારતથી ભટકી ગયેલ લોકોએ લોભ-લાલચ-ઈર્ષા-અભિમાન-અહંકાર-સ્વાર્થ-અપેક્ષા-આકાંક્ષા ખાતર વિશ્વાસઘાત કરીને શત્રુ સાથે હાથ મિલાવી દીધા હતા, તે હતું.
 
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે સંપૂર્ણ હિન્દુ સમાજ રાષ્ટ્રત્વ અને રાષ્ટ્રધર્મને સમર્પિત હતા ત્યારે હિન્દુસ્થાને શક-હૂણ જેવા અનેક બર્બર આક્રમણકારીઓને પરાસ્ત કરી દીધેલા અને બધા જ પ્રકારના વૈભવનું નિર્માણ કરી આપણે વિશ્વગુરુ પદે બિરાજમાન હતા.
 
રાષ્ટ્ર સંબંધિત નીરક્ષીર વિવેક અને સમજદારી સાથે કોણ આપણા છે અને કોણ રાષ્ટ્રવિરોધી છે? એટલે કે શત્રુ-મિત્ર ભાવનો સમ્યક્‌ નિર્ણય કરી રાષ્ટ્રને પ્રથમ રાખી ભારતનો પ્રત્યેક વ્યક્તિ તે અનુરૂપ આચરણ અને વ્યવહાર કરી રાષ્ટ્ર-સમાજ વિરોધી તાકાતોને વ્યક્તિગત અને સામૂહિક રીતે પરાસ્ત કરે તે અપેક્ષિત છે અને તે થકી જ આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાને આપણે અક્ષુણ્ય રાખી શકીશું.
- ડૉ. મહેશ ચૌહાણ
 
***
 
(સંદર્ભ : (૧) પુસ્તક: ‘કશ્મીરનામા ઇતિહાસ ઔર સમકાલ’ લે. અશોકકુમાર પાણ્ડેય (૨) પુસ્તક: ‘છ સ્વર્ણિમ પૃષ્ઠ’
લે. વિનાયક દામોદર સાવરકર (૩) પુસ્તક: ‘હિંદુ વિજય-યુગ પ્રવર્તક’ લે. હો. વે. શેષાદ્રિ)
 
 
Powered By Sangraha 9.0