પ્રાચીનકાળમાં ભારતમાં અનેક નાનાં રાજ્યો અને ગણરાજ્યો હતાં. જ્યારે ભગવાન બુદ્ધ ઉપદેશનો પ્રસાર કરી રહ્યા હતા, તે સમયે મગધના રાજા અજાતશત્રુ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માંગતા હતા. તેમની નજર ખૂબ જ શક્તિશાળી વજ્જિ સંઘ પર હતી, જેના પર વૈશાલીના લિચ્છવી પ્રમુખ તરીકે શાસનની ધૂરા સંભાળતા હતા. વજ્જિ સંઘ એક પ્રજાસત્તાક વ્યવસ્થા પર ચાલતું હતું. રાજા અજાતશત્રુએ વજ્જિ સંઘને કેવી રીતે હરાવી શકાય એ અંગે જાણવા માટે પોતાના મંત્રી વસ્સકારને ભગવાન બુદ્ધ પાસે મોકલ્યો.
ભગવાન બુદ્ધ અહિંસામાં માનતા હતા અને અજાતશત્રુની વિસ્તારવાદની ભૂખ પણ જાણતા હતા. અજાતશત્રુની એ ભૂખને કાયમ માટે નષ્ટ કરી દેવા ભગવાન બુદ્ધે સંવાદ છેડ્યો અને મંત્રીને કહ્યું, ‘શું વજ્જિ સંઘના સદસ્ય નિયમિત રૂપે મળે છે, મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરે છે અને સામૂહિકરૂપે નિર્ણયો લે છે?’
મંત્રીએ જવાબ આપ્યો, ‘બિલકુલ તેઓ એવું જ કરે છે, જેમ આપે હાલ પૂછ્યું.’
ત્યારબાદ ભગવાન બુદ્ધે કહ્યું, ‘જ્યાં સુધી વજ્જિ સંઘના લોકો નિયમિત સભાઓ કરતા રહેશે, સામૂહિક ચર્ચા-વિચારણા બાદ નિર્ણયો લેતા રહેશે અને પોતાના બનાવેલા નિયમોનું પાલન કરતા રહેશે, ત્યાં સુધી તેમને હરાવવા અસંભવ છે.’
ભગવાન બુદ્ધના આ ઉપદેશ બાદ રાજા અજાતશત્રુ સમજી ગયા કે, એકતા અને લોકતાંત્રિક પ્રક્રિયા જ કોઈપણ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ હોય છે. સમાજના તમામ વર્ગો સંઘના સદસ્યો તરીકે પ્રતિનિધિત્વ ધરાવતા હોય તેવું સુદૃઢ સામાજિક લોકતંત્ર એ જ સાચું લોકતંત્ર! આવા પ્રજાસત્તાક રાજ્યને કોઈ જ હરાવી શકતું નથી.