ડૉ. આંબેડકરજીનું જીવન સ્વયં સમાજના કટુતાપૂર્ણ પ્રશ્નોનો અતિ સરળતાપૂર્ણ ઉત્તર છે. આ વિરાટ વિલક્ષણ વિભૂતિના વિવિધઆયામી વ્યક્તિત્વના કેન્દ્રમાં નહોતું પદ, નહોતો પૈતૃક વારસો કે નહોતા પૈસા, હતું એક માત્ર કર્તવ્ય- રાષ્ટ્રના સંપૂર્ણ સમાજની ભલાઈનું! જીવન સંઘર્ષમય હતું, તેમને શત્રુ માનનારા સંખ્યાબંધ હતા, પણ.. હા, એમને કોઈની સામે શત્રુતા ન હતી.
આ વિશેષાંક; ડૉ. આંબેડકરજીએ સંવિધાન સભામાં ૧૯૪૯ની ૨૫મી નવેમ્બરે કરેલ ઉદ્બોધનના ઉત્તરાર્ધમાં વ્યક્ત કરેલા અતિ મૂલ્યવાન વિચારો પરનો છે. આ ઉદ્બોધન વાસ્તવમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનું તેમના હૃદયના ઉંડાણેથી ઉમટેલું અતિ વ્યાવહારિક દિશાદર્શન છે, જે અંતર્ગત તેઓશ્રી દ્વારા વ્યક્ત થયેલા મુદ્દા જેવા કે..
૧) ભારત સ્વતંત્રતા ગુમાવી દેશે? ૨) ભારત અગાઉથી જ હતો સ્વતંત્ર દેશ, ૩) ભારતની પરતંત્રતાનું કારણ ગદ્દારી, ૪) રાજકીય પક્ષોથી નવા ભેદો ઉભા થશે, ૫) ભારત અગાઉ પણ લોકતાંત્રિક હતું, ૬) લોકશાહી તાનાશાહીમાં ફેરવાય તેવાં ભયસ્થાનો, ૭) સંવૈધાનિક સિવાયના ઉપાયો ત્યાજ્ય, ૮) વ્યક્તિવાદનો ભય ૯) કૃતજ્ઞતા જરૂરી, પણ સ્વતંત્રના ભોગે નહીં, ૧૦) હવે બસ માત્ર નાગરિકધર્મ, ૧૧) સામાજિક લોકતંત્ર અનિવાર્ય, ૧૨) બંધુત્વ વિના બધું બેકાર, ૧૩) ભારત, અનન્ય ભાવે ‘એક રાષ્ટ્ર’, ૧૪) એકાધિકારથી મુક્તિ, ૧૫) દાયિત્વના નિર્વહન માટે ઉત્સાહી રહો અને ૧૬) અંતિમસૂત્ર- આ બધું ‘લોકો માટે’ છે, એવા કુલ ૧૬ મુદ્દાઓને તારવીને; એ દરેક મુદ્દો તેઓએ ( ...ક્યાંક એક સાધકની અનુભૂતિ સ્વરૂપે, ક્યાંક એક સંસ્કૃતિસંવાહકની શ્રદ્ધા સ્વરૂપે, ક્યાંક એક દીર્ઘદૃષ્ટાએ કરેલ સંકેત સ્વરૂપે તો ક્યાંક એક વિચક્ષણ રાજપુરૂષની નજરની સામે આપણા ભાવિ પર તોળાઈ રહેલા ભયમાંથી જન્મેલી ચિંતા સ્વરૂપે ) આપણી સામે મૂકેલ છે. આ પ્રત્યેક મુદ્દે એક-એક એમ કુલ ૧૬ લેખોને ક્રમબદ્ધ રીતે સાંપ્રત મનન-મંથન-ચિંતન સાથે રજૂ કરવાનો અહીં એક વિચારયજ્ઞ ધધક્યો છે, જેમાં આપ સૌની આહૂતિઓ તેને વધુ પ્રદિપ્ત બનાવશે તેવી આશા છે.
આ ઉદ્બોધન વખતે નેતૃત્વ કરી રહેલા સત્તાધારીઓનો નખશીખ પરિચય ડૉ. આંબેડકરજીને હતો. કદાચ તેથી જ કેટલીક આશંકા તેમને ગંભીરતાથી પજવતી હશે. ગાંધીજીએ એક વાર કહ્યું હતું કે, ‘જવાહર ઈચ્છે કે અંગ્રેજો વિદાય થાય, પરંતુ અંગ્રેજિયત રહેવી જોઈએ. મારે જોઈએ છે કે, અંગ્રેજિયત જવી જોઈએ, પરંતુ અંગ્રેજો આપણા મિત્ર બનીને રહે’. જ્યારે આવી પીડાજનક સચ્ચાઈ નજરની સામે તરવરતી હોય તો શું ડૉ. આંબેડકરજી ચૂપ રહી શકે?
કુલ મળીને ડો. આંબેડકરજીએ ભલે ભારતને અને તે વખતના નેતૃત્વની માનસિકતાને નજર સમક્ષ રાખીને ૨૫મી નવેમ્બરે દિશાદર્શન કર્યું હોય, પણ વાસ્તવમાં ત્યારે વ્યક્ત થયેલા વિચારો એ વિશ્વના બધા જ લોકતાંત્રિક દેશો માટે સદા-સર્વદા દિશાદર્શનરૂપ છે.
૧૯૪૯ના ૨૫ નવેમ્બરના આ ઉદ્બોધનનો આ ઉત્તરાર્ધ ઐતિહાસિક પણ છે કેમ કે, એ ઉદ્બોધન સાથે આપણું સંવિધાન રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું, જેને ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ભારતે અંગીકૃત કર્યું અને આપણે એક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયા. “આપણે ભારતના લોકો” શબ્દોથી શરૂ થતા આપણા સંવિધાનના કેન્દ્રમાં લોકો એટલે કે જન-જન એટલે કે રાષ્ટ્રીય સમાજ છે, આ સમાજ જ્યારે થોડો પણ ઉદાસીન બને છે ત્યારે લોકતંત્ર ખોરવાય છે. ઉદાસીન સમાજ ખામોશ બની જાય છે. આ ખામોશી ‘તટસ્થતા’માં ખપશે તેવી માનસિકતાનો શિકાર લોકો બનેલા હોય છે, પરંતુ તેમની આ ખામોશી રાષ્ટ્રવિરોધી અને રાષ્ટ્રની બહાર જઈને ભયાનક ષડયંત્રો રચનારી શક્તિઓ માટે અપ્રત્યક્ષપણે સહમતી બની જતી હોય છે. આવી ખામોશી હટે.. સૌ સદૈવ સક્રિય રહે.. સૌના સાથથી ઉન્નત રાષ્ટ્રજીવન ઉભરે.. તે આવશ્યક છે.
રાષ્ટ્રસેવાનો આ જ એક જ માર્ગ છે ‘एष पंथा एतत्कर्म’ (ઐતરેય ઉપનિષદ), બીજો માર્ગ નથી. આવા પ્રચંડ આત્મવિશ્વાસપૂર્ણ ડૉ. બાબાસાહેબના નેત્રદિપક વિચારોનો ઉજાસ હાથવગો રહે તે હેતુસર પ્રકાશિત આ વિશેષાંક આપને અવશ્ય ગમશે.
પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામનાઓ...