ભારતની સ્વતંત્રતા માત્ર ખુશીનો નહીં, દાયિત્વનો ખરો આનંદ

24 Jan 2026 14:21:41

dr-ambedkar-freedom-responsibility
 
 

૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણસભામાં આપેલા પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ‘...સ્વતંત્રતા નિઃશંકપણે ખુશીની વાત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સ્વતંત્રતાએ આપણા પર મોટી જવાબદારીઓ નાખી છે.’ એમાં એ ભાવ હતો કે, ભારતે સ્વતંત્રતાનો માત્ર આનંદ નથી લેવાનો પણ દાયિત્વના નિર્વહન માટે પણ ઉત્સાહિત બનીને કાર્ય કરવાનું છે. આ સંદર્ભમાં નાગરિકના કર્તવ્યો અને રાષ્ટ્ર આ વિશે વિસ્તૃત છણાવટ પ્રસ્તુત છે.
 
 
ઉપર ઉલ્લેખ કર્યો છે તે વિષયે ડૉ. બાબાસાહેબે આપેલા ઉદ્‌બોધનને પહેલાં જરા વિસ્તૃતરૂપે જોઈએ તો, તેઓશ્રીએ એમ કહ્યું હતું કે,‘સ્વતંત્રતા નિ:શંકપણે ખુશીની વાત છે. પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે આ સ્વતંત્રતાએ આપણા પર મોટી જવાબદારીઓ નાંખી છે. સ્વતંત્રતાથી આપણે કંઈપણ ખોટું થવા પર અંગ્રેજોને દોષ દેવાનું બહાનું ગુમાવી દીધું છે. જો આ જાણ્યા પછી પણ પરિસ્થિતિ બગડે છે, તો આપણી પાસે ખુદ સિવાય કોઈ અન્યને દોષ દઈ શકીએ તેવું કશું બચતું નથી.’
 
આ વિષયમાં તેમને ભારતની સ્વતંત્રતા ટકી રહે તેની ચિંતા વિશેષ ધ્યાનમાં આવે છે. “ભારતે સ્વતંત્રતાથી માત્ર ખુશ થવાનું નથી, દાયિત્વ નિર્વહન માટે ઉત્સાહી રહેવાનું છે.” એવું આદરણીય ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનું કહેવું એ દરેક ભારતીય માટે એક મહત્ત્વપૂર્ણ સંદેશ છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના દિવસે ભારતને બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળી, પરંતુ આ સ્વતંત્રતા એ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ તે એક મોટી જવાબદારી છે, જેને આપણે નિભાવવાની છે. ભારતની સ્વતંત્રતા એ માત્ર બ્રિટિશ શાસનમાંથી મળેલી મુક્તિ નથી, પરંતુ એક આત્મનિર્ભર અને ન્યાયી રાષ્ટ્રના નિર્માણની શરૂઆત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે હંમેશા માન્યું હતું કે, “સ્વતંત્રતા એ માત્ર ભોગવટાનો વિષય નથી, પણ જવાબદારીનું વહન છે.”
 
સ્વતંત્રતા એ કોઈપણ રાષ્ટ્ર માટે અત્યંત આવશ્યક અને સ્વાભિમાનનો વિષય છે. સ્વતંત્રતા એ માત્ર રાજકીય વિચાર માત્ર નથી, સ્વતંત્રતા એ માનવીય ગૌરવ અને સામાજિક સમાનતાના વિચાર તરીકે છે. સ્વતંત્રતા શબ્દમાં ‘સ્વ’નો અર્થ છે આપણી પોતાની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી. સ્વતંત્રતા આપણને આપણા પોતાના નિર્ણય લેવાની, આપણાં પોતાનું રાષ્ટ્રનિર્માણ કરવાની અને આપણા નાગરિકોના જીવનમાં સુધારો લાવવાની શક્તિ આપે છે. ભારતની સ્વતંત્રતા એ એક લાંબા અને કઠિન સંઘર્ષનું પરિણામ છે, જેમાં અગણિત સ્વાતંત્ર્ય-સેનાનીઓએ બલિદાન આપ્યું છે. આપણને મળેલી સ્વતંત્રતા ચિરસ્થાયી રહે અને સમાજ આવનાર સંકટોનો સફળતાપૂર્વક સામનો કરી શકે, આ વિચારથી આપણા બંધારણમાં નાગરિક તરીકેના અધિકારની સાથે કર્તવ્યની પણ વાત છે.
 
ડૉ. આંબેડકરે કહ્યું હતું કે, “રાજકીય લોકશાહી (મત આપવાનો અધિકાર) લાંબો સમય ટકી શકશે નહીં. જો તેનો પાયો સામાજિક લોકશાહીમાં ન હોય.” સામાજિક લોકશાહીનો અર્થ છે જીવનની એવી પદ્ધતિ જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને જીવનના સિદ્ધાંતો તરીકે સ્વીકારે છે. કોઈપણ મજબૂત રાષ્ટ્રનો પાયો તેના મજબૂત પરિવારોમાં રહેલો છે. સામાજિક પરિવર્તનની શરૂઆત ઘરથી થાય છે. રાષ્ટ્રની મજબૂતીની શરૂઆત રસોડા અને બેઠકખંડથી થાય છે. ડો. બાબાસાહેબ આંબેડકરના પરિવાર અને કૌટુંબિક જીવન પ્રત્યેના વિચારો ખૂબ જ પ્રગતિશીલ અને પ્રેરણાદાયી હતા. તેમના મતે પરિવાર અંગેનાં મુખ્ય પાસાંઓ નીચે મુજબ છે:
 

Ambedkar 
 
 મહિલાઓનું સન્માન અને સ્થાન :
 
બાબાસાહેબ માનતા હતા કે કોઈ પણ સમાજની પ્રગતિ તે સમાજની મહિલાઓએ કરેલી પ્રગતિ પરથી માપી શકાય છે. પરિવારમાં સ્ત્રીઓને સમાન દરજ્જો, શિક્ષણ અને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળવી જોઈએ તેવો તેમનો આગ્રહ હતો. જે પરિવારમાં સ્ત્રી સશક્ત અને શિક્ષિત હશે, તે પરિવારમાં લોકશાહીનાં મૂલ્યોનું સિંચન થશે
 
 બાળકોનું શિક્ષણ :
 
પરિવારનું સૌથી મોટું કર્તવ્ય પોતાના બાળકોને શિક્ષણ આપવાનું છે. તેમણે વારંવાર કહ્યું હતું કે માબાપે પેટે પાટા બાંધીને પણ બાળકોને ભણાવવાં જોઈએ, કારણ કે, શિક્ષણ જ ઉદ્ધારનો માર્ગ છે. પરિવારે પોતાના બાળકોને માત્ર નોકરી માટે નહીં, પણ એક ‘સજાગ નાગરિક’ બનાવવા માટે શિક્ષિત કરવા જોઈએ. ડૉ. આંબેડકરે ‘શીલ’ પર ભાર મૂક્યો હતો. જો પરિવાર બાળકને પ્રમાણિકતા અને નૈતિકતાના પાઠ ભણાવશે, તો તે નાગરિક ક્યારેય ભ્રષ્ટાચાર કે દેશદ્રોહ જેવાં કાર્યોમાં સામેલ નહીં થાય.
 
 સંસ્કાર અને સ્વાભિમાન :
 
પરિવાર એ સંસ્કારનું કેન્દ્ર છે. તેમણે પરિવારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકોમાં સ્વાભિમાન અને હિંમતના ગુણો કેળવે, જેથી તેઓ સમાજમાં ગર્વ સાથે જીવી શકે. જ્યારે પરિવારના સભ્યો એકબીજાને માન આપે અને નાગરિકો દેશ પ્રત્યે વફાદાર રહે, ત્યારે જ રાષ્ટ્ર મજબૂત બને છે.
 
સમાનતાના સંસ્કાર :
 
જો પરિવારમાં જ્ઞાતિ, જાતિ કે લિંગના ભેદભાવ વગર બાળકોનો ઉછેર થાય, તો જ તે બાળકો બહાર જઈને આદર્શ નાગરિક બની શકે છે. પરિવાર એ પ્રથમ પાઠશાળા છે, જ્યાં નાગરિક ‘બંધુતા’ શીખે છે. સ્વતંત્ર ભારતમાં આપણી ઓળખ માત્ર એક જ્ઞાતિ કે ધર્મના સભ્ય તરીકે નહીં, પણ એક ‘ભારતીય નાગરિક’ તરીકેની હોવી જોઈએ. ડૉ. આંબેડકરે બંધારણીય નૈતિકતા પર ભાર મૂક્યો હતો.
 
અધિકાર સાથે કર્તવ્ય :
 
આપણે ઘણીવાર આપણા અધિકારો માટે લડીએ છીએ, પણ કર્તવ્યો ભૂલી જઈએ છીએ. સ્વતંત્રતાનો અર્થ એ નથી કે આપણે જે ઇચ્છીએ તે કરીએ, પરંતુ એ છે કે આપણે એવું કરીએ જેનાથી બીજાની સ્વતંત્રતા જોખમાય નહીં. રસ્તા પર અનુશાસન જાળવવું, પર્યાવરણનું રક્ષણ કરવું, કરવેરા ભરવા અને મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવો એ આપણા મૂળભૂત દાયિત્વો છે.
 
પરિવારનું માળખું :
 
જે પરિવારમાં પુરુષ સ્ત્રીનું સન્માન કરે, વડીલો બાળકોના વિચારો સાંભળે અને બાળકો વડીલોના અનુભવને માન આપે, તો જ એ પરિવારમાંથી નીકળતો નાગરિક સમાજમાં લોકશાહી મૂલ્યો જાળવી શકશે. “લોકશાહી એ માત્ર સરકારનું સ્વરૂપ નથી; તે મૂળભૂત રીતે સંયુક્ત જીવન જીવવાની એક પદ્ધતિ છે.” જો પરિવારમાં જ્ઞાતિવાદ કે લિંગભેદ હશે, તો રાષ્ટ્ર ક્યારેય એકાત્મ બની શકશે નહીં.
 
મૂળભૂત અધિકારો અને રાષ્ટ્ર પ્રત્યેના ઉત્તરદાયિત્વ માટે મૂળભૂત ફરજોની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરના મતે, અધિકારો વ્યક્તિને આઝાદી આપે છે, જ્યારે ફરજો એ આઝાદીને ટકાવી રાખવાનું કામ કરે છે. આપણા બંધારણ પ્રમાણે આપણને અમુક અધિકાર આપવામાં આવેલા છે, જેમ કે, સમાનતા, સ્વતંત્રતા, શોષણમુક્ત, ધાર્મિક સ્વાતંત્ર્ય, સંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજોના આધિકાર. આ અધિકારની સાથે કર્તવ્યની પણ વાત થઇ છે.
 
બંધારણનું પાલન : રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરવો.
 
સ્વતંત્રતાના આદર્શો : સ્વાતંત્ર્ય સંગ્રામના ઉમદા વિચારોને હૃદયમાં સ્થાપિત કરવા.
 
એકતા અને અખંડિતતા : ભારતના સાર્વભૌમત્વ અને એકતાનું રક્ષણ કરવું.
 
દેશની રક્ષા : હરહંમેશ રાષ્ટ્રની સેવા માટે તૈયાર રહેવું.
 
બંધુતાની ભાવના : ધર્મ, ભાષા કે પ્રદેશના ભેદભાવ છોડી સૌ સાથે સમાન વ્યવહાર, સ્ત્રીઓના ગૌરવનું સન્માન કરવું.
 
વારસાનું જતન : આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું મૂલ્ય સમજી તેનું જતન કરવું.
 
પર્યાવરણ રક્ષણ : જંગલો, નદીઓ અને વન્યજીવોનું રક્ષણ કરવું અને પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી.
 
વૈજ્ઞાનિક અભિગમ : માનવતાવાદ અને જિજ્ઞાસાની વૃત્તિ કેળવવી.
 
જાહેર મિલકત : સરકારી મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો.
 
ઉત્કર્ષ તરફ પ્રયાણ : રાષ્ટ્ર પ્રગતિ કરે તે માટે વ્યક્તિગત અને સામૂહિક ક્ષેત્રે શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું.
 
 
સ્વતંત્રતા : ઉત્સવથી ઉત્તરદાયિત્વ તરફની યાત્રા
 
 
ભારતની પ્રતિજ્ઞા એ બંધારણના આમુખનું સરળ સ્વરૂપ છે. “બધાં ભારતીયો મારાં ભાઈ-બહેન છે” આ વાક્ય સમાનતા, બંધુતા અને પરિવારભાવનું પ્રકટીકરણ છે. “સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે” એમાં આપણા સાંસ્કૃતિક વારસાની સાથે બંધારણીય વારસાનું જતન કરવાની વાત છે. અને “હું હંમેશાં તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.” આ વાક્ય સીધું જ નાગરિક કર્તવ્ય સાથે જોડાયેલું છે. જો આપણે દરરોજ આ પ્રતિજ્ઞાનું મનથી પાલન કરીએ, તો આપણે આપોઆપ
ડૉ. આંબેડકરના ‘પ્રબુદ્ધ ભારત’ના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધીશું.
 
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવવા માટે આપણે સ્વતંત્રતાના ઉત્સાહને ‘કર્તવ્યના ઉત્સાહ’માં બદલવો પડશે. જ્યારે દેશનો દરેક પરિવાર બંધારણીય મૂલ્યોને અપનાવશે અને દરેક નાગરિક પોતાના દાયિત્વનું નિષ્ઠાપૂર્વક વહન કરશે, ત્યારે જ ભારત સાચા અર્થમાં જગદ્‌ગુરુ અને સમૃદ્ધ રાષ્ટ્ર બની શકશે.
 
આપણી સ્વતંત્રતા એ મુકામ નથી, પણ એક જવાબદારીભરી સફરની શરૂઆત છે. સ્વતંત્રતા એ જવાબદારીનું બીજું નામ છે. “આપણો દેશ એ માત્ર જમીન નથી, પરંતુ એ એક જીવંત એકમ છે, આપણી માતૃભૂમિ છે. તેની સેવા કરવી એ જ આપણું પરમ કર્તવ્ય છે.”
 
 
- જયમીન ગજ્જર 
 
Powered By Sangraha 9.0