ચંદ્ર મિશનથી હોસ્પિટલના બેડ સુધી: જાણો કેવી રીતે ઈસરો અને નાસાની ટેકનોલોજી તમારા સ્વાસ્થ્યની રક્ષા કરે છે!

30 Jan 2026 15:51:56

Moon to Medicine: The Space-Health Connection

અંતરિક્ષની ઉંચાઈથી પૃથ્વીના આરોગ્ય સુધી: કેવી રીતે સ્પેસ રિસર્ચ બન્યું માનવતાનું રક્ષક?

 
જ્યારે રોકેટ, ઉપગ્રહ કે સ્પેશ મિશન આકાશને આંબવા રવાના થાય છે, ત્યારે ઘણાને પ્રશ્ન થાય છે કે આ કરોડોના ખર્ચથી સામાન્ય માણસને શું ફાયદો? પરંતુ સત્ય એ છે કે સ્પેશ મિશનમાં વપરાયેલી ટેકનોલોજી આજે પૃથ્વી પર લાખો લોકોના જીવ બચાવી રહી છે. આપણે હોસ્પિટલમાં જે અત્યાધુનિક મશીનો જોઈએ છીએ, તેનો મોટો હિસ્સો અંતરિક્ષ વિજ્ઞાનની દેણ છે.
 
નિદાનમાં સચોટતા: એમઆરઆઈ (MRI), સીટી સ્કેન અને અલ્ટ્રાસાઉન્ડમાં વપરાતી 'ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ' ટેકનોલોજી મૂળ તારાઓ અને ગ્રહોના ફોટા સાફ કરવા માટે બનાવાઈ હતી.
 
સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ: આજે આપણે હાથમાં જે સ્માર્ટ વોચ પહેરીએ છીએ, જે ઇસીજી (ECG) અને ધબકારા માપે છે, તેની પ્રેરણા અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવાની પદ્ધતિમાંથી મળી છે.
 
અદ્રશ્ય સારવાર: દાંતના વાંકાચૂંકા તાર અને કાનના ઇન્ફ્રારેડ થર્મોમીટર જેવી સુવિધાઓ પણ મિસાઇલ અને સેટેલાઇટ ટેકનોલોજીની આડપેદાશ છે.
 
તારાઓની છબીથી શરીરના નિદાન સુધી: દર્દી કે ડૉક્ટર જ્યારે એમઆરઆઈ (MRI) કે સીટી સ્કેનનો રિપોર્ટ જુએ છે, ત્યારે તેમને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે આ સ્પષ્ટ ઈમેજ પાછળ ખગોળ વિજ્ઞાન છે. ગ્રહો અને તારાઓના ફોટા સાફ કરવા માટે નાસાએ જે 'ડિજિટલ ઈમેજ પ્રોસેસિંગ' વિકસાવ્યું હતું, તે જ આજે કેન્સર જેવી બીમારીઓના સચોટ નિદાનમાં મદદરૂપ થઈ રહ્યું છે.
 
રોકેટ મટીરીયલ અને ધબકતું હૃદય: ઈસરોએ (ISRO) રોકેટમાં વપરાતા અત્યંત હળવા વજનના મટીરીયલનો ઉપયોગ કરીને ૨૦૧૬માં એક એવું હાર્ટ પંપ તૈયાર કર્યું જે હૃદયની નિષ્ફળતાના કિસ્સામાં દર્દીને નવું જીવન આપે છે. વિજ્ઞાન જ્યારે લેબોરેટરીમાંથી બહાર આવીને સામાન્ય માણસના ધબકારામાં ભળે છે, ત્યારે તે સાચી સફળતા છે.
 
દૂરના વિસ્તારોમાં સેવાનું સેતુ: જ્યાં ઇન્ટરનેટ પહોંચવું મુશ્કેલ છે, તેવા અંતરિયાળ ગામડાઓમાં સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા ટેલિમેડિસિન સેવાઓ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્પેસ મિશન માટે બનાવેલા સૌર ઉર્જાથી ચાલતા રેફ્રિજરેટર્સ આજે ગામડાઓમાં રસી  સુરક્ષિત રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.
 
રોજિંદા જીવનમાં અવકાશ વિજ્ઞાન: તારાઓનું તાપમાન માપવા માટે વપરાતા સેન્સર્સ આજે આપણા ઘરમાં વપરાતા ઇન્ફ્રારેડ થર્મોમીટરમાં રૂપાંતરિત થયા છે. અદ્રશ્ય દાંતના તાર હોય કે ઇમરજન્સી ફર્સ્ટ એઇડ કિટમાં વપરાતા સ્પેસ બ્લેન્કેટ્સ, આ બધું જ અવકાશ સંશોધનની અમૂલ્ય ભેટ છે.
 
ટૂંકમાં…નાસાએ ૨,૦૦૦ થી વધુ અને ઈસરોએ ૩૫૦ થી વધુ ટેકનોલોજી સામાન્ય ઉદ્યોગો અને આરોગ્ય ક્ષેત્રને આપી છે. આ બાબતો શું દર્શાવે છે? એ જ કે અવકાશ સંશોધન માત્ર ચંદ્ર કે મંગળ સુધી પહોંચવાની હોડ નથી, પરંતુ પૃથ્વી પરના માનવીના જીવનને વધુ સરળ, સુરક્ષિત અને નિરોગી બનાવવાનો એક પ્રયત્ન છે.
Powered By Sangraha 9.0