ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિકહિતના સિદ્ધાંતો પર કાર્ય કરી રહ્યો છે : હિરણ્મય પંડ્યા

‘देश के हित में करेंगे काम, काम के लेंगे पूरे दाम’ એ જ મારો તમામ મજૂર સંગઠનો માટે સંદેશ છે.

    ૧૨-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

hiranmany-pandya-bharatiya-mazdoor-sangh
 
 
ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ સાથે સાક્ષાત્કાર
 

શ્રી હિરણ્મય પંડ્યાજી ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય અધ્યક્ષ છે. ILO (ઇન્ટરનેશલ લેબર ઓર્ગેનાઈઝેશન)માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તથા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટ્યૂટના ફેકલ્ટી છે. ઉપરાંત તેઓ નેશનલ સેફ્ટી કાઉન્સિલના વાઈસ ચેરમેન અને લેબર રાઈટ્સ એડવાઇઝરી બોર્ડના મેમ્બર તરીકેનું પણ દાયિત્વ નિભાવી રહ્યા છે. ભારતીય મજદૂર સંઘ વિશે તેમની સાથે થયેલ વાર્તાલાપ અહીં પ્રસ્તુત છે.
 
 
ભારતીય મજદૂર સંઘ વિશે જણાવશો?
 
ભારતીય મજદૂર સંઘની સ્થાપના ૧૯૫૫માં શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી દ્વારા કરવામાં આવી હતી. એ સમયે ભારતીય મજદૂર સંઘ એક માત્ર એવા ટ્રેડ યુનિયન તરીકે બહાર આવ્યો, જે બિનરાજકીય ક્ષેત્રે કામ કરતો હતો. મજદૂર સંઘ મુખ્ય ત્રણ મૂળભૂત સિદ્ધાંતો - રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિકહિત પર કાર્યરત છે.
 
ભારતીય મજદૂર સંઘની સ્થાપના પહેલાં પણ કોઈ લેબર મૂવમેન્ટ ચાલતી હતી?
 
હા, ૧૯૫૫ પહેલાં બીજાં ઘણાં ટ્રેડ યુનિયનો કાર્યરત હતાં. સ્વતંત્રતા પહેલાં પણ એ કાર્યરત હતાં. પરંતુ વિશેષ વાત એ છે કે, તે વખતે મજદૂર યુનિયન ચાલતાં તો હતાં, પરંતુ તે ફક્ત મજૂરોનું શોષણ કરતાં હતાં. આ અંગે ખાસ કરીને શ્રદ્ધેય દત્તોપંતજીએ પણ તે વખતના કહેવાતા ઈન્ટૂક (Intuc)ના યુનિયનમાં પ્રવેશ કરીને અભ્યાસ કર્યો હતો. તેમજ બીજા બધા લોકોનો પણ બહારથી અભ્યાસ કર્યો. એ પછી દત્તોપંતજીને લાગ્યું કે, હવે ભારતમાં એવા એક ટ્રેડ યુનિયનની જરૂર છે જે મજૂરોનું શોષણ ન કરે, પરંતુ મજૂરો માટે કાર્ય કરે. વળી એ યુનિયન ખાસ કરીને બિનરાજકીય હોય. ઉલ્લેખનીય છે કે, બાકીના રાજકીય પક્ષો દ્વારા ચલાવાતાં આવાં ટ્રેડ યુનિયનોનો દુરુપયોગ રાજકીય લાભ ખાટવા પણ થતો હતો, મજૂરોના પ્રશ્નોને વાચા આપવા માટે નહિ. આમ ૧૯૫૫માં પ્રથમ વાર ભારતીય મજદૂર સંઘની સ્થાપના થઈ, જે આજ દિન સુધી બિનરાજકીય રહ્યું છે.
 
સંઘની સ્થાપના બાદ કેવાં કેવાં પરિવર્તન આવ્યાં છે?
 
૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ ત્યારથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્ય કરવા વિચારાયું. સમાજનાં અન્ય ક્ષેત્રોની જેમ ધીરે-ધીરે વિચાર આવ્યો કે, ભારતીય મજૂર ક્ષેત્રે પણ કામ કરવાની જરૂર છે. તે સમયે કોઈ વિશેષ કાયદાઓ ન હોવાને કારણે મજૂરોનું ભારે શોષણ થઈ રહ્યું હતું. ભારતીય મજૂરોની દયનીય સ્થિતિ જોઈ પ.પૂ. ડૉ. હેડગેવારજી તથા પ.પૂ. ગુરૂજી સહિત ઘણા લોકો વ્યથિત હતા. પ.પૂ. ગુરુજીએ શ્રદ્ધેય ઠેંગડીજીને બોલાવીને આ ક્ષેત્રમાં કામ શરૂ કરવા અંગે વિચાર રજૂ કર્યો અને પછી સંગઠિત, અસંગઠિત બંને ક્ષેત્રોમાં કામના કલાકો, નીચાં પગારધોરણ, મજૂરોનો માત્ર આંદોલનો માટે જ ઉપયોગ કરી ફેંકી દેવાની નીતિ-આ બધી સમસ્યાના સમાધાન માટે ૧૯૫૫માં ભારતીય મજદૂર સંઘની સ્થાપના થઈ.
 
‘ભારતીય મજદૂર સંઘ’ અને ‘રા. સ્વ. સંઘ’ બંનેમાં ‘સંઘ’ આવે છે. સંઘ અને ભારતીય મજદૂર સંઘ વચ્ચેના સંબંધ પર થોડો વધુ પ્રકાશ પાડશો?
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા હેઠળ સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં રા. સ્વ. સંઘના પ્રચારકો, કાર્યકર્તા અને સ્વયંસેવકોએ પોતાની રીતે કામો શરૂ કર્યા. જેમકે, ખેડૂતો માટે કિસાન સંઘ વગેરે... તે જ રીતે મજૂરો માટે ભારતીય મજદૂર સંઘ અંતર્ગત કામ શરૂ થયું. આજના સમયમાં ૫૫ (પંચાવન) કરોડ જેટલાં લોકો મજૂર ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. આજે સમગ્ર વિશ્વમાં બે જ દેશો પાસે મજૂર ક્ષેત્રે કામ કરતા સૌથી વધુ લોકો છે. એક ભારત અને બીજું ચીન. સંઘની વિચારધારાથી કામ કરવાના વિચાર સાથે સંઘના વરિષ્ઠ પ્રચારક શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજી એ પદાર્પણ કરી કામ શરૂ કર્યું. નવા નવા કાર્યકર્તાઓ મજદૂર ક્ષેત્રમાં ઊભા કર્યા. આમ ભારતીય મજદૂર સંઘ અને રા. સ્વ. સંઘનો વૈચારિક નાતો છે.
 
વિશ્વભરના કોમ્યુનિસ્ટો પણ ઘણા સમય પહેલાંથી મજદૂર ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે, તેમની કાર્યપદ્ધતિ અંગે આપનું શું મંતવ્ય છે?
 
મજૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘના પ્રવેશ બાદ પણ ઘણા સમય સુધી આ ક્ષેત્રે કોમ્યુનિસ્ટો સક્રિય હતા. જે તે સમયે તે વિચારધારાનો દબદબો પણ હતો. પણ તેમનું કાર્ય અસંતોષ ભડકાવીને હડતાલો પડાવવી એવું જ રહેતું હતું. તેમના દ્વારા કામદારોના મૂળ પ્રશ્નો પર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું નહોતું, જેને પરિણામે ન માત્ર ભારતમાં જ બલ્કે વિશ્વમાં એ વિચારધારા ધીરે ધીરે અસ્ત થઈ રહી છે. ગુજરાતમાં તો ભારતીય મજદૂર સંઘ જ પ્રથમ સ્થાને છે.
 
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનમાં ભારત અને ભારતીય મજદૂર સંઘની ભૂમિકા અંગે પ્રકાશ પાડશો?
 
ILO (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન) એટલે કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન. વિશ્વના ૨૧૦ દેશો તેના સદસ્ય છે, જેમાં ભારત તેના ૧૦ મુખ્ય ફાઉન્ડિંગ મેમ્બરમાંનું એક છે. ૧૯૧૯માં તેની સ્થાપના થઈ. ILO લેબર પાર્લામેન્ટ તરીકે કામ કરતી ત્રિસ્તરીય સંસ્થા છે. એટલે કે સરકારોના પ્રતિનિધિ, મજૂરોનાં પ્રતિનિધિ અને માલિકોના પ્રતિનિધિ તેમાં કામ કરે છે. દર વર્ષે એક વખત એક મોટી ઈન્ટરનેશનલ લેબર કોન્ફરન્સ મળે છે, જેમાં તમામ સદસ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લે છે, પરંતુ તેમાં એક નિયમ છે કે જે દેશમાં સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતું ટ્રેડ યુનિયન હોય તેનો એક માત્ર પ્રતિનિધિ આવે. બાકીના તેના સલાહકાર તરીકે આવતા હોય છે. ભારતીય મજદૂર સંઘ ભારતનું સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું ટ્રેડ યુનિયન છે. આગામી જૂન મહિનાની તા. ૧ થી ૧૨ દરમિયાનની જીનીવામાં મળનારી ILOની કોન્ફરન્સમાં ભારતીય મજદૂર સંઘના એક વ્યક્તિ ડેલિગેટ્સ તરીકે જવાના છે.
 
થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા ચાર લેબર કોડ થકી મજદૂર સંઘને લગતા કેટલાક સુધારા કરવામાં આવ્યા છે; તે અંગે થોડી માહિતી આપશો?
 
ભારત સરકાર દ્વારા જે ચાર લેબર કોડ આપવામાં આવ્યા છે તેમાં (૧) મિનિમમ વેજ કોડ, એટલે કે ન્યૂનતમ વેતન, (૨) સોશિયલ સિક્યોરિટી કોડ એટલે કે સામાજિક સુરક્ષાનો કાયદો, (૩) OSHW (The Occupation Safety, Health and Working Condition) કોડ એટલે વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય તથા કાર્યની શરતો માટેનો કાયદો અને (૪) IR (The Industrial Relation) કોડ એટલે કે ઉદ્યોગ સંબંધે IR કાયદો છે. આ અગાઉ આપણી પાસે આવા ૪૪ પ્રકારના વિવિધ કાયદા હતા. એ દરેક કાયદાની વ્યાખ્યાઓ અલગ-અલગ પ્રકારની હતી. ત્યારબાદ ૪૪માંથી ૨૯ પ્રકારના કાયદા તારવ્યા અને હાલના ચાર મૂળ કાયદાની અંદર તે તમામને ભેળવી દીધા; એટલે કે એની અંદર સુધારા કર્યા અને ૨૦૧૯-૨૦માં ભારતની પાર્લામેન્ટમાં ચાર લેબર કોડને પારિત કરવામાં આવ્યા. હમણાં જ ૨૧ નવેમ્બર ૨૦૨૫માં ભારત સરકારના શ્રમમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી દ્વારા તેને રોલ્ડ આઉટ કરવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં તે અમલી પણ થઈ જશે. આ ચારેય કાયદા ભારતના શ્રમિક જગત માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
 

hiranmany-pandya-bharatiya-mazdoor-sangh 
 
પ્રસ્તુત નવા ચાર લેબર કોડ લાંબા ગાળે કેવાં પરિણામો આપશે?
 
પહેલામાં પહેલું કહું તો ન્યૂનતમ વેજ એટલે કે ઓછામાં ઓછું કેટલું વેતન મળવું જોઈએ. અત્યાર સુધી જે કાયદો છે તે માત્ર ૪૬ જેટલા વ્યવસાયો સુધી જ સીમિત છે. બાકીનામાં નથી લાગતો. ઉ.દા. અસંગઠિત ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર બે છે. સંગઠિત ક્ષેત્રમાં ૬ થી ૭ ટકા લોકો કાર્ય કરે છે અને અસગંઠિત ક્ષેત્રમાં ૯૩થી ૯૪ ટકા લોકો. તો એ લોકો માટે ન્યૂનતમ વેતન જેવો કાયદો નથી. આ કાયદો લાગુ પડવાથી ધીરે ધીરે તબક્કાવાર એ અસંગઠિત લોકોને પણ જોડવામાં આવશે. બીજું કે ન્યૂનતમ વેતન કેટલું મળશે એની પણ અત્યાર સુધી વ્યાખ્યા કરવામાં આવી નથી. નવા કાયદામાં તેની વ્યાખ્યા પણ કરવામાં આવી છે.
 
બીજું સોશિયલ સિક્યોરિટી. આજે આપણી પાસે આ ક્ષેત્રમાં લગભગ ૫૫ કરોડ લોકો છે, પરંતુ તે તમામને સોશિયલ સિક્યોરિટી મળી શકતી નથી. આ સોશિયલ સિક્યોરિટી એટલે પેન્શન, પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુએટી, આ ત્રણ વસ્તુઓ અસંગઠિત ક્ષેત્રમાં મળતી નથી. પણ હવે આ સુરક્ષા સોશિયલ સિક્યોરિટી એક્ટ દ્વારા મળશે.
 
કેટલાક એમ્પ્લોયર લોકોને નોકરી રાખે, પરંતુ તેઓને એપોઈમેન્ટ લેટર આપતા નથી. આ કાયદા અંતર્ગત એ પ્રથા ફરજિયાત કરી દેવાઈ છે. બીજું નોકરી પર રાખ્યા બાદ ઓળખપત્ર પણ આપવામાં આવતું ન હતું, તેને પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સુધારા અંતર્ગત રાતપાળી કરતાં મજૂરોને સાચવવાની જવાબદારી એમ્પ્લોયરની રહેશે. તેને કારણે બહેનોને પણ લાભ મળશે. આવાં અનેક પરિણામો આગામી સમયમાં ધીરે ધીરે જોવા મળશે.
 
ગુજરાતમાં ભારતીય મજદૂર સંઘનું કામ અને આગામી આયોજનો પર પ્રકાશ પાડશો?
 
અત્યાર સુધી અખિલ ભારતીય સ્તરે જે કાયદા બન્યા, યોજનાઓ આવી તે ગુજરાતમાં પણ લાગુ પડે છે. હાલ ગુજરાત એક મૉડલ રાજ્ય તરીકે સમગ્ર દેશમાં વખણાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત સમૃદ્ધ છે. સદસ્યતાની દૃષ્ટિએ જોઈએ તો ભારતીય મજદૂર સંઘ ગુજરાતમાં ટોચના સ્થાને છે. પરંતુ ભારતીય મજદૂર સંઘનો ઉદ્દેશ્ય ગુજરાતમાં પ્રથમ નંબર પર ટકી રહેવું માત્ર જ નથી. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં અને ૨૨૫ તાલુકાઓ સુધી ભારતીય મજદૂર સંઘના કાર્યને પહોંચાડવાનો છે. ગામના નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નોને વાચા આપી શકીએ તે છે. દા.ત. આંગણવાડી, આશાવર્કર, મધ્યાહ્ન ભોજન, અગરબત્તી બનાવતાં મજૂરો; આવા તમામ લોકો સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય છે. હમણાં જ ગુજરાત સરકાર દ્વારા ભારતીય મજદૂર સંઘની માંગણીઓને માન આપી આંગણવાડી બહેનોને મહિને ૨૦૦ રૂપિયા સુધીનો ખર્ચો આપવાનું નક્કી થયું છે. આમ ભારતીય મજદૂર સંઘનું લક્ષ્ય છેવાડાના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનું છે.
 
ભારતીય સમાજજીવન પર ભારતીય મજદૂર સંઘના પ્રભાવ અંગે વાત કરશો?
 
ભારતીય મજદૂર સંઘે હમણાં જ તેનાં ૭૦ વર્ષ પૂર્ણ કર્યાં. તેની ઉજવણીના બીજા કાર્યક્રમો સાથે ભારતીય મજદૂર સંઘ દ્વારા એક વિચાર કરવામાં આવ્યો હતો કે, ગામેગામ સંપર્ક કરવો. તે અંતર્ગત ગુજરાતમાં ૧૬ લાખ લોકો અને દસ હજાર ગામડાં સુધી સંપર્ક થયો છે. એની નોંધ પણ રેકોર્ડ થઈ છે. ગુજરાતમાં ભારતીય મજદૂર સંઘ ન માત્ર ટ્રેડ યુનિયન, બલ્કે પારિવારિક સંગઠન બની રહ્યું છે, કારણ કે તે સંઘની પારિવારિક વિચારધારાને આધારે ચાલતું સંગઠન છે. પંચ પરિવર્તનના કાર્યક્રમો પણ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ દ્વારા પરિવારો વચ્ચે કરવામાં આવ્યા છે. ત્યારે ખબર પડી કે ભારતીય મજદૂર સંઘનો પ્રભાવ સમાજ પર અલૌકિક છે. પર્યાવરણના આપણા કાર્યક્રમમાં સંતો-મહંતો અને ધાર્મિક સંસ્થાઓ પણ જોડાઈ છે. સમાજના પ્રબુદ્ધ બૌદ્ધિક નાગરિકો સાથે પણ બેઠકો કરવામાં આવી. તેઓને પણ લાગ્યું કે મજદૂર સંઘનું એક નેતૃત્વ છે. એક વિશેષ જાણકારી આપું તો ૨૦૨૩માં એટલે કે ૧ ડિસેમ્બર, ૨૦૨૨થી ૩૦ નવેમ્બર, ૨૦૨૩ સુધી ‘G-20’ની યજમાની ભારત કરી રહ્યું હતું. તેની સાથે સાથે L-20 (લેબર-૨૦) હોય છે, તેની યજમાની ભારતીય મજદૂર સંઘ કરતું હતું. તે દરમિયાન વિશ્વના લગભગ ૨૯ દેશોના પ્રતિનિધિઓ આવ્યા હતા, તેઓએ ભારતીય મજદૂર સંઘ વિશે જાણ્યું અને પ્રભાવિત થયા હતા. આમ ભારતીય મજદૂર સંઘે સફળતાપૂર્વક L-20 પાર પાડી હતી. એનો પ્રભાવ સમાજ પર સારો એવો પડ્યો  છે. સમાજમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે, ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રહિત, સમાજહિત અને શ્રમિકહિત માટે કામ કરનારું સંગઠન છે.
 
મજૂરો માટે કામ કરતાં સંગઠનોને આપનો શો સંદેશ છે?
 
આવનાર વર્ષો આપણા સૌને માટે ખૂબ જ પડકારરૂપ છે. ટેક્‌નોલોજી આવશે જ અને તેને આવવા જ દેવી જોઈએ, પરંતુ મજૂરો માટે ટેક્‌નોલોજી અભિશાપ પણ છે અને આશીર્વાદ પણ છે. ત્યારે તેને મજૂરોના હિતમાં કેવી રીતો ઉપયોગ કરવો તે અંગે વિચારવું પડશે. સંગઠનોએ સાથે બેસીને આ અંગે વિચાર કરવા જેવો છે. ટેક્‌નોલોજીનો અસ્વીકાર કરવાનો નથી, પરંતુ મજદૂર હિતમાં તેનો યોગ્ય ઉપયોગ કરવા અંગે વિચારવાનો સમય છે. દત્તોપંતજીએ કહ્યું હતું કે, ‘મનુષ્ય મશીનના ગુલામ ન થાય, મનુષ્ય મશીનને ગુલામ બનાવે.’ ટેક્‌નોલોજીના ઉપયોગની સાથે સાથે રોજગારની તકો પણ ઉપલબ્ધ થવી જોઈએ. મજૂરોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ સુધરે તેવું થવું જોઈએ. આ અંગે સતત પ્રયત્નોથી તેનાં થોડાં ઘણાં પરિણામો પણ મળ્યાં છે. પરંતુ હજુ પણ આ અંગે ઘણું કરવાની જરૂર છે. જેમ સંઘ કહે છે તેમ પ્રત્યેક નાગરિકનું એક કર્તવ્ય છે, એમ મજૂરનું પણ એક કર્તવ્ય છે. તે પોતાનાં કર્તવ્યને ન છોડે. ‘देश के हित में करेंगे काम, काम के लेंगे पूरे दाम’ એ જ મારો તમામ મજૂર સંગઠનો માટે સંદેશ છે. રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિકહિત, આ ત્રણેય સૂત્રો સાથે કામ કરી આવનારા પડકારજનક સમયને ઝીલીએ અને સાથે મળીને આગળ વધીએ.
 
સાંભળો... 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.