તંત્રીસ્થાનેથી । અધોગતિથી ગતિ.. ગતિથી પ્રગતિ.. પ્રગતિથી?

આગામી માર્ચ માસમાં પણ પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી)માં ચૂંટણીઓ જાહેર થવાની છે. એ ચૂંટણીઓ થકી આવનારાં પરિણામો અકલ્પ્ય હશે, જે દેશમાં થઈ રહેલાં પરિવર્તનોની ઝડપને ઓર ગતિમાન કરશે, તેવો તજજ્ઞોનો તર્ક ‘તથાસ્તુ’ સાંભળવા તત્પર-તૈયાર છે!

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

India
 
 
દેશમાં અત્યંત ગતિ સાથે બદલાવ આવી રહ્યા છે. અગાઉ તો શુભ સમાચારોની પ્રતિક્ષામાં પેઢી પરવારી જતી હતી, પરંતુ દેશનો વર્તમાન; આવા છાશવારે મળતા શુભ સમાચારોથી છવાયેલો જોવા મળે છે. દશકાઓની પ્રતિક્ષા પછી જે કામો સ્વાતંત્ર્ય પછીનાં ગત ૬૦-૭૦ વર્ષોમાં નથી થયાં, તે છેલ્લા ૧૦-૧૨ વર્ષોમાં સિદ્ધ-સાકાર થતાં નજરે પડી રહ્યાં છે. જે ગતિએ કાર્યો (ક્રિયા) થાય તેજ ગતિએ પ્રતિક્રિયા પણ થાય, તેવું વિજ્ઞાને પ્રતિપાદિત કરેલું છે. એવું જ આઘાત-પ્રત્યાઘાત માટે પણ! સત્ય-ધર્મ સામે એટલી જ તાકાતથી અસત્ય-અધર્મ અથડાવાનાં જ. એટલે જ પ્રભુ શ્રીરામ વનમાં જાય ત્યારે રાવણ અવળચંડાઈ આચરે જ..
 
શ્રી કૃષ્ણને જોતાં જ શિશુપાલ ભૂરાંટો થઈને લાગલગાટ ૧૦૦ ગાળો પૂરી કરે જ.. છત્રપતિ શિવાજી મહારાજના પ્રખર પરાક્રમોનો પરચો મળ્યો હોવા છતાં અફઝલખાં મંદિરો તોડે, હત્યાઓ કરે, આખાં ગામોનાં ગામ સળગાવે, લૂંટફાટ ચલાવે અને સ્ત્રીઓનાં શીલ પણ લૂંટે.. દરેક વખતે અંતે રાક્ષસોનો નાશ થાય ત્યારે એવું લાગે કે, જાણે સદીઓ જૂના હિસાબો જોત-જોતામાં ચૂકતે થઈ ગયા. ઐતિહાસિક દૃષ્ટિએ મોટી મોટી ઘટનાઓ જાણે એક પલકારામાં ઘટી ગઈ. અહીં માત્ર એક જ દિવસે, હા માત્ર એક જ દિવસે.. અખબારોમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ સમાચારો પૈકી માત્રને માત્ર પ્રથમ પાંચ રજૂ કરું તો..
 
૧, દુનિયામાં વધતી રાજકીય ઉઠા-પઠક, આર્થિક અનિશ્ચિતતા અને પર્યાવરણ સમસ્યા વચ્ચે સારી રીતે સંતુલિતપણે જવાબદારી સંભાળી રહેલા દેશોની હમણાં એક યાદી જાહેર થઈ.‌ આ રિપોર્ટ ‘વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો. આ યાદીમાં સિંગાપોર પ્રથમ, સ્વિટ્ઝર્લૅન્ડ બીજા અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે.‌ ભારત ૧૬મા ક્રમે છે, જ્યારે અમેરિકા ૬૬મા અને ચીન ૬૮મા ક્રમે છે.
 
૨, આગામી ૩૦ વર્ષમાં ભારત $૩૦ ટ્રિલિયનની ઈકોનોમી બનશે તેવું જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ‘ઇન્વેસ્ટિંગ ફોર અ ન્યૂ એરા’ કાર્યક્રમમાં ભારતના ભવિષ્યનો રોડમેપ રજૂ કરતી વખતે કહે ત્યારે તેમની નજરની સામે એ ભારત છે, જે મજબૂત નીતિ, રાજકીય સ્થિરતા તેમજ ડિજિટલ ક્રાંતિના કારણે રોકાણ માટેનું વિશ્વનું સૌથી આકર્ષક કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે.
 
૩, સહકારિતાના ક્ષેત્રે નવું મૉડલ જેમાં મહિલા ડ્રાઇવરોને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે તે ‘ભારત ટેક્સી’નો પ્રારંભ થયો, જે વિદેશીનો વિકલ્પ બનશે, સૌ ડ્રાઈવર્સને સામાજિક સુરક્ષા પણ આપશે!
 
૪, મણીપુરમાં એક વર્ષથી ચાલતા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો અને ભાજપના યુમનમ ખેમચંદસિંહે રાજ્યના ૧૩મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
 
૫, કોઈ અપ્રકાશિત પુસ્તકના આધારે સંસદમાં ચર્ચા ન થઈ શકે, તેવું સ્પષ્ટ ધોરણ લાગું હોવા છતાં સંસદના બજેટ સત્ર દરમિયાન પૂર્વ સૈન્ય વડા એમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક પર ‘હું તો બોલીશ’વાળી બાલિશતાએ કાગળના ડૂચા ફેંકવા સુધીનું, વિપક્ષી મહિલા સાંસદોએ આક્રમકતા સાથે વડાપ્રધાનશ્રીના બેઠકસ્થાને ભારે ઘાંઘલ આચરવાનું અપકૃત્ય લોકતંત્રના મહામંદિરમાં આચર્યું. સંવિધાનના અપમાનની આનાથી શું ખરાબ સ્થિતિ હોઈ શકે? કમભાગ્યે સતત દેશનું નીચું દેખાડવાની રાહુલ ગાંધીની (વિપક્ષના નેતા તરીકેની) અપરિપકવતાની એક વધુ પુનરાવૃત્તિ દેશે જોઈ. વિપક્ષે સંસદને ખોરવી દેવા માટે મચાવેલો હંગામા વચ્ચે અને તેની શર્મસાર હરકતોના માહોલમાં મહામહિમ રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર લોકસભામાં દેશના વડાપ્રધાનનું સંબોધન પણ શક્ય ન બન્યું, જેને લઈને આખો દેશ શરમ અનુભવી રહ્યો છે. એક પુસ્તકના મુદ્દે સંખ્યાબંધ એવાં પુસ્તકો ચર્ચામાં આવ્યાં, જેમાં એક પરિવારે વર્ષો સુધી ચલાવેલી સરકારો અને એના મુખિયાઓએ આચરેલ ભ્રષ્ટાચાર અને તેમની લીલાઓ (ઘરમાં સૌ સાથે મળીએ ત્યારે તેની ચર્ચા પણ ન કરી શકાય) અંગેના મુદ્દાઓ સાંભળી દેશ સ્તબ્ધ થઈ ગયો. પરંતુ વડાપ્રધાને રાજ્યસભામાં ઉદ્‌બોધન કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. ત્યારે હાશકારો થયો!
 
આગામી માર્ચ માસમાં પણ પાંચ રાજ્યો (પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી)માં ચૂંટણીઓ જાહેર થવાની છે. એ ચૂંટણીઓ થકી આવનારાં પરિણામો અકલ્પ્ય હશે, જે દેશમાં થઈ રહેલાં પરિવર્તનોની ઝડપને ઓર ગતિમાન કરશે, તેવો તજજ્ઞોનો તર્ક ‘તથાસ્તુ’ સાંભળવા તત્પર-તૈયાર છે! અને આપ? પરં વૈભવ માટે મા ભારતીને પ્રાર્થીએ... गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ।
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.