વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ શા માટે?
આજે ૧૪ ફેબ્રુઆરી છે. ગઈ કાલથી ટીવી ધારાવાહિકોમાં, ગત બુધવારની પૂર્તિમાં કૉલમોમાં અને આજે સમાચારોમાં પ્રેમની વાતો હશે. વેલેન્ટાઇન્સ ડે એ ૧૯૯૧માં ભારતીય બજારોને વિદેશી કંપનીઓ માટે ખોલી દેવાયાં તે પછી આવ્યો. વેલેન્ટાઇન્સ ડે માત્ર બજારુ તહેવાર, પ્રેમ સાથે લાગતું-વળગતું નથી
પરંતુ વેલેન્ટાઇન્સ ડે કઈ રીતે આવ્યો તે ઘણાને જ્ઞાત નહીં હોય. વેલેન્ટાઇન્સ ડે પહેલાં રોમમાં (જે ખ્રિસ્તી પંથનું મુખ્ય કેન્દ્ર મનાય છે) ‘લ્યુપરકેલિયા’ નામનો ઉત્સવ ૧૩થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન મનાવાતો હતો. આ ઉત્સવ શુદ્ધિકરણ અને ફળદ્રુપતા (માનવ પ્રજનન સંબંધી ફળદ્રુપતા)નો મનાતો હતો. તે દિવસે બકરીઓ અને શ્વાનોનો બલિ અપાતો હતો, મહિલાઓને પ્રાણીઓના ચામડાથી ફટકારવામાં આવતી, જેથી તે ગર્ભવતી બને, લૉટરી કાઢવામાં આવતી જેમાં જેનું નામ નીકળે તેની સાથે સંબંધ બંધાતો અથવા લગ્ન કરાતાં. ખ્રિસ્તીઓએ ઘણા તહેવારોને પોતાના સંતો સાથે જોડીને તેમના પર પ્રભુત્વ મેળવી લીધું તેમ આ લ્યુપરકેલિયાના બદલે ૧૪ ફેબ્રુઆરીએ તેમના કહેવાતા સંત વેલેન્ટાઇન પરથી વેલેન્ટાઇન્સ ડે ચાલુ કર્યો. પરંતુ વેલેન્ટાઇનની કથા પણ પશ્ચિમ પ્રત્યે અહોભાવ ઉપજાવે તેવી નથી. વેલેન્ટાઇન પ્રેમના પ્રતીક નથી. વેલેન્ટાઇનને અને પ્રેમને કંઈ લાગતું-વળગતું નહોતું. એમણે રાજાના આદેશ વિરુદ્ધ પૂજારી તરીકે લગ્ન કરાવેલાં અને ફાંસી પામેલા. આથી તેમને પંથીય (religious) વિદ્રોહી (rebellion) કહી શકાય. પરંતુ ખ્રિસ્તીઓએ વેલેન્ટાઇનની પુણ્યતિથિને પ્રેમનું પ્રતીક બનાવી દીધી.
કૉર્પોરેટ કંપનીઓને તેમાં કમાણી દેખાઈ. એટલે ઈ. સ. ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં હૉલમાર્ક વગેરે કંપનીઓએ ગ્રીટિંગ કાર્ડ છાપવાનું શરૂ કર્યું. તે પછી ચોકલેટ કંપનીઓએ ચોકલેટને રૉમાન્ટિક ગિફ્ટ બનાવી દીધી. ફૂલોવાળાએ પણ તેને વેપાર સાથે જોડી દીધો. તેમાં જોડાયા આભૂષણોવાળા, રેસ્ટૉરન્ટવાળા. હવે તો લગભગ બધા વ્યવસાયવાળા વેલેન્ટાઇન ડેને વેપારની તક માની જાહેરખબરો આપે છે, જાહેરખબરો ન આપનારા પોતાની દુકાન/શૉ રૂમ પર ડિસ્કાઉન્ટનું બૉર્ડ લગાવે છે. ૨૦૨૪માં ભારત એકલામાં વેલેન્ટાઇન્સ ડેનું વેચાણ રૂ. ૨૫,૦૦૦ કરોડનું (અંદાજે ૩ અબજ ડૉલર)નું હતું! પરંતુ આ ડેનો વિરોધ શા માટે?
વેલેન્ટાઇન્સ ડેનો વિરોધ શા માટે?
ભારત પાસે પોતાનો વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસ લગ્ન માટે, જ્ઞાન ઉપાસના સહિતની બાબતો માટે વણજોયું શુભ મુહૂર્ત મનાય છે. માત્ર મોંઘી દાટ ગિફ્ટ આપવી, રેસ્ટૉરન્ટમાં જમાડવું, ફૂલો આપવાં, સૉશિયલ મીડિયામાં ‘આઈ લવ યૂ’ લખવું કે ગ્રીટિંગ કાર્ડ આપવાં, કેક કાપવી વગેરે પ્રેમ નથી. વેલેન્ટાઇન્સ ડેમાં સમર્પણ, કાળજી અને ત્યાગવાળા પ્રેમ કરતાં ભોગવાળા પ્રેમનું મહત્ત્વ ઊભું કરી’ દેવાયું છે. જૂની ફિલ્મનું ગીત છે- ‘તુમ અગર મુઝ કો ન ચાહો તો કોઈ બાત નહીં, તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’. ફિલ્મો અને ધારાવાહિકોએ બળજબરીવાળા અને છેતરપિંડીવાળા પ્રેમને સાચા પ્રેમનું નામ આપી દીધું.
‘દિલ તેરા દીવાના હૈ’માં ધનવાન મોહન (શમ્મી કપૂર) ગરીબ અનોખે બનીને મીના (માલાસિંહા)નો પ્રેમ જીતે છે. ‘તેઝાબ’માં મોહિની (માધુરી દીક્ષિત) મુન્ના (અનિલ કપૂર)ને ના પાડે છે કે તે તેને પરણી નહીં શકે તો મુન્ના હિંસક બની કહે છે કે તે તેને મારી નાખશે અને પોતે પણ મરી જશે. ‘ડર’માં રાહુલ (શાહરુખ ખાન) કિરણ (જૂહી ચાવલા)ને એક તરફી રીતે ચાહે છે. ‘બાઝીગર’માં અજય શર્મા (શાહરુખ ખાન) મોટી બહેન સીમા (શિલ્પા શેટ્ટી)ને પ્રેમમાં ફસાવી મારી નાખે છે અને પછી નાની બહેન પ્રિયા (કાજોલ)ને વિકી મલ્હોત્રા બનાવી ફસાવે છે. છેલ્લે તેના પિતાને પણ મારી નાખે છે. અનેક ફિલ્મોમાં આવું બતાવાયું છે.
ઉર્દૂવુડે હિન્દુ પ્રેમી-પ્રેમિકાનાં લગ્નનો વિરોધ તેનાં માબાપ કરે છે તેવું બતાવ્યું અને ભાગીને લગ્ન એ જ ઉપાય છે તેવું ઠસાવી દીધું. ‘દિલ હૈ કિ માનતા નહીં’માં તો છેલ્લા દૃશ્યમાં એક ધનવાન પિતા તેની દીકરીને તેના લગ્નમંડપમાં કહે છે, ‘પૂજા બેટી, ભાગ જા.’ શું દીકરીનાં લગ્ન માતાપિતાના આશીર્વાદ વગર અધૂરાં ન ગણાય?
હિન્દુ માતાપિતાને ખલનાયક ચીતરી દેવાયાં
ફિલ્મોમાં એવી પ્રેમ કથા બતાવાઈ જેનો કોઈ પણ સમજદાર વ્યક્તિ વિરોધ જ કરે. પ્રેમી ગરીબ હોય, કંઈ કમાતો ન હોય અને પ્રેમિકાનો પિતા વિરોધ કરે એટલે તે વિલન લાગે.
‘હમ’ ફિલ્મમાં સેના અધિકારી રાણા પ્રતાપસિંહ (કાદર ખાન) તેની દીકરી અનિતા માટે સેનાનો કોઈ વ્યક્તિ ઇચ્છતો હોય છે. આથી અનિતાનો પ્રેમી વિજય તેના મોટા ભાઈ શેખર (અમિતાભ)ને ખોટો સૈન્ય અધિકારી બનાવીને લાવે છે. તેની પોલ ખુલ્લી પડી જતાં રાણા પ્રતાપસિંહ ના પાડી દે છે. તે સમયે જાણે રાણા પ્રતાપસિંહ વિલન હોય તેમ બતાવાયું. વિચાર કરો કે, જે લોકો ખોટું બોલીને પોતાના ન કમાતા દીકરા માટે દીકરી માગવા આવે છે તેમની સાથે કોઈ પણ સમજદાર પિતા પોતાની દીકરીને કેવી રીતે પરણાવી શકે?
‘હીરો નંબર વન’માં તો ગીત છે – મૈં તુઝ કો ભગા લાયા હૂં તેરે ઘર સે, તેરે બાપ કે ડર સે. ‘મોહબ્બતેં’ ફિલ્મમાં ગુરુકૂળ (કૉલેજ) ચલાવતા પ્રાચાર્ય નારાયણ શંકર (અમિતાભ બચ્ચન) સદા ‘અનુશાસન, પ્રતિષ્ઠા અને પરંપરા’ પર ભાર મૂકતા હોય છે, પરંતુ તેમની દીકરી મેઘા એક આજીવિકાહીન રાજ આર્યન મલ્હોત્રાના પ્રેમમાં પડી જાય છે. કયો પિતા તે સાંખી શકે? વળી, આ નારાયણ શંકરનું નામ એક તો ભગવાન વિષ્ણુ અને શંકર પરથી રાખ્યું. તેમને સદા ભારતીય પોશાકમાં તિલક સાથે બતાવ્યા.
આ રીતે હિન્દુ માતાપિતાને સદા પ્રેમના શત્રુ બતાવ્યા. સચ્ચાઈ એ છે કે આજેય સૌથી વધુ પ્રેમલગ્નો અને આંતરજ્ઞાતીય લગ્નો હિન્દુ સમાજમાં જ કદાચ થતાં હશે.
હિન્દુઓનો ઇતિહાસ પ્રેમવિરોધી નથી
હિન્દુઓના ઇતિહાસમાં પ્રેમલગ્નનો ક્યારેય વિરોધ નથી રહ્યો. વૈદિક કાળથી પ્રેમલગ્નો થતાં આવ્યાં છે. ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાનીના પ્રેમમાં પડી ગયો હતો. તે પછી દેવયાનીના વિવાહ યયાતિ સાથે થયા હતા.
શ્રી રામ અને સીતા ઉદ્યાનમાં મળ્યાં ત્યારે પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમમાં પડી ગયાં હતાં. હવે લોકો જાણી ગયા છે કે સાચા પ્રેમનું પ્રતીક અનેક બેગમો રાખનાર શાહજહાંનો તાજમહલ નથી, રામસેતુ છે જે સીતાજીને લંકામાંથી પાછા મેળવવા શ્રી રામે બનાવ્યો હતો.
રુક્મિણીનો ભાઈ રુક્મી રુક્મિણીનાં લગ્ન શિશુપાલ સાથે કરાવવા માગતો હતો. તેના કારણે રુક્મિણીનાં માતાપિતાએ પણ રુક્મીની વાત માની. આથી રુક્મિણીએ પત્ર લખી શ્રી કૃષ્ણને પોતાને લઈ જવા કહ્યું. કહેવાય છે કે તે વિશ્વનો સૌ પહેલો પ્રેમ પત્ર હતો.
શ્રી કૃષ્ણ અને રાધાનો દેહથી ઉપર (પ્લેટોનિક) પ્રેમ પણ જાણીતો છે. અને ભક્તો રુક્મિણી-કૃષ્ણ નહીં રાધાકૃષ્ણ કહે છે. શ્રી કૃષ્ણનાં જામવંતી સાથે લગ્ન આંતરજ્ઞાતીય જ હતાં ને?
નિષાદ દેશના રાજા નળ અને વિદર્ભ રાજકુમારી દમયંતી એકબીજાને જોયા વગર જ પ્રેમમાં પડી ગયાં હતાં. નળ કળિના પ્રભાવમાં આવીને જુગારમાં પોતાનું રાજ્યથી લઈને વસ્ત્રો સુધી બધું હારી ગયો ત્યારે દમયંતીએ તેને છોડી દીધો નહોતો. તેની સાથે વન ભટકી હતી. અને પોતાના સતીત્વના બળે તે અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે અને છેલ્લે નળને પોતાનું રાજ્ય પાછું મળે છે.
દુષ્યંત અને શકુંતલાએ તો ગાંધર્વ વિવાહ કર્યા હતા. વિવાહના આપણે ત્યાં જેટલા પ્રકાર છે તેટલા પ્રકાર બીજા કોઈ પંથમાં નથી. મહર્ષિ પરાશર અને સત્યવતીના આજની દૃષ્ટિએ આંતરજ્ઞાતીય (એ સમયે જ્ઞાતિ નહોતી, કર્મ પ્રમાણે વર્ણ હતા) વિવાહ હતા. રાજા શાંતનુ અને સત્યવતીનાં આંતરજ્ઞાતીય લગ્ન હતાં. તેમાંથી મહર્ષિ વેદવ્યાસ જન્મ્યા જેમણે મહાભારત સહિતના ગ્રંથોની રચના કરી. બલરામ; સુભદ્રાનાં લગ્ન દુર્યોધન સાથે ન કરાવી દે તેથી શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન સુભદ્રાને ભગાડીને પરણી ગયો.
ભીમ અને જનજાતીય સમુદાયની હિડિંબાનાં લગ્ન શું હતાં? અરે! શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધને તો માત્ર સ્વપ્નમાં જોઈ બાણાસુરની દીકરી ઉષા (ઓખા પણ કહે છે) તેના પ્રેમમાં પડી ગઈ અને એટલું જ નહીં, પોતાની સખી ચિત્રલેખાની મદદથી તેનું અપહરણ કરાવ્યું! વિચાર કરો કે આજે પણ આવી ઘટનાઓ જોવા નથી મળતી કે સ્ત્રી પુરુષનું અપહરણ કરાવે. કઈ રીતે ફેમિનિસ્ટો ભારતના સમાજને પુરુષ પ્રધાન સમાજ કહેતા હશે? આપણો સમાજ પુરુષપ્રધાન પણ નહોતો અને સ્ત્રીપ્રધાન પણ નહોતો. પુરુષ અને સ્ત્રી બંને સ્થિતિમાં સરખાં હતાં, પરંતુ તેના કારણે સ્ત્રી પુરુષની સમોવડી થઈને તેના દુર્ગુણ નહોતી અપનાવતી. પૃથ્વીરાજ ચૌહાણે સંયુક્તા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.
ઉપરોક્ત એક પણ ઉદાહરણમાં પ્રેમ કરીને છોડી દેવાની વાત આવતી નથી. પ્રેમીઓને મારી નાખવાની વાત આવતી નથી. ઉપરોક્ત બધાં પ્રેમલગ્નમાં ક્યાંય ભોગ ભોગવીને ‘બ્રૅક અપ’ કે ત્યાગી દેવાની વાત નથી. મારી નાખવાની વાત નથી. ત્યાગ, સમર્પણ અને પ્રતિબદ્ધતાની વાત છે.
videshiindianના નામે એકાઉન્ટ ધરાવતી ફિનલેણ્ડની યુવતી કાઇસા ઓલયક્કાએ ભારત વિશે સરસ નિરીક્ષણ કર્યું કે ભારતમાં કોઈ એકબીજાને ‘આઈ લવ યૂ’, ‘આઈ કૅર યૂ’ નથી કહેતું, પરંતુ અહીં પતિ-પત્ની વૃદ્ધાવસ્થામાં મૃત્યુ સુધી સાથ આપે છે. જ્યારે શારીરિક આકર્ષણ ન રહે ત્યારે પણ એકબીજાની કાળજી કરે છે. પત્ની પતિને ગરમ-ગરમ રોટલી બનાવીને જમાડે છે અને પતિ પત્નીને શ્રમનાં કોઈ કામ કરવા નથી દેતો. પત્નીને ખુશ રાખવા રાતદિવસ એક કરી કમાય છે. પતિ-પત્ની એકબીજાના પગ દબાવી દે છે. ઠંડીમાં રાત્રે ચાદર સરકી ગઈ હોય તો ઓઢાડી દે છે. પતિ પત્નીને ખભા પર બેસાડી નદી પાર કરાવી દે છે. સ્ત્રીદાક્ષિણ્ય અહીં છે તેવું ક્યાંય નથી. એકબીજા સાથે ઝઘડો મારામારીનો નથી હોતો, એકબીજાને છેતરીને કરાતા લફરાનો નથી હોતો. ઝઘડો એકબીજાને એક રોટલી વધુ ખવડાવવાનો કે પોતે કપડાં નથી લેતા અને મારા માટે સાડી લઈ આવે છે તેનો હોય છે.
મુસ્લિમ અને યુરોપની પ્રેમકથાઓ નિષ્ફળતાની રહી છે
આની સામે મુસ્લિમો કે ખ્રિસ્તી પ્રેમલગ્નોનાં દૃષ્ટાંત જોશો તો નિષ્ફળતાં જ દેખાશે. હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ક્યારેય ઉપરોક્ત ઉદાહરણો આપ્યાં તેમનાં નામો નથી આવતાં. લૈલા-મજનૂ, શિરીન-ફરહાદ અને સોહની-મહિવાલ, રોમિયો-જુલિયટનાં જરૂર નામો આવે છે. પરંતુ આ બધી પ્રેમ કથાઓ મુસ્લિમ સમાજ અને ખ્રિસ્તી સમાજના વિરોધની, કરુણાંતવાળી પ્રેમ કથાઓ છે.