રેલવે સ્ટેશનો પણ રાષ્ટ્રીય ચેતનાથી રેખાંકિત છે !
એક નાનકડા સમાચાર આ ઇતિહાસનું નિમિત્ત છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ-પોરબંદર-રાજકોટની વચ્ચે એક નાનકડું નગર છે, જેતલસર. જૂનાગઢથી પોરબંદર તરફ જતાં માર્ગમાં આવે. હમણાં જેતલસરના નાગરિકોએ તીવ્ર ફરિયાદ કરી છે કે રેલવે મંત્રાલય અહીંના રેલવે સ્ટેશનની મહત્તાને નષ્ટ કરી રહ્યું છે. આ સ્ટેશન પરના કર્મચારીઓને બીજે બદલવામાં આવ્યા છે. રેલવે વ્યવહારને સંકેલી લેવામાં આવે કે સાવ ઓછો કરવામાં આવે તેવી ગતિવિધિ ચાલે છે. નાગરિકો રોજ દેખાવો કરે છે, આવેદન આપે છે પણ રેલવે તંત્રના પેટનું પાણી હલતું નથી. આ રેલ-લાઇન આજકાલની નથી, છેક રિયાસતોના જમાનાની છે. જેતલસર તે સમયે અન્ય શહેરો સુધી પહોંચવામાં મહત્વનું કેન્દ્ર હતું. બ્રિટિશ પ્રશાસને તેને ‘કેમ્પ’ તરીકે વિકસિત કર્યું, સૌરાષ્ટ્રની પ્રજા તેને ‘જેતલસર કાંપ’ તરીકે ઓળખતી.
પણ, તંત્રને માટે તો એ માત્ર વ્યવસ્થા રહ્યાના પ્રમાણો મળી આવે, તેને ક્યાંથી ખબર હોય કે આ સ્ટેશનો પણ ઐતિહાસિક ચેતનાની સાક્ષી પૂરે છે. ગુજરાતનાં એવાં સ્ટેશનો છે, જેમના દરવાજે અને પ્લેટફોર્મ પર ઇતિહાસ સર્જાયો હતો. જેતલસરના પ્લેટફોર્મ પર ૧૮૯૨ની ઠંડી રાતે જે અકિંચન સાધુ સવારે આવનારી ગાડીની રાહ જોતો હતો, અને બાજુમાં આવેલા કર્મચારીઓના નિવાસમાં, આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હરગોવિંદ અજરામર પંડ્યાની સાથે રાતભરના વાર્તાલાપમાં શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જવાનું બીજ આ સંન્યાસીમાં રોપાયું હતું એ ઘટના પોતે જ કેવી ઐતિહાસિક છે? સ્વામી વિવેકાનંદ તે સંન્યાસી અને હરગોવિંદ પંડયા તે ભાવનગર દક્ષિણામૂર્તિના બે સ્તંભ- નાનાભાઈ અને મોટાભાઈ-માં મોટાભાઈ તરીકે જાણીતા, બિલખાના આનંદાશ્રમમા શ્રીમન્ન નથુરામ શર્માના સહયોગી. તે સમયે હરગોવિંદ પંડયા જેતલસર સ્ટેશનના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હતા. ખરેખર તો આ જગ્યાને સ્વામીજીની આ ઘટનાની સાથે જોડીને ત્યાં એ પ્રસંગનો અંદાજ આપે તેવું સ્મારક બનાવવું જોઈએ. આવી ઘટના કર્ણાવતી (અમદાવાદ) રેલવે સ્ટેશન પર બનેલી છે, સ્ટેશન પર એક પીપલના વૃક્ષ નીચે બેઠેલા વિવેકાનંદ તરફ, પ્રથમ વર્ગમાંથી ઊતરેલા ભવ્ય પ્રતિભા ધરાવતા શ્રેષ્ઠી રાવબહાદુર લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની નજર તેમના પર પડી અને પોતાની હવેલીમાં લઈ ગયા, ખાડિયાની અમૃતલાલ પોળની હવેલી તેની સાક્ષી છે. કાલુપુર સ્ટેશનની ભીડમાં આજે તો આ શ્રેષ્ઠી અને સંન્યાસી વચ્ચેની મુલાકાતનો કોઈ અણસાર જોવા મળતો નથી.
ઇતિહાસ કંઈ માત્ર પાઠ્યપુસ્તકો કે વ્યાખ્યાનો કે પરિસંવાદોનો વિષય નથી, જીવંત સ્થાનોની અનુભૂતિનો પણ છે. સ્ટેશનો તેનાં પ્રથમ સાક્ષી છે. વડોદરાના સ્ટેશને એક દિવસ જતનપૂર્વક જાળવી રાખ્યો છે. ઓકટોબર ૨૦, ૧૯૦૨.
હમણાં જ નગપુરથી ટ્રેન આવી છે. પ્લેટફોર્મ પર સામાન્ય ભીડ છે. મુસાફરો સરસામાન સાથે પ્રવેશ્યા. પણ આ હિલચાલ શાની? લાંબો કોટ, માથે સાફો, ભરાવદાર મૂછ, તેજસ્વી ચહેરો. ટ્રેન આવી એટલે તે પ્રથમ વર્ગ તરફ દોરાયા. પ્રથમ વર્ગમાંથી એક ભગવાવસ્ત્રધારિણી મહિલા નીચે ઊતર્યાં. સુંદર ચહેરો, ગળામાં રુદ્રાક્ષની માળા, સુવ્યવસ્થિત સંવારેલા માથાના ભૂરા વાળ, કમરપટ્ટો અને સુદૃઢ દેહયષ્ટિ.
લોકોએ પોતાના પ્રોફેસર અરવિંદ ઘોષને તો ઓળખ્યા પણ આ સંન્યાસિની? અરવિંદ સંન્યાસીની તરફ પહોંચ્યા. પુષ્પગુચ્છને હાથમાં કોમળતાથી જાળવતાં કહ્યું: ‘મિસ્ટર ઘોષ, તમે તો શક્તિના પૂજારી છો..’ અરવિંદનું હાસ્ય તેમની આંખોમાં હજુ અધૂરા રહી ગયેલા ‘ભવાની મંદિર’ના અવતરણનો પ્રભાવ હતો. ભગિનીએ ફરીવાર હાથ મેળવ્યો. બે સ્વાતંત્ર્ય-આત્માઓના મિલનની તે ઉષ્મા હતી. ભગિનીએ કહ્યું, ‘મિસ્ટર ઘોષ, હું આપની સહકર્મી છુ, મારા સહયોગની ખાતરી રાખજો.’ જે ક્રાંતિ-કાર્યનો વિસ્તાર કરવાનો હતો તેનો આ સંકેત, પ્લેટફોર્મ પરની આ ઐતિહાસિક મુલાકાત, જ્યાં અરવિંદ ઘોષની સાથે ખાસીરામ જાધવ પણ હતા. ભગિનીએ રાષ્ટ્રના આત્માને આ શબ્દોમાં વાચા આપી:
મને શ્રદ્ધા છે કે
ભારત એક અખંડ, અવિભાજ્ય દેશ છે.
એક અસ્તિત્વ,
એક દેશ,
એક રુચિ,
એક સ્નેહ-સંબંધ. રાષ્ટ્રીય એકતાના નિર્માણમાં આ સૌથી મહત્વની અનિવાર્યતા છે.
મને ખબર છે કે, ભારતના વર્તમાનનાં મૂળિયાં તેના ભૂતકાળમાં ઊંડાણમાં પડ્યાં છે. અને એક તેજસ્વી ભવિષ્ય તેની સમક્ષ છે.
હે રાષ્ટ્રીયતા!
તું આનંદ સ્વરૂપે
કે વેદનાના સ્વરૂપે,
સન્માન કે સંકોચથી
જરૂર આવજે.
મને તારામાં એકરૂપ થવા દે..
વડોદરાના સ્ટેશન પર અવરજવર અને ભીડ તો છે. ઘણાં આવતાં હશે, જતાં હશે. ઘણાનાં સન્માન થતાં હશે, ઘણાંને યાત્રાની વિદાય અપાતી હશે. પણ ૧૯૦૫થી બંગાળમાં જે ક્રાંતિયાત્રા શરૂ થઈ તેનાં બે નિર્ણાયક અને સમર્પિત પાત્રો વડોદરાના સ્ટેશન પર મળ્યાં, તેનું શિલ્પ અને ચિત્રરૂપે અહીં સ્મારક થાય તો ઇતિહાસબોધની તે સમર્થ પ્રસ્તુતિ કહેવાશે.
આવાં કેટલાં બધાં સ્ટેશનો છે? પૂણે અને મુંબઈનાં રેલવે સ્ટેશન તો નહિ પણ વિમાનમથકે છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા અને ચિત્રની નીચે સ્વામી રામદાસની પ્રેરક પંક્તિ મૂકી છે.
આપણે ત્યાં અડાસ સ્ટેશને ૧૯૪૨ના શહીદોની સ્મૃતિ છે. સુરતમાં કશું જ નથી. નહીં તો ૧૯૦૭માં અહીં અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક, લાલા લાજપતરાય વિરાટ વિપ્લવ માટે સુરત-અધિવેશનમાં ગર્જયા અને આ સ્ટેશન પર તેમનું ભવ્ય સ્વાગત થયું તે ઐતિહાસિક ઘટના છે. અરે, સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાયેલું તે વીરમગામ સ્ટેશન મોટી લોક-લડાઈનું કેન્દ્ર હતું. રાજકોટ ગાંધીજીના સત્યાગ્રહ ઉપરાત જુનાગઢ-મુક્તિ માટે રચાયેલી આરઝી હકૂમત અને તેના સર સેનાપતિ શામળદાસ ગાંધીની ગર્જનાનું મૂક સાક્ષી છે.
ભારત વિભાજનની આંધીને કાઠિયાવાડનાં કેટલાંક ગામોએ અનુભવી હતી. માણાવદર, બાંટવા, જુનાગઢ, તેવાં સ્થાનો છે. રેલવે તંત્રે અગાઉ ભારે વરસાદમાં તેના રેલ-પાટા ધોવાઈ ગયા ત્યારથી આખો રેલવ્યવહાર જ બંધ કરી દીધો. આજે આ સ્ટેશનો ભૂતિયાં ખંડેરોમાં ફેરવાઈ ગયાં છે. રેલ વ્યવહાર ચાલુ થાય તો તે ધમધમે ને? જેતલસરની દશા પણ એવી જ છે. સાબરમતી સ્ટેશને ચિતરામણ તો કરવામાં આવ્યાં છે પણ તેમ મહાન સ્વાતંત્ર્ય જંગનો કોઈ અહેસાસ થતો નથી. કરવા ખાતર કર્યું હોય તેવું દેખાય છે. શું સાબરમતી લોકમાન્ય તિલક, સરદાર વલ્લભભાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાગુજરાત આંદોલન અને કટોકટી વિરોધી સંઘર્ષના નેતાઓ સ્ટેશનથી નજીકની જેલમાં રહ્યા હતા તેની સ્મૃતિની અનુભૂતિ ત્યાં ના કરાવી શકાય?
જૂનાં, જર્જરિત ખંડેર જેવાં સ્ટેશનો ભૂતકાળની અદ્ભુત સામગ્રીની જગ્યાઓ છે. ભુજનું જૂનું સ્ટેશન તેનું એક ઉદાહરણ છે.
૧૯૬૮માં આ સ્ટેશને એક મહિના સુધી ‘કચ્છ કી માટી, દેશ કી માટી’ના ગગનભેદી નારા કરનારા જેલવાસી સત્યાગ્રહીઓ જોયા છે. રોજ બંગાળ, તમિલનાડુ, આંધ્ર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી કચ્છ સત્યાગ્રહ માટે લોકો અહીં ઊતરતા. સ્ટેશનની પાસે જ એક ધર્મશાળા હતી. સત્યાગ્રહીઓએ અહીંથી ખાવડા ટુકડી લઈને પહોંચવાનું રહેતું. આ ધર્મશાળામા કેવા કેવા નેતાઓ જમીન પર ચટાઈ પાથરીને રહેતા? અટલબિહારી વાજપેયી, બેરિસ્ટર નાથપાઈ, મધુ લીમયે, જ્યોર્જ ફર્નાન્ડીઝ, જગન્નાથરાવ જોશી, હેમ બરૂઆ, એન. જી. રંગા, સનત મહેતા, હરિસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુક્લ, સૂર્યકાંત આચાર્ય, નારસિંહભાઈ પઢિયાર..
ભુજની જેલમાં સત્યાગ્રહીઓને રાખવામાં આવતા. ધર્મશાળાથી જેલ, ભુજથી ખાવડા.. આ એક રાષ્ટ્રીય અવાજનાં કેન્દ્રો બની ગયાં. હજુ સુધી ખાવડામાં તો આ ઐતિહાસિક સત્યાગ્રહનું કોઈ સ્મૃતિચિહ્ન સ્થાપિત થયું નથી અને ભુજનું રેલવે સ્ટેશન તો ખંડેર બની ગયું! આવું જ જામનગર સ્ટેશન વેરાન અવસ્થામાં છે. દરેક સ્થાનની એક નિયતિ હોય છે. એક સમયે વીરમગામનો દબદબો હતો. સૌરાષ્ટ્રથી ગુજરાતનાં બીજા વિસ્તારો અને અમદાવાદ પહોંચવાનો આ મુખ્ય દરવાજો. એવું જ ઢસા અને ધોળા જંકશનનું ઐશ્વર્ય!
દરેક સ્થાન ફેરફાર તો જરૂર માંગે, પણ તેની સાથે જોડાયેલા ઇતિહાસને કોઈને કોઈ રીતે સ્થાપિત કરવો જોઈએ. સ્ટેશનો તેવા પ્રવાહોનાં પ્રથમ સાક્ષી છે. નડિયાદ, ભરૂચ, વલસાડ, બારડોલી, દ્વારિકા, વેરાવળ, વંથલી, ખેડા, આણંદ.. બોલો, સંશોધનનાં કેટલાં સ્ટેશનો છે?