યુવાસંવાદ । જાતિવાદ છોડો, પ્રકૃતિ જોડો: સમરસ સમાજ અને પર્યાવરણ માટેનો ‘માસ્ટર પ્લાન’

એક બાબત યાદ રાખવાની. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એ સંસ્થા દ્વારા દર વર્ષે ઓગસ્ટમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ થાય છે. આને આખા સમાજનું સમર્થન મળે એવું કરવું જોઈએ. દરેક જણના ઘેર તુલસીનો છોડ તો હશે જ! ન હોય તો એ કૂંડું ખરીદી અને તુલસીનો છોડ ઘેર રાખવો જોઈએ..

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

Nature Meets Nation
 
 
સૌ કોઈ આવો વૃક્ષ પાસે...
 
‘નમસ્તે, મહોદય..’
 
‘નમસ્તે, ધૈર્ય… શું સમાચાર છે?’
 
કંઈ ખાસ સમાચાર નથી પણ યુજીસીને લઈને જે વિવાદ થયો, એ વિવાદનું સમાધાન સમરસ સમાજમાં છે….’
 
‘અદ્‌ભુત, મને આનંદ થાય છે કે તમે આપણી ચર્ચાઓનાં તારણોને આપણી વર્તમાન જીવનશૈલીના સંદર્ભમાં યાદ રાખો છો..’
‘સર, મને તો એમ લાગે છે કે, જ્યારે ૧૦૦૦ વ્યક્તિ એટલે કે વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના વિચારકો જ્યારે સમરસ સમાજ વિશે વાત કરતા હોય છે અથવા મથામણ કરતા હોય છે, તે જ સમયે ૨૦૦૦થી વધુ લોકો સમાજને કેવી રીતે વિભાજિત કરી શકાય એના માટેનાં વ્યૂહતંત્રો ગોઠવતા હોય છે. અમને નવી પેઢીને આવી રીતે સમાજને વિભાજિત કરવાની કોઈ પણ હિલચાલ ગમતી નથી…’
 
‘બહુ સારી વાત છે, તમારી પેઢીમાં આ પ્રકારનું સ્પષ્ટ ચિંતન એ જ ભારત માટે આશાની નિશાની છે. દરેક બાબતમાં પ્રાંત, જાતિ કે સંપ્રદાય વચ્ચે લાવવાની બાબત સારી નથી. એનાં પરિણામો પણ સારાં ના હોય…’
‘કોઈપણ સંમેલન કે સભા કે સંગઠન હંમેશા સંવાદિતા વધારવાની વાત કરતાં હોય છે. પરંતુ જેવાં એમના ભાષણ સમગ્ર ભારત અથવા સમગ્ર હિન્દુ સમાજને એક કરવાને બદલે એના એક ટુકડા તરફ વળે છે ત્યારે અમને નવી પેઢીના યુવાનોને દુઃખ થાય છે. આવું શું કામ કરવું જોઈએ ?’
 
‘તમને યાદ છે ટાગોર
 
હોલમાં, માનનીય સુરેશજી સોનીજીએ સરસ વાત કરી હતી. Unity in diversity. આ વિચારમૂલ્યો તો કદાચ સારો છે, પણ એમાં પશ્ચિમના વિચારોની છાયા છે. આપણે એમ કહીએ છીએ કે બધું એક જ છે, જે અનેક રૂપે અભિવ્યક્ત થાય છે. વેદ વાક્ય છે... एकोहम् बहुस्याम। હું એક છું, પણ લીલાથી અનેક રૂપ ધારણ કરીને અલગ અલગ દેખાઉં છું. તમે વિચાર કરો ભારતના ઋષિઓએ કેવું ચિંતન કર્યું હશે છેલ્લે બધું ઈશ્વર છે એવું મનમાં એક પ્રતિસ્થાપન થઈ જાય તો પછી અલગ અલગ દેખાતા લોકો અથવા અલગ અલગ દેખાતી પૃથ્વી મનના દર્પણમાં તો એક જ દેખાય..! અને આ જ સિદ્ધ કરવાનું છે.’
‘કેવી સરસ વાત છે… સૂક્ષ્મતાથી વિચારીએ તો ખ્યાલ આવે કે સમરસ સમાજ અને પર્યાવરણ અંગેની બધી સમસ્યાઓનો એક તાત્વિક સમજણથી ઉકેલ આવી શકે એમ છે….’
 
‘એટલા માટે તમે જોશો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષમાં પાંચ પરિવર્તનોની વાત કરે છે એમાં મૂળ તો આ વાત જ છે. મને બહુ આનંદ થયો કે તમને એટલીસ્ટ એ તો ખ્યાલ આવે જ છે કે સમરસ સમાજ અને પર્યાવરણ પ્રત્યેના પ્રેમની આસ્થા આ એક જ સમજણથી દૃઢીભૂત થશે..’
 
‘તમે લોકો થોડા યુવાનો ભેગા થઈને એવું નક્કી કરો કે આપણે અટક નાબૂદી માટે કામ કરીએ. આપણી અટકનું મહત્ત્વ ઓછું થતું જાય તો કદાચ જ્ઞાતિ અંગેની સંવેદનશીલતા પણ ઓછી થશે. બધા હિન્દુઓ એક છે, બધા ભારતીયો એક છે, આ ભાવ ઊભો થવો જોઈએ. આવું નાના નાના ઘટકોમાં થતું રહેશે તો સમાજ એક થશે અને સમરસ પણ થશે..’
 
‘સરકારે ૨૦૧૦માં ગામેગામ વિવેકાનંદ યુવક મંડળ સ્થાપ્યાં હતાં. આ યુવક મંડળોને કામે લગાવો. જ્ઞાતિ જાતિ સંપ્રદાયના ભેદ વિના સૌ ભેગા થાય અને ભારતમાતાની પ્રાર્થના કરે, નાનકડી ગ્રામકક્ષાની રમતોની સ્પર્ધા પણ કરી શકાય.’
‘પર્યાવરણ માટે પણ આવું વિચારી શકાય ને?’
 
‘એવું કરીએ કે કોઈની તિથિ છે માની લો કે એમના કુટુંબમાં એમની માતાજીની અથવા પિતાજીની મૃત્યુતિથિ છે, તો એમના સ્મરણમાં પાંચ ઝાડ રોપવા માટે યુવાનો કોઈ ખેતરમાં જાય અથવા કોઈ જાહેર જગા હોય તો એને સાફ કરીને ત્યાં વૃક્ષારોપણ કરે. જરૂર પડે તો સ્થાનિક સરપંચ કે કમ્યુનિટીના જે નેતા હોય એમને પરવાનગી લઈને આવું કામ કરાય, આવા કામમાં કોઈ ના નહીં પાડે.’
 
‘આ તો બહુ સરસ આઈડિયા છે..!’
 
‘જુઓ બીજી એક બાબત યાદ રાખવાની. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એ સંસ્થા દ્વારા દર વર્ષે ઓગસ્ટમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ થાય છે. આને આખા સમાજનું સમર્થન મળે એવું કરવું જોઈએ. દરેક જણના ઘેર તુલસીનો છોડ તો હશે જ! ન હોય તો એ કૂંડું ખરીદી અને તુલસીનો છોડ ઘેર રાખવો જોઈએ.. અથવા સોસાયટીની વચ્ચે કોમન પ્લોટમાં જો લીમડો કે બીજું કોઈ વૃક્ષ હોય તો એની પૂજા કરવી જોઈએ. આ પૂજા સમૂહમાં કરવી જોઈએ, આ પૂજામાં પરિવારો ભાગ લે એવું ગોઠવવું જોઈએ, જેથી આખા સમાજની ભાગીદારી વધે અને જાગૃતિ વધે…’
 
‘બહુ સરસ….’
 
‘પર્યાવરણ બગડવાનાં જે કારણો છે પાણી અને હવા..! પ્રદૂષણ ન થાય એ માટે કાળજી રાખવી જોઈએ. પાણીનો દુરુપયોગ ન થાય, અને જો હવામાં સહેજ પણ પ્રદૂષણ દેખાય તો કેવી રીતે એને અટકાવી શકાય અથવા બંધ કરી શકાય એના માટે કોઈ કારખાનું શરૂ થયું હોય તો એની સાથે પણ વાત કરવી જોઈએ અથવા સત્તાવાળાઓ સાથે વાત કરવી જોઈએ.’
 
‘આજની વાત ઉપરથી તો એવો થનગનાટ આવે છે કે અમે જલદી જલદી બધા છોકરાઓની મીટિંગ કરી અને કંઈક કાર્યક્રમ ઘડી કાઢીએ..!’
 
 

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.