મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
vasudeva fadake  
વાસુદેવ બળવંત ફડકે એક મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા-સેનાની હતા. તેમણે બ્રિટીશ શાસન સામે સ્વતંત્રતા માટે કારમો સંઘર્ષ કર્યો. તેઓ ભારતના આદિ ક્રાંતિકારી ગણાય છે. જેમણે છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ સ્વરાજના જયઘોષને બુલંદ કર્યો. અંગ્રેજ શાસનમાં ખેડૂતોની દુર્દશા જોઈ તેમનું મન વ્યથિત થઈ ઊઠ્યું. તેઓ માનવા લાગ્યા કે, બધી સમસ્યાઓને એકત્ર કરીને તેમણે અંગ્રેજ શાસન વિરુદ્ધ એક આંદોલન ઊભું કર્યું. આ સરકારના મૂળિયાં હચમચાવી નાખવા તેમણે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. એટલું જ નહીં તેના માટે ધન એકત્ર કરવા ધનિક યુરોપીય વેપારીઓને લૂંટ્યા.
 
વાસુદેવ બળવંત ફડકેનો જન્મ ૪ નવેમ્બર, ૧૮૪૫ના રોજ મુંબઈના થાણે જિલ્લાના શિરધોન ગામમાં થયો હતો. બાળપણમાં તેમને શાળાકીય શિક્ષણને બદલે ઘોડેસવારી, કુસ્તી જેવાં શારીરિક કૌશલ્યોમાં વધારે રુચિ હતી. પરિણામે તેમણે હાઈસ્કૂલનું શિક્ષણ છોડી દીધું. ત્યાર પછી તેઓ પુણે ગયા અને સૈન્યના હિસાબી વિભાગમાં ૧૫ વર્ષ સુધી એક ક્લાર્ક તરીકે કામ કર્યું. પુણેમાં રહેતા લાહુજી સાલ્વે તેમના ગુરુ હતા. સાલ્વે એક કુશળ પહેલવાન હતા, જેઓ કુસ્તીનો અખાડો ચલાવતા અને અંગ્રેજ સરકાર વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલનમાં જોડાવા પ્રચાર કરતા. સાલ્વે ગુરુ માંગ સમુદાયમાંથી આવતા હતા. તે સમુદાય અસ્પૃશ્ય ગણાતો હતો. તેમણે ફડકેને સ્વતંત્રતા આંદોલનમાં પછાત સમાજને જોડવાનું મહત્ત્વ સમજાવ્યું.
 
એ દરમ્યાન ફડકે મહાદેવ ગોવિંદ રાનડેના પ્રવચનોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેઓ મુખ્યત્વે અંગ્રેજ સરકારે ભારતના અર્થતંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડ્યું છે તેની વાત કરતા. ૧૮૭૦માં તેમણે પુણેના એક જનઆંદોલનમાં ભાગ લીધો. જેનો ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાનો હતો. ફડકેએ યુવાનોને સંગઠિત કરવા ઐક્યવર્ધિની સભા નામની સંસ્થાની સ્થાપના કરી. તેઓ ક્લાર્ક તરીકે સેવા બજાવતા હતા ત્યારે તેમની માતા ગંભીર રીતે બીમાર પડ્યાં. તેમણે રજાઓ માટે અરજી કરી પણ, અંગ્રેજ સરકારે જાણી જોઈને તેમની રજાની અરજી મંજૂર કરતાં વાર કરી. તેમની રજા મંજૂર થાય ત્યાં સુધી તેમની માતાનું અવસાન થયું. આ ઘટનાથી વાસુદેવ હચમચી ઊઠ્યા.
 
૧૮૨૫માં જ્યારે વડોદરાના તત્કાલીન શાસક મલ્હારરાવ ગાયકવાડને અંગ્રેજ સરકારે બરખાસ્ત કર્યા ત્યારે ફડકેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે અંગ્રેજો વિરુદ્ધ જોરદાર ભાષણ આપવાનું શરૂ કર્યું. ભીષણ દુકાળ સમયે લોકોને ટપોટપ મરતાં જોઈ તેમનું હૃદય દ્રવી ઊઠ્યું. અંગ્રેજ સરકાર તેમના માટે કશું કરતી નહોતી. તેમણે દક્ષિણક્ષેત્રનો પ્રવાસ કર્યો. તેમણે રામોશી, કોળી, ભીલ, ધનગર જેવી જાતિઓનો એક સમૂહ બનાવ્યો. તેમણે લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.
 
એ પછી રામોશી નેતા દોલતરાય નાઈક જેઓ ફડકેના સમર્થક હતા. તે કોંકણક્ષેત્ર તરફ આગળ વધ્યા અને ૧૮૭૯માં પલાસો અને ચિખલી પર હુમલો કર્યો અને લગભગ દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી, પરંતુ પાછા વળતી વખતે અંગ્રેજ ડેનિયલે તેના પર હુમલો કર્યો અને ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું.
 
વાસુદેવ ફડકેને પકડવા માટે મુંબઈ પોલીસે ઇનામ જાહેર કર્યું. દિવસ-રાત પોલીસ તેની પાછળ લાગેલી રહેલી. વાસુદેવ ફડકેએ પણ સામે દરેક અંગ્રેજની હત્યા માટે ઇનામની ઘોષણા કરી. ઈનામની વાતમાં કોઈકે વાસુદેવના ખબર અંગ્રેજ સરકારને આપ્યા. છેવટે પંઢરપુર જતાં ભયંકર લડાઈ બાદ એક મંદિરમાંથી તેમની ધરપકડ કરવામાં આવી.
 
તેમના પર કેસ કરવામાં આવ્યો. ગણેશ વાસુદેવ જોશી (કાકા) તેમનો મુકદ્દમો લડ્યા. ફડકે અને તેના સાથીદારોને જેલમાં રાખવામાં આવ્યા. ફડકેને યમનની અદનની જેલમાં આજીવન કારાવાસની સજા આપવામાં આવી. ૧૩ ફેબ્રુઆરી, ૧૮૮૩માં તેઓ સખત પહેરા વચ્ચે જેલનો દરવાજો તોડીને ભાગી નીકળ્યા, પરંતુ ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી. જેલમાં તેમણે ભૂખ હડતાળ કરી અને અંતે સ્વતંત્રતા માટે દિ. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૩માં પોતાના પ્રાણની આહુતિ આપી.
 
આ મહાન ક્રાંતિકારીની સ્મૃતિમાં પોસ્ટ વિભાગે એક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી છે તથા એક મરાઠી ફિલ્મ પણ બની છે.

મધુકાન્ત પ્રજાપતિ

મધુકાન્ત પ્રજાપતિ ટાઉન પ્લાનિંગ ખાતામાંથી નિવૃત્ત થયા છે, તેઓશ્રી સાહિત્ય સર્જન ઉપરાંત અન્ય અનેક સેવાભાવી પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહે છે. છેલ્લાં 35 વર્ષોથી 'સાધના' સાપ્તાહિકના બાળવિભાગના સંપાદક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તેમની અનેક વાર્તાઓ સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલવાડી, ઝગમગ વગેરે દૈનિકો—સાપ્તાહિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમના અનેક શબ્દચિત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે ‘સ્ત્રી' સાપ્તાહિકમાં પાંચ વર્ષ સુધી યુવાનોને પ્રેરણા આપતી 'યુથક્લબ' નામની કૉલમ પણ લખી છે. તેઓશ્રી બાળસાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમના બાળ-કિશોર વાર્તાસંગ્રહ "ઉપકારનો બદલો"ને ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત તેમનો વાર્તા સંગ્રહ 'કલરવ' 'રાજા હરિશચન્દ્ર', 'વિશ્ચની શ્રેષ્ઠ બાળલોક કથાઓ', 'ઉપનિષદની શ્રેષ્ઠ વાર્તાઓ', 'ઈસપની શ્રેષ્ઠ વાર્તાઓ', 'મોગલીના પરાક્રમો', 'રાષ્ટ્ર ચેતનાના પ્રહરી', 'સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો' જેવા અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.