હસ્તમેળાપ અને હૈયામેળાપ
લગ્નની સેકન્ડ સિઝન શરુ થઇ ગઈ છે. હવે તો ફટાણા અને ફલાણાને મળવામાં સપ્તપદીનો સાર સરવા કાને ક્યાં સંભળાય છે! ‘કોયલ ઊડી રે ગઈ’ના સૂર સાથે કન્યાવિદાય સાથે લગ્ન પૂરાં થાય છે. વિદાય વેળાએ ભલભલાનાં પથ્થરહૈયાં પણ રડી ઊઠે છે. કન્યાવિદાય વખતે જેનું હૈયું ભરાતું નથી, એના પર કદી વિશ્વાસ ન મૂકવો. આજે વિદાય વખતે લોકો ઓછા રડે છે એનું કારણ પ્રતીક્ષા નથી રહી. દીકરી વિદાય થયાને ૧૫ મિનિટ પણ ન થઇ હોય ત્યાં મા વીડિયો કોલ કરે છે. ‘કાળજા કેરા કટકા’ને રોજ થતા લાંબા ફોન વિપરીત પરિણામ લાવી શકે છે. જેમ બાળક પુખ્ત થાય એમ એને એના નિર્ણય કરવા દેવા જોઈએ, એમ દીકરીને પણ માએ મોકળાશ આપવી રહી... લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે પણ ખીલેલી મોસમ માફક યુગલ લગ્નજીવનને માણી શકે તો સાયુજ્યનું સાર્થક્ય સમજાશે અને વાર્ધક્યના વ્હાલ સુધી પહોંચી શકાશે. દરેક ક્ષણને માણી-પ્રમાણી શકે એ જ સાચું લગ્નજીવન. લગ્નમાં સંલગ્ન થાવ તો અને તો જ આનંદના આઠમા રંગમાં રંગાઈ શકો.
આજે તો ઇવેન્ટ મેનેજમેન્ટની કંપનીને કામ સોંપી આપણે નિરાંતવી ચાદર ઓઢી સૂઈ જઈએ છીએ, પણ પહેલાંના સમયમાં છ મહિના પહેલાં લગ્નની તૈયારીઓ શરુ થઇ જતી હતી. સગાંવહાલાંનાં નામોની યાદીથી પ્રારંભાતો પ્રસંગ આંસુની આંગળી ઝાલીને વિદાય થતી કન્યાથી પૂર્ણ થતો. ઘાંચીને ત્યાંથી તેલના ડબ્બા આવે ત્યારથી માંડી અંતમાં વિદાયની છેલ્લી ચા પિવડાવાય ત્યાં સુધી ખડે પગે રહેતો વિનુ વાણંદ કેમ ભૂલાય? એક મહિના પહેલા ઘરે દરજી સિલાઈ મશીન લઈને આવી જાય. પરિવારના બધા સભ્યોનાં કપડાં સિવાય. ભાઈઓની પસંદગી તો પાંચ મિનિટમાં પૂરી થાય છે પણ બહેનોની રોટલી શેકાતા વાર લાગે છે. મનુ માળી, શિવો સોની, ઢગો ઢોલી વગેરે પાત્રો ધીરે ધીરે વિસરાઈ રહ્યાં છે, જે આ વહાલપના વરાનાં અવિભાજ્ય અંગ હતાં.
પ્રેમનો રમણીય મુકામ એટલે લગ્ન. લગનજીવનમાં વણલખાયેલા નિયમો હોય છે, જે વણબોલે પાળવાના હોય છે. એક પાત્ર ધીમું પડે તો બીજું પાત્ર ઝડપ કરે છે. ક્રિકેટ જેમ લગ્નમાં પણ નોનસ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલાનું બહુ મૂલ્ય અને મહિમા છે. લગ્નજીવન એટલે પરદેશમાં પતિ પ્રસાદ લે અને પત્નીને પુણ્ય મળે. પતિ પરિશ્રમ કરે અને પત્ની ગૃહલક્ષ્મી બને. ચાર હાથ અને બે હૈયાંનો સરવાળો. સળી સળી ભેગી કરી બાંધેલો માળો એટલે લગ્ન. આખા દિવસના થાકીને આવેલા પતિ સામે ધરેલા પાણીના પવાલામાં ઓગળતો જતો થાક... હૃદયમાં વાવેલા લાગણીના દાણાથી ઉતરતો મબલખ પ્રેમનો પાક... લગ્ન તમામ સંબંધોમાં શ્રેષ્ઠ છે. બીજા બધા સંબંધમાં મર્યાદા છે જ્યારે અહીં અનુકૂળતાનું આકાશ છે અને મોકળાશનું મેઘધનુષ છે.
કુંવારો હતો ત્યારે થતું કે લગ્ન જીવનની આટલી બધી જોક્સ ...!? લગ્ન થયા પછી થયું કે લગ્નજીવનની આટલી ઓછી જોક્સ...? લગ્ન પહેલા પ્રિયતમાની એક વાત પર આખી ને આખી રાત જાગે છે અને લગ્ન પછી પત્નીની અર્ધી વાત સાંભળીને નસકોરાના નગરમાં પહોંચી જાય છે તોય ‘સાસ ભી કભી બહુ થી’ની સિરિયલ વર્ષોથી ચાલ્યા કરે છે..! કિશોર અવસ્થામાં વિજાતીય વાઈબ્રેશનને પ્રેમ નામ આપી દેવાની ભૂલ થતી હોય છે. આવાં ઉતાવળિયાં લગ્ન થાય ત્યારે પરિણામ એ આવે કે પાર્ટી પ્લોટનું બિલ પણ બાકી હોય ત્યાં છૂટાછેડા થઇ જતા હોય છે. લગ્નની અતિ સાંકડી ગલીમાં બેમાંથી એકે અહમ સાઈડમાં મૂકવો પડે અથવા તો બંનેએ અર્ધું અર્ધું જતું કરવું પડે, તો જ પૂર્ણ પ્રેમની પોચી પૂનમને નિહાળી શકીશું. નેહની નાવથી સમજણનો સાગર તરી જવાતો હોય છે.
પંડિત વાચસ્પતિ મિશ્રએ ‘બ્રહ્મસૂત્ર’ના ‘શંકરાભાષ્ય’ પર પોતાનું વિવેચન બાર વર્ષે પૂર્ણ કર્યું. લેખન દરમ્યાન પત્ની ભામતીએ અવિરત સેવા કરી હતી. આથી આ ગ્રંથનું નામ ‘ભામતીટીકા’ રખાયું હતું. લગ્નની પૂર્વશરત અને પૂર્ણશરત સમર્પણ છે. સમર્પણના સરનામે જ સ્નેહ વસે છે અને શ્વસે છે. વિશ્વનો શ્વાસ એટલે વિશ્વાસ. ભરોસાની ભેંસ જ વધુ દૂધ આપી શકે છે. શંકાનો રાવણ લંકાના રાવણ કરતાં વધુ ખતરનાક છે.