Gen-Z ભારતના અમૃતકાળે ઉભરતાં યુવા
આજકાલ વિશ્વભરમાં Gen-Z ખૂબ ચર્ચામાં છે. ક્યાંક Gen-Z આંદોલનો કરી રહી છે, ક્યાંક ક્રાંતિ કરી રહી છે, ક્યાંક થિયેટરોમાં ચીસો પાડી રહી છે તો, ક્યાંક ડ્રગ્સની રેવ પાર્ટીઓ કરી રહી છે. ભારતમાં પણ કેટલાંક આવાં દૃશ્યો જોવા મળ્યાં છે, જેમાં Gen-Z આપણી સંસ્કૃતિથી વિપરીત કામ કરી રહી હોય. પરંતુ, આખાય ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આ દૃશ્યો જ સંપૂર્ણ સત્ય નથી, એનું પ્રમાણ નહિવત્ છે. ખરેખર તો આ રાષ્ટ્રવિરોધી શક્તિઓએ ઊભો કરેલો એક વિમર્શ છે. Gen-Zને બાનમાં લઈને આ તત્ત્વો રાષ્ટ્રમાં અરાજકતા ફેલાવવા માગે છે, પરંતુ ભારતનું સદ્ભાગ્ય એ છે કે, તે લોકો ધાર્યા મુજબ સફળ થઈ રહ્યા નથી કારણ કે, આપણી Gen-Zના જીન્સમાં (મૂળમાં) ભારતની સંસ્કૃતિ હજુય બરાબર ધબકે છે.
વિશ્વભરમાં ચાલી રહેલી Gen-Zની કથિત ક્રાંતિઓ અને વિશ્વસત્તાઓના આશ્ચર્ય વચ્ચે ભારતીય Gen-Z રાષ્ટ્રના વિકાસના સંકલ્પ સાથે અડીખમ ઊભી રહીને આધુનિકતા અને વિરાસત વચ્ચે સંતુલન સાધી રહી છે, એટલું જ નહિ પોતાનાં સાંસ્કૃતિક મૂળિયાં સાથે પણ જોડાઈ રહી છે. આ પેઢી ભજન પણ કરે છે, ગૌસેવા પણ કરે છે, માનવસેવા પણ કરે છે, પર્યાવરણ સુરક્ષા પણ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું જતન પણ કરે છે. આ પેઢી સ્વામી વિવેકાનંદના વિચારોથી માંડીને રા.સ્વ. સંઘના પંચ પરિવર્તન સંદર્ભે રાષ્ટ્રસેવા પણ કરી રહી છે. ટૂંકમાં આપણી Gen-Zના સ્વભાવમાં ‘સ્વ’બોધ પણ છે, સ્વાભિમાન પણ છે અને ‘સ્વ’દેશીની ભાવના પણ છે. આ મુખપૃષ્ઠ વાર્તામાં ભારતના અમૃતકાળે ઉભરતા યુવા - Gen-Zની વાત પ્રસ્તુત છે.
ભારતની Gen-Z એટલે કે ‘જનરેશન-ઝેડ’ એ યુવા શક્તિનો એવો પ્રવાહ છે, જેનો જન્મ મુખ્યત્વે ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે થયો છે. આ પેઢી વિશેષ છે કારણ કે તે સંપૂર્ણપણે ડિજિટલ યુગના ઉદય સાથે ઉછરી છે. ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા આ પેઢી માટે માત્ર સાધનો નથી, પણ તેમની જીવનશૈલીનો એક સહજ હિસ્સો છે. ઘણીવાર આ પેઢીને ‘જુમર્સ’ (Zoomers) તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેક્નોલોજીના અત્યંત કુશળ ઉપયોગને કારણે તેઓ માત્ર જાગૃત જ નથી, પરંતુ સમાજમાં પરિવર્તન લાવનારી એક મોટી શક્તિ બની ગયાં છે. આ પેઢીના યુવાનો પોતાના વિચારોને નીડરતાથી વ્યક્ત કરવામાં અને ડિજિટલ પ્લેટફોર્મનો સર્જનાત્મક ઉપયોગ કરવામાં સૌથી આગળ છે.
પરંતુ, જો આપણે આ Gen-Zને માત્ર ડિજિટલ કુશળતાના ચશ્માથી જોઈશું, તો તે આ પેઢી પ્રત્યે અન્યાય હશે. ભારતની Gen-Zની અસલી તાકાત તેની આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વયમાં રહેલી છે. પરંતુ, કેટલાક લોકો આ પેઢીનાં જોમ, સ્વતંત્ર વિચારસરણી, વિચારધારાને આવકારે છે. તો કેટલાક લોકો વિશેષ કરીને ભારતનો એક વર્ગ ભારતની આ પેઢી અંગે ચેતવે પણ છે કે, શ્રીલંકા, માડાગાસ્કર, નેપાળ, બાંગ્લાદેશ અને ઈરાનની જેમ ભારતની Gen-Zને ભડકાવી રાષ્ટ્રવિરોધી શક્તિઓ દેશમાં અસ્થિરતા સર્જી શકે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે, વિશ્વભરની Gen-Z એક ભાંગફોડિયા, વિદ્રોહ, અશાંતિ ફેલાવનાર વિદેશી શક્તિઓના હાથા બની સરકારો ઉથલાવવાનું માધ્યમ બની રહી છે ત્યારે ભારતની ઝેન-ઝીનો એક મોટો વર્ગ રાષ્ટ્રહિતના કાર્યોમાં લાગ્યો છે. ભારતની પેઢીએ સાબિત કર્યું છે કે, જો યોગ્ય આત્મિયતા અને માર્ગદર્શન મળે તો તે સમાજમાં કેવી મૂક ક્રાંતિ સર્જે છે. સૌ પ્રથમ વાત આવાં જ કેટલાક ઉદાહરણોની...
સમાજસેવા થકી સમાજમાં સાર્થક સંદેશ : ‘વી ધ યુવા’ સંગઠન
યુવા કોઈપણ દેશનું ભવિષ્ય ગણાય છે, આ એક એવી પેઢી છે જે એક બુદ્ધિજીવી અને સુદૃઢ સમાજની રચના કરી શકે છે. આવા જ યુવાઓનું સંગઠન છે, છત્તીસગઢનું ‘વી ધ યુવા ગ્રુપ’. આ સંગઠને થોડાક જ સમયગાળામાં પોતાનાં સેવાકાર્યો થકી સમાજમાં એક અલગ જ ઓળખ પ્રસ્થાપિત કરી દીધી છે. સંગઠનના કાર્યકર્તાઓએ પર્યાવરણ અને સ્વચ્છતાનું અનોખું અભિયાન છેડ્યું છે. એટલું જ નહિ આ યુવા કાર્યકર્તાઓ અહીંના જશપુરથી કુનકરી અને ધોલેગ સુધી તમામ ઢાબાઓમાં જઈ શૌચાલય નિર્માણ માટે પ્રેરિત કરી રહ્યા છે. આ સંગઠન સ્થાનિક બાલગૃહોનાં બાળકોની પણ મદદ કરે છે અને વિસ્તારનાં ગરીબ બાળકોને અધ્યયન સામગ્રીનું પણ વિતરણ કરે છે. માત્ર સંગઠનાત્મક રીતે જ નહિ, બલ્કે આજનો યુવા વ્યક્તિગત રીતે પણ તેનાથી બનતું સમાજને પીરસી રહ્યો છે. આવો જ એક યુવા છે, બિહારના ગયા જિલ્લાના માનપુર પ્રખંડનો સંદીપકુમાર તેને પર્યાવરણ બચાવવાની એટલી તો લગની છે કે, તે પોતાના ખર્ચે સતત વૃક્ષારોપણ કરી રહ્યો છે. અને અત્યાર સુધી સ્વ-ખર્ચે ૬૦૦થી વધારે વૃક્ષોનું નાનકડું જંગલ ઊભું કરી દીધું છે. સંદીપ આજે પણ દર મહિને પોતાના ગામના રસ્તાઓની આજુબાજુ વડ, પીપળો, લીમડો જેવાં ૩થી ૪ વૃક્ષો જરૂરથી વાવે છે. એટલું જ નહિ તે વૃક્ષોની નિયમિત સંભાળ પણ લે છે. અને આ પ્રત્યેક વૃક્ષો વાવવા પાછળ લગભગ ૫૦૦ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. સંદીપ આ ખર્ચ પોતે ઉઠાવે છે.
પર્યાવરણ સંતુલનનો ભારતીય અભિગમ
રાજસ્થાનના પાદુકલાના લગભગ ૪૦-૫૦ યુવાઓએ મળીને ગૌ-સેવા ક્ષેત્રે અનોખી ક્રાંતિ સર્જી છે. આ યુવા
સંગઠન : ગૌસેવા સંગઠન અસ્થાયી ક્વૉરન્ટાઈન સેંટર બનાવીને સેંકડો ગૌમાતાનો જીવ બચાવી રહ્યું છે. ગત વર્ષે જ્યારે રાજ્યમાં લંપી રોગે હાહાકાર મચાવ્યો હતો, ત્યારે આ સંગઠનના યુવાઓ સંકટગ્રસ્ત ગૌધન માટે દેવદૂત બનીને આવ્યા હતા. સંગઠનના ઓમપ્રકાશ દેવાસી જણાવે છે કે, યુવા ગૌસેવા સંગઠન માત્ર ગામના આર્થિક સહયોગથી વિસ્તારની ગૌમાતા સહિત પશુઓની સારવાર જ નથી કરી રહ્યું, પરંતુ સામાજિક સેવાકાર્ય અને ગામની ધાર્મિક ધરોહરોની સાફ-સફાઈ અને જાળવણી પણ કરી રહ્યું છે. ગામમાં વૃક્ષારોપણ, જળાશય-સફાઈ સહિત પર્યાવરણ ક્ષેત્રે પણ આ સંગઠને મૂક ક્રાંતિ સર્જી છે.
આ ગામમાં આવું જ એક યુવા સંગઠન ‘રામાયણ મંડળ’ છે. જેના યુવાઓ વિસ્તારમાં સુંદરકાંડના પાઠ સહિતનાં ધાર્મિક આયોજનો થકી સમાજમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે, એટલું જ નહિ, આ સંગઠનના યુવાઓ નશામુક્તિનું પણ સક્રિય અભિયાન ચલાવી રહ્યા છે.
સમાજમાં શિક્ષણની ધૂણી ધખાવનાર : પલક અગ્રવાલ
રાજસ્થાનની પલક નામની દીકરીએ નારાયણ સેવા સંસ્થાનના માધ્યમથી સમાજમાં શિક્ષણ અને સેવાની ધૂણી ધખાવી છે. બિઝનેસમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ આ દીકરીએ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પોતાના ઝનૂન અને વ્યવસાયને એક સાથે જોડવાનું નક્કી કર્યું. પોતાની માતાની પરોપકારી ભાવનાથી પ્રેરિત થઈ પલક શિક્ષા, સ્વાસ્થ્ય-સેવા, બાલવિકાસ અને નારીજાગરણ સહિત વિવિધ સામાજિક મુદ્દાઓ પર અથાગ પરિશ્રમ કરી રહી છે. તેના પ્રયાસો થકી વંચિત સમાજનાં ૧૦,૦૦૦થી વધારે બાળકોને શાળાનો ગણવેશ, સ્વેટર, જૂતાં, પાઠ્યસામગ્રી અને સ્કૂલબેગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. એટલું જ નહિ આ દીકરી હાલ ૫૧૦ જેટલી બાલિકાઓને શિક્ષણમાં સહયોગ આપી રહી છે અને ૧૫૦ બાળકોવાળા એક અનાથ આશ્રમના સંચાલનમાં પણ આર્થિક સહયોગ આપી રહી છે. આ દીકરીનો દયાભાવ અને ભારતને વધુ સારું બનાવવાનો આ નાનકડો પ્રયાસ ખરેખર પ્રેરક છે.
જળસ્રોતોના સંરક્ષક : લલિત ડોગરા
ધર્મશાળાના લલિત ડોગરા નામના યુવાનની પણ આવીજ પ્રેરક કહાની છે. આ યુવા પોતાની કોઠાસૂઝ થકી વિસ્તારના જળસ્રોતો બચાવવાનું કામ કરી રહ્યો છે. લલિત રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના અધ્યક્ષ તરીકે પણ દાયિત્વ સંભાળે છે અને જિલ્લામાં જળસંકટને પહોંચી વળવા દૃઢ સંકલ્પિત છે. લલિતે અન્ય સ્વયંસેવકોની મદદથી જળજીવન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ઉપેક્ષિત અને ઉપયોગમાં ન લેવાતા હોય તેવી પ્રાચીન જળસ્રોત વાવોનો જીર્ણોદ્ધાર કરવાનો છે. લલિત અને તેમના સહયોગીઓ વધારેમાં વધારે ક્ષમતાવાળી વાવોને શોધી તેની સાફ-સફાઈ કરી જળસંચયની ક્ષમતા વધારવાનું કાર્ય કરી રહ્યા છે, જેને કારણે તે વિસ્તારની અનેક પ્રાચીન વાવો ફરી જીવંત બની છે. લલિતનું આ કાર્ય સાબિત કરે છે કે, કોઠાસૂઝથી શરૂ થયેલું એક નાનકડું કાર્ય પણ સમાજમાં ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.
રિસાયક્લિંગ કિંગ : આદિત્ય બોગર
ભારતના વર્ષે ૩૩ લાખ ટનથી વધારે ઉત્પાદિત થતો પ્લાસ્ટિકનો કચરો પર્યાવરણને કેટલું ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો હશે એ વાતનો અંદાજ લગાવી શકાય છે. આપણા સદ્નસીબે ભારતની Gen-Z પેઢી આ સમસ્યા પ્રત્યે જાગૃતિ બની રહી છે. આ જ પેઢીનું એક નામ ભીલવાડાનો માત્ર ૧૮ વર્ષનો આદિત્ય બોગર. હજી તો મૂછનો દોરો માંડ ફૂટ્યો છે ત્યાં તો તેણે પ્લાસ્ટિકની બોટલ્સ, રેપરોને રિસાયકલ કરવાની અનોખી રીત વિકસાવી છે. આદિત્ય આ કચરાને રિસાયકલ કરીને એક એવા કાપડમાં બદલી નાખે છે, જે કપાસથી મજબૂત અને વધારે ટકાઉ પણ છે. તેણે આટલી નાની ઉંમરમાં ટ્રેસ ટૂ ટ્રેઝર નામની કંપની પણ શરૂ કરી છે. આ કંપની હાલ પ્રત્યેક દિવસે ૧૦ ટન સુધીનો કચરો રિસાયક્લિંગ કરે છે. આદિત્ય રિસાયક્લિંગના પોતાના અભિનવ દૃષ્ટિકોણથી સાબિત કર્યું છે કે, યુવા ધારે તો ગંભીરમાં ગંભીર સમસ્યાઓનું સમાધાન પણ શોધી શકે છે.
***
આ તો માત્ર કેટલાંક ઉદાહરણો છે. આજે ભારતની Gen-Zના સેંકડો યુવાઓ સામાજિક સેવાક્ષેત્રમાં નવી કહાનીઓ લખી રહ્યા છે. રક્તદાન હોય, શિક્ષા, સ્વાસ્થ્ય, યોગ-ધ્યાન, પર્યાવરણ કે પછી જરૂરિયાતમંદોની મદદ પ્રત્યેક ક્ષેત્રે હાલ ભારતની Gen-Z પેઢી તન-મન-ધનથી લાગેલી છે. આ પેઢી ‘હેલ્પિંગ હેન્ડ્સ ક્લબ’ જેવી સંસ્થા બનાવી કોરોનાકાળમાં લાખો મજૂરોની મદદ કરી હતી. એટલું જ નહિ કોરોનાકાળ બાદ પણ તેની મદદથી શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી જરૂરિયાતોને પૂર્ણ કરી રહી છે. આ પેઢીના અતુલ ગેરા જેવા યુવા રક્તદાન શિબિરો અને નશાવિરુદ્ધ જાગૃકતા ફેલાવી રહ્યા છે. તો હેલ્પિંગ હેન્ડ્સ ક્લબ બનાવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યા છે, એટલું જ નહિ સેંકડો ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવે છે. તો સુનીલ તિર્થાની જેવા યુવા અડધી રાત્રે પણ અબોલ પશુઓની મદદ માટે પહોંચી જાય છે અને ગૌસેવામાં યોગદાન આપી રહ્યા છે.
તાજેતરમાં જ પ્રધાનમંત્રીશ્રી દ્વારા આ જ Gen-Zની કેટલીક પ્રતિભાઓને વીર બાળ પુરસ્કાર આપવામાં આવેલ છે. જેમાં નકસલ અસરગ્રસ્ત કોંડા ગામની રાષ્ટ્રીય સ્તરની ખેલાડી યોગીતા માંડવી, અપંગ બાળકોની સેવા કરનાર ચંડીગઢના વંશ તાયલ, સંગીતમાં ૪૩ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો મેળવનાર પશ્ચિમ બંગાળના સુમન સરકાર જેવા નામો સાબિત કરે છે કે, ભારતની Gen-Z પેઢી માત્ર કારકિર્દી કેન્દ્રિત નથી, બલકે પોતાની સામાજિક જવાબદારીને સમજીને સમાજના દરેક ક્ષેત્રમાં પોતાની સક્રિય ભાગીદારી નિભાવી રહી છે અને ભવિષ્યના ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
ભારતીય Gen-Z ને ઉશ્કેરવાનો પ્રયાસ
વિશ્વમાં સંઘર્ષ અને હિંસા અને ઊથલ-પાથલે ચડેલી Gen-Zથી તદ્દન વિરુદ્ધ ભારતની Gen-Zની વિકાસ-શાંતિ અને ધર્મનો માર્ગ વિશ્વ અને આઘાતજનક રીતે ભારતના જ કેટલાક સત્તાલાલચુ પક્ષોને પચી રહ્યો નથી. માટે છાસવારે ભારતવિરોધી રાષ્ટ્રવિરોધી શક્તિઓ ક્યારેક શ્રીલંકાના નામે તો ક્યારેક બાંગ્લાદેશ, નેપાળના નામે ભારતની આ પેઢીને ઉશ્કેરવાના પ્રયાસો કરી રહી છે. થોડા સમય પહેલાં જ ભારતવિરોધ માટે કુખ્યાત બીબીસી દ્વારા ભારતની આ પેઢીને ઉશ્કેરતાં એક લેખ લખ્યો હતો. બીબીસીના એ લેખમાં એ વાતનો પડઘો હતો કે, આખરે આ પેઢી આટલી હદે સહિષ્ણુ અને તેના પરંપરાગત મૂળ સાથે કેવી રીતે જોડાયેલી રહી શકે? ઔપનિવેશિક મીડિયા દ્વારા અને તેનો હાથો બની બેઠેલા ભારતના કથિત સેક્યુલરવાદી રાજકીય પક્ષો અને રાષ્ટ્રવિરોધી સંગઠનો દ્વારા ભડકાવવા છતાં શા માટે આ પેઢી વિદ્રોહ નહીં સંવાદના માધ્યમથી સમાધાનમાં વિશ્વાસ કરી રહી છે? ‘Gen-Z rising? Why young Indians aren’t talking to the streets’ એટલે કે Gen-Z જાગી રહી છે? કેમ ભારતીય યુવા સડકો પર ઊતરી રહ્યા નથી? તે લેખમાં બીબીસી લખે છે કે, નેપાળ અને આફ્રિકી દેશોમાં જે રીતે યુવાપેઢી રસ્તાઓ પર ઊતરી આવી, જેને કારણે સત્તાપલટો થયો, પરંતુ ભારતમાં અનેક સમસ્યાઓ છતાં પણ યુવા પેઢી રસ્તાઓ પર ઊતરી આવી રહી નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે, એક મીડિયા એવું કઈ રીતે કહી શકે કે, એક દેશની યુવા પેઢી તે દેશમાં અરાજકતા કેમ ફેલાવી રહી નથી?
ઇતિહાસ સાક્ષી છે કે, ભારતની માત્ર યુવાપેઢી જ નહિ, દરેક પેઢી અરાજકતાને નકારી ચૂકી છે તે તેનો નિર્ણય પોતાના મતના માધ્યમથી આપે છે. ભારતવિરોધી શક્તિઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, ભારતની તમામ પેઢીઓએ મળી ૨૦૧૪માં એક સામૂહિક ક્રાંતિ નહી સંક્રાંતિ (સમ્યક્ ક્રાંતિ) કરી હતી અને કોઈપણ પ્રકારની અરાજકતા વગર મતદાનના અધિકારનો ઉપયોગ કરી પોતાની મનપસંદ સરકાર બનાવી પરિવારવાદને જાકારો આપ્યો હતો. જે મુદ્દાઓને લઈ બીજા દેશની Gen-Z રસ્તાઓ પર ઊતરી રહી છે, તે જ અરાજકતા, પરિવારવાદ, કૌભાંડ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા, જાતીય દ્વેષ, આતંકવાદ, ‘સ્વ’અભિમાન વગેરે મુદ્દાઓને લઈ જે ક્રાંતિ કરી હતી તે ક્રાંતિની સામે વિશ્વની તમામ કથિત ક્રાંતિઓ ટૂંકી છે, કારણ કે એ ક્રાંતિ ભારતીય યુવાઓ કોઈપણ પ્રકારની અરાજકતા, હિંસા વગર લોકતાંત્રિક રીતે કરી હતી.
ભારતમાં જનતા દ્વારા હિંસા કે રક્તપાતનો ઇતિહાસ જ રહ્યો નથી કારણ કે, ભારતનો ઇતિહાસ જુઓ, ભારતમાં ક્રાંતિની નહિ સંક્રાંતિની પરંપરા રહી છે. ભારતમાં જન્મેલા બૌદ્ધ ધર્મએ ભારતની બહાર ચીન, બર્મા, શ્રીલંકા, જાપાન સહિતના અનેક દેશોમાં જાણે ક્રાંતિ લાવી દીધી! પરંતુ ભારતે તો બૌદ્ધ ધર્મના વિચારોને આત્મસાત્ કર્યા, અને તે પણ પોતાના મૂળ પરંપરાઓમાં ઢાળીને! આમ ભારતનો આત્મા સંક્રાંતિનો છે, ક્રાંતિનો નહિ..
ભારત ક્રાંતિનો નહિ, સંક્રાંતિનો દેશ છે
ભારતની યુવાપેઢી પોતાનાં સંસાધનોના મહત્ત્વને સમજે છે. ભારતની યુવાપેઢી સરકાર પાડતી નથી, બદલે છે. બીબીસીએ રાહુલ ગાંધીના દેશની Gen-Zને ઉશ્કેરતાં એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેઓએ કહ્યું હતું કે, દેશની Gen-Z વોટચોરી રોકી અને બંધારણ બચાવશે. રાહુલ ગાંધીનું આ નિવેદન અને તેની આગળ પાછળ કરાયેલી વાતો જોતાં જાણે દેશના યુવાઓને ભડકાવનારું અને હિંસા માટે ઉશ્કેરનારું ના હોય! રાહુલ ગાંધીને એ વાતની ખબર હોવી જોઈએ કે આ એ ભારતની Gen-Z પેઢી છે, જે ભારતે ૧૯૭૫માં તમારી નાની ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી આખા દેશને જેલમાં બદલી નાખ્યો હતો, તે વખતે દેશની દરેક પેઢી પર કેવા અમાનુષી અત્યાચાર થયા હતા ત્યારે પણ તે વખતની યુવા પેઢીએ ખૂબ જ સંયમપૂર્વક લોકશાહીની મર્યાદામાં રહીને સત્તાપરિવર્તન કર્યું હતું. ભારતના બદલે બીજો કોઈ દેશ હોત તો? ઇંદિરાજીને રાતોરાત, અરે કલાકોમાં દેશ છોડીને ભાગવું પડત. પરંતુ ભારતની એ જિનેટિકલ સહિષ્ણુતાના કારણે અમાનુષી અત્યાચાર છતાં પણ તે સમયે એક પણ કોંગ્રેસના નેતા પર હુમલો થયો ન હતો. બાકી બાંગ્લાદેશનું ઉદાહરણ આપણી સમક્ષ છે જ. સત્તાપલટા બાદ ત્યાં શેખ હસીનાના પક્ષના કેટલાય નેતાઓની હત્યા થઈ, તેમની સંપત્તિ અને પક્ષના કાર્યાલયને પણ ફૂંકી મારવામાં આવ્યાં હતાં. અરે! તેમના દેશના સ્થાપકનાં પૂતળાં તોડી પાડવામાં આવ્યાં. પરંતુ ભારતમાં ન તો ૧૯૭૫-૭૬માં એ પ્રકારની અરાજકતા ભરી ક્રાંતિ થઈ કે ન તો ભવિષ્યમાં થશે, કારણ કે ભારતના ડીએનએમાં જ સંવાદ, સહિષ્ણુતા છે... ધર્મ અને સંક્રાંતિ જીવનશૈલીમાં પ્રગટે છે...
જે બંધારણ બચાવવા માટે Gen-Zને રસ્તાઓ પર ઉતરી આવવા ઉશ્કેરનાર રાહુલ ગાંધીએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર દ્વારા આ અંગે શું કહ્યું હતું તે જાણવું જોઈએ. બાબાસાહેબ આંબેડકરે ૨૫ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણસભામાં કહ્યું હતું કે, ‘જો આપણે લોકતંત્રને ન માત્ર રૂપમાં, પણ તથ્યમાં પણ જાળવી રાખવા માંગીએ છીએ, તો આપણે શું કરવું જોઈએ? મારા વિચારમાં પહેલી ચીજ જે આપણે કરવી જોઈએ, તે છે આપણા સામાજિક અને આર્થિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના બંધારણીય ઉપાયોને દૃઢતાથી પકડી રાખવા આનો મતલબ છે કે, આપણે ક્રાંતિના લોહિયાળ ઉપાયોને છોડી દેવા જોઈએ. આનો મતલબ છે કે આપણે સવિનય કાનૂનભંગ, અસહકાર અને સત્યાગ્રહની પદ્ધતિને છોડી દેવી જોઈએ. જ્યારે આર્થિક અને સામાજિક ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે બંધારણીય ઉપાયોનો કોઈ રસ્તો બચ્યો ન હતો, ત્યારે ગેરબંધારણીય ઉપાયોને માટે ઘણું ઔચિત્ય હતું. પરંતુ જ્યાં હવે બંધારણીય ઉપાયો ખુલ્લા છે, ત્યાં આ ગેરબંધારણીય ઉપાયો માટે કોઈ ઔચિત્ય ન હોઈ શકે. આ ઉપાયો અરાજકતાના વ્યાકરણ સિવાય બીજું કંઈ નથી અને જેટલા જલદી તેમને છોડી દેવામાં આવે છે, તેટલું આપણા માટે સારું છે.’
ભારતની Gen-Z: આધુનિકતાના આવરણમાં સનાતન સંસ્કારોનો વારસો
કહેવાનું તાત્પર્ય એ છે કે, વર્તમાન સમયમાં જ્યારે આપણે ‘Gen-Z’ (જનરેશન-ઝેડ) શબ્દ સાંભળીએ છીએ, ત્યારે અજાણતા જ આપણી નજર પશ્ચિમી સંસ્કૃતિ, ગેજેટ્સ અને સોશિયલ મીડિયા તરફ વળે છે. પરંતુ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં સ્થિતિ સાવ અલગ છે. ભારતની Gen-Z ભલે આજે ટેક્નોલોજીથી સજ્જ હોય, પરંતુ તેનો આત્મા સદીઓથી શાસ્ત્ર, સંત અને ધર્મ તરફ વળેલો રહ્યો છે. હકીકતમાં.. પશ્ચિમે આ વયજૂથ માટે ભલે ‘Gen-Z’ નામ હમણાં આપ્યું હોય, પણ ભારતમાં તો આ વયના યુવાનો યુગોથી સમાજ માટે રોલ મોડલ બનતા આવ્યા છે. ભારતનો યુવાન કોઈ રોલ મોડલને શોધીને તેના જેવો બનવા પ્રયત્ન નથી કરતો, પણ તે આ ઉંમરે પોતે જ સમાજ માટે એક આદર્શ અને માર્ગદર્શક બની જવાની ક્ષમતા ધરાવે છે.
આપણી પરંપરામાં ડોકિયું કરીએ તો શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા મહાપુરુષ અત્યારની Gen-Zની ઉંમરમાં જ સમગ્ર માનવજાત માટે નેતૃત્ત્વનો આદર્શ બની ગયા હતા. ૧૬ વર્ષની ઉંમરના શિવાજી મહારાજને સમર્થ રામદાસ જીવનનો એક નવો રાહ ચિંધતા હોય, ૧૨ વર્ષની ઉંમરે સમાજને વેદોનું જ્ઞાન આદિ શંકરાચાર્ય આપતા હોય, આ બધા જ ભારતની તે ‘જનરેશન’ હતા જેમણે આધુનિક નામકરણ વગર જ વિશ્વને દિશા આપી હતી.
ભારતની આ યુવા પેઢી માત્ર આધ્યાત્મિકતા જ નહીં, પણ રાષ્ટ્રભક્તિના માર્ગે પણ આટલી જ તેજસ્વી રહી છે. માત્ર ૧૮ વર્ષની વયે હસતા મુખે ફાંસીના માંચડે ચડનારા ખુદીરામ બોઝ હોય કે ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ-આ તમામ શૂરવીરો આજના Gen-Zની ઉંમરના જ હતા. જ્યારે અન્ય દેશોના યુવાનો પોતાની ઓળખ શોધવામાં વ્યસ્ત હતા, ત્યારે ભારતના આ સપૂતો માતૃભૂમિની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપી રહ્યા હતા. ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ ભારતની આઝાદીના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના બની. ભારતના લાડલા સપૂત વીર ભગતસિંહે દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. અહીં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, તે સમયે ભગતસિંહની ઉંમર આજની ‘Gen-Z’ જેટલી જ હતી. તેમનો આશય કોઈ નિર્દોષનો જીવ લેવાનો નહીં, પરંતુ અંગ્રેજ સરકારની અન્યાયી નીતિઓનો વિરોધ કરવાનો અને બ્રિટિશરોના ‘બહેરા કાન’ સુધી ભારતની આઝાદીનો અવાજ પહોંચાડવાનો હતો. જો તેઓ ઈચ્છત તો અનેક અંગ્રેજોના જીવ લઈ શકત, પણ તેમણે બોમ્બ એવી ખાલી જગ્યાએ ફેંક્યો હતો કે કોઈને જાનહાનિ ન થાય.
આ ભારતની સંસ્કૃતિની તાકાત છે કે અહીં કિશોરાવસ્થામાં ‘યુવા’ શબ્દનો અર્થ માત્ર ઉંમર નથી, પણ તપસ્યા અને ત્યાગ છે. આજના યુવાનો પણ એ જ ભવ્ય વારસાના વારસદાર છે, જેમના લોહીમાં નચિકેતાની જિજ્ઞાસા અને ધ્રુવ-પ્રહલાદની અડગતા વહે છે.
ભારતવિરોધી શક્તિઓ ભલે ભારતની અંદર બેઠેલાં રાષ્ટ્રવિરોધી તત્ત્વોને આગળ કરી ભારતની Gen-Z પેઢીને સંઘર્ષ અને હિંસાના માર્ગે વાળવા ભડકાવવાના પ્રયત્નો ભલે કરે, પરંતુ ભારતના ભવિષ્ય સમાન આ પેઢીએ વિશ્વની Gen-Zથી અલગ ભારતનો પરંપરાગત સાંસ્કૃતિક-સનાતન માર્ગ પકડ્યો છે, એટલે કે વિનાશ નહિ વિકાસની વાટ પકડી છે. આજે ભારતની સાફલ્યગાથાઓમાં ભારતના યુવાઓની ગાથાઓ ગુંજી રહી છે. ભારતની Gen-Zમાં સ્વબોધ છે, સ્વભિમાન છે, માટે જ તે અમૃતકાળના ઉભરતાં યુવા બની ઉભરી રહ્યાં છે.
સ્વામી વિવેકાનંદની નજરે...
સ્વામી વિવેકાનંદે યુવાને રાષ્ટ્રની સૌથી મોટી મૂડી ગણાવ્યા હતા. તેમના મતે યુવા એટલે જે નિર્ભિક હોય, નિષ્ઠાવાન હોય અને જેની નિયત રાષ્ટ્ર પ્રત્યે સ્પષ્ટ હોય. વિવેકાનંદનો યુવા પોતાના જીવનને માત્ર વ્યક્તિગત સફળતા માટે નહિ બલ્કે સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત કરે છે. વિવેકાનંદજીનો યુવા કોઈ અવસ્થાથી ભાગતો નથી પરંતુ તેને ઉત્કૃષ્ટ બનાવવા માટે સ્વયંને તપાવે છે. તેમનો પ્રસિદ્ધ ઉદ્ઘોષ – ‘ઊઠો, જાગો અને પૂર્વજોએ ચીંધેલ લક્ષ્યપ્રાપ્તિ સુધી અટકશો નહિ’ માત્ર વ્યક્તિગત ઉન્નતિનું સૂત્ર નહિ, બલ્કે રાષ્ટ્રીય નવચેતનાનો મંત્ર છે. Gen-Z જ્યારે પરિવર્તન, પ્રયોગ અને પ્રશ્નની ભાષા બોલે છે ત્યારે વાસ્તવમાં તે, તે જ વિવેકાનંદનીય ચેતનાનો આધુનિક વિસ્તાર છે.
મહાકુંભ અને Gen-Z
મહાકુંભ ૨૦૨૫માં પણ Gen-Zની ભાગીદારી ડિઝિટલ, સાંસ્કૃતિક અને સેવાના રૂપમાં અભૂતપૂર્વ રહી હતી. આ પેઢીએ ન માત્ર પારંપરિક આસ્થા, સ્નાન, કલ્પવાસનો ભાગ બની હતી બલ્કે સ્વયં સેવા, એ આઈ આધારિત સહાયતા અને યુવા કુંભના માધ્યમથી પોતાની અભૂતપૂર્વ ભાગીદારી નિભાવી સનાતન ધર્મ અને આધુનિકતા વચ્ચે સેતુ બની હતી.
આદિ શંકરાચાર્યના મતે...
સનાતન પરંપરામાં યુવાને ક્યારેય માત્ર શારીરિક સામર્થ્ય થકી નથી આંકવામાં આવ્યો. યુવા એ છે જેમાં કર્મ કરવાની ક્ષમતા હોય. ધર્મ સમજવાનો વિવેક હોય અને સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વનો બોધ હોય.
પૂ. આદિ શંકરાચાર્યજીએ યુવાવસ્થાને વૈરાગ્યનું પ્રવેશદ્વાર ગણાવી હતી. પરંતુ એ વૈરાગ્ય પલાયન નહિ બલ્કે વિવેકપૂર્ણ કર્મનો આધાર છે. તેમના મતે યુવા એ છે જે મોહ અને ભ્રમથી ઉપર ઊઠી સત્યને ઓળખી લોકકલ્યાણની દિશામાં આગળ વધે. Gen-Z જ્યારે આત્મચિંતન, માનસિક સંતુલન અને ઉદ્દેશ્યપૂર્ણ જીવનની વાત કરે છે ત્યારે અજાણતાં જ તે સનાતન દૃષ્ટિનો આધુનિક સ્વર ઘૂંટી રહી હોય છે.
અટલજીની નજરે...
અટલજીની દૃષ્ટિએ યુવા એ શક્તિ છે, જે નીતિ પણ બનાવે છે, નિયતિ પણ નક્કી કરે છે અને નેતૃત્વ પણ કરે છે. અટલજીનો યુવા આશાવાદી હતો, પરંતુ આંખો બંધ કરી આશાવાદ સેવનારો નહિ, ટીકાકાર હતો, પણ નકારાત્મક નહીં. Gen-Zમાં આ સંતુલન સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જ્યાં તે વ્યવસ્થા સાથે સંવાદ પણ કરે છે અને જવાબદારી સાથે સહભાગિતા પણ નિભાવે છે.
Gen Z શું કરી શકે તેનું અત્યંત ગંભીર ઉદાહરણ
કોરોનાના કપરાકાળમાં Gen Z શું કરી શકે તેનું અત્યંત ગંભીર ઉદાહરણ આજના સમયમાં અપ્રતિમ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કર્ણાવતીના Gen Zના ૪૫૦+ સ્વયંસેવકોએ પોતાના જીવનની સ્હેજ પણ પરવા કર્યા વિના સતત બે માસ સિવિલ હૉસ્પિટલમાં પ્રત્યક્ષ એકલાં અટૂલાં પડેલાં દર્દીઓને પરિવારજનોની ખોટ ન સાલવા દીધી, તેમની સેવા સુશ્રૃષામાં લાગેલા આ સ્વયંસેવકો તેમના માટે સાક્ષાત્ પરમાત્માનું વરદાન હતા. Gen-Z જ્યારે રાષ્ટ્રભક્તિના રંગે રંગાય છે ત્યારે તેના માટે કારકિર્દી તો શું આખું જીવન તે દાવ પર લગાવી દેતાં અચકાતા નથી. આ કોઈ દૂરનું ઉદાહરણ નથી. હમણાંનું અને ગુજરાતના ધમધમતા મહાનગરનું નજરે જોયેલું ઉદાહરણ છે.
બનાવટી ક્રાંતિઓને સમજો
કેટલીક પશ્ચિમી ઔપનિવેશિક શક્તિઓ અને તેમના મજહબી એજન્ટો દ્વારા ભારતમાં જ રહીને ભારતને અસ્થિર કરવાનું ષડયંત્ર છેલ્લા એક દાયકાથી ચાલી રહ્યું છે અને આ બધું ક્રાંતિના નામ હેઠળ થાય છે, કારણ કે, લોકો આ શબ્દ સાથે ખૂબ જ ઝડપથી ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. જ્યારે પણ ક્રાંતિની આડમાં કંઈક કરવામાં આવે છે તો જનતા તત્કાળ આવી શક્તિઓના ષડયંત્રોમાં આવી જાય છે. ૧૯૭૬માં ફ્રાન્સમાં ખેડૂતો – મજદૂરો અને વ્યાપારીઓની ક્રાંતિ થઈ અને ફ્રાન્સના રાજા લૂઈ ૧૬ના શાસનને ઉથલાવી ફાંસીએ લટકાવી દેવાયા, ત્યાર બાદ ત્યાં લોકશાહી અને સમાનતાના આધારે શાસન-વ્યવસ્થાની સ્થાપના થઈ, પરંતુ એ ક્રાંતિનાં અનેક વર્ષો બાદ પણ ફ્રાન્સમાં અરાજકતાની બોલબાલા રહી. હજારો લોકોની હત્યાઓ થતી રહી. સેક્યુલરિઝમના નામે અલ્જીરિયા અને મોરક્કો જેવા દેશોના મુસ્લિમ શરણાર્થીઓ માટે ફ્રાન્સના દરવાજા ખોલી દેવાયા. હાલ ત્યાં છાસવારે મુસ્લિમો દ્વારા હિંસાનું તાંડવ મચાવવામાં આવે છે. તે ફ્રાન્સની એ જ સેક્યુલર ક્રાંતિમાં વવાયેલ સેક્યુલારિઝમ નામની વિષવેલનું પરિણામ છે.
૧૯૧૭માં રૂસની પ્રખ્યાત ક્રાંતિ થઈ. મજદૂરો અને ખેડૂતોએ ઝારના શાસનને ઉખાડી ફેંક્યું. સત્તા કોમ્યુનિસ્ટોના હાથમાં આવતાંની સાથે જ જનતાના તમામ લોકતાંત્રિક અધિકાર છીનવી લીધા અને એકપક્ષીય તાનાશાહી થોપી દેવામાં આવી. જે આજે પણ વામપંથની ઓળખ બની ગઈ છે. ૧૯૪૯માં ચીનની ક્રાંતિ થઈ અને માઓના નેતૃત્વમાં નવા શાસનની સ્થાપના થઈ. અહીં પણ ક્રાંતિની આડમાં જનતા પર તાનાશાહી થોપી દેવામાં આવી. પરિણામ એ આવ્યું કે, વ્યક્તિગત સ્વતંત્રતા અને મૌલિક અધિકારો માટે આજે પણ ચીનની જનતા તરસી રહી છે. વર્ષ ૨૦૧૦માં ટ્યુનિશિયામાં એક સ્ટેટ વેન્ડરને માર મરાયા બાદ તેણે આત્મહત્યા કરી લીધી. આટલી નાની અમથી ઘટનાથી ત્યાં હિંસા ભડકી ઊઠી. ટ્યુનિશિયાનો એ તણખો સમગ્ર આરબજગતમાં ભડકો બની પ્રસરી ગયો. જેને આપણે સૌ આરબ સ્પ્રીંગ તરીકે ઓળખીએ છીએ. બેરોજગારી અને ભ્રષ્ટાચારનું બહાનું બનાવી યુવાપેઢીને સ્થાનિક સત્તા વિરુદ્ધ ઉશ્કેરવામાં આવી અને મોટાપાયે ખૂનામરકી થઈ, જેના પરિણામે અનેક દેશોમાં તખતાપલટ થયો. ઇજિપ્ત, યમન, લિબિયા અને ટ્યુનિશિયા વગેરે દેશોમાં સત્તાપરિવર્તન તો થયું, પરંતુ ત્યાંની જનતાના હાથમાં શું આવ્યું? માત્ર હિંસા અને સંઘર્ષ ! નજીકમાં બાંગ્લાદેશ-નેપાળમાં બનેલ ઘટનાક્રમ આજે સમગ્ર વિશ્વ જાણી ચૂક્યું છે કે એ આખો ખેલ અમેરિકાની બદનામ જાસૂસી સંસ્થા CIAનો ખેલ હતો. આ તમામ દેશોમાં હાલ અમેરિકા દ્વારા બેસાડવામાં આવેલી કઠપૂતળી સરકારો છે. આ તમામ દેશો હાલ અરાજકતા અને અસ્થિરતાની ચપેટમાં છે. ત્યાંનાં પ્રાકૃતિક સંસાધનો પર અમેરિકાનું પરોક્ષ નિયંત્રણ છે.
અધ્યાત્મના રંગે Gen-Z
ભારત માટે એવું કહેવાય છે કે, તેનો આત્મા તેના અધ્યાત્મમાં વસે છે. ભારત માટે ધર્મ એ ભાવનાત્મક જોડાણથી ભરેલી એક સાંસ્કૃતિક વિરાસત છે, પરંતુ બદલાતા સમયમાં જ્યાં ટેક્નોલોજીની બોલબાલા છે ત્યાં એક નવી પેઢી જે Gen-Z કે જેના માટે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, આ પેઢીને ધર્મ-અધ્યાત્મ સાથે કોઈ જ લેવા દેવા નથી, તે અધ્યાત્મને નવા અંદાજમાં અંગીકાર કરી રહી છે. You Gov-mintના સર્વે મુજબ ૬૨% Gen-Z નિયમિત રૂપે પ્રાર્થના કરે છે. હા, એ માટે તે મંદિરોમાં ભલે ન જતા હોય, તેઓ
Spotify પર ૧૦ મિનિટ ધ્યાન કે, ઈન્સ્ટાગ્રામમાં મંત્રોની રીલ્સ સાંભળી લે છે અને આ ચલણ માત્ર મોટા શહેરોમાં જ નહિ, નાનાં નગરો અને ગામડાંઓમાં પણ જોવા મળી રહ્યું છે. Whats App ભક્તિ ગ્રુપ્સ, યૂટ્યૂબ પ્રવચન, અને ધાર્મિક મેળાઓમાં યુવાઓની ભાગીદારી સતત વધી રહી છે. નવા વર્ષની વાત જ લઈ લ્યો. જ્યારે હજારો યુવાઓએ કાશી વિશ્વનાથ મંદિર, શ્રી રામમંદિર, અયોધ્યા, બાંકેબિહારી વૃંદાવન અને શ્રી તિરુપતિ બાલાજી મંદિરમાં રીતસરની ભીડ લગાવી આ મંદિરોમાં દર્શન માટે બે-બે કિ.મી.ની લાઈનો લાગી હતી. યુવાપેઢીની આ ભાગીદારી જ બતાવે છે કે, આ પરિવર્તન માત્ર ઉપર ઉપરનું કે ક્ષણિક નથી.
Gen-Zની ભાષા ડિઝિટલ છે અને અધ્યાત્મ પણ તેની જ ભાષામાં ઢાળી ચૂક્યું છે. આજનો યુવા સમગ્ર વેદ ભલે વાંચતો નથી, પરંતુ Gita wisdom in 30 seconds જેવી રીલ્સ અચૂક જુવે છે. યૂ-ટ્યૂબ પર સાધુ-સંતોનાં પ્રવચનો અજમાવી લે છે. એક સમય હતો જ્યારે તીર્થયાત્રાઓ એટલે માત્ર વૃદ્ધોનુ જ કામ એવું ચલણ હતું, પરંતુ હવે કેદારનાથ, ઋષિકેશ, વારાણસી ઈશા ફાઉન્ડેશન જેવાં સ્થાનો પર યુવાઓની ભીડ વધી રહી છે. ૨૦૨૫માં કેદારનાથ યાત્રામાં ૩૦ ટકાથી તો વધારે યાત્રિકો ૩૦ વર્ષની નાની ઉંમરનાં આવ્યાં હતાં.