તંત્રીસ્થાનેથી । શાળાથી સંસદ સુધી પૂર્ણ ‘वंदे मातरम्’ સંતાનધર્મનો મહામંત્ર

હવે આપણા મહાન સ્વાતંત્ર્યમંત્ર- ‘वंदे मातरम्’ના પુનઃ પૂર્ણરૂપે સંચારનો સંકલ્પ સાકાર થયો છે.

    ૨૧-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

The Soul of Bharat
 
 
વંદે માતરમ્: સંસદથી શાળા સુધી ગુંજતો રાષ્ટ્રભક્તિનો મહામંત્ર અને આપણો સંતાનધર્મ
 
 
મા એ મા. માતા અને સંતાન વચ્ચેનો પ્રેમ ઈશ્વરીય છે. પુત્ર કુપુત્ર થઈ/હોઈ શકે, પણ માતા કુમાતા નહીં.. અપવાદને અપવાદ એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેને કોઈ અનુકરણીય સત્ય-નિયમ-પરંપરા-ધારાધોરણ-વ્યવહાર ન માની બેસે.
સૌએ સાંભળી પેલી વાતનું પુનઃ સ્મરણ.. એક મેળામાં અચાનક ભાગદોડ અને છેલ્લે ધક્કામુક્કી મચી ગઈ.‌ એક સુંદર શિશુ પોતાની માતાથી વિખૂટું પડી ગયું. વર્ષોથી સંતાન ઝંખતી સ્ત્રીને એ હાથ લાગી ગયું, તેને આ બાળક ખૂબ ગમી ગયું અને તેને ભગવાનની કૃપા સમજી બેઠી. પેલી માતા વલોપાત કરતી પોતાના બાળકને શોધતી હતી. તેને દૂરથી પોતાનું બાળક નજરે પડી ગયું. તેણે દોટ મૂકી. પહોંચી ગઈ, પણ પેલી સ્ત્રીએ કહ્યું કે, ‘તું જૂઠ્ઠી છે.. મારું બાળક પડાવી લેવા માટેનું આ તારું નાટક ચાલવાનું નથી.’ રકઝકે ગરમી પકડી. લોકો ટોળે વળી ગયાં. ચર્ચાએ જોર પકડયું. અંતે રાજાના દરબારમાં ન્યાય કરાવવા સૌ પહોંચી ગયાં. રાજાએ માતા અને સ્ત્રી, આ બંનેને સાંભળ્યાં અને અંતે ન્યાય જાહેર કરતાં કહ્યું કે, ‘આમાં ન્યાય તોળવો મારા માટે અઘરો છે, ઈશ્વર ઉપર છોડું છું, જેને ઈશ્વરે શક્તિ આપી હોય તે બાળકને ખેંચી જાય, જે સફળ થઈ જશે, તેનું આ બાળક ગણાશે.’ પેલી સ્ત્રી તો તરત જ તૈયાર થઈ ગઈ, પણ માતા? તે આવી ખેંચતાણ કરે? તેણે કહ્યું, ‘અરેરે! મારે આ રીતે બાળક જોઈતું નથી’. તુરંત રાજાએ આ બાળક પેલી સ્ત્રી પાસેથી લઈને માતાને આપવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. પેલી સ્ત્રીને સજા કરી.
 
નકલી માતા આ રીતે પકડાઈ ગઈ, પણ સંતાનોય નકલી હોઈ શકે? માનસિકતા વિદેશી હોઈ શકે? દેખાડો (બનાવટી ભાવ) હોય ત્યારે વ્યવહાર આડંબરથી ભરેલો, દંભથી ભરપૂર હોઈ શકે. જોકે.. મન-વચન-કર્મ એક બીજાની ચાડી ખાધા વિના રહેતાં નથી.
 
આ રહી તાજેતરની ઘટના. સંસદમાં વિરોધ પક્ષના નેતાએ ભારતમાતા વિશે જે હલકી કક્ષાનાં ઉચ્ચારણો કર્યાં તે કોઈ ભારતમાતાના સાચા લાલના મોંઢે ક્યારે પણ ચઢી જ ન શકે. કોઈ પણ પંથ-મત-સંપ્રદાય-મજહબ હોય, પરંતુ તે દરેકમાં માતા અને સંતાનોનો ધર્મ એક જ છે. મુદ્દો અમેરિકા સાથે ભારતે કરેલા ડીલનો હતો, તેમાં ભારતમાતાને વચ્ચે ક્યાં લાવવાનાં જ રહે છે??? અરે! ગજબ તો ત્યારે થયો જ્યારે માતાને ‘વેચી માર્યાં’ એવા વિકૃત શબ્દો; ભરી સંસદમાં ઉચ્ચારવામાં આવ્યા. ૧૪૦ કોટિ સંતાનોની મા ભારતમાતા છે. સંતાનો અને ભારતમાતાનું આવું હડહડતું અપમાન કરવાનો અધિકાર કોણે આપ્યો છે?
 
ઘરમાં સંતાનો ગમે તેટલા ઉશ્કેરાટથી ચર્ચા કરતાં હોય, અરે! એવું કશું જ થયું નથી, છતાંં ઘડીભર માની લઈએ કે, કદાચ કોઈ સંતાને ઘરને નુકસાન થાય તેવું કોઈ કામ કરી પણ દીધું હોય તો પણ કોઈ બીજું સંતાન ગુસ્સામાં તે આપણી માતા વેચી મારી છે, આવા શબ્દો ક્યારેય બોલી શકે કે? આવા શબ્દો મોંઢે પણ ચઢે કે? અહીં પ્રશ્ન સંસ્કારોનો છે! પ્રકૃતિ-સંસ્કૃતિ-વિકૃતિ, ત્રણેયમાં કૃતિ સામાન્ય (Common) છે. અનાયાસે થતી કૃતિ તે- પ્રકૃતિ. સમૂહ; સંસ્કૃતિથી સામાજિકતાને પ્રાપ્ત કરે છે, જ્યાં સંસ્કારજન્ય વિવેક કેન્દ્ર સ્થાને છે.. આ છે સમ્યક્ કૃતિ! અને વિકૃતિ, જેને સમજવા ઉપરનું ઉદાહરણ પર્યાપ્ત છે.
લોકતંત્ર મળ્યું છે તો પણ કોટિ-કોટિ જનોની લાગણી-ભાવનાને ઠેસ પહોંચાડીને પોતે કયા મુકામે જવું છે, તેની સમજ વિવેકહીન વ્યક્તિને હોવી શક્ય નથી. આવનારા દિવસોમાં AI તો ભારતમાતાની..
 
‘वंदे मातरम्’ની.. સર્વોચ્ચ ભાવના સમજતી થઈ હશે, પરંતુ સ્વાર્થ ઈર્ષ્યા-અહંકારમાં અંધ બનેલા ચંદ મનોવિકૃત લોકો શું તે સમજશે? ભગવદ્ ગીતા કહે છે- संशयात्मा विनश्यति। દેશ સંશયો ઊભા કરવાથી નથી ચાલતો, સંશયોનાં નિરાકરણ લાવવાથી ચાલે છે.
 
હવે આપણા મહાન સ્વાતંત્ર્યમંત્ર- ‘वंदे मातरम्’ના પુનઃ પૂર્ણરૂપે સંચારનો સંકલ્પ સાકાર થયો છે. જગન્માતા ભારતીનો મહિમા સૌનાં અંતઃકરણોમાં નવી ચેતના, અતૂટ શ્રદ્ધા અને ચિરંતન રાષ્ટ્રભક્તિનો મહાસ્ત્રોત બનવાનો છે. હવે જન-જનમાં પૂર્ણ ‘वंदे मातरम्’ રાષ્ટ્રીયતાના સુદૃઢ સંસ્કારોને સિંચન કરશે.
 
‘वंदे मातरम्’થી શાળાઓમાં શિક્ષણનો શુભારંભ થશે. પરમ વંદનીય જગતજનનીનું નામસ્મરણ કરીએ ત્યારે પોતાની જે કંઈ જન્મત: પ્રકૃતિ છે, તેનાથી ઉપર ઉઠીએ.. સંસ્કૃતિના અખંડ દિવ્ય પ્રવાહમાં પાવિત્ર્ય પ્રાપ્ત કરીએ.. વિકૃતિઓ પર વિજય પ્રાપ્ત કરીએ.. એ જ આપણો સંતાન ધર્મ.
 
 
 
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.