‘નમસ્તે, મહોદય..!’
‘નમસ્તે, ધૈર્ય.. નમસ્તે વૈદેહી.. કેમ આજે ધૈર્યના ચહેરા પર પેલી રોજની પ્રસન્નતા જણાતી નથી? કંઈક ઊંડા વિચારમાં હોય તેવું લાગે છે.’
‘સાચું કહું મહોદય, આજે મન થોડું દુ:ખી થયું છે. રસ્તામાં આવતાં એક દૃશ્ય જોયું. એક યુવાન મોંઘી ગાડીમાં ટ્રાફિકના નિયમો તોડીને પૂરઝડપે નીકળ્યો. લાલ સિગ્નલ હતું, છતાં એ ઊભો ન રહ્યો. આગળ જતાં પોલીસને પણ એણે એવી તોછડાઈથી જવાબ આપ્યો કે, જાણે પોતે કોઈ મોટો ઉપકાર કરી રહ્યો હોય! એના શબ્દો હતા - ‘નિયમો તો સામાન્ય લોકો માટે હોય, અમે તો આઝાદ ભારતના સ્વતંત્ર યુવાનો છીએ!’ મને પ્રશ્ન એ થયો કે, શું આપણી આઝાદીનો અર્થ કોઈ પણ જવાબદારી વગર જીવવો એવો થાય?’
‘ધૈર્ય, તેં જે જોયું એ આજના સમયની એક બહુ મોટી નબળાઈ છે. જે યુવાન આઝાદીને ‘સ્વચ્છંદતા’ માની રહ્યો છે, તે વાસ્તવમાં આઝાદીના પાયાને જ નથી સમજી રહ્યો. યાદ રાખજે, જવાબદારી વગરનો અધિકાર એ સમાજ માટે વિષ સમાન છે. જેને આપણે ‘નાગરિક ધર્મ’ કહીએ છીએ, તે કાયદાનું પાલન માત્ર નથી, પણ એ આપણી ભીતરની એક નૈતિક શિસ્ત છે.’
વૈદેહીએ વચ્ચેથી જ જિજ્ઞાસા વ્યક્ત કરી, ‘પણ મહોદય, આ શિસ્ત ભીતરથી કેમ નથી આવતી? કાયદા કે દંડના ડરથી તો લોકો નિયમો પાળે છે, પણ જ્યારે કોઈ જોતું ન હોય ત્યારે જ આપણી અસલી નાગરિકતાની કસોટી થતી હોય છે. એવું શું છે જે આપણને અંદરથી જવાબદાર બનાવે?’
‘બહુ સચોટ પ્રશ્ન છે વૈદેહી! ભારતીય ચિંતને આના ઉકેલ માટે આપણને ‘ઋણ’નો બહુ જ ભવ્ય વિચાર આપ્યો છે. આધુનિક યુગમાં આપણે ‘હક્ક’ અને ‘અધિકાર’ની વાતો કરીએ છીએ, પણ આપણા ઋષિઓએ આપણને ‘ઋણ’ એટલે કે દેવાદાર હોવાનો અહેસાસ કરાવ્યો છે. આપણે આ પૃથ્વી પર આવ્યા ત્યારે કંઈ લઈને નહોતા આવ્યા. આપણને જે ભાષા મળી, જે સંસ્કાર મળ્યા, જે સુરક્ષિત સમાજ મળ્યો અને જે શુદ્ધ પ્રકૃતિ મળી - આ બધું જ આપણને કોઈકે વારસામાં આપ્યું છે. તૈત્તિરીય ઉપનિષદના ‘શિક્ષાવલ્લી’માં એટલે જ ગુરુ જ્યારે શિષ્યને વિદાય આપે છે ત્યારે તેને સાચો નાગરિક બનાવવા આ મંત્ર આપે છે: ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ.’
‘મહોદય, આ તો આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ, પણ એનો નાગરિકતા સાથે શું સંબંધ?’ ધૈર્યએ પૂછ્યું.
‘ખૂબ ઊંડો સંબંધ છે! આ મંત્રો દ્વારા ઋષિ આપણને ત્રણ મુખ્ય ઋણ સમજાવે છે.
૧. પિતૃ ઋણ:
જે કુટુંબ અને સમાજમાં આપણે જન્મ્યા, તેની સુરક્ષા અને ગરિમા જાળવવી એ આપણું પિતૃ ઋણ છે. જો હું મારા પૂર્વજોનું ઋણ સ્વીકારું, તો હું ક્યારેય એવું કૃત્ય નહીં કરું, જેનાથી મારા કુટુંબ કે સમાજનું નાક કપાય.
૨. ઋષિ ઋણ:
આપણને જે જ્ઞાન અને સંસ્કૃતિ ગુરુઓ પાસેથી મળી છે, તેને શુદ્ધ રાખવી અને આગળ વધારવી તે ઋષિ ઋણ છે. જે યુવાન આ જ્ઞાનની કિંમત સમજે છે, તે ક્યારેય અવિવેકી નથી બનતો.
૩. દેવ ઋણ:
આ પ્રકૃતિ - પૃથ્વી, જળ, સૂર્ય અને વાયુ. જે મફતમાં આપણને જીવાડે છે. આ તત્વોને શુદ્ધ રાખવા એ આપણો નાગરિક ધર્મ છે.’
વૈદેહી બોલી, ‘એટલે એનો અર્થ એ થયો કે, જ્યારે હું રસ્તા પર કચરો નથી ફેંકતી કે પાણીનો બગાડ નથી કરતી, ત્યારે હું વાસ્તવમાં દેવ ઋણ ચૂકવી રહી છું?’
‘બિલકુલ! અને જ્યારે તું કોઈ અજાણ્યા નાગરિકની મદદ કરે છે કે રસ્તા પર અનુશાસન જાળવે છે, ત્યારે તું આ સમાજનું ઋણ ચૂકવે છે. નાગરિક હોવું એટલે માત્ર વોટ આપવો કે ટેક્સ ભરવો એટલું જ મર્યાદિત નથી. સાચો નાગરિક એ છે જે રસ્તા પર ચાલતી વખતે પણ એવો વિચાર કરે કે, મારા આચરણથી બીજાને તકલીફ તો નથી થતી ને? જો પેલો યુવાન ગાડી સ્પીડમાં ચલાવતી વખતે એવું વિચારત કે, આ રસ્તો મારો એકલાનો નથી પણ સમગ્ર સમાજની મિલકત છે, તો એ ક્યારેય આવું ન કરત.’
ધૈર્યને હવે વાત સમજાઈ રહી હતી, ‘મહોદય, મને લાગે છે કે આપણી શિક્ષણપદ્ધતિમાં આ ‘ઋણ’નો ભાવ શીખવવાની બહુ જરૂર છે. જો યુવાનને એવું લાગે કે, એ કોઈનો દેવાદાર છે, તો એની અંદર આપોઆપ નમ્રતા અને જવાબદારી આવશે.’
‘સાચું કહ્યું ધૈર્ય. જે માણસ ઋણી હોવાનો ભાવ રાખે છે, તે ક્યારેય અહંકારી કે ઉચ્છૃંખલ નથી બની શકતો. કૃતજ્ઞતા જ આપણને સાચા માણસ અને સાચા નાગરિક બનાવે છે. ઉપનિષદ આગળ કહે છે - ‘યાન્યનવદ્યાનિ કર્માણિ, તાનિ સેવિતવ્યાનિ’ - જે કર્મો નિર્દોષ અને પ્રશંસનીય હોય તે જ કરવાં. એટલે કે આપણી સ્વતંત્રતા ત્યાં પૂરી થાય છે જ્યાં બીજાની સુવિધા શરૂ થાય છે.’
વૈદેહીએ સ્મિત સાથે ઉમેર્યું, ‘વાહ! મહોદય, આજે સમજાયું કે, નાગરિક ધર્મ એ કોઈ બહારથી થોપાયેલું બંધન નથી, પણ આપણી આંતરિક ઉદાત્તતા પ્રગટ કરવાની તક છે. ઋણનો સ્વીકાર આપણને હળવા બનાવે છે અને સમાજ સાથે જોડે છે.’
‘બસ, આ જ ગૌરવ સાથે જીવવું એ જ ભારતની નવી પેઢીની સાચી ઓળખ હોવી જોઈએ. જે દિવસે આપણો યુવાન અધિકારોની સાથે પોતાના કર્તવ્યો અને ઋણને પણ એટલું જ મહત્વ આપશે, તે દિવસે આ દેશને ‘વિશ્વગુરુ’ બનતાં કોઈ રોકી નહીં શકે. ચાલો, આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે માત્ર સુવિધાઓ ભોગવનારા ગ્રાહક નહીં, પણ આ રાષ્ટ્રના ઋણી અને જવાબદાર રક્ષક બનીશું.’
‘જી, ચોક્કસ..!’