સાંપ્રત | દિલીપમાંથી રહમાન બનેલા સંગીતકારને હવે બોલિવૂડ કેમ 'સાંપ્રદાયિક' લાગવા માંડ્યું? જાણો અસલી વિવાદ

05 Feb 2026 13:07:47

Faith vs. Fame: Rahman
 
 
દિલીપમાંથી રહમાન બનેલાને બૉલિવૂડ સાંપ્રદાયિક લાગવા લાગ્યું!
 
અલ્લાહ રખા રહમાન - એ. આર. રહમાને તાજેતરમાં ‘બીબીસી’ને આપેલા ઇન્ટરવ્યૂમાં છત્રપતિ સંભાજી મહારાજની વીરતા અને ઔરંગઝેબના ક્રૂર અત્યાચારોને બતાવતી ફિલ્મ ‘છાવા’ને ‘વિભાજનકારી’ (મુસ્લિમ-હિન્દુમાં ભાગલા પાડનારી) ગણાવી અને કહ્યું કે, તેમને મળતું કામ હવે ઘટી ગયું છે કારણકે હવે બૉલિવૂડમાં સાંપ્રદાયિકતા વધી ગઈ છે. બીબીસીના પત્રકાર હારુન રશીદે રહમાનનો સાક્ષાત્કાર કર્યો છે. હારુન પાકિસ્તાની ઍન્કર છે.
 
રહમાનના બચાવમાં કેટલાક કહે છે કે રહમાન, જાવેદ અખ્તર કે શાહરુખ ખાન જેવા બોલકા નથી. હારુન રશીદે પ્રશ્ન પૂછવાના બદલે નિવેદન (સ્ટેટમેન્ટ) જ આપ્યું હતું, જેમાં રહમાન ફસાઈ ગયા. પ્રશ્ન એ છે કે, શું રહમાન દૂધ પીતા બાળક છે? અગાઉ અનેક વાર તેમણે પ્રસાર માધ્યમોને મુલાકાત આપેલી છે. કોઈ પ્રશ્ન પૂછે તો ઉત્તર નહીં આપીને રહમાન આગળ વધી શકતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં.
 
રહમાન અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. તેમણે તેમની પત્ની સાયરાબાનોને નિકાહનાં ૨૯ વર્ષ પછી તલાક આપી દીધા. પ્રખ્યાત લેખિકા તસલીમા નસરીને ફેબ્રુઆરી ૨૦૨૦માં રહમાનની તેમની દીકરીને બુરખો પહેરાવવા માટે ટીકા કરી હતી.
 
રહમાન કિસ્સો  છેલ્લો  નહીં હોય.... 
 
રહમાન પહેલો કિસ્સો નથી, છેલ્લો પણ નહીં હોય. અગાઉ ગુલશનકુમારની હત્યાના આરોપી નદીમે (નદીમ-શ્રવણ) કહ્યું હતું કે, તે મુસ્લિમ છે તેથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. પૂર્વ ક્રિકેટ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન જ્યારે મેચ ફિક્સિંગમાં ફસાયો ત્યારે તેણે પણ આ જ કહ્યું હતું. ગોધરા કાંડ અને શ્રીરામ વિશે કૉમેડીના નામે એલફેલ બોલનાર મુન્નવર ફારુકી સામે કેસ થયો ત્યારે તેણે પણ આ જ વાત કહી હતી. શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જ્યારે ડ્રગ્સ કેસમાં પકડાયો ત્યારે તેણે પણ મુસ્લિમ પીડિતનું રોદણું રોયું હતું. શબાના આઝમીએ કહ્યું હતું કે તેઓ મુસ્લિમ હોવાથી તેમને ઘર નથી મળતું. અભિનેતા નસીરુદ્દીન શાહ કહે છે કે, તેને મુસ્લિમ હોવાથી ડર લાગે છે. આવું શાહરુખ ખાન અને આમિર ખાને પણ કહ્યું હતું.
આ બધાં લોકોને હિન્દુઓએ જ સુપરસ્ટાર બનાવ્યા છે. તેમને અઢળક કમાણી કરાવી છે, પરંતુ જ્યારે તેઓ પોતાનાં કર્મોના કારણે ફસાય કે તેમને કામ ન મળે ત્યારે તેમને ‘મુસ્લિમ હોવાથી અન્યાય થયો’નું રોદણું રોવા લાગે છે. રહમાન ‘છાવા’ ફિલ્મ કરતા હતા ત્યારે વિભાજનકારી ન લાગી કારણ કે તેમાંથી અઢળક રૂપિયા મળ્યા. અને આ ફિલ્મમાં ઔરંગઝેબનાં કાળાં કૃત્યો બતાવાયાં તેથી તે મુસ્લિમો માટે ઘૃણા ફેલાવનારી અને વિભાજનકારી થઈ ગઈ?
 
એક વાત સાચી છે કે, પંથ બદલનાર વ્યક્તિ વધુ કટ્ટર બની જાય છે. હજુ ૩૭ વર્ષ પહેલાં સુધી તેઓ હિન્દુ હતા. જન્મનું તેમનું નામ દિલીપ રાજગોપાલ. પિતા આર. કે. શેખર પોતે એક સારા ફિલ્મ ધૂન રચયિતા અને સંગીત સંચાલક હતા. તેમણે મળયાળમ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ દિલીપ નવ વર્ષનો હતો ત્યારે પિતા ગુજરી ગયા.
 
દિલીપ રાજગોપાલ અલ્લાહ રખા રહમાન બની ગયો? 
 
દિલીપ રાજગોપાલ અલ્લાહ રખા રહમાન બની ગયો? કેટલાક સમાચાર સ્રોતો કહે છે કે, ૧૯૮૪માં દિલીપની બહેન માંદી પડી અને તેના માટે માનતા માની, તેથી દિલીપ વટલાઈ ગયો. કેટલાક સ્રોતો કહે છે કે, પિતાને કેન્સર હતું ત્યારથી એક સૂફી (બહેન માંદી હતી તે કિસ્સામાં પણ આ સૂફીનો ઉલ્લેખ છે) કાદરી સાહેબના પ્રભાવમાં દિલીપનો પરિવાર હતો. ૧૯૮૯માં ૨૩ વર્ષની વયે દિલીપ તેના પરિવાર સાથે મુસ્લિમ બની ગયો. માતા કસ્તૂરી કરીમા બની ગઈ.
 
રહમાનમાં પ્રતિભા અદ્ભુત હતી. તેમને અનેક તક મળી. અનેક લોકો સાથે તેમણે કામ કર્યું. ‘રોજા’, ‘બૉમ્બે’, ‘રંગીલા’, ‘સપને’, ‘દિલ સે’, ‘તાલ’થી લઈને ‘દિલ્લી-૬’ જેવી સંગીતમય સફળ ફિલ્મો તેમણે આપી. ૨૦૦૯ સુધી આ જાદુ ચાલ્યો. તે પછીથી લઈને ગયા વર્ષ ‘છાવા’ સુધી તેમને ફિલ્મો તો મળતી જ રહી છે, પરંતુ તેમના સંગીત સામે હવે પ્રશ્ન ઊભા થયા છે. જોકે આજેય તેઓ ‘રામાયણ’ ફિલ્મમાં સંગીત આપી રહ્યા છે અને છતાં કહે છે કે, તેઓ મુસ્લિમ હોવાથી તેમને હવે કામ નથી મળતું.
 
રહમાને જે-જે ફિલ્મોને સંગીત આપ્યું હતું તે જુઓ: ‘બૉમ્બે’ ફિલ્મ સામે મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. તેમણે પ્રદર્શન અટકાવી દીધું હતું. તેમને લાગ્યું હતું કે, અયોધ્યામાં જર્જિરત ઢાંચો પડ્યો તેના વિરોધમાં દેશભરમાં હિંસા બદલ તેમને ઉત્તરદાયી ગણવામાં આવ્યા છે. વળી, હિન્દુ યુવક અન ચુસ્ત મુસ્લિમ યુવતી વચ્ચે પ્રેમ કેવી રીતે દર્શાવી શકાય?
 
‘ફાયર’ ફિલ્મ મૂળ ઇસ્મત ચુગતાઈની બે મુસ્લિમ બહેનો વચ્ચે સજાતીય સંબંધો અને બે મુસ્લિમ પુરુષો વચ્ચે સજાતીય સંબંધોની વાર્તા પરથી બનેલી ફિલ્મ હતી, પરંતુ તેમાં મુસ્લિમ બહેનોના બદલે હિન્દુ દેરાણી-જેઠાણી બતાવાઈ અને તેમનાં નામ પણ પાછાં હિન્દુઓ માટે અતિ આદરણીય એવાં સીતા અને રાધા રખાયાં હતાં.
 
‘સપને’માં એક પ્રિયા (નામ પરથી હિન્દુ લાગે પરંતુ તે ખ્રિસ્તી હતી)ને એક ખ્રિસ્તી સાધ્વી (નન) બનવું હોય છે. આ પાત્ર કાજોલે ભજવ્યું હતું. ‘દિલ સે’માં પૂર્વોત્તર ભારતની સમસ્યા જ્યારે વકરેલી હતી ત્યારે તેમાં ત્યાંના ઉગ્રવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ થાય તેવી વાર્તા હતી. ફિલ્મની નાયિકા પોતાના પેટે બૉમ્બ બાંધીને મરી જાય છે. તેની સાથે નાયક અમર વર્મા (શાહરુખ ખાન) પણ મરી જાય છે.
 
જોધાબાઈ જેવું કોઈ પાત્ર અકબરની પત્ની તરીકે હતું જ નહીં.... 
 
‘અર્થ’નું ‘ઋત આ ગઈ રે ઋત છા ગઈ રે’ સરસ હતું. તેમાં ભારતના વિભાજન સમયની વાત હતી. આઈસ કેન્ડી વેચતો દિલ નવાઝ એક હિન્દુ યુવતી શાંતાને પ્રેમ કરે છે. વિભાજન સમયે તે મઝહબાંધ બની જાય છે અને ટોળાને સંતાયેલી શાંતા બતાવી દે છે. શાંતા મરી જાય છે. રહેમાને ‘જોધા અકબર’માં સંગીત આપ્યું હતું. તેના ગીતકાર જાવેદ અખ્તરે પોતે કહેલું છે કે જોધાબાઈ જેવું કોઈ પાત્ર અકબરની પત્ની તરીકે હતું જ નહીં.
 
‘મીનાક્ષી: ટેલ્સ ઑફ ૩ સિટીઝ’, હિન્દુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરનાર ચિત્રકાર એમ. એફ. હુસૈનની હતી. તેમાં ‘નૂર ઉન અલા’ ગીત હતું. તેના શબ્દો સીધા ‘કુરાન’માંથી લેવાતાં, તેની સામે મુસ્લિમોએ વિરોધ કર્યો હતો. તેને થિયેટરમાંથી ઉતારી લેવા ફરજ પડી હતી (તે વખતે ‘ઉદિત ગોહિલ’ના ઉપનામે આ લેખકે ‘સાધના’ના ૮ મે ૨૦૦૪ના અંકમાં લખ્યું હતું- ‘હુસૈન સાહેબ, કેમ ડરી ગયા ને મુસ્લિમ સંગઠનોથી?’).
 
‘વૉટર’ ફિલ્મમાં હિન્દુ વિધવાઓની દુર્દશાની વાર્તા હતી, જેની સામે લોકોએ વિરોધ કર્યો હતો. તેમાં પણ રહમાને સંગીત આપ્યું હતું. તે પછી રહમાને વિદેશી નિર્દેશકની અંગ્રેજી ફિલ્મ ‘સ્લમડૉગ મિલિયૉનૅર’માં સંગીત આપ્યું હતું. ભારતને ઝૂંપડપટ્ટીના કૂતરાઓનો દેશ અને કન્યાઓના શારીરિક શોષણની કથા હતી. તે વખતે મોદી સરકાર નહોતી. અનેક દેશભક્તોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો.
 
પરંતુ આ ફિલ્મ ભારતનું નકારાત્મક ચિત્રણ કરે છે...  
 
રહમાનને અને ગીતકાર ગુલઝારને આ ફિલ્મ માટે ઑસ્કાર મળ્યો હતો. તે સમયે આ લેખકે અન્ય એક સામયિકમાં ‘કહને કો જશ્ન એ બહારા હૈ’ શીર્ષક હેઠળ લખ્યું હતું કે, આ ફિલ્મમાં રહમાનનું સંગીત એવું શ્રેષ્ઠ નથી. પરંતુ આ ફિલ્મ ભારતનું નકારાત્મક ચિત્રણ કરે છે તેથી જ ફિલ્મને આઠ-આઠ એવૉર્ડ મળ્યા છે. રહમાનને ‘રંગીલા’ અને ‘દૌડ’ જેવી ફિલ્મો આપી સફળ બનાવનાર નિર્દેશક રામગોપાલ વર્માએ એક સાક્ષાત્કારમાં કહ્યું હતું કે જે ગીત માટે રહમાનને એવૉર્ડ મળ્યો તે ગીત ‘જય હો’ની ધૂન રહમાને નહીં, પણ સુખવિન્દરસિંહ જે ગાયક પણ છે, તેમણે બનાવી હતી અને મૂળ આ ગીત સુભાષ ઘઈની ‘યુવરાજ’ માટે હતું.
 
પરંતુ સુભાષ ઘઈએ વાંધો લીધો હતો કે તેં પોતે ધૂન કેમ નથી બનાવી? તો રહમાને ઉદ્ધતાઈથી કહ્યું હતું કે મને મારા નામ માટે પૈસા મળે છે, કામ માટે નહીં. ‘સ્લમડૉગ મિલિયૉનૅર’નું બીજું ગીત ‘રિંગ રિંગ રિંગા’ શબ્દો અને ધૂન-રિધમ બધી રીતે ‘ખલનાયક’ના ‘ચોલી કે પીછે’ની નકલ હતું.
 
૨૦૧૦માં દિલ્લીમાં રાષ્ટ્રકુળ રમતો યોજાઈ હતી. તેમાં પણ રહેમાને રૂ. ૫.૫ કરોડ લઈને તેનું વિચારગીત બનાવ્યું હતું. એટલે ત્યાં સુધી રહમાનને કોઈ પ્રશ્ન નહોતો. હવે થવા લાગ્યો છે. એવું નથી કે તેમની પાસે કામ નથી. પરંતુ તેમને જે કામ આપતા હતા તે નિર્દેશકો મણિરત્નમ્, સુભાષ ઘઈ, આશુતોષ ગોવારિકર જ હવે ઓછું કામ કરે છે. વળી, રહમાનનો સંગીતનો જાદુ ખોવાઈ ગયો છે. ૨૦૦૮ પછી તેમની ફિલ્મો સંગીતમય રીતે સ્મરણીય નથી.
 
જ્યારે તેમનો સૂર્ય મધ્યાહ્ને હતો ત્યારે ઉપર કહ્યું તેમ ‘બૉમ્બે’, ‘મીનાક્ષી’, ‘સપને’, ‘ફાયર’, ‘અર્થ’, ‘સ્લમડૉગ મિલિયૉનૅર’ ફિલ્મો તેમને વિભાજનકારી અથવા દેશવિરુદ્ધ નહોતી લાગી.
 
રહમાનના નિવેદનનો વિરોધ... 
 
સદ્‌ ભાગ્યે રહમાનના નિવેદનનો વિરોધ સોનુ નિગમ, શાન, જાવેદ અખ્તર, મનોજ મુંતશિર અને કંગના રનૌત જેવાં અનેક કલાકારોએ કર્યો છે. જોકે અમદાવાદ પૂર્વના પૂર્વ સાંસદ પરેશ રાવલે તેમનું સમર્થન કર્યું હતું! સોનુ નિગમ અને સુરેશ વાડેકરે તો તેમની કામ કરવાની વિચિત્ર સ્ટાઇલની વાત પણ અલગ સંદર્ભે કરી હતી. તેમને મોડા આવવાની ટેવ છે. તેઓ ચેન્નાઈમાં કામ કરે અને મુંબઈના કલાકારોને ફ્લાઇટના પૈસા ખર્ચી ત્યાં રેકૉર્ડ કરવા જવું પડે. તેમાંય પહેલાં તેઓ ન સાંભળે, સહાયકને કહે અને પછી પોતે સાંભળે ત્યારે ભૂલ કાઢે અને સુરેશ વાડેકર જેવા ગાયકને ફરી બોલાવે. આ સ્ટાઇલ અત્યારે કોને પોસાય? તેના બદલે મુંબઈમાં રહીને કામ કરતા સંગીતકારોને જ નિર્માતા-નિર્દેશકો પસંદ કરે ને?
 
ઇમ્તિયાઝ અલીની ‘રૉકસ્ટાર’ ફિલ્મમાં ‘ફ્રી કાશ્મીર’, પેલેસ્ટાઇન તરફી સૂત્ર લખેલાં અને હિંસક સામ્યવાદી ચે ગુએવરાની છબિ સાથેનાં પૉસ્ટર બૅકગ્રાઉન્ડમાં બતાવાયાં હતાં. તેમાં જનાર્દન જાખડ (રણબીર કપૂર) ભજન ગાય છે તો સફળતા નથી મળતી પરંતુ તે નિઝામુદ્દિનની દરગાહ પર ‘કુન ફાયા કુન’ સૂફી ગીત સાંભળીને જૉર્ડન બની જાય છે પછી તેને સફળતા મળે છે. ‘સાડ્ડા હક ઇથ્થે રખ’ (અમારો અધિકાર અમને આપ, ચાલ એવું ગુસ્સાથી કહેવાય તેવું) ગીત હતું. રહમાને સંગીત આપ્યું હતું. તેમને તે એજન્ડાવાળી નહોતી લાગી.
 
રહમાન કહે છે કે, બૉલિવૂડવાળા કટ્ટર બની ગયા છે, પણ તેમનો પરિવાર કેવો કટ્ટર છે તે જોતા નથી. તમિળ કવિ અને ગીતકાર પિરાઈસૂદન તમિળ પરંપરા મુજબનું તિલક ભાલે કરીને રહમાનના ઘરે ગયા ત્યારે રહમાનની માતા કરીમાએ કહ્યું હતું કે, ‘મારા ઘરે આવવું હોય તો વિભૂતિ અને કુમકુમ તિલક કરીને નહીં આવવાનું.’ આવું અપમાન રહમાન કે અન્ય કોઈ મુસ્લિમનું હિન્દુએ કર્યું હોય તો કેટલો મોટો મુદ્દો બને?
 
રહમાન જેવા કિસ્સા જ્યારે જ્યારે બને છે ત્યારે હિન્દુઓને છેતરાયાનું દુઃખ અનુભવાય છે. પરંતુ હિન્દુઓ દર વખતે આ ભૂલ કરતા જ રહે છે.
Powered By Sangraha 9.0