ભારતના ભાગલા: ગાંધીજીની લાચારી કે નેહરુની સત્તા ભૂખ? રામ માધવનું સ્ફોટક વિશ્લેષણ

નેહરુએ ગાંધીજીના "રાજકીય વારસદાર" બનવાનું તો સ્વીકાર્યું, પરંતુ તેમના "વૈચારિક વારસદાર" બનવાનું ક્યારેય પસંદ કર્યું નહીં. ગાંધીજીની વિચારધારા નેહરુએ સ્વીકારી નહીં.

    ૦૯-ફેબ્રુઆરી-૨૦૨૬
કુલ દૃશ્યો |

ram madhav article on nehru and Gandhi
 
 
રામ માધવ એક જાણીતા ભારતીય રાજનેતા, વ્યૂહાત્મક વિચારક અને 'ઈન્ડિયા ફાઉન્ડેશન'ના અધ્યક્ષ છે, જેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે પણ સેવા આપી છે. તેઓ એક પ્રખર વક્તા અને લેખક છે, જેમના નામે 'પાર્ટિશન્ડ ફ્રીડમ' અને 'ધ હિંદુત્વ પેરાડાઈમ' જેવા અનેક નોંધપાત્ર પુસ્તકો છે.
 
ભૌગોલિક-રાજકીય નિષ્ણાત તરીકે તેઓ વૈશ્વિક મંચ પર ભારતની વૈચારિક પ્રસ્તુતિ અને નીતિવિષયક ચર્ચાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ તેમણે પોતાના બ્લોગ પર એક લેખ લખ્યો છે. રામ માધવનો આ લેખ ભારતીય રાજનીતિના સૌથી સંવેદનશીલ વિષય — 'દેશના ભાગલા' — પર એક નવી ચર્ચા છેડે છે. આ લેખ માત્ર ઐતિહાસિક તથ્યોનું વર્ણન નથી, પરંતુ જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વ અને તેમની સત્તા મેળવવાની ઉતાવળ પર કરવામાં આવેલો એક તીખો રાજકીય પ્રહાર છે. લેખક અહીં સ્પષ્ટપણે લખે છે કે ૧૯૪૭ના ભારતના ભાગલા માટે મહાત્મા ગાંધી કે નથુરામ ગોડસેના તર્કો કરતાં નેહરુની રાજકીય મહત્વાકાંક્ષા વધુ જવાબદાર હતી.
 
સત્તાનું કેન્દ્રીકરણ અને નેહરુ
 
લેખના પ્રારંભમાં રામ માધવ નેહરુની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. સુભાષચંદ્ર બોઝના ૧૯૩૯ના પત્રને ટાંકીને તેઓ લખે છે કે નેહરુની નીતિઓમાં અસ્પષ્ટતા હતી. લેખકનો મુખ્ય તર્ક એ છે કે નેહરુએ ગાંધીજીના 'રાજકીય વારસદાર' બનવાનું તો સ્વીકાર્યું, પરંતુ તેમના 'વૈચારિક વારસદાર' બનવાનું ક્યારેય પસંદ કર્યું નહીં. ગાંધીજીની વિચારધારા નેહરુએ સ્વીકારી નહીં. ૧૯૪૫ના પત્રવ્યવહાર દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ થયો છે કે નેહરુએ ગાંધીજીના 'હિંદ સ્વરાજ'ના મોડેલને 'અવાસ્તવિક' ગણાવીને ફગાવી દીધું હતું. આ વિશ્લેષણ સૂચવે છે કે નેહરુ માટે ગાંધીજી એક સીડી સમાન હતા, જેનો ઉપયોગ તેમણે સત્તાના શિખર સુધી પહોંચવા માટે કર્યો હતો.
 
લોકશાહી મૂલ્યો વિરુદ્ધ વ્યક્તિગત જીદ
 
લેખમાં ૧૯૪૬ની કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીનો ઉલ્લેખ અત્યંત મહત્વનો છે. જ્યારે ૧૫ માંથી ૧૨ પ્રદેશ સમિતિઓએ સરદાર પટેલનું સમર્થન કર્યું હોય, ત્યારે નેહરુનું પદ પર અડી જવું એ તેમની લોકશાહી મૂલ્યો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. લેખક અહીં સરદાર પટેલના ભોગે નેહરુને મળેલા રક્ષણ પર કટાક્ષ કરે છે અને જણાવે છે કે આ ઘટનાએ ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે એક એવા વ્યક્તિને સ્થાપિત કર્યા જે જનમતના બદલે વ્યક્તિગત જીદ પર ચાલતા હતા.
 
ભાગલા માટેનું 'ટર્નિંગ પોઈન્ટ'
 
રામ માધવના વિશ્લેષણનો સૌથી મજબૂત મુદ્દો 'કેબિનેટ મિશન પ્લાન' છે. ઇતિહાસકારો માને છે કે જો આ પ્લાન સફળ રહ્યો હોત તો અખંડ ભારત શક્ય હતું. પરંતુ નેહરુની એક પ્રેસ કોન્ફરન્સ અને તેમના 'નબળા કેન્દ્ર' અંગેના નિવેદને ઝીણાને વિરોધ કરવાની તક આપી દીધી. લેખક મૌલાના આઝાદ અને સરદાર પટેલના ઉધ્ધરણો ટાંકીને એ સાબિત કરે છે કે નેહરુની 'ભાવનાત્મક અસ્થિરતા' અને 'બાળક જેવી નિર્દોષતા' દેશને વિભાજન તરફ દોરી ગઈ.
 
ઐતિહાસિક દ્રષ્ટિકોણનું પુનઃમૂલ્યાંકન
 
કોંગ્રેસ કહે છે કે ભાગલા અનિવાર્ય હતા. ગાંધીજી ભાગલા રોકવા મથતા રહ્યા, પણ નેહરુ સત્તાના હસ્તાંતરણની ઉતાવળમાં હતા. જૂન ૩ નો પ્લાન પક્ષના અન્ય નેતાઓને વિશ્વાસમાં લીધા વિના સ્વીકારી લેવો એ નેહરુની ઉતાવળનું પ્રમાણ છે.
 
અને છેલ્લે…
 
ટૂંકમાં રામ માધવ આ લેખ થકી નેહરુને એક એવા નેતા ગણે છે જેમણે આદર્શો કરતાં સત્તાને અને લોકશાહી પ્રક્રિયા કરતાં પોતાની પદની લાલસાને વધુ મહત્વ આપ્યું. આ લેખ વાંચકને એ વિચારવા મજબૂર કરે છે કે શું ખરેખર ભારતના ભાગલા એક વ્યક્તિની ભૂલ કે જીદનું પરિણામ હતા?
 
 
શ્રી રામ માધવનો આખો લેખ વાંચવા અહીં ક્લિક કરો...