શું કોઈ દેશ એવો હોઈ શકે જેનો સર્વોચ્ચ નેતા કે સેનાપતિ યુદ્ધમાં શહીદ થઈ જાય, છતાં તેની સેના જરાય ડગ્યા વગર મહિનાઓ સુધી લડતી રહે? સામાન્ય રીતે દુનિયાના કોઈ પણ દેશ પર જ્યારે હુમલો થાય છે, ત્યારે તેનું મુખ્ય મથક તબાહ થતા જ આખી સેના હથિયાર હેઠા મૂકી દે છે. પરંતુ ઈરાને આ પરંપરાગત યુદ્ધની વ્યાખ્યા જ બદલી નાખી છે. ઈરાનના ૩૧ રાજ્યોમાં ફેલાયેલી 'મોઝેક ડિફેન્સ સિસ્ટમ' એક એવું અજીબ અને અભેદ્ય સુરક્ષા કવચ છે, જે દેશના સર્વોચ્ચ નેતૃત્વ વગર પણ આપોઆપ સક્રિય થઈ જાય છે. અમેરિકા જેવા દેશો જે સત્તાપલટાની રણનીતિ પર વર્ષોથી કામ કરી રહ્યા છે, તેના તોડ રૂપે ખુમેનીએ આ એક એવો 'લશ્કરી રોડમેપ' રજૂ કર્યો છે કે જેમાં દુશ્મન માટે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આખરે હરાવવું કોને? આવો જાણીએ, ઈરાનની આ ભેદી અને રોમાંચક રણનીતિ વિશે…
ઈરાનનું 'મોઝેક ડિફેન્સ': જ્યારે આખું રાષ્ટ્ર જ એક અદ્રશ્ય સેના બની જાય
સામાન્ય રીતે કોઈ પણ દેશની સુરક્ષા વ્યવસ્થા એક ઘટાદાર 'વટવૃક્ષ' જેવી હોય છે. આ વૃક્ષ ભલે ગમે તેટલું વિશાળ હોય, પણ જો તેના મુખ્ય થડ પર ઘા કરવામાં આવે અથવા તેના મૂળિયાં કાપી નાખવામાં આવે, તો આખું વૃક્ષ જમીનદોસ્ત થઈ જાય છે. વિશ્વની મહાસત્તાઓ, ખાસ કરીને અમેરિકા અને પશ્ચિમી દેશો, દાયકાઓથી આ જ રણનીતિ પર કામ કરે છે. જ્યારે તેઓ કોઈ દેશ પર આક્રમણ કરે છે, ત્યારે તેમનો એકમાત્ર લક્ષ્યાંક તે દેશનું 'કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર' હોય છે. તેઓ પહેલા એવા સ્થાનો પર આકાશમાંથી આફત વરસાવે છે જ્યાં દેશના રાષ્ટ્રપતિ, સેનાપતિ કે મુખ્ય નિર્ણય લેનારા નેતાઓ બેઠા હોય. અમેરિકા જાણે છે કે જો શરીરનું માથું જ કાપી નાખવામાં આવે, તો બાકીનું ધડ ગમે તેટલું મજબૂત હોય, તે કોઈ કામનું નથી રહેતું. નેતૃત્વ વગરની સેના ગમે તેટલી શક્તિશાળી હોય, તે દિશાહીન બનીને કાચના મહેલની જેમ પળવારમાં તૂટી પડે છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખુમેની અને તેમના લશ્કરી સલાહકારોએ પશ્ચિમી દેશોની આ 'શિકારી' પદ્ધતિનો ખૂબ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમને સમજાઈ ગયું હતું કે જો ઈરાન પરંપરાગત લશ્કરી માળખાને વળગી રહેશે, તો તે અમેરિકાના અત્યાધુનિક બોમ્બ સામે લાંબુ ટકી શકશે નહીં. તેમને એ ચિંતા હતી કે દુશ્મન તેહરાન પર હુમલો કરી ઈરાનના ટોચના નેતૃત્વને એક જ પળમાં ખતમ કરી શકે છે. આ જોખમ સામે દીવાલ ઊભી કરવા માટે ખુમેનીએ જે વ્યૂહરચના અમલમાં મૂકી, તેને 'મોઝેક ડિફેન્સ' કહેવાય છે. આ સિસ્ટમનો સરળ અર્થ એ છે કે સેનાને એક થડવાળા વૃક્ષની જેમ નહીં, પણ જમીન પર પથરાયેલા અસંખ્ય નાના તીક્ષ્ણ પથ્થરો (મોઝેક) ની જેમ વિખેરી દેવી. જો એક પથ્થર ખસેડવામાં આવે, તો પણ બાકીના હજારો પથ્થરો દુશ્મનનો માર્ગ રોકવા સક્ષમ હોય.
આ રણનીતિ હેઠળ ઈરાને આખા દેશને ૩૧ અલગ-અલગ લશ્કરી સ્વાયત્ત ઝોન (દેશના ૩૧ રાજ્યો)માં વહેંચી દીધો છે. આ આખી વ્યવસ્થા એક એવા જાળા જેવી છે કે જો યુદ્ધ દરમિયાન તેહરાનનો સંપર્ક કપાઈ જાય અથવા દેશના સર્વોચ્ચ નેતાઓ હુમલામાં શહીદ થાય, તો પણ ઈરાનની લડત ઠપ્પ નહીં થાય. દરેક રાજ્ય અને દરેક પ્રાંતના લશ્કરી વડાને એવી સત્તા આપવામાં આવી છે કે તેઓ મુખ્ય મથકના આદેશ વગર પણ પોતાની રીતે મહિનાઓ સુધી લડાઈ ચાલુ રાખી શકે. દરેક પ્રાંત પાસે પોતાના શસ્ત્રો, પોતાના ડ્રોન અને પોતાની અનામત સેના છે. એટલે કે, અમેરિકાએ ઈરાનને જીતવા માટે માત્ર એક તેહરાન સર કરવું પૂરતું નથી; તેણે ઈરાનના ૩૧ અલગ-અલગ કિલ્લાઓ સામે ૩૧ અલગ-અલગ યુદ્ધો લડવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે.
આ આખી સિસ્ટમમાં 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) અને 'બસીજ' નામના સ્થાનિક લડવૈયાઓ લોહીના ટીપાની જેમ વહેલા છે. તેઓ રસ્તાઓ, પહાડો અને ગામડાઓમાં એવી રીતે વણાઈ ગયા છે કે દુશ્મન માટે એ સમજવું મુશ્કેલ બની જાય કે ખતરો ક્યાં છુપાયેલો છે. પહાડોની ગુફાઓમાં અંધારામાં સંતાયેલી મિસાઈલો અને સમુદ્રના મોજાઓ વચ્ચે વીજળીની ગતિએ ફરતી નાની સ્પીડ-બોટ્સ એ આ મોઝેક ડિફેન્સનો પ્રાણ છે. ખુમેનીએ આ સિસ્ટમ દ્વારા એક એવી 'અદ્રશ્ય દીવાલ' બનાવી છે કે જ્યાં દુશ્મન ટોચ પર હુમલો કરીને વિજયની ઉજવણી કરી શકતો નથી. અહીં દરેક સૈનિક પોતે જ એક નિર્ણાયક છે અને દરેક નાનો પ્રદેશ પોતે જ એક દુર્ગમ અભેદ્ય કિલ્લો છે. આ જ કારણ છે કે આજે ૨૦૨૬ના હોર્મુઝ સંકટમાં પણ મહાસત્તાઓ ઈરાન તરફ આંગળી ચીંધતા પહેલા સો વાર વિચાર કરે છે.
આ રક્ષણાત્મક જાળી માત્ર જમીન પર જ નહીં, પણ દરિયાના ઊંડાણમાં પણ એટલી જ સક્રિય છે. ખાસ કરીને 'હોર્મુઝની સામુદ્રધુની' જેવા સાંકડા જળમાર્ગમાં, જ્યાંથી દુનિયાનું અડધું અર્થતંત્ર તેલના રૂપમાં પસાર થાય છે, ત્યાં ઈરાને અનોખી ચાલ ચાલી છે. અમેરિકાની તાકાત તેના વિશાળ વિમાનવાહક જહાજો છે, પણ ઈરાને તેની સામે નાની-નાની અસંખ્ય સ્પીડ-બોટ્સ મેદાનમાં ઉતારી છે. જો અમેરિકા એક જહાજને નિશાન બનાવે, તો પણ બાકીની સો બોટ્સ ચારેબાજુથી મધપૂડાની માખીઓની જેમ તૂટી પડે છે. લશ્કરી ભાષામાં આને 'સ્વોર્મ એટેક' કહેવાય છે, જ્યાં દુશ્મનની રડાર સિસ્ટમ પણ ગૂંચવાઈ જાય છે કે હજારો લક્ષ્યોમાંથી કોને ઠાર કરવા.
વર્તમાન ૨૦૨૬ના સંજોગોમાં આ મોઝેક સિસ્ટમ હવે ડિજિટલ અને ઘાતક બની છે. તેમાં હવે 'આત્મઘાતી ડ્રોન્સ' અને સાયબર હુમલાઓનું શસ્ત્ર જોડાયું છે. ઈરાને તેના દુર્ગમ પહાડોમાં જમીનની સેંકડો ફૂટ નીચે આખી 'મિસાઈલ સીટીઝ' ઊભી કરી છે. આ પાતાળમાં વસેલા કિલ્લાઓ એટલા મજબૂત છે કે દુનિયાના સૌથી શક્તિશાળી બોમ્બ પણ તેને સ્પર્શી શકતા નથી. આ મોઝેક ડિફેન્સનો સૌથી ડરામણો અને રહસ્યમય ભાગ છે, જ્યાં હજારો મિસાઈલો હંમેશા તૈયાર સ્થિતિમાં હોય છે. જો ઈરાનના મુખ્ય મથકો પર હુમલો થાય, તો પણ પહાડોના ગર્ભમાંથી નીકળતી આ તાકાત દુશ્મનને ધૂળ ચાટતી કરવા સક્ષમ છે.
આ સિસ્ટમની સૌથી મોટી તાકાત તેની 'અનિશ્ચિતતા' છે. દુશ્મનને ક્યારેય ખબર નથી પડતી કે તે કોની સામે લડી રહ્યો છે—કોઈ સૈનિક સામે કે કોઈ અદ્રશ્ય ડ્રોન સામે? ઈરાનના નેતાઓએ પશ્ચિમી દેશોના ટેકનોલોજીકલ અહંકારનો તોડ આ માનવીય અને ભૌગોલિક કલાત્મકતાથી કાઢ્યો છે. તેમણે યુદ્ધને માત્ર એરકન્ડિશન્ડ રૂમમાંથી લડાતી ગેમ નથી બનાવી, પણ તેને ઈરાનના પહાડો, ગલીઓ અને મોજાઓ વચ્ચે એક જીવંત જંગ બનાવી દીધો છે.
ઈરાનની મોઝેક ડિફેન્સ સિસ્ટમ એ સાબિત કરે છે કે જ્યારે કોઈ દેશના અસ્તિત્વનો સવાલ હોય, ત્યારે તે માત્ર ટેન્કો અને વિમાનોથી નથી લડતો, પણ આત્મબળ અને સુવ્યવસ્થિત વિખરાયેલી શક્તિથી લડે છે. અમેરિકા માટે ઈરાન એટલે માત્ર નકશા પરનો એક પ્રદેશ નથી, પણ લાખો જીવંત ટુકડાઓથી બનેલું એક એવું મોઝેક છે, જેને તોડવા જતાં પોતે જ લોહીલુહાણ થવાનો ખતરો રહેલો છે. આવી જ એક સિસ્ટમ રશિયાએ પણ બનાવી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કંઇ થાય તો પછીના ૨૪ કલાકમાં આ સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ જાય છે અને ન્યુક્લિયર વેપન્સનો દુશ્મન દેશ પર વરસાદ થાય છે. આ સિસ્ટમનું નામ છે Dead Hand System…