અભિમાની હરણ રાજમહેલના લાડ અને હરણનું અભિમાન: એક નાનકડી ભૂલ અને જંગલના કાદવની એ સજા!

અભિમાન અને ઉદ્ધત વર્તન હંમેશા પતન તરફ દોરી જાય છે. આપણને મળેલી સુખ-સુવિધાઓ કે મોભાનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે નહીં, પણ નમ્રતા રાખવા માટે કરવો જોઈએ.

    ૨૮-માર્ચ-૨૦૨૬
કુલ દૃશ્યો |

The Proud Royal Deer
 
 
એક રાજા હતો. નામ તેનું અચલસેન. તે જંગલમાં શિકાર કરવા ગયો. આખો દિવસ જંગલમાં આમતેમ રખડ્યો, પણ કશું હાથ લાગ્યું નહીં. રાજા થાકીને તંબૂમાં આરામ કરવા લાગ્યો. ત્યાં એક સિપાહી સમાચાર લાવ્યો, ‘મહારાજ, હરણનું નાનું બચ્ચું પકડાયું છે.’
 
બીજો સિપાહી બચ્ચું લઈને તંબૂમાં હાજર થયો.
 
નાનકડું હરણ તંબૂમાં ઊછળકૂદ કરવા લાગ્યું. રાજા પણ બચ્ચાને જોઈ ખુશ થઈ ગયો. બચ્ચું રાજાના પગ ચાટવા લાગ્યું. રાજાએ હુકમ કર્યો, ‘આજથી આ બચ્ચું રાજમહેલમાં જ રહેશે. તેને આપણી સાથે લઈ લો.’
 
હરણનું બચ્ચું રાજમહેલમાં આવી ગયું. રાજાના નોકરો તેની ખૂબ દેખરેખ રાખતા. તેને ફળો, ઘાસ વગેરે ખાવાનું આપવામાં આવતું. તેને રાજમહેલમાં ગમે ત્યાં ફરવાની છૂટ હતી, તે રાજાના શયનખંડમાં પણ જઈ શકતું. તે દરરોજ સવારે રાજાના ખંડમાં જઈ તેની ચાદર ખેંચી લેતું. પછી રાજાના પગ ચાટવા લાગતું. રાજા અચલસેનની આંખ ઊઘડી જતી. તે બચ્ચાને ખોળામાં લઈ તેને રમાડતા. રાજાની રાણીઓ પણ હરણને ખૂબ લાડ કરતી. તેને ખીર, હલવો, ફળફળાદિ વગેરે ખાવાનું આપતી.
 
ધીમેધીમે હરણનું બચ્ચું મોટું થવા લાગ્યું. હવે તેને માથે મોટાં શિંગડાં પણ આવી ગયાં. છતાં તે દરરોજની ટેવ પ્રમાણે રાજાને ઉઠાડવા જતું. પરંતુ બહુ લાડમાં ઊછરવાને લીધે તે તોફાની થઈ ગયું હતું. રાજમહેલના કીમતી કાચ અવારનવાર તોડી નાખતું. છતાં પણ રાજાની બીકને લીધે કોઈ તેને લડતું નહીં. હરણ હવે અભિમાની બની ગયું હતું.
 
એકવાર તે રસોડામાં ઘૂસી ગયું. ખાવાનું પડ્યું હતું, તે ખાધું અને બધું વેરણછેરણ કરી નાખ્યું. રાજાને આ વાતની ખબર પડી એટલે તે ખૂબ ગુસ્સે ભરાયો. રાજાએ તરત જ તેના સિપાહીઓને આજ્ઞા કરી કે, ‘આ હરણને પાછું જંગલમાં મૂકી આવો.’
 
રાજાને થોડી દયા આવી. ‘એમ કરો, તેના ગળામાં મોતીની માળા પહેરાવો, તેથી બધાં તેને ઓળખી જાય કે આ રાજમહેલનું હરણ છે. કોઈ તેનો શિકાર ન કરે.’
 
હરણ તો પાછું જંગલમાં પહોંચી ગયું. રાજમહેલમાં ઊછરેલું હોવાથી તેને અભિમાન આવી ગયું. તે બીજાં હરણોને હેરાન કરતું તથા તેનાથી નાનાં પ્રાણીઓને પરેશાન કરતું. એક દિવસ બધાં પશુઓએ ભેગાં થઈને તેને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો. તેને ધકેલતાં ધકેલતાં ઊંડા કાદવ-કીચડમાં લઈ ગયાં. ઝપાઝપીમાં રાજાએ ગળામાં પહેરાવેલો હાર પણ તૂટી ગયો. હરણ જેમ જેમ બહાર નીકળવા પ્રયત્ન કરવા લાગ્યું તેમ તેમ અંદર ખૂંપતું ગયું. બધાં પ્રાણીઓ જંગલમાં પોતાને ઘરે જતાં રહ્યાં. હરણ એકલું રડવા લાગ્યું. એવામાં ત્યાંથી રાજાની સવારી પસાર થતી હતી.
 
રાજાને હરણનો અવાજ સંભળાયો. તેણે જોયું તો રાજવી હરણ કાદવમાં ખૂંપીને રડતું હતું. રાજાએ તેને કાદવમાંથી બહાર કાઢવાની આજ્ઞા આપી. સૈનિકો તેને બહાર કાઢી લાવ્યા, પરંતુ તેના ગળામાં રાજાનો હાર નહોતો. રાજાને જોઈને હરણની આંખમાં આંસુ આવી ગયાં. તે ધીરેધીરે રાજાની પાસે આવ્યું. રાજાના પગ ચાટવા લાગ્યું અને તેને વિનંતી કરવા લાગ્યું, ‘મહારાજ, મને રાજમહેલમાં પાછું લઈ જાવ, મને અહીં ફાવતું નથી. હવે રાજમહેલમાં તોફાન નહીં કરું.’ રાજાને દયા આવી. તે હરણને ફરીથી રાજમહેલમાં લઈ ગયો. પરંતુ હવે તેને રાજમહેલને બદલે તેની પાછળ આવેલ સુંદર બગીચામાં આશ્રય આપ્યો. હરણને પસ્તાવો થવા લાગ્યો, ‘હું રાજમહેલમાં શાંતિથી રહ્યું હોત તો મને કાયમ માટે રાજા પાસે રહેવા મળત.’
 
 
વાર્તાનો બોધ:
 
"અભિમાન અને ઉદ્ધત વર્તન હંમેશા પતન તરફ દોરી જાય છે. આપણને મળેલી સુખ-સુવિધાઓ કે મોભાનો ઉપયોગ બીજાને હેરાન કરવા માટે નહીં, પણ નમ્રતા રાખવા માટે કરવો જોઈએ."