૧૪ વર્ષની બે કિશોરીઓ અને બ્રિટિશ મેજિસ્ટ્રેટનો ખેલ ખતમ: રૂંવાડાં ઊભાં કરી દેતી શાંતિ અને સુનીતિની શૌર્યગાથા

‘મને ફાંસીની સજા નહીં આપીને અંગ્રેજ સરકારે મારી સાથે અન્યાય કર્યો છે. જો મને ફાંસી આપી હોત તો હું દેશ માટે શહીદી વહોરી શકત.’

    ૨૮-માર્ચ-૨૦૨૬   
કુલ દૃશ્યો |
 
the-teen-assassins-of-bengal
 
 
૨૮ માર્ચ, નિર્વાણદિન નિમિત્તે | ૧૪ વર્ષની સાહસિક ક્રાંતિકારીબાળા શાંતિ ઘોષ
 
 
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં અનેક નામી અનામી ક્રાંતિકારીઓનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમની દેશભક્તિ અને સાહસથી અંગ્રેજ સરકાર પણ થરથર કાંપતી હતી. તેઓ કોઈપણ ભોગે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા ઇચ્છતા હતા. દેશભરમાં આવા હજારો નવલોહિયા ક્રાંતિકારીઓની શૃંખલા હતી. જેઓ ભારતમાતાની મુક્તિ માટે પ્રાણની આહુતિ આપવા તૈયાર હતા.
 
આ ક્રાંતિકારીઓમાં બંગાળની બે નાની બાળાઓ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરીનું સાહસ રૂંવાડાં ઊભાં કરી દે એવું છે. તે સમયે માહોલ એવો હતો કે, નાના મોટા સૌ સ્વતંત્રતાના જંગમાં કૂદી પડ્યા હતા.
 
ક્રાંતિકારીઓના કેન્દ્રસમા બંગાળના કલકત્તામાં આવેલી સુપ્રસિદ્ધ કોલેજ વિક્ટોરિયાના અધ્યાપક દેવેન્દ્રનાથને ત્યાં ૨૨ નવેમ્બર, ૧૯૧૬ના રોજ એક બાળકીનો જન્મ થયો. માતા-પિતાએ તેનું નામ શાંતિ રાખ્યું, પરંતુ આ શાંતિ સાહસિક વૃત્તિથી ભરેલી હતી. બાળપણથી જ દેશભક્તિનાં બીજ તેનામાં રોપાયાં હતાં, તે કુશળ સંગઠક હતી. અભ્યાસ દરમ્યાન તેણે ગવર્મેન્ટ સ્ટુડન્ટ એસોસિયેશનની સ્થાપના કરી. અને આ સંગઠનના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી. બંગાળના કોમિલ્લાની ફૌજુનિસા ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થી પ્રફુલ્લ નંદિની તે ખૂબ પ્રભાવિત થઈ. પ્રફુલ્લ યુગાંતર નામના ક્રાંતિકારી દળથી જોડાયેલી હતી. શાંતિ ઘોષ પણ તેમાં જોડાઈ અને તેણે તલવાર, લાઠી, પિસ્તોલ જેવાં હથિયારો ચલાવવાની તાલીમ લીધી.
 
અહીં તેને સુનીતિ ચૌધરી નામની બાલિકાનો સંપર્ક થયો. તે પણ યુગાંતર દળમાં સામેલ થઈ અને મહિલા સ્વયંસેવક દળની કેપ્ટન બની.
 
તે સમયે અંગ્રેજ અમલદાર અને કોમિલ્લા જિલ્લા મેજિસ્ટ્રેટ જ્યોફ્રી સ્ટીવન્સનો ખૂબ ત્રાસ હતો. પોતાની સત્તાનો દુરુપયોગ કરી મહિલાઓની જાતીય સતામણી અને બળાત્કાર પણ કરતો. ચોરે ને ચૌટે તેનાં કાળાં કર્મોની ચર્ચા ચાલતી.
 
શાંતિ અને સુનીતિએ તેનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું. ૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ બંને બાળાઓએ એક અરજી તૈયાર કરી. એ અરજીમાં શાળાની અંદર તરણ સ્પર્ધા યોજવા માટે મંજૂરી લેવાની હતી. પરંતુ આ અરજી તો એક બહાનું હતું. બંને બાળાઓના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી.
 
તરણસ્પર્ધાની મંજૂરી લેવાને બહાને બંને જણ મેજિસ્ટ્રેટ સ્ટીવન્સની ઑફિસમાં દાખલ થઈ. સ્ટીવન્સ જ્યારે અરજી વાંચી રહ્યો હતો ત્યારે શાંતિ ઘોષ અને સુનીતિએ પોતાની શાલ ઊંચી કરી તેની નીચે સંતાડી રાખેલ પિસ્તોલ બહાર કાઢી અને એક સાથે પાંચ ગોળીઓ સ્ટીવન્સની છાતીમાં ધરબી દીધી. મેજિસ્ટ્રેટ ત્યાં જ ઢળી પડ્યો. તેનાં કુકર્મોની સજા તેને મળી ગઈ. બંને બાળાઓ સહેજ પણ ગભરાઈ નહીં. તેમના ચહેરા પર સંતોષનો ભાવ હતો. ધરપકડ કરી બંનેને કલકત્તાની જેલમાં કેદ કરવામાં આવી. તેમના પર મુકદ્દમો ચાલ્યો. બંને ૧૪ વર્ષની સગીર હોવાથી દશ વર્ષની જેલની સજા કરવામાં આવી.
 
આ સમયે શાંતિ ઘોષે કહ્યું, ‘મને ફાંસીની સજા નહીં આપીને અંગ્રેજ સરકારે મારી સાથે અન્યાય કર્યો છે. જો મને ફાંસી આપી હોત તો હું દેશ માટે શહીદી વહોરી શકત.’
 
જેલમાં તેના પર ભયાનક દમન કરવામાં આવ્યું હતું. થોડા સમય પછી ગાંધીજી અને અંગ્રેજ સરકાર વચ્ચે થયેલ માફીની વાટાઘાટોને કારણે ૧૯૩૯માં ૭ વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ બંને બાળાઓને જેલમાંથી મુક્ત કરવામાં આવી.

મધુકાન્ત પ્રજાપતિ

મધુકાન્ત પ્રજાપતિ ટાઉન પ્લાનિંગ ખાતામાંથી નિવૃત્ત થયા છે, તેઓશ્રી સાહિત્ય સર્જન ઉપરાંત અન્ય અનેક સેવાભાવી પ્રવૃત્તિઓમાં તેઓ સતત કાર્યરત રહે છે. છેલ્લાં 35 વર્ષોથી 'સાધના' સાપ્તાહિકના બાળવિભાગના સંપાદક તરીકે તેઓ સેવા આપી રહ્યા છે. તેમની અનેક વાર્તાઓ સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલવાડી, ઝગમગ વગેરે દૈનિકો—સાપ્તાહિકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. તેમના અનેક શબ્દચિત્રો પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમણે ‘સ્ત્રી' સાપ્તાહિકમાં પાંચ વર્ષ સુધી યુવાનોને પ્રેરણા આપતી 'યુથક્લબ' નામની કૉલમ પણ લખી છે. તેઓશ્રી બાળસાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. તેમના બાળ-કિશોર વાર્તાસંગ્રહ "ઉપકારનો બદલો"ને ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત તેમનો વાર્તા સંગ્રહ 'કલરવ' 'રાજા હરિશચન્દ્ર', 'વિશ્ચની શ્રેષ્ઠ બાળલોક કથાઓ', 'ઉપનિષદની શ્રેષ્ઠ વાર્તાઓ', 'ઈસપની શ્રેષ્ઠ વાર્તાઓ', 'મોગલીના પરાક્રમો', 'રાષ્ટ્ર ચેતનાના પ્રહરી', 'સ્વામી વિવેકાનંદના પ્રેરક પ્રસંગો' જેવા અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.