તંત્રીસ્થાનેથી । મુસ્લિમ વૉટબેંકથી માલામાલ થવાની મોહજાળમાં.. મદાંધ મમતા અને મતાંધ માલદા

શું સત્તાની ભૂખમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ન્યાયતંત્રની ગરિમા દાવ પર લાગી રહી છે? પશ્ચિમ બંગાળના માલદામાં બનેલી હચમચાવી દેતી ઘટના અને મમતા સરકારની મદાંધતાનું સચોટ વિશ્લેષણ.

    ૧૦-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

west bengal
 
 
લોકતંત્ર પરિપક્વ ન હોય તો ચૂંટણી બિહામણી હોય.. આંતરિક બંધુતા (fraternity) સામે બાહ્ય શત્રુતા ભારે પડે.. આપણે ત્યાં ભારતમાં આવી પરિપક્વતા શક્ય છે? હા, શક્ય છે, આ વિશ્વાસને (અનેક સમરસ ગ્રામ પંચાયતો થકી) ગુજરાતે સાચવ્યો - સંવાર્યો છે.
 
રાજ્યોની ચૂંટણીના ચકરાવામાં પશ્ચિમ બંગાળ રાષ્ટ્રીયતાના મુદ્દે અત્યંત નાજુક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આ ચૂંટણી વખતે ત્યાંનાં મુખ્યમંત્રીએ એવો હુંકાર કર્યો છે, એવો માહોલ બનાવ્યો છે જાણે કોઈ દુશ્મન દેશ ભારત સામે યુદ્ધે ના ચડ્યો હોય! ગુજરાતના રાષ્ટ્રભક્તોનો જાહેરમાં દ્વેષ કરનાર મમતા બેનર્જીને યુસુફ પઠાણને સાંસદ બનાવવામાં તેમનું ગુજરાતીપણું આડું આવતું નથી, શું એટલા જ માટે કે, તે મુસ્લિમ છે? આ મદાંધ મમતા બેનર્જી પ્રાંતવાદનું ઝેર ઘોળીને મા દુર્ગા વિરુદ્ધ શ્રીરામને જાકારો આપે છે. પોતાને મીની મુખ્યમંત્રી માનતાં મહુવા મોઈત્રા રાષ્ટ્રભક્તોના નામે પ્રાંતવાદ ભડકાવે છે. આટલેથી ન અટકેલ આ મદાંધ મુખ્યમંત્રીએ સર્વોચ્ચ ન્યાયાલયથી પણ ઉપરવટ જઈને SIR રફેદફે થાય તે માટે કરેલ પેરવી જુઓ..
બાંગ્લાદેશની સરહદે ૫૨% મુસ્લિમોની સંખ્યા ધરાવતા માલદા જિલ્લામાં એક કાંડ ઘડી કાઢવામાં આવ્યો.‌ આ એ જ માલદા છે, જ્યાં ૧૦ વર્ષ પહેલાં જાન્યુ.-૨૦૧૬ના મુસ્લિમ દંગાઓ વખતે આચરાયેલ હિંસાને આજે પણ લોકો ભૂલ્યાં નથી. માલદા જિલ્લાના કાલિયાચક-૨માં ગત ૧ એપ્રિલની સાંજે એકત્રિત ભીડે BDO કાર્યાલયમાં સાત ન્યાયિક અધિકારીઓ (જજ)ને બંધક બનાવી દીધા, તેમાં ત્રણ મહિલાઓ હતી, જે પૈકી એકનું પાંચ વર્ષનું બાળક પણ સાથે હતું. આ બંધકોને સતત નવ કલાક પીવાનું પાણી સુધ્ધાં ન આપ્યું. સાંજે ચાર વાગ્યાથી મોડી રાત્રિ સુધી બંધક બનાવવાની આ શર્મશાર કરનારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેના માટે આપણા સર્વોચ્ચ ન્યાયાલયના સર્વોચ્ચ ન્યાયમૂર્તિએ રાત્રે બે વાગ્યા સુધી જાગવું પડ્યું. અંતે પોલીસે પહોંચવું પડ્યું, કેન્દ્રીય બળોની મદદથી સૌને મુક્ત કરાયાં.
 
ઉપરોક્ત ઘટનાને લઈને સર્વોચ્ચ ન્યાયાલયે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમજ રાજ્ય-અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. આ આતંક ઉપર નજર રાખી રહેલ આપણા સર્વોચ્ચ ન્યાયમૂર્તિજીએ ખૂબ સંયમ સાથે રાજ્ય સરકારની ગંભીર આલોચના કરતાં કહેવું પડ્યું કે, આ ઘટનામાં કોણ ઉપદ્રવી છે તેની અમને જાણ નથી તેવું ના માનતા, આ ઘટના ન્યાયતંત્ર સામે ખુલ્લા પડકાર સમાન છે. રાજ્યમાં ચાલી રહેલી SIRની તેમજ ચૂંટણીની કામગીરીને રોકવા આવી હરકત જાણી જોઈને કરવામાં આવી છે. મમતા સરકારને ફટકાર લગાવતાં તેઓએ કહ્યું કે, આ એક દુ:સાહસ છે. જેનો હેતુ અધિકારીઓનું મનોબળ નબળું પાડવાનો છે. આવું વિચિત્ર ધ્રુવીકરણ ધરાવતું રાજ્ય જોયું નથી. અંતે ન્યાયાલયના આદેશ અનુસાર સમગ્ર ઘટનાની તપાસ NIAને સોંપવામાં આવી. મુખ્ય આરોપી મોફક્કરુલ ઇસ્લામને બાગડોગરા એરપોર્ટ ઉપરથી પકડી પાડવામાં આવ્યો અને આમ ધરપકડોનો દોર ચાલ્યો. શું હવે કોઈને એ પ્રશ્નોના ઉત્તરો મેળવવાની જરૂર છે કે, માલદામાં મતાંધ કોણ બન્યું છે? કોના કારણે બન્યું છે? કેમ બન્યું છે?
 
મમતા બેનર્જી SIRની કામગીરીથી પોતાની મતબેંક જોખમમાં છે, તેવું માનીને લોકોના રોષને ભડકાવવાની કોઈ તક જતી કરવા માગતાં નથી. તેમના ખોફથી રાજ્ય સરકારનું તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે. દરેક વખતે મુખ્યમંત્રી પદની ગરિમાને દાવ પર લગાવીને સ્વયં કાયદો હાથમાં લેવાનું મમતા બેનર્જીને કોઠે પડી ગયું છે, પણ આ વખતે માલદાના આ ચકચારી કાંડે તેમનો ખેલ ચોપટ કરી દીધો છે. હજુ પણ એવાં કાર્યો જરૂરી છે, જેનાથી સર્વસામાન્ય પ્રજાના મનમાંથી મદાંધ-મતાંધ આતંકનો રાક્ષસી ડર દૂર થાય.
 
આગામી ૨૩ અને ૨૯મી એપ્રિલે મતદાન થવાનું છે. ‘મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાના ‘જોખમ’થી સતર્ક રહેજો’; બોલો, આવું મમતા બેનર્જી કહી રહ્યાં છે! મહાજંગલરાજનાં નિર્માત્રી અને જેને ઇડી મામલે સર્વોચ્ચ ન્યાયાલયની ફટકાર ખાવી પડી છે તેવાં મમતા બેનર્જીના ઉપરોક્ત ‘જોખમ’વાળા કથન અંગે ‘બીટવીન ધ લાઇન્સ’ સમજનારાઓનું કહેવું છે કે, મમતા બેનર્જી (ચાર સપ્તાહ પહેલાંથી..) અત્યારથી જ પોતાનાં હારવાનાં કારણો આપવાની તૈયારી કરી રહ્યાં છે.
 
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.