સાંપ્રત । ‘ધુરંધર’ પરથી ભારતીયોએ શીખવા જેવા ૪ પાઠ: બલિદાન પરમો ધર્મ:

‘अहिंसा परमो धर्म’ સાચું, જરૂર પડે ‘हिंसा तथैव च’ સૂત્ર પણ સાચું, પરંતુ હવે સમય આવી ગયો છે બલિદાન પરમો ધર્મ: સૂત્રને અપનાવીએ. આ સિવાય કયો પાઠ છે, જે ‘ધુરંધર’ પરથી અપનાવવા જેવા છે.

    ૦૨-એપ્રિલ-૨૦૨૬   
કુલ દૃશ્યો |

dhurandhar 2

 

‘ધુરંધર’ પરથી ભારતીયોએ શીખવાનો પાઠ: બલિદાન પરમો ધર્મ:
 
ચારે તરફ ‘ધુરંધર ૨’ ફિલ્મની ચર્ચા છે. આ ફિલ્મે આ લેખ લખાય છે ત્યાં સુધીમાં વિશ્વભરમાં ૧,૦૭૯.૩૨ કરોડ કમાઈ લીધા છે. આ ફિલ્મે કેટલાક ભ્રમો ભાંગ્યા છે; જેમ કે:
 
૧, પાકિસ્તાનની કડવી સચ્ચાઈ બતાવો તો ફિલ્મ ન ચાલે. (યશરાજ ફિલ્મ્સની ‘પઠાણ’, ‘એક થા ટાઇગર’ ઇત્યાદિ અને શાહરુખ ખાનની ‘મૈં હૂં ના’)
 
૨, જો ત્રાસવાદી બતાવો તો એક સારા મુસ્લિમ પાત્રો બતાવો, ‘ત્રાસવાદીનો કોઈ ધર્મ (અહીં શબ્દ વાપરતી વખતે સેક્યુલરો ધર્મ શબ્દ ભૂલતા નથી. રિલિજિયન કે મઝહબ શબ્દ નથી વાપરતા) નથી હોતો’ તેવું સ્થાપિત કરવાનું.
 
૩, ખાન કલાકારોને ફિલ્મમાં લો તો જ ફિલ્મ ચાલે.
 
૪, અનુપમા ચોપડા, રાજીવ મસંદ, મયંક શેખર જેવા સ્થાપિત રિવ્યૂખોરોને સાધી લેવા પડે.
 
૫, જે શૉમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ, જિતેન્દ્ર, પર્યાવરણપ્રેમી જેકી શ્રોફની ભદ્દી મિમિક્રી ઊતરે, પણ કાદર ખાન, ગુલઝાર જેવા જિહાદપ્રેમી/ખાલિસ્તાન- પ્રેમીઓની તેમના પર માન થાય તેવી મિમિક્રી થાય અને શૈખનું સારું પાત્ર બતાવવામાં આવે તે ‘કપિલ શર્મા શૉ’માં કલાકારો જઈને પ્રચાર કરે અને કપિલ શર્મા-કૃષ્ણ અભિષેક-કિકુ શારદા-સુનિલ ગ્રોવરના ભંગાર અને અપમાનજનક પ્રશ્નોના ઉત્તર આપો તો જ ફિલ્મ ચાલે.
 
૬, ફિલ્મમાં ઉત્કટ પ્રણયનાં દૃશ્યો હોવાં જ જોઈએ.
 
૭, હિરોઇનોને અંગપ્રદર્શન થાય તેવાં કપડાંમાં જ બતાવવી જોઈએ, પછી તે ‘રામાયણ’ પરની ફિલ્મ (દા. ત. આદિપુરુષ) જ કેમ ન હોય કે પછી ઐતિહાસિક ફિલ્મ કેમ ન હોય.
 
૮, જાસૂસ/સૈનિક/પોલીસની પત્ની, માતા, બાળકોને તેમનાં વિરોધી બતાવવાનાં, કારણ કે તેઓ સમય નથી આપી શકતા, હિંસા કરે છે, તેમનું (પરિવારનું) જીવન સતત અસુરક્ષિત રહે છે.
 
આ ફિલ્મ વિશે તો ઘણું લખાયું છે, વિડિયો બન્યા છે, મિમ બન્યાં છે અને આવનારા દાયકાઓના દાયકાઓ લખાતું રહેશે, વિડિયો બનતા રહેશે, પુસ્તકો પણ લખાશે પરંતુ આપણે વાત કરવી છે ‘ધુરંધર’ ફિલ્મથી રાષ્ટ્રપ્રેમીઓએ શીખવા જેવા પાઠોની.
 
 
પાઠ ૧ : હિન્દુસ્થાનીઓ કા સબ સે બડા દુશ્મન હિન્દુસ્થાની હી હૈ, પાકિસ્તાન તો દૂસરે નંબર પર આતા હૈ
 
સરેરાશ ભારતીય પાકિસ્તાનને ઘૃણા કરે છે, પણ પાકિસ્તાનીઓ ક્યાંથી આવ્યા? આ ભૂભાગ એક સમયે ભારતનો જ હતો. ઉત્તર પ્રદેશના દારુલ ઉલૂમ અને અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયમાંથી ઉદ્ભવેલી વિચારધારા અને મસ્જિદો-મદરેસાઓમાં પીવડાવાતા કટ્ટરતાના ઘૂંટ આજેય ભારતમાં પ્રવર્તી રહ્યા છે. આજેય ઘણા મુસ્લિમો તથા સેક્યુલરોને ભારત કરતાં વધુ ચિંતા ગાઝાની અને ઈરાનની થાય છે. તાજેતરમાં કાશ્મીરમાં શિયા મુસ્લિમોએ ઈરાન માટે સોના-ચાંદીનાં ઘરેણાં સહિત કરોડો રૂપિયાનું દાન આપ્યું. આ વાત સચ્ચર સમિતિના રિપૉર્ટને ખોટી ઠેરવે છે કે, મુસ્લિમોની સ્થિતિ ખરાબ છે.
 
આજેય શ્રી રામનવમીની શોભાયાત્રા સમયે જીવ ઉચ્ચક રહે છે. આજેય કર્ણાટકમાં મુસ્લિમ મહિલા રસ્તા વચ્ચે નમાઝ પઢી ટ્રાફિક રોકી દે છે. ઑસ્ટ્રેલિયામાં બૉન્ડી સમુદ્રકિનારે યહૂદીઓ તેમનો ‘હનુક્કાહ’ ઉત્સવ ઊજવી રહ્યા હતા ત્યારે જ મુસ્લિમ પિતા-પુત્રએ ગોળીબાર કરી ૧૫ જણાને મારી નાખ્યા. આ મુસ્લિમ ત્રાસવાદી પિતા સાજિદ અક્રમ ભારતનો હતો.
આ ત્રાસવાદીઓને છાવરવાનું કામ પણ ભારતની સેક્યુલર લેફ્ટ-ઇસ્લામિક રાજકારણી, પત્રકારો, બુદ્ધિજીવી અને ફિલ્મ કલાકારોની ગેંગ કરે છે. બહારના શત્રુને તો આપણી સેના અને રૉ પહોંચી વળશે, પરંતુ સાવધ આપણી વચ્ચે જ રહેતા શત્રુઓથી રહેવાનું છે.
 
પાઠ ૨ : કિસ્મત કી ખૂબસૂરત આદત પતા હૈ; ક્યા હોતી હૈ, વો વક્ત આને પર બદલતી જરૂર હૈ
 
એક જૂના વિડિયોમાં મહેશ ભટ્ટ જેવો કટ્ટરવાદી નિર્દેશક કટ્ટર મુસ્લિમોને કહે છે કે, હમારી લડાઈ લંબી હૈ. આ જ વાત રાષ્ટ્રપ્રેમીઓએ સમજવાની આવશ્યકતા છે. કોઈ વાર નબળી ક્ષણ આવે, કોઈ વાર રાષ્ટ્રપ્રેમીઓ પાછા પડતા જણાય, તો દુઃખી થઈ, નિરાશ થઈ બેસી રહી ભાગ્યની નિંદા કરવાની આવશ્યકતા નથી. રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરતા રહી સમયની રાહ જોવી જોઈએ.
 
પાઠ ૩ : મુંહ તોડને કે લિયે મુઠ્ઠી બંધ કરના જરૂરી હૈ વો ભારત કે ખિલાફ નિંદ મેં ભી સોચે તો ઉનકે ખ્વાબ મેં ભી હમ બૈઠે નઝર આએ
 
અહીં ભારતમાં હિંસા કરવાની વાત નથી. આ તો પાકિસ્તાનમાં જઈને તેમની વચ્ચે ભળીને ત્યાં રહેલા ભારતવિરોધીઓને મારવાની અને તેમની વચ્ચે ફૂટ પડાવવાની વાત છે. ‘ધુરંધર ૨’ રિલીઝ થયા પછી ત્યાંના રાજકારણીઓ, પત્રકારો, બુદ્ધિજીવીઓ, પોલીસ, સેના અને આઈએસઆઈ બધાં જ હલી ગયા છે. આપણી વચ્ચે આપણા કોણ શત્રુ છે તેની સહુને ચિંતા થવા લાગી છે. એકમેકને શંકાની દૃષ્ટિએ જોવા લાગ્યા છે. લ્યારીમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે. દરેક શેરી પર ચાંપતી દૃષ્ટિ રખાઈ રહી છે.
 
મોઢું તોડવા માટે મુઠ્ઠી બંધ કરવી આવશ્યક છે, તેનો અર્થ એ કે, ભારતવિરોધીઓને ધૂળ ચાટતા કરવા માટે એકતા આવશ્યક છે. આના માટે તમામ રાષ્ટ્રભક્તોએ એક થવું પડશે. પંથ, સંપ્રદાય, જાતિના ભેદ ભૂલીને ‘રાષ્ટ્ર પ્રથમ’નું સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે. બધા ભારતીયો કંઈ પાકિસ્તાન કે ચીન સીમાએ જઈ લડી નહીં શકે કે પાકિસ્તાનની અંદર જઈ લડી નહીં શકે. તો નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈના લોકો અને તેમના ભારતમાં રહેલા મળતિયા ખોટા એકાઉન્ટમાંથી કોઈ સંદેશ ફેલાવે તો માની ન લેવા. ફૅક્ટ ચૅક કરવી. વૉટ્સઍપમાં ફૉરવર્ડ કરતાં પહેલાં દસ વાર વિચારવું.
 
કોરોના સંકટ હોય કે વર્તમાનમાં ઈરાન યુદ્ધના લીધે ઊભું થયેલું ગેસ અને પેટ્રૉલ-ડીઝલનું સંકટ, પોતાની અંગત આવશ્યકતાઓ જેટલી ઓછી રાખી શકાય તેટલી રાખવી. પડોશી અને આવશ્યકતાવાળાઓની સહાય કરવી. રાષ્ટ્રપ્રેમીઓની ઇકૉ સિસ્ટમ મજબૂત કરવી…પછી એ ફિલ્મ હોય, કોઈ પુસ્તક હોય, કોઈ વિડિયો હોય કે પૉસ્ટ હોય, તેને લાઇક, કૉમેન્ટ, સબસ્ક્રાઇબ કરીને પણ કમાણી કરાવીને આપણે ઇકૉસિસ્ટમ મજબૂત કરી શકીએ. આપણી શેરી, આપણે જે કાર્યસ્થળે કામ કરતા હોઈએ, આપણે જે રસ્તા પરથી પસાર થતાં હોઈએ તે બધી જગ્યાએ સજાગતાથી, સતર્કતાથી દૃષ્ટિ રાખીએ. કોઈ ભેદી પ્રવૃત્તિ થતી હોય તો તેની યોગ્ય સ્તરે યોગ્ય સત્તાવાળાઓને જાણ કરીએ. ઉપહાસ, ટોણા કે પછી ગાળાગાળી-રોષ કરતાં મૌન રહીને ઘણું કરી શકાય છે. એટલે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચમાં ભારતનો વિજય થાય, ઑપરેશન સિંદૂર જેવી કાર્યવાહી થાય, ત્રાસવાદી આક્રમણ થાય કે કોઈ રાષ્ટ્રપ્રેમી ચૂંટણીમાં જીતે ત્યારે ઉપહાસ અને ટોણાને ટાળીએ. આપણને કોઈ ગુપ્ત વાત ખબર હોય તો આપણે કોઈ વ્યક્તિને કહી દઈ આપણા સંપર્કો કેટલા ઊંચા છે તેવું બતાવી અભિમાન ન કરીએ. સૉશિયલ મીડિયા પર પણ આવી વાતો ન લખીએ. દા. ત. મુંબઈ ત્રાસવાદી આક્રમણ વખતે કમાન્ડરોની હિલચાલને ટીવી પર બતાવી દેવાઈ તો તેનાથી કેટલું નુકસાન ગયું. બરખા દત્ત તો પત્રકાર છે પણ અત્યારે સૉશિયલ મીડિયાના સમયમાં બધા નાગરિકો પત્રકાર જેવા જ છે. આથી ક્યાંય આવી રક્ષાની પ્રવૃત્તિ હોય તો તેના ફોટા પાડી મૂકી દેવા, રીલ વગેરે બનાવવાનું ટાળવું જોઈએ.
 
ઘણી વાર આપણી સામે જ કંઈક ખોટું થઈ રહ્યું હોય તો સમયને પામીને ચૂપ પણ રહેવું પડે. ‘ધુરંધર ૨’માં હમઝા મુંબઈ પર ત્રાસવાદી આક્રમણના સમાચાર સાંભળે છે ત્યારે તે અંદરથી હચમચી જાય છે. તેની સામે જ મેજર ઇકબાલ, ત્રાસવાદીઓને શસ્ત્રો પૂરાં પાડનાર રહેમાન ડકૈત, ત્રાસવાદીઓને ભંડોળ આપનાર જાવેદ ખાનની બધા પાકિસ્તાન ઝિંદાબાદ, નારા એ તદબીર જેવાં સૂત્રો બોલે છે તો હમઝાએ પણ અંદરથી દુઃખી હોવા છતાં પ્રસન્ન હોવાનો ડોળ કરીને આવાં સૂત્રો બોલવાં પડે છે. તેની દૃષ્ટિ સામે મેજર ઇકબાલ ભારતીય એજન્ટને અત્યંત કષ્ટ આપીને યાતના આપે છે. પછી યોગ્ય સમય આવે છે ત્યારે મેજર ઇકબાલને બરાબર પાઠ ભણાવે છે. વિચાર કરો કે જ્યારે ભારતીય એજન્ટને યાતના અપાતી હતી ત્યારે હમઝા છતો થઈ ગયો હોત તો?
 
પાઠ ૪. બલિદાન પરમો ધર્મ: એ સૂત્ર અપનાવવા જેવું છે
 
લડાઈ લડતી વખતે અનુશાસન આવશ્યક છે. હમઝાને અને આલમભાઈને જ્યાં સુધી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી તેઓ કંઈ કરતા નથી. ‘અમે અહીં છીએ તો અમને પરિસ્થિતિની વધુ જાણ હોય’ તેમ કહીને પોતાની રીતે કોઈ કાર્ય કરી નાખતા નથી. જ્યારે અજય સાન્યાલ કહે છે કે, ‘બહોત સાલ પહલે કિસીને મુઝ સે કહા થા, પડોસ મેં રહતે હૈં, **ભર કા ઝોર લગા લો, બિગાડ લો જો બિગાડ સકતે હો, અબ બિગાડને કા વક્ત આ ગયા હૈ’ ત્યારે જ હમઝા ત્રાસવાદીઓને ૭૨ હુર્રો પાસે પહોંચાડવાનું શરૂ કરે છે. એ જ રીતે જ્યારે હમઝા (જસકિરતસિંહ રંગી)ને તેનો બાળપણનો મિત્ર પિંડા જે હવે ખાલિસ્તાન સમર્થક બની ડ્રગ્સનો ધંધો કરવા લાગ્યો છે, તે પાકિસ્તાનમાં મળે છે અને મરી જાય છે ત્યારે આલમભાઈને જાણ હતી કે પોતાની શું સ્થિતિ થશે તેમ છતાં આ હત્યાનું આળ પોતાના પર લઈ લે છે કારણ કે હમઝાને બચાવવો આવશ્યક હતો.
અને અંતે હમઝા સહિત અનેક ભારતીય જાસૂસ, સૈનિકોને જાણ છે કે તેમને ભારત માટે લડવામાં કોઈ એવૉર્ડ નહીં મળે. તેમનું નામ પણ કદાચ બધા ભારતીયો નહીં જાણતા હોય કે તેઓ કેટલું સારું કામ કરી રહ્યા છે. તેમના પર પુસ્તકો નહીં લખાય. સરકાર પણ ત્યાં સુધી જ તેમની સાથે છે જ્યાં સુધી તેમની શત્રુ દેશમાં ઓળખ છતી ન થાય. ઓળખ છતી થાય તો સરકાર કહી દેશે કે આ અમારો માણસ નથી. શત્રુ દેશમાં તેમની જ સંસ્કૃતિ અપનાવી, ભૂખ્યા-તરસ્યા, તેમના અત્યાચારોને સહીને લડવું સહેલું નથી. પોતાના પરિવારજનોને મૂકીને, પોતાની સંસ્કૃતિને મૂકીને, અન્ય પ્રકારની ખાણીપીણી અપનાવવી સહેલી નથી. આના માટે કઠણ કાળજું જોઈએ. બલિદાન એટલે મરી જવું તેવું નહીં. બલિદાન એટલે અનુશાસનબદ્ધ રહી રણનીતિને અપનાવી સર્વોચ્ચ ત્યાગ કરવો. સમર્પણની પરાકાષ્ઠા કરવી.

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…