
‘United States Commission on International Religious Freedom (USCIRF)’ દ્વારા એક અહેવાલ (રીપોર્ટ) જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વધુ એક વાર ભારતને CPC (Country of Particular Concern - વિશેષ ચિંતાનો દેશ) શ્રેણીમાં મૂકવાની ભલામણ કરવામાં આવી છે. આ શ્રેણી એવા દેશો (ચીન, પાકિસ્તાન, ઈરાન, ઉત્તર કોરિયા) માટેની છે જેમાં, આસ્થા(-ઉપાસના)ગત સ્વતંત્રતાનું સરેઆમ હનન કરવામાં આવે છે. સચ્ચાઈ એ છે કે, આ અમેરિકા સ્વયં પોતે જ ઘર આંગણે નફરત, હિંસા અને ઓળખ આધારિત હુમલાઓને રોકવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું છે. ઉદા. ત્યાં અમેરિકામાં પાછલા એક દશકમાં હિન્દુવિરોધી ઘટનાઓ, હેટ ક્રાઈમ, ‘હિન્દુજ ગો બેક’ના નારાઓ, મંદિરો ઉપર હુમલાઓ, હત્યાઓ, હિંસા-તોડફોડ-નફરત, શિખોની પાઘડીઓ ઉતરાવવી, આ બધું બેફામપણે વધી રહ્યું છે. કહેવત છે ને કે, ગાંડી સાસરે ન જાય ને ડાહીને શિખામણ આપે! જો કે સાવ આવું કહીને USCIRFના આ કૃત્યને માત્ર અવગણી દેવાથી પણ ચાલે તેવું નથી. આ એક ખતરનાક ખેલ છે. આ એક ભૂરાજનૈતિક શસ્ત્ર દ્વારા ભારત ઉપર કરવામાં આવી રહેલો બોથડ પ્રહાર છે, જેનો ઉપયોગ અમેરિકા દ્વારા સતત ૨૦૨૦થી કરવામાં આવી રહ્યો છે. આ USCIRFના વાઇસ ચેર અને કમિશ્નર પદે બેઠેલા પાકિસ્તાની ડૉ. આસીફ મહમૂદની વાતોમાં અમેરિકા આવી શકે, ભારત હરગિજ નહીં.
હા! એટલું જ નહીં, આ વખતે તે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગી ગયું છે. તેણે ભારતની તપાસ એજન્સી RAW પર નકારાત્મક ટિપ્પણી કરીને આપણી સંપ્રભુતા પર સીધો પ્રહાર કર્યો છે. વધુમાં તેણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ખરાબ ચિતરીને આપણી આંતરિક બાબત પર પણ પ્રહાર કર્યો છે. અમેરિકાએ એનાં દંભ-દાંડાઈ-દોઢાઈ અને આડોડાઈ માટે આજે નહીં તો કાલે હિસાબ આપવો પડશે.
USCIRFએ જાહેર કરેલ આ રીપોર્ટમાં (૧) આપણી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ RAW જેવી સંવેદનશીલ જાસૂસી સંસ્થા અને (૨) જેણે જન્મ અને જીવન ‘રાષ્ટ્ર પ્રથમ (Nation First)’ના મંત્રને મૂર્તિમંત કરવા માટે જ ધારણ કરેલ છે, તેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને, આ બંનેને બદનામ કરવાનું અત્યંત પૂર્વગ્રહયુક્ત ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવેલ હોઈ આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ રીપોર્ટને ભારતની; મનઘડંત રીતે તૈયાર કરવામાં આવેલ વિકૃત છબિ ગણાવીને ફગાવી દીધેલ છે.
આપણા દેશના ૨૭૫ કરતાં વધુ પૂર્વ ન્યાયાધિશો, વરિષ્ઠ સનદી અધિકારીઓ અને સૈન્ય અધિકારીઓએ આ અહેવાલને વખોડી કાઢીને તેને ખાસ એજન્ડાથી પ્રેરિત ‘બૌદ્ધિક’ નાદારી સમાન ગણાવ્યો છે. સૂફી ઇસ્લામિક બોર્ડે પણ આ અહેવાલની ટીકા કરી અને પ્રતિબંધિત પોપ્યુલર ફ્ન્ટ ઑફ ઇન્ડિયા સહિતનાં ઉગ્રવાદી જૂથોને અમેરિકાના આ અહેવાલ થકી પ્રોત્સાહન મળી શકે છે, તેવી ચિંતા વ્યક્ત કરી છે.
૨૦૧૭માં ડોનાલ્ડ ટ્રંપે એક આદેશથી સાત મુસ્લિમ બહુલ દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાડી દીધો હતો, જેને વિશ્વ ‘મુસ્લિમ-બાન’ તરીકે ઓળખે છે. આ મામલો ત્યાંની સર્વોચ્ચ ન્યાયાલય સુધી ગયો, ત્યાંથી તેનો સંશોધિત સ્વરૂપમાં સ્વીકાર પણ થયો. અગર આવું પગલું કોઈ અન્ય દેશ ઉઠાવતો તો શું એને રિલિજીયસ ભેદભાવ ન કહેવામાં આવતો?! કોઈ રીલીજીયસ સમુદાયોને સતત શંકાના-ઘૃણાના દાયરામાં રાખવાનું અગર કોઈ બીજો દેશ કરે તો તેને રીલીજીયસ પ્રોફાઇલિંગ એવું નામ આપીને બદનામ કરવામાં આવે છે. ક્યૂબા ખાતે ‘ગ્વાંતાનામો બે (Bay)’માં વગર સુનવાઈએ વર્ષો સુધી લોકોને જેલોના સળિયા પાછળ ગોંધી રાખવા એ શું કોઈ માનવીય કૃત્ય છે? જે અમેરિકાના કૃત્યોથી માનવાધિકાર અને આસ્થાગત સ્વતંત્રતા તરફડી રહ્યાં છે, તે અમેરિકા કયા મોંઢે સૂફિયાણી સલાહો આપી રહ્યું છે! सो चूहे खा कर बिल्ली हज को चली.. કાયદાની ઐસીતૈસી કરવાના કારણે કઠેડામાં ઊભો કરાયેલો કોઈ કાવતરાબાજ જ્યારે ન્યાયની કથા સંભળાવે ત્યારે!
જ્યાં એપ્સ્ટિન પોતાના ગુનાના સમાચાર પૈસા આપીને ઇન્ટરનેટ પરથી હટાવી શકે છે તે અમેરિકા, જ્યાં એઆઈના ભરોસે એક નિર્દોષ મહિલા એન્જેલા લિપ્સને ૬ મહિનાની જેલ ભોગવવી પડે તે અમેરિકા અને પ્રેસિડેન્ટ ટ્રમ્પના ટેરિફની વિરુદ્ધમાં ચુકાદો આપનાર ન્યાયાધીશોને પ્રેસિડેન્ટ ટ્રમ્પ મહામુર્ખ અને પાલતુ કૂતરા જેવા શબ્દોથી જાહેરમાં અપમાનિત કરતા હોય તે અમેરિકા, હવે વિશ્વને કોરા ઉપદેશોનાં ઉઠાં ભણાવવાનું બંધ કરે. હજારો કિલોમીટર દૂર રહીને પોતાના ચાર દિવાલો વચ્ચે ઘેરાયેલા સરમુખત્યારી કિલ્લામાં બેસીને ભારતનું મૂલ્યાંકન કરવાનું બંધ કરે. દુનિયાના દેશોને પોતે ઘડી કાઢેલી વાહિયાત કસોટીઓ ઉપર કસવાનું નાટક બંધ કરે. મનઘડંત અહેવાલો થકી રોફ ઝાડવાનું બંધ કરે, ભારતના સાર્વભૌમત્વમાં હસ્તક્ષેપ કરવાનું હિન કૃત્ય ન આચરે, કારણ કે તેણે હમણાં પોતાના ‘સળગતા ઘર’ પર ધ્યાન આપવાની વધુ જરૂર છે.