મુખપૃષ્ઠ વાર્તા । મોબાઈલ બાળક માટે ડ્રગ્સ કરતા પણ વધુ ખતરનાક? ૫ વર્ષ સુધી સ્ક્રીન કેમ ન આપવી જોઈએ જાણો સત્ય

થોડા સમય પછી બાળકોનું શાળામાં વેકેશન પડવાનું છે ત્યારે બાળકોના સર્વગ્રાહી વિકાસના સંદર્ભમાં આ મુખપૃષ્ઠ વાર્તા અહીં પ્રસ્તુત કરીએ છીએ. માતા-પિતાને આ સંશોધનાત્મક વાતો તેમના ઉછેર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે...

    ૦૪-એપ્રિલ-૨૦૨૬
કુલ દૃશ્યો |

Child Brain vs Digital Screen

શું તમારા લાડકવાયા સંતાનની સંવેદનાઓ ખોવાઈ ગઈ છે?

 
વર્તમાન સમયમાં અનેક માતા-પિતાને પોતાના પરિવારનાં બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા સતાવી રહી છે. બાળકો અને કિશોરોમાં માનસિક બિમારીનું પ્રમાણ પણ ક્રમશઃ ખૂબ વધી રહ્યું છે. શા માટે બાળકો અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે? આ એક પ્રાણપ્રશ્ન છે. આવો... આ લેખમાં... આ પ્રશ્નોના ઉત્તરો મેળવીએ. બાળકોના મગજના ખ્યાતનામ નિષ્ણાત ડૉ. રીતેશ શાહ પાસેથી.
 
ડૉ. રીતેશભાઈએ એમ.ડી., પીડિયાટ્રીકનો અભ્યાસ કરેલ છે. પીડિયાટ્રીક ન્યુરોલોજીમાં ફેલોશીપ કરેલ છે. તેઓશ્રી બાળકોના મગજના વિકાસ જેવા વિષય પર ૨૨ થી ૨૫ હજારની જનમેદની વચ્ચે ૨૦થી વધુ જનજાગૃતિ (પબ્લિક અવેરનેસ)ના કાર્યક્રમો કર્યા છે તથા જુદા જુદા એસોસિયેશન સાથે મળીને ડૉક્ટર્સ માટે પણ અનેક સેમિનાર કર્યા છે.
 
 
થોડા સમય પછી બાળકોનું શાળામાં વેકેશન પડવાનું છે ત્યારે બાળકોના સર્વગ્રાહી વિકાસના સંદર્ભમાં આ મુખપૃષ્ઠ વાર્તા અહીં પ્રસ્તુત કરીએ છીએ. માતા-પિતાને આ સંશોધનાત્મક વાતો તેમના ઉછેર માટે ખૂબ ઉપયોગી નીવડશે તેવી આશા છે...
 
 
બ્રેઈન ડેવલપમેન્ટ ઇન ડિજિટલ વર્લ્ડ બાળકોના માનસિક વિકાસની વાત
 
બ્રેઈન ડેવલપમેન્ટ ઇન ડિજિટલ વર્લ્ડ. આ મુદ્દે આપણે હવે ગંભીર બની રહ્યા છીએ, ચિંતિત છીએ. કારણ કે આપણે બધા ડિજિટલ વર્લ્ડમાં છીએ, કદાચ અનિવાર્યપણે છીએ. ડિજિટલ દુનિયા હવે મસ્ટ (ફરજિયાત) છે, એના વગર ચાલવાનું નથી. પણ એની અંદર બાળકોના બ્રેઈનનું ડેવલપમેન્ટ (માનસિક વિકાસ) કઈ રીતે થાય છે, એ એનું વિજ્ઞાન શું છે? આ બધું સમજદાર મમ્મી-પપ્પાઓએ જાણવું સૌથી મહત્ત્વનું છે.
 
આજથી ૨૦ વર્ષ પહેલાંનું ચિત્ર આંખ સામે લાવીએ.. છોકરા મસ્તીથી રમતાં હોય, દાદા એમને રમાડતા હોય, ખેતરમાં ફરવા લઈ ગયા હોય, પપ્પા સુવડાવતા હોય, દાદી વાર્તા કહેતાં હોય, શિક્ષક બધાં છોકરાને ભણાવતા હોય, છોકરો જાતે ગૃહકાર્ય કરતો હોય, બધાં સાથે બેસીને જમતાં હોય, નાનું બાળક હોય તો તેની માલિશ થતી હોય. આ સામાન્ય પ્રવૃત્તિઓમાંથી (નોર્મલ એક્ટિવિટીઝ)માંથી આપણે સૌ પસાર થયા છીએ. એ વખતે આ બધું નોર્મલ જ હતું ને?
 
હવે જોઈએ આજકાલનું ન્યુ નોર્મલ. આ ન્યુ નોર્મલ એ છે કે... મમ્મી બચ્ચાને દૂધ પીવડાવે છે સાથે મોબાઈલ જોઈ રહી છે. બચ્ચું ખાતાં ખાતાં મોબાઈલ જુએ છે. છોકરું મોબાઈલના સ્ક્રીનમાંથી ભણે છે. સૂતાં-સૂતાં ભાઈ મોબાઈલ જુએ છે. મેદાનમાં ગયાં તો બધાં રમવા પણ ત્યાં ય છોકરાં સાથે બેસીને વિડીયો ગેમ રમી રહ્યાં છે. ખાવા બેઠાં છે પરિવારનાં ચાર જણા, પણ સૌનું ધ્યાન છે મોબાઈલમાં. પબ્લિક પ્લેસ (જાહેર સ્થળો) ઉદા. એક ટ્રેનમાં છોકરું બિચારું જાગે, જુએ છે કે આજુબાજુનાં બધાં પોતપોતાના મોબાઈલમાં. આ નવું નોર્મલ છે આજની તારીખમાં. આપણે આ બધું જોઈએ છીએ, આપણે પણ આનો ભાગ છીએ. તો એક વિચાર એવો આવે કે આજથી ૨૦ વર્ષ પહેલાં આ કશું જ નહોતું,૧૦૦% જૂની જ પ્રવૃત્તિઓ હતી અને માનવસ્પર્ધા (હ્યુમન રેસ) ઇન્વોલ્વ થઈને ૨ લાખ વર્ષ થયાં ત્યારથી લઈને ૨૦ વર્ષ પહેલાં સુધી આ રીતે જ બધાં બાળકો મોટાં થયાં છે. તો ૨૦ વર્ષમાં જે આ પ્રવૃત્તિઓ (એક્ટિવિટીઝ) આવી ગઈ તો બ્રેઈનમાં કંઈક તો ફેરફારો તો થતા જ હશે ને! કેમ કે બ્રેઈન અનુભવો (એક્સપિરિયન્સીસ)થી ડેવલપ થાય છે. તો જોઈએ શું ફેરફારો થતા હશે?
 
માઇન્ડ ડેવલપમેન્ટ અને તેના ડેમેજની વાત...
 
મોટા ભાગના લોકોને આછીપાતળી ખબર છે કે મોબાઈલ કંઈક નુકસાન કરે છે, પણ આપણે આ નુકસાની અંગે છૂટક છૂટક વાંચતા હોઈએ છીએ અને તે પણ એક છાપાના ૧૦૦ સમાચાર પૈકી એક સમાચાર હોય છે, એટલે એ વાંચીને પાસ ઓન (દૂર મુકાઈ જાય છે) થઈ જાય છે. આપણે જેટલું ગંભીરતાથી લેવું જોઈએ તેટલું ગંભીરતાથી નથી લેતા. હું તો બાળકોના મગજનો ડોક્ટર, એટલે અમે પ્રેક્ટિસમાં જોતા હોઈએ છીએ, મા-બાપ આવીને કહે કે, અમારું છોકરું અમારી સાથે બોલતું નથી, બહુ ધમાલ કરે, ઊંઘતું નથી, કોઈની સાથે ભળતું નથી થતું, સ્કૂલમાં તેને બરાબર ઇન્ટરેસ્ટ નથી, બહુ હતાશ રહે, ડિપ્રેસ રહે, ગુસ્સો પણ બહુ કરે છે. મોટાભાગે મારા રોજિંદા કન્સલ્ટિંગમાં સરેરાશ (એવરેજ) બે-ત્રણ નવા પેશન્ટ ‘માઈન્ડ ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ’ના હોય. આ પ્રમાણે મારા ૨૦ વર્ષમાં ૨૦,૦૦૦ પેશન્ટ આ પ્રોબ્લેમના જોઈ લીધા છે. આ બધા પેશન્ટની સારવાર (ટ્રીટમેન્ટ) તો કરીએ, અને એક કોમન સલાહ આપીએ કે, તારે મોબાઈલનો ઉપયોગ ઘટાડી દઈને, સ્ક્રીન ટાઇમ ઓછો કરો. આ સલાહ બધા જ ડોક્ટરો કેમ આપે છે? સ્ક્રીન, બ્રેઈનને કઈ રીતે ડેમેજ કરે એ જાણતા પહેલાં નોર્મલ બ્રેઈન કઈ રીતે ડેવલપ થાય એના વિશે થોડું જાણીએ. આ ત્રણ કમ્પોનન્ટથી બ્રેઈન ડેવલપ થાય.
 
એક છે વારસાગત (જિનેટિક્સ). મોરનાં ઈંડાને ચીતરવાં ન પડે તેમ માં-બાપ હોશિયાર હોય તો બાળકો હોશિયાર થાય, ઊંચાં હોય તો છોકરા ઊંચાં થાય, તો મા-બાપના જે ફીચર્સ હોય એ છોકરામાં આવે, જેને જિનેટિક્સ કહેવાય, એને આપણે બદલી ન શકીએ, એ તો કુદરતે આપેલું છે. આપણાં બધાંમાં આ જીન ૯૯.૯૯% સરખા હોય છે.
 
બીજું પેરામીટર છે વાતાવરણ (એન્વાયરમેન્ટ). આજુબાજુનું વાતાવરણ એટલે શું? તો હવા, પાણી, ખોરાક, જમીન આપણું વાતાવરણ બનાવે છે. વાતાવરણ પણ જે તે વિસ્તારમાં રહેતા લોકોને એકસરખું જ મળવાનું.
 
ત્રીજું પાસું (ફેક્ટર) છે વ્યક્તિગત અનુભવ (પર્સનલ એક્સપિરિયન્સીસ). બધા જુદા હોવાનું મુખ્ય કારણ છે- વ્યક્તિગત અનુભવ (પર્સનલ એક્સપિરિયન્સ). આપણા શ્વાસે શ્વાસે બ્રેઈન ડેવલપમેન્ટ (માનસિક વિકાસ) થાય. આપણું બ્રેઈન સતત (કોન્સ્ટન્ટલી) આજુબાજુના વાતાવરણનો અનુભવ, આપણી પાંચ ઇન્દ્રિય દ્વારા કરે. ઇન્દ્રિયોને થતા અનુભવો બ્રેઇનને મળે, જેનાથી આપણા બ્રેઈનનું ડેવલપમેન્ટ થાય. હવે જોઈએ કે, આ અનુભવ ક્યાંથી મળે?
 
વાસ્તવિક જીવનની સંવેદનાઓ મગજનો વિકાસ કરે છે
 
જ્યારે બાળક જન્મે ત્યારે રડે અને બધાં ખુશ થાય. પછી બાળક દોઢ-પોણા બે મહિનાનું થાય, ત્યારે મમ્મી સામે જોઈને એક સ્માઈલ આપે. તો જન્મથી દોઢ મહિનામાં શું પ્રક્રિયા થઈ? જન્મ વખતે બાળકની આંખો હતી, બાળકનું વિઝન હતું. જન્મ વખતે બાળકની મમ્મી એની સામે હતી. જન્મ વખતે બાળકના મેમરી એરિયાઝ (યાદશક્તિ) વિકસિત થયેલ હતી, છતાં બાળક પહેલા દિવસે મમ્મી સામે જોઈને કેમ ના હસ્યું? દોઢ મહિને કેમ હસ્યું? બાળક જ્યારે મમ્મીને પહેલીવાર જુએ ને ત્યારે આંખમાંથી કિરણો (વેવ્સ) જાય અને મેમરી એરિયામાં કનેક્શન બને. આવું વારંવાર થવાથી વાયરીંગ થાય. એ પ્રોસેસ ચાલે દોઢ મહિનો. ત્યારબાદ મમ્મીનું ચિત્ર (પિક્ચર) આવ્યું મેમરીમાં, પણ હસે ક્યાંથી? એના માટે મોઢાના મસલને મુવમેન્ટ કરવી પડે. મસલનો કંટ્રોલ બ્રેઈનમાં બીજે હોય. તો બીજો એક વાયર નંખાય. આ બે વાયર નંખાય ત્યારે બાળક દોઢ મહિને મમ્મી સામે જોઈને હસે. ધારો કે મમ્મીને પહેલા દિવસે જોઈ લે, પછી દોઢ મહિના સુધી જુએ જ નહીં તો એનામાં એ પ્રક્રિયા મોડી (પ્રોસેસ ડીલે) થાય. તો મમ્મી સામે જોઈને નહીં હસે. તો પછી જે કેર-ટેકર છે, એની સામે જોઈને હસશે. વાસ્તવિક જીવનના અનુભવો (રિયલ લાઈફ એક્સપિરિયન્સ) જ બાળકના મગજનો વિકાસ કરે છે.
 
બ્રેઈનમાં ફિઝિકલ વાયરિંગ પહેલા હજાર દિવસમાં થાય છે. પ્રેગ્નન્સીના ૯ મહિના પહેલાં, ત્યારબાદ બીજાં બે વર્ષ એમ કુલ હજાર દિવસ થાય. આ હજાર દિવસમાં દરેક સેકન્ડ બાળકના બ્રેઈનમાં ૧૦ લાખ નવાં વાયરિંગ થાય. આખી જિંદગીમાં મગજને જેટલા સેલ જોઈએ એ જન્મ થાય તે પહેલાંથી ‘મા’ના પેટમાં સાતમા આઠમા મહિને બાળકને મળી ગયા હોય છે. તથા જન્મ્યા બાદ બે અઢી વર્ષ સુધીમાં દરેક સેકન્ડે ૧૦ લાખ શારીરિક સંપર્ક (ફિઝિકલ કનેક્શન) બને છે. આ જે કનેક્શન બને એ એક જ બાબત બનાવી શકે, એ છે ‘રિયલ લાઈફ એક્સપિરિયન્સ’. વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ જેમ કે વિડીયો બતાવો, મોબાઈલ બતાવો, ટીવી બતાવો, મોબાઈલમાં ગેમ બતાવો, એ-બી-સી-ડી બતાવીએ, ગીતો બતાવીએ વગેરે પણ, આ વર્ચ્યુઅલ કનેક્શનમાં સાચી સંવેદના (રિયલ સેન્સીસ) એક્ટિવેટ નથી થતી. રિયલ સેન્સ એટલે શું? પાંચ ઇન્દ્રિયો બ્રેઇનને સ્પર્શ, જુદાં જુદાં પ્રકારના અવાજ, જુદાં જુદાં પ્રકારનાં દૃશ્યો, સુગંધ અને સ્વાદ (ટચ, અલગ-અલગ ટાઈપના સાઉન્ડ, અલગ-અલગ ટાઈપના વિઝન, સ્મેલ, ટેસ્ટ.) આ પાંચ સંવેદનાઓ (સેન્સેશન) પહોંચાડે છે, એ બધી સંવેદનાઓ વાસ્તવિક જીવનમાં મળે તો જ એ કનેક્શન બનાવી શકે. વર્ચ્યુઅલ સ્ટીમ્યુલેશન એ કનેક્શન બનાવી શકે નહીં?
 
જન્મથી અઢી વર્ષ સુધીમાં આખી જિંદગીમાં બ્રેઇનને જેટલાં કનેક્શન જોઈતાં હોય એ બધાં કનેક્શન બની ગયાં હોય છે. અઢી વર્ષમાં બાળકના મગજનો ૮૦થી ૯૦% વિકાસ થઈ જાય, ત્યારબાદ ૧૮ વર્ષની ઉમર સુધી બાળકના મગજમાં ફાઈન ટ્યુનિંગ થાય. ફાઈન ટ્યુનિંગ એટલે જેટલી જરૂરિયાત હોય ને એટલાં કનેક્શન સ્ટ્રેંધર્ન થાય. જેની જરૂર ન હોય એ કનેક્શન ધીમે-ધીમે ઓછાં થઈ જાય. જન્મ સમયથી જ કનેક્શન બનવાનું શરૂ થઈ ગયું હોય છે. બે વર્ષે બચ્ચાના મગજમાં હાઈએસ્ટ લેવલ ઓફ કનેક્શન હોય. પુખ્ત થાય ત્યારે કનેક્શન થોડાં ઘટે છે. તો આપણું મગજ બે વર્ષના બાળક કરતાં ઓછું રિસેપ્ટિવ હોય, બે વર્ષના બાળકનું મગજ સૌથી વધુ ચાલતું હોય છે. હવે સૌથી નીચેની વાત જાણવી સૌ માટે જરૂરી છે.
 
માત્ર વાસ્તવિક જીવનનાં ઉદાહરણોથી જ મગજમાં કેમ કનેક્શન બને? કઈ રીતે બને?
 
સાત-આઠ મહિનાનું બાળક ભાંખોડિયાં ભરી ચાલતું થાય. (૧) એની મમ્મી ઘરમાં પોતું કરતી હોય ત્યારે છોકરું વચ્ચે આવે નહીં એટલે એને હાથમાં મોબાઈલ આપી એક સ્થાને બેસાડી દે. આ નોર્મલ દૃશ્ય આજના જમાનાનું છે. (૨) પરંતુ ધારો કે, એની મમ્મીએ મોબાઈલ નથી આપ્યો તો શું થશે? મમ્મી પોતું કરશે ત્યાં છોકરું ભાંખોડિયાં ભરતું મમ્મી બાજુ આવવા પ્રયત્ન કરશે. જેવું ભીનામાં ભાંખોડિયા ભરવા જશે એટલે લપસી જશે, પડશે, ક્યાંક વાગશે, છોલાશે, કંઈ નહીં છોલાય તો દુઃખશે, એ રડે એટલે મમ્મી પોતું કરવાનું બાજુમાં મૂકીને તરત હાથ લૂછશે, છોકરાને લેશે, તેડશે, ધાવણ લેતું હોય તો ધાવણ આપશે, શાંત રાખશે, ઉલુ લુલુ કરશે, ગમે તેમ શાંત કરશે, થોડી ખિજાશે, પોતામાં ના ચલાય એટલી ખબર નથી પડતી એવો એકતરફી સંવાદ થશે. બે-પાંચ મિનિટમાં વાર્તા ખતમ થઈ જશે. આ નોર્મલ દૃશ્ય ૨૦ વર્ષ પહેલાં હતું. ઉપરોક્ત બંને જુદાં જુદાં વર્તન-વર્તણૂક વખતે બાળકના બ્રેઈનના ડેવલપમેન્ટમાં શું ફરક પડે?
 
જ્યારે છોકરું પોતામાં લપસે છે, તો એને લપસવું, કેટલા ભીનામાં લપસાય? દબાવીને પગ મૂકું તો ન લપસાય? મેં પહેલા આ હાથ દબાવી મૂક્યો તો ના લપસ્યો, આ ઢીલો મૂક્યો તો લપસી ગયો. એ બધું ફાઈન ટ્યુનિંગ છે, એ બ્રેઈનમાં કનેક્શન બનાવે. પછી જેવું પડે, પેઈન થાય તો પેઈન કોને કહેવાય, એની ખબર પડે! બોડીનો રિફ્લેક્સ રિસ્પોન્સ છે- રડવું, તો એ રડવાનું અંદર કનેક્શન બને. રડે એટલે આપણા કેર ટેકર મમ્મી આપણી નજીક આવે, તો ઈમોશનલ કનેક્શન બને. મમ્મી એને શાંત પાડે, સ્તનપાન (ફીડિંગ) કરાવે, ફીડિંગ લેશે, થપથપ કરશે. પરંતુ જ્યાં કહેવાતી મોડર્ન મમ્મીએ હાથમાં મોબાઈલ પકડાવી દઈને આ ૨૦-૨૫ અનુભવ (એક્સપિરિયન્સ)થી બાળકને વંચિત રાખી દીધો, ત્યાં એ કનેક્શન એના બ્રેઈનમાં બન્યાં જ નહીં. સપોઝ એ છોકરું એ વખતે સોફામાં બેઠાં બેઠાં આવો એક વિડીયો જુએ છે, જેમાં બે છોકરા રમે છે. એક છોકરો મસ્તી કરે છે, મમ્મી પોતું કરે છે, પોતામાં છોકરો લપસે છે, બીજો છોકરો હસે અને શાંત રાખે, ચોકલેટ આપે. આ વિડીયોમાં જોઈને બાળક ખુશ થશે પણ એનાથી બ્રેઈનમાં એક પણ કનેક્શન નહીં બને. આ વૈજ્ઞાનિક સત્ય (સાયન્ટિફિક ફેક્ટ) છે. નાના છોકરાના બ્રેઈનના કનેક્શન ‘રિયલ લાઈફ એક્સપિરિયન્સ’થી બને એ વર્ચ્યુઅલ એક્સપિરિયન્સથી બની શકે નહીં.
 
બાળક જન્મે ત્યારે તેનું વજન ૩ કિલો અને તેના મગજનું વજન ૩૩૦ ગ્રામ હોય. એવરેજ ૧૦ ટકા વજન બ્રેઈનનું હોય. એ બચ્ચું જયારે બે-અઢી વર્ષનું થાય, તો બ્રેઈનનું વજન ૧ કિલો થાય. ત્યારે બાળકનું વજન ૧૦ કિલો છે, એટલે બોડીમાં ૧૦ ટકા ભાગ બ્રેઈન છે. ત્યારબાદ આખી જિંદગીમાં તેમાં ૨૦૦થી ૩૦૦ ગ્રામ વધી બ્રેઈનનું વજન ૧૨૦૦-૧૩૦૦ ગ્રામ થાય. અને જે વધ્યું છે તે પણ પ્રૂનિંગનો કચરો છે એમાં ફેટ, એમાઈલોઈડ, ખરાબ પ્રોટીન ડિપોઝિટ થાય. વાસ્તવમાં બ્રેઈન બેથી પાંચ વર્ષ પછી વધતું નથી. આમ પહેલાં બે વર્ષ, બચ્ચા માટે અતિ અતિ મહત્ત્વનો સમય છે. જેમ વરસાદ પહેલાં જંગલ વેરાન લાગે અને વરસાદની સાથે જ લીલુંછમ થઈ જાય તેમ બર્થ વખતે બાળકનું બ્રેઈન વેરાન હોય પણ બધા બીજ હોય અંદર, જન્મથી બે વર્ષમાં સતત ભિન્ન ભિન્ન અનેકવિધ પ્રકારના અનુભવો આપીએ એટલે કનેક્શન બનતાં જાય. જેમ જંગલમાં વારંવાર વપરાશ હશે ત્યાં ચોમાસામાં પણ રસ્તો રહેશે. એટલે આખી જિંદગીમાં જરૂરી બધા ન્યુરોન જન્મ વખતે બની ગયા હોય. એ ન્યુરોન વચ્ચે મોટા ભાગનાં કનેક્શન અનુભવના આધારે બેથી પાંચ વર્ષમાં બની જાય અને પાંચથી ૨૫ વર્ષમાં આજુબાજુની દુનિયા પ્રમાણે જે કંઈ અનુભવ મળે એ ફાઈન ટ્યુનિંગ થાય. આ એક નોર્મલ બ્રેઈન ડેવલપમેન્ટ છે.
 
નોર્મલી છોકરું પાંચ વર્ષનું થાય એટલે તેનાં મમ્મી-પપ્પા અડોશ-પડોશને, સગા વહાલાંને, અમારા જેવા ડોક્ટરને, શિક્ષકને પૂછે કે, અમે આ બાળકને ગુજરાત બોર્ડમાં મૂકીએ કે CBSEમાં? ગુજરાતી મીડિયમમાં મૂકીએ કે ઇંગ્લિશ મીડિયમમાં? ફ્રી સ્કૂલિંગ કરે કે ડે બોર્ડિંગ ? આ બધા સવાલ સ્વાભાવિક છે, પણ બાળકના ડેવલપમેન્ટમાં ફાઈન ટ્યુનિંગ માટે બે પાંચ ટકા જ એનો રોલ છે. બાળકના બ્રેઇનનું ૯૫ ટકા ડેવલપમેન્ટ સવાલ પૂછવાનું શરુ કરીએ એ પહેલાં થઈ ગયું હોય છે. હવે બાળકના બ્રેઈનને ૧૦૦ ટકા સુધી લઈ જવાનું કામ ૫(પાંચ)થી ૧૮ વર્ષમાં થાય છે.
 
સ્ક્રીન તમારા બાળકના જીવનનો સૌથી મોટો વિલન છે
 
નોર્મલ બ્રેઈન ડેવલપમેન્ટમાં ‘સ્ક્રીન’ કઈ રીતે વિલન છે તે જાણીએ. સ્ક્રીન ટાઈમ એટલે શું? એ બધો સમય કે જે બાળક મોબાઈલ, ટીવી, આઈપેડનાં સ્ક્રીન સામે વિતાવે. અમેરિકામાં ડેટા છે કે, ૯૮ ટકા બાળકો બે વર્ષ પહેલાં મોબાઈલ વાપરવાની શરૂઆત કરી દે છે. ભારતમાં મોટેભાગે ૯૦% બાળકો બે વર્ષ પહેલાં સ્ક્રીન શરૂઆત કરે છે.
 
આપણો મૂળ મુદ્દો ચાલુ થાય છે કે મોબાઈલથી બ્રેઈન કઈ રીતે ખરાબ થાય? બ્રેઈનનાં ઈમ્પોર્ટન્ટ; ચાઈલ્ડ ડેવલપમેન્ટનાં ચાર મહત્વનાં પરિમાણો (પેરામીટર્સ)
 
એક છે બાળકની બુદ્ધિ. આપણે બધાં આપણાં બાળકોને બુદ્ધિશાળી બનાવવા માંગીએ છીએ. બીજું છે સ્પીચ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ, બોલવાની કળા વિકસે, સારી રીતે સામેવાળા સાથે વાત કરી શકે, વડીલોને માન આપે, દોસ્તો સાથે સારી રીતે રહે. ત્રીજું છે બિહેવિયર, એનું વર્તન. અને ચોથું છે એડિક્શન, બંધાણ. તો આ ચાર પોઈન્ટ પર બાળકના મગજને સ્ક્રીન કઈ રીતે ડેમેજ કરે, તે જાણીએ...
 
પહેલું બુદ્ધિ : બુદ્ધિ કુદરતે દરેક જીવમાં આપી છે. બુદ્ધિના ચાર પેરામીટર છે જે માણસને અન્ય પ્રાણીઓ કરતાં અલગ કરે છે. પહેલું છે અટેન્શન-એકાગ્રતા. આપણે કંઈ પણ ઇફેક્ટિવ કામ કરવું હોય તો અટેન્શન ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ. કોઈ ન્યુરો સર્જનને સારી સર્જરી કરવી હોય કે કોઈએ ઘરે રસોઈ બનાવવી હોય, બધું એકાગ્રતા (કોન્સન્ટ્રેશન)થી એકાગ્રતાથી કરવું પડે. એકાગ્રતા આપણું હાયર મેન્ટલ ફંક્શન છે. અમારી ભાષામાં પ્રીફ્રન્ટલ બ્રેઈનના આગળના ભાગનું ફંક્શન છે. તો આ સ્ક્રીન છે એ બાળકોની એકાગ્રતા પર બહુ ખરાબ અસર કરે. અટેન્શન સ્પાન (એકાગ્રતાનો ગાળો) બાળકોનો બહુ જ ઓછો થઈ જાય. આજકાલ કોઈએ પણ પોતાના વીડીયો માત્ર એક – બે મિનિટના જ બનાવવા પડે છે. જ્યારે ૨૦ વર્ષ પહેલાં આપણે લાંબો સમય એકાગ્રતાથી રમી શકતા, જોઈ શકતા, કામ કરી શકતા. દુનિયાનું કોઈ પણ કામ એકાગ્રતા વગર સારી રીતે થઈ શકે નહીં. આ એકાગ્રતાનો ગુણ કેળવવો હોય તો બાળકો પાસેથી મોબાઈલ લઈ લો.
 
બીજું છે ડીલેઈંગ ગ્રેટિફિકેશન : મજાને પાછી ઠેલવી. આ આપણી બુદ્ધિનું ફંક્શન છે. મજા તો આપણે બધાને કરવી હોય છે, કોઈ પણ જીવની એ મૂળભૂત પ્રકૃતિ (બેઝિક નેચર) છે. પણ મજાને આપણે પાછી ઠેલી શકીએ એ આપણું હાયર મેન્ટલ ફંક્શન છે. એક અર્થમાં એ આપણું સકસેસ પણ છે. આપણે જ્યારે નાના હતા ત્યારે મજા માટે રાહ જોવાતી, રવિવાર, વેકેશન, મામાનું ઘર, એક્ઝામ પૂરી થવી વગેરે. આજનાં છોકરાંને મજાની ઈચ્છા થાય ત્યારે મોબાઈલ લેવાનો ને વિડીયો જોવા, એક-બે-ત્રણ... સતત મજા-મજા-મજા... આ સતત મજા કરવાની જે આદત છે એ બહુ વધારે પડતી ડેન્જર છે. સતત મજા કરવાથી બ્રેઈન ડેમેજ થાય. તો મજા માપમાં અને એના સમયે હોય તો મજા. આપણને આપણા પ્રોફેશન કે ઘરકામમાં આખા દિવસમાં માત્ર એક-બે ક્ષણો (મોમેન્ટ્સ) એવી મળે કે આપણે પોકારી ઉઠીએ કે મજા આવી ગઈ! કુદરતે મજાનો સ્ટોક લિમિટમાં જ આપ્યો છે, મજા સતત આવી ન શકે. સતત મજા આવે તો બહુ બધાં દુષ્પરિણામો ભોગવવાં પડે. ‘ડીલેઈંગ ગ્રેટિફિકેશન’, જેને આ મોબાઈલ બાળકો પાસેથી છીનવી લે છે.
 
ત્રીજું છે બોર, કંટાળો : કંટાળો એ પણ આપણા બ્રેઈનનું ફંક્શન છે. આજકાલ તો ઘણા લાઈફસ્ટાઈલ કોચ કે ઇન્ટરનેશનલ બેસ્ટ બુક સેલર પણ કંટાળો કરવાનું કહે છે. જેમકે બેસી રહેવાનું. દરિયાકિનારે જઈને દરિયો જોયા કરવાનો, અગાસીમાં બેસીને આકાશ જોયા કરવાનું. સાહિત્યકારો કહે છે કે, કંટાળો સર્જનાત્મકતા (ક્રિએટિવિટી)નો જનક છે. જો સતત દુનિયામાંથી બધું બહારથી લીધા જ કરીએ, સતત એન્ગેજ રહીએ, અને એનો ક્યાં યુઝ કરવો, ક્યાં સ્ટોર કરવો, આ બધાં ફંક્શન થાય નહીં. જો પોતાની જાતને ટાઈમ ના આપીએ તો બ્રેઈનમાં સ્ટોર કર્યાનો કોઈ મતલબ રહે નહીં. જ્યારે મોબાઈલ ટીવી નહોતાં ત્યારે આપણને બોર થવાનું આવતું, અનેક કામો કરતા; એનાથી આપણું બ્રેઈન ક્રિએટિવ બન્યું. આજનાં બાળકો સતત મોબાઈલમાં રહે, બોર થાય નહીં. એથી બ્રેઈન ક્રિએટિવ થઈ શકે નહીં.
 
છેલ્લું અને ચોથું છે ‘પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ’ એટલે કે કોઠાસૂઝ : પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બુદ્ધિની સાથે સાથે બ્રેઈનને બહુ બધી એજન્સીઓ કામે લગાડવી પડે. અચાનક કોઈ પ્રોબ્લેમ આવે તો કોમ્યુનિકેશન સ્કિલ જોઈએ. કૂલ રહેવું પડે, ઈમોશનલ રેગ્યુલેશન જોઈએ, સ્પીડ જોઈએ, નોલેજ જોઈએ. જો જન્મથી અઢી વર્ષ સુધીમાં રિયલ લાઈફ એક્સપિરિયન્સથી એવરી સેકન્ડ બ્રેઈનમાં ૧૦ લાખ સંવેદનાત્મક સાતત્ય (ફિઝિકલ કનેક્શન) અને અલગ-અલગ બ્રેઈન એરિયાનું એકબીજા સાથે જોડાણ જો થયું જ નહીં હોય તો તેનો ગમે એટલો આઈક્યુ હશે પણ એને મુશ્કેલ ઉકેલ લાવતા નહીં આવડે. આપણો અનુભવ છે કે ગામડાનાં લોકોની સૂઝ વધારે હોય. દુનિયામાં, અત્યારે એક્ઝિસ્ટિંગ હાઈ રેન્ક પ્રોફેશનલ્સ જેટલા છે એ સૌની પાર્શ્વભૂમિ (બેકગ્રાઉન્ડ) ગામડામાં છે. ગામડામાં રિયલ લાઈફ એક્સપિરિયન્સના સતત અનુભવ મળતા રહે છે. જો બાળકને પહેલાં ત્રણ ચાર વર્ષમાં જુદા જુદા અનુભવો નહીં આપ્યા હોય તો બાળક હોશિયાર કે બુદ્ધિશાળી હોવા છતાં પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ નહીં હોય. બ્રેઈનમાં ગ્રે મેટર ૬ મિલીમીટર હોય. જે ટીનેજર્સ દિવસમાં ૭ કલાકથી વધારે મોબાઈલ વાપરે, એના બ્રેઈનમાં ગ્રે મેટર ૪ મિલીમીટર થઈ જાય. ૩૦% બ્રેઈન મેટર નુકસાન (લોસ) થઈ જાય. બાળક પર આનાં રિઝલ્ટ શું આવશે એ તો ૨૦૩૫માં ખબર પડશે. કારણ કે હાલ એ બાળક ૧૫ વર્ષનું છે. તો આપણી એક જનરેશન ગુમાવી દેવાની? આપણે આપણી એક જનરેશનને આ સાઈડ ઈફેક્ટથી (પરવાનગી ન આપી શકીએ) અલાઉ ન કરી શકીએ!
 
... તો પછી આનો ઉકેલ શું ?
 
આ સ્ક્રીનનો બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ વન વે કોમ્યુનિકેશન છે. એમાં કોઈ પ્રતિભાવ (ફીડબેક) નથી આપતું. ટુ વે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય ને એમાં બ્રેઈન ડેવલપ થાય.! આપણે ત્યાં કહેવામાં આવે છે ને કે બાળક પેટમાં હોય ને ત્યારથી જ તેની સાથે વાત કરતા થઈ જવાનું...
 
એક અભ્યાસ મુજબ બ્રેઈનમાં ગ્રે મેટરની સાથે વાઈટ મેટર છે. જો નાનું બાળક બે કલાક કરતા વધારે મોબાઈલ વાપરે તો એના વાઈટ મેટરની ઇન્ટીગ્રિટી ઓછી થઈ જાય એટલે કે મગજના બોલવાના ભાગની રચના બદલાઈ જાય. આખી જિંદગી એની કોમ્યુનિકેશન સ્કિલ નબળી (પુઅર) રહે. જેનો આજકાલ આપણને અનુભવ થઈ રહ્યો છે કે, ટીન એજર્સની સોશિયલ અને કોમ્યુનિકેશન સ્કિલ ઘટી રહી છે. કોમ્યુનિકેશન બોલવાથી તો બે ટકા થાય, બાકી તો બધું ઇન્ટેન્શન, આઈ કોન્ટેક્ટ, બોડી લેંગ્વેજ... એ બધા કોમ્યુનિકેશન આજના બાળકોનું કમજોર રહ્યું છે.
 
તો પછી આનો ઉકેલ શું? ત્રણ વસ્તુ કરવાની બાળક સાથે. એક તો લેટ ઇન્ટ્રોડક્શન ઓફ સ્ક્રીન. પાંચથી દસ વર્ષ સુધી બાળકોને સ્ક્રીન આપશો નહીં. મોબાઈલ જેટલો મોડો આપી શકો એટલું સારું, કંઈ નુકસાન નહીં થાય. બીજું છે હાઈ ક્વોલિટી પ્રોગ્રામ. સો ટુ વે કોમ્યુનિકેશનવાળા હાઈ ક્વોલિટી વિડીયો હોવા જોઈએ. ભારતમાં હાલમાં હાઈ ક્વોલિટી પ્રોગ્રામ પ્રોવાઈડ કરી શકીએ એમ નથી. ત્રીજું લોકો રેકમેન્ડ કરે છે કે, કો-વ્યુઈંગ, સાથે મળીને જોવાનું, બાળકની સાથે બેસવાનું, એ મોબાઈલમાં વિડીયો બતાવવાનો, પછી વિષય ચર્ચા (ડિસ્કસ) કરવાનો, એમાં શું મેસેજ છે કહેવાનો. જે પણ હાલમાં વ્યવસ્થા (મેનેજ) કરી શકીએ એમ નથી. અમે ઇન્ડિયન પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટ, જે એમ કહીએ છીએ કે ૫ વર્ષ સુધી ભારતમાં છોકરાને બિલકુલ મોબાઈલ આપવાનો નહીં.
 
સૌથી ભયાવહ વાત હવે આવે છે, પહેલા પાંચ વર્ષ સુધી બ્રેઈનમાં અસરો આગળ કહી દીધી છે કે, કોમ્યુનિકેશન પુઅર થાય અને બુદ્ધિ ઓછી થાય.. હવે પછીનાં જે બે ફંક્શન છે એ છે - વર્તણૂક અને લત (બિહેવિયર અને એડિક્શન) આપણને બધાંને કમ્પ્લેન છે કે, આજકાલ આપણાં બાળકો ઓવરઓલ થોડાં ચીડિયાં થઈ ગયાં છે, મસ્તી વધારે કરે છે, કોઈનું માનતાં નથી, સ્કૂલમાં ધ્યાન નથી આપતાં. ADHD - અટેન્શન ડેફિસિટ હાઈપર એક્ટિવિટી ડિસઓર્ડર નામની એક બીમારી છે. તેનું ઓવરઓલ સ્ક્રીન ટાઈમ સાથે સીધેસીધું રિલેશન છે. જેનો સ્ક્રીન ટાઈમ વધારે એને ADHDનાં લક્ષણો (સિમ્પટમ) વધારે. મારામારીવાળા, ભાગદોડવાળા વિડીયો જોવા, કાર ફાસ્ટ જતી હોય ને એકબીજાને બંદૂકથી મારતા હોય એવી વિડીયો ગેમ રમતા હોય, આ બધું બાળકો વધારે કરે તો એ વધારે પડતાં ચંચળ બને, અસામાજિક કામો કરવા માટે ભવિષ્યમાં પ્રેરાય, મોટા થઈને અસામાજિક પ્રવૃત્તિઓ (એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ) કરે. આપણે સાંભળીએ છીએ કે યુએસમાં ૧૨ વર્ષના છોકરાએ સ્કૂલમાં જઈને ઘણાંને ગોળીઓ મારી દીધી. જે આવતા બે પાંચ વર્ષમાં આપણા દેશમાં પણ ચાલુ થવાનું છે. આ એક્સટ્રીમ્સ ઓફ બિહેવિયરઓ સમાજથી વિમુખતા તરફ બાળકને દોરી જાય છે.
 
છેલ્લું છે : એડિક્શન. એડિક્શન બહુ ડેન્જર વસ્તુ છે. હું પણ સ્વીકારું છું કે, મને પણ એડિક્શન છે. પાંચ વર્ષથી હું કોન્શિયસલી ટ્રાય કરું છું તો પણ હું વોટ્સએપ વગેરેમાં એક કલાકથી અડધો કલાક પર આવી શક્યો નથી.
 
એડિક્શન કેવી રીતે થાય? તો એનું થોડું સાયન્સ સમજવું પડશે. આપણને જ્યારે કોઈ પણ મજા આવે ત્યારે બ્રેઈનમાં ડોપામિન નામનું એક કેમિકલ રિલીઝ થાય. સ્કીન વગરની દુનિયામાં બાળકને રમાડ્યું, ઉછાળ્યું, કંઈક ગમતું ખાવા મળ્યું, મસ્તી કરી, રમતમાં જીત્યું, હીંચકા ખવડાવ્યા આમ કુલ મળીને ત્રણ કલાકમાં ત્રણ-ચાર વાર ખૂબ મજા આવી એટલે એટલી વાર બ્રેઈનમાં ડોપામિન રિલીઝ થયું. આ આપણી ૨૦ વર્ષ પહેલાંની નોર્મલ લાઈફ હતી.
 
જેનું છોકરું એક મિનિટનો વિડીયો જોશે એમાં ત્રણ વાર મજા મળશે, ત્રણ વાર ડોપામિન રિલીઝ થશે. બાળકમાં જે મજા લાવવા મને અને તમને પરસેવો પડી જાય તો પણ ત્રણ વાર મજા આવતાં ત્રણ કલાક થઈ જાય, એટલે કે તમે ત્રણ વાર ડોપામિનના શોટ આપી શકો, પરંતુ પેલો વિડીયો બાળકને આ ડોપામિનના શોટ માત્ર એક જ મિનિટમાં આપી દે છે. પ્રથમ તો ફાયદાનો સોદો લાગે કે, એક મિનિટમાં મજા મળતી હોય તો ત્રણ કલાક ક્યાં બગાડવા? પણ કુદરતે બધું માપમાં આપ્યું છે. આ ડોપામિન જે બ્રેઈનમાં કામ કરે, એના રિસેપ્ટર કુદરતે મર્યાદિત જ આપ્યા હોય. જો છોકરો અડધો કલાક વિડીયો જોશે અને સો વાર મજા આવી. તો બ્રેઈનમાં સો ડોપામિન રિલીઝ થયા જે એની સર્વસામાન્ય લિમિટથી વધુ હોવાથી કામ કરવા માટે નવા રિસેપ્ટર બનાવશે. ૧૦૦ રિસેપ્ટર બ્રેઈનમાં બની જશે પણ ખરો લોચો થવાનું હવે ચાલુ થાય છે. હવે પછી એ છોકરાને મજા જોઈતી હોય ને તો ૧૦૦ વાર ડોપામિન રિલીઝ કરવું પડે. તો એ છોકરું વધારે વિડીયો ગેમ રમશે. દિવસમાં સાત સાત કલાક રમશે તો મજા આવશે. એક સમય માની લઈએ કે ૧૧ વર્ષે એવો સમય આવશે કે વિડીયો ગેમમાંથી મજા આવતી બંધ થઈ જશે, એનું સેચ્યુરેશન આવી ગયું હશે. એટલે પછી એ પોર્નોગ્રાફી ચાલુ કરશે. પછી બે ત્રણ વર્ષ એમાં મજા લેશે, બે ત્રણ વર્ષે એ મજા પતી જાય ત્યારબાદ ૧૪ વર્ષે એ જુગાર (ગેમ્બલિંગ) શરૂ કરશે. ગેમ્બલિંગમાં મજા કરતાં એ ડોપામિન પૂરા નહીં થાય. ૧૫-૧૬ વર્ષે ગેમ્બલિંગ પણ કામ નહીં આવે. પછી ડ્રગ્સ ચાલુ કરશે. ૧૬-૧૭ વર્ષે ડ્રગ્સથી એ સમાન (સેમ) ડોપામિન રિલીઝ થશે, પરંતુ ૧૭-૧૮ વર્ષે ડ્રગ્સ પણ મજા આપતું બંધ થઈ જશે. પછી ૧૭ વર્ષે ડિપ્રેશનમાં આવશે, પછી આત્મહત્યા કરશે, મરી જશે. આ ૧૦૦% સાયન્સ છે. આ કોઈ સનસનાટી ઉત્પન્ન (સેન્સેશનલ ક્રિએટ) કરવા માટેની માત્ર વાત નથી. તો આ ડિપ્રેશન પાછળનું કારણ છે તમે પોતું કરતી વખતે અડધો કલાક મોબાઈલ આપ્યો હતો ને, એટલે આ છોકરો ડિપ્રેસ થયો. આને બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. આ એડિક્શન થયા પછી તેમાંથી બહાર નીકળવું અસંભવ (ઇમ્પોસિબલ) છે.
 
સ્ક્રીન તમારા બાળકના જીવનનો સૌથી મોટો વિલન છે
 
લેખના અંતમાં સારી વાત કરીએ. જ્યારે આપણે આપણા નાના બાળક સાથે રમીએ, મસ્તી કરીએ તો એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં આવીએ છીએ. એક બીજાને ટચ કરીએ છીએ, વહાલ આવી જાય તો એક વાર પપ્પી કરી લઈએ છીએ. આ બધું કરીએ ત્યારે એ પ્રક્રિયા થકી બોડીમાં ઓક્સિટોસિન રિલીઝ થાય. અને ઓક્સિટોસિન એ હેપીનેસ આપે. મોબાઈલમાંથી બહુ ઉપરછલ્લી ટેમ્પરરી મજા મળે છે, જેમાં ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે હેપીનેસ આંતરિક (ઈન્ટરનલ) લાંબાગાળાની (લોંગ લાસ્ટિંગ) છે. તો જ્યારે તમે ફિઝિકલ ટચ કરો છો બાળકને ત્યારે તમે ઓક્સિટોસિન રિલીઝ કરો છો. રિયલ સેન્સમાં હેપીનેસ આપો છો. બહેનોને ખબર હશે કે, નોર્મલ ડિલિવરી વખતે છેલ્લી પ્રોસેસ તરીકે બચ્ચાને બહાર કાઢવાની, એકદમ ફૂલ જોર કરવાનું હોય, એકદમ જોર આવે, અને અંતે બચ્ચાનું મોઢું બહાર આવી જાય. એ જે ટાઈમ હોય ત્યારે આખા જિંદગીનું સૌથી મેક્સિમમ ઓક્સિટોસિન માતાના (મધરના) બોડીમાં હોય છે. આ કુદરત કેમ આપે છે? આટલી મુશ્કેલ યાત્રાને આનંદપૂર્ણ બનાવવા માટે. જેવું બચ્ચું બહાર આવે દુનિયાનો સૌથી મોટો આનંદ ‘મા’ને મળી જાય.. તો રિયલ લાઈફમાં જે ફિઝિકલ કોન્ટેક્ટ બાળક સાથે કરીએ તે ઓક્સિટોસિન રિલીઝ કરે. એ બાળકને રિયલ સેન્સમાં ખુશી (હેપીનેસ) આપે.
આ લેખનો સાર .. પહેલા પાંચ વર્ષ મોબાઈલ આપવાનો જ નહીં. ગમે તે થઈ જાય, દુનિયા ઊંધી પડી જાય. પહેલાં ૫ વર્ષ બાળકને મોબાઈલ આપવાનો નહીં. જો આપ્યો તો તમે બાળકને ડ્રગ્સ કે દારૂ પીવડાવવા કરતાં મોટો ગુનો કરી રહ્યાં છો. આ ૧૦૦% જવાબદારી સાથે લખું છું. ડ્રગ્સ, સિગારેટ કે દારૂથી વધારે ડેન્જરસ છે મોબાઈલ. પાંચથી ૧૨ વર્ષમાં એક દિવસમાં મહત્તમ ૧ કલાક (વન અવર) અને ૧૨થી ૧૮ વર્ષમાં વધુમાં વધુ દિવસના બે કલાક. આનાથી વધારે વાપર્યો ને એટલે બાળકનું બ્રેઈન ગયું સમજી લેજો. ૨૦ વર્ષ પહેલાં બધી ‘મા’ઓ એ મોટા કર્યાં બચ્ચાંઓને? હ્યુમન રેસ ૨૦ લાખ વર્ષથી પૃથ્વી પર છે. આપણાં બ્રેઈન મોબાઈલ વગર જ ડેવલપ થયાં છે ને!
 
પહેલા પાંચ વર્ષ બાળકને ભણવાનું ના હોય. બાળકને સેન્સરી એક્સપિરિયન્સ આપવાના હોય. માટીમાં રમવા દેવાનું હોય, વાર્તા કહેવાની હોય, ગીતો ગવડાવવાનાં હોય, બધું જોવા દેવાનું હોય, બતાવવાનું હોય, ટચ કરાવવાનું હોય, સંભળાવવાનું હોય, ટેસ્ટ આપવાના હોય, ફૂલો સૂંઘડાવવાનાં હોય, બગીચામાં પતંગિયા દેખાડવાનાં હોય, આ બધું કરવાનું હોય. રિયલ લાઈફ એક્સપિરિયન્સ આપો. ત્રણ વસ્તુ કરીએ તો બાળકનું બ્રેઈન સરસ ડેવલપમેન્ટ થાય, પહેલાં પાંચ વર્ષમાં ! આમાં એક છે સ્લીપ (ઊંઘ). બીજું સનલાઈટ અને સ્પોર્ટ્સ. ત્રીજું સ્ટોરીઝ. તડકામાં રમવા દો, ખુલ્લામાં રમવા દો. પહેલા પાંચ વર્ષ બાળકને ફ્રીલાન્સિંગ તડકામાં રમવા દો. સૂર્યપ્રકાશના બહુ ફાયદા છે. જે કન્ટ્રીમાં સૂર્યપ્રકાશ નથી આવતો ત્યાં મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સનું પ્રમાણ વધું હોય છે. વિટામિન ડી સિવાય પણ સૂર્ય પ્રકાશનો બ્રેઈન ડેવલપમેન્ટમાં મોટો રોલ છે. બાળકને વાર્તાઓ અવશ્ય કહેવાની. વાર્તાના ઘણા ફાયદા છે, રોજ બાળકને ઓછામાં ઓછી એક વાર્તા કહેવી. આમ આપણી પરંપરાગત ભારતીય જીવનશૈલી મુજબ બાળકનો ઉછેર કરીશું તો બાળકના મગજનો અભૂતપૂર્વ વિકાસ થશે અને તે રાષ્ટ્રના એક ચેતનવંતા યુવાન તરીકે ઊભરી આવશે.
 
ઈન્ડોનેશિયામાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
 
૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદીને ઈન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયાનો આવો નિર્ણય લેનાર પ્રથમ દેશ બની ગયો છે. ઇન્ડોનેશિયાના સંચાર મંત્રી મેઉત્યા હાફિદે એક પ્રેસ કોન્ફરન્સમાં તમામ ટેક કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, નિયમોના પાલન બાબતે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે અગાઉ ઓસ્ટ્રેલિયા પણ બાળકો માટે આ પ્રકારનો કાયદો લાગુ કરી ચૂક્યુ છે. ઓસ્ટ્રિયા પણ આ પ્રકારનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે, ઈન્ડોનેશિયાના આ કડક વલણે હવે ભારત સહિત વિશ્વના અન્ય દેશો માટે પણ એક મજબૂત માર્ગદર્શક ઉદાહરણ પૂરું પાડયું છે.
 
 
- ડૉ. રીતેશ શાહ
 
 
સાંભળો આ લેખને...