રાષ્ટ્રીય સેવા ભારતીના સંયુક્ત મહામંત્રી વિજયજી પુરાણિકનો સાક્ષાત્કાર | ‘સેવા’ છે...ભારતીય સમાજનો સ્વાભાવિક સ્વભાવ - વિજયજી પુરાણિક

સંઘના પ્રચારક તરીકેના પોતાના બહોળા અનુભવ અને સમાજમાં આવેલાં વાસ્તવિક પરિવર્તનનાં ઉદાહરણો દ્વારા તેઓ સેવાનો મહિમા સમજાવે છે.

    ૧૧-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

rashtriya-sewa-bharati-vijay-puranik-
 
 
 

શ્રી વિજયજી રાષ્ટ્રીય સેવા ભારતીના સંયુક્ત મહામંત્રી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે અને સંઘમાં પ્રાંત પ્રચારક તેમજ ક્ષેત્ર પ્રચારક જેવાં વિવિધ દાયિત્વોનું તેમણે નિર્વહન કર્યું છે. તેઓશ્રી સાથેનો સાક્ષાત્કાર સેવાની એક નવી અને વ્યાપક પરિભાષા સ્પષ્ટ કરે છે. સંઘના પ્રચારક તરીકેના પોતાના બહોળા અનુભવ અને સમાજમાં આવેલાં વાસ્તવિક પરિવર્તનનાં ઉદાહરણો દ્વારા તેઓ સેવાનો મહિમા સમજાવે છે. આવો.. સેવાકાર્ય અંતર્ગત રાષ્ટ્રીય સેવા ભારતીના ક્રિયાલાપો અને વિજયજીના વિચારો જાણીએ.
 
 
સેવા સમાજના મૂળમાં છે. આપ આને કેવી રીતે મૂલવો છો?
 
એક તો કોઈ પણ ઘટના પ્રસંગમાં સામાન્ય વ્યક્તિ તરત જે પ્રતિક્રિયા આપે છે, તેને આપણે સેવા કહી શકીએ છીએ. કોઈ અકસ્માતના સમયે તરત દોડી જવું અને સહાયતા કરવી, આ સેવાનું એક સ્વાભાવિક સ્વરૂપ છે. અને ભારતીય સમાજની જે વિશેષતા છે, તેમાં સેવા એ ભારતીય સમાજનો એક સ્વાભાવિક સ્વભાવ છે. આજનો નહીં, આ વર્ષોથી ચાલ્યો આવતો આપણો સ્વભાવ છે. કોઈપણ ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને પાણી આપવું, શિક્ષણ લેવા માટે સક્ષમ નથી તેવા લોકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી, આવાં હજારો ઉદાહરણો આપણા ઇતિહાસમાં પણ છે અને વર્તમાનમાં પણ છે.
 
આજે દરેક લોકોને કંઈક ને કંઈક સેવા કરવી છે, પરંતુ સામાન્ય નાગરિક પાસે પ્લેટફોર્મ નથી. આ અંગે શું થઈ શકે?
જો સ્વામી વિવેકાનંદજીની વ્યાખ્યામાં જ કહેવું હોય તો, રસ્તા પર આવનાર એક કંટક, જે બીજા આવનારા પથિક માટે અવરોધ બની શકે છે, તે કંટક પણ ઉપાડવો, તે કાંટો પણ ઉપાડવો એ એક પ્રકારની સેવા જ છે. આવાં નાનાં કામોથી લઈને મોટાં કામો સુધી, એવું કોઈપણ કાર્ય વ્યક્તિ અંગત સ્તરે પોતાના વિસ્તારની સમસ્યા ધ્યાનમાં લઈને કરી શકે છે. આવાં કાર્ય કરનારા અનેક મહાપુરુષો પણ થઈ ગયા અને સામાન્ય જન પણ આપણા દેશમાં પૂરતી માત્રામાં આજે પણ ઉપલબ્ધ છે.
 
સેવાનાં વિવિધ સ્વરૂપોને આપ કેવી રીતે જુઓ છો?
 
સામાન્ય રીતે સેવાનો અર્થ લોકોના ધ્યાનમાં આવે છે કે, કરુણાભાવથી તેની સંવેદનાઓને સમજીને તેના માટે કંઈક ને કંઈક કરવું. તેના પણ બે પ્રકાર હોઈ શકે છે.
 
૧. એક છે જીવનરક્ષણની સેવા. જે સામાન્ય રીતે લોકો જલદી સમજી જાય છે. અન્ન આપવું, વસ્ત્ર આપવાં, દવા આપવી, આ બધું જીવનરક્ષણની સેવામાં આવે છે. આપત્તિઓના સમયે તો જીવનરક્ષણની સેવા કરવી જ પડે છે.
 
૨. પરંતુ તેનાથી પણ વધુ આવશ્યક છે તે છે જીવનનિર્માણની સેવા, જેના કારણે વંચિત વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક સંસ્કાર લઈને, કંઈક વિચાર લઈને આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધે. આજે સ્વાભાવિક રીતે વંચિતોના જીવનમાં જે સુવિધાઓ, જે વ્યવસ્થાઓ જરૂરી છે, તે વ્યવસ્થાઓ આજે તેની પાસે નથી. શિક્ષણ નથી, રોજગાર નથી, સંસ્કારોનો અભાવ છે, સામાન્ય સુવિધાઓનો પણ અભાવ છે, તે વર્ગ આત્મનિર્ભર બને તે જરૂરી છે. તે આત્મનિર્ભર બને તેવું તેનું જીવન બને તે આપણા દેશ માટે અને આપણા સમાજ માટે સૌથી અગત્યનું કાર્ય છે.
 
સામાન્ય રીતે સેવાની આ પદ્ધતિમાં જવું એ વધુ પરિણામકારી અને વધુ ઉપયોગી થશે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘કોઈની આજની ભૂખ મિટાવવી હોય તો તેને માછલી ખાવા માટે આપો.’ પરંતુ જો તેની હંમેશની ભૂખ મિટાવવી હોય તો ‘તેને માછલી પકડતાં શીખવો.’ આ માછલી પકડતાં શીખવવું એટલે કે આત્મનિર્ભર થતાં શીખવાડવું, તેની એ આવડત (સ્કિલ) તેને પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરવો, આવા પ્રયાસ આજની તારીખમાં વધુ જરૂરી લાગે છે.
 
સમાજ એક બને તે માટે સેવાકાર્યની કોઈ ભૂમિકા ખરી?
 
સમરસતા વિનાનો સમાજ એ આપણા દેશના અનેક પડકારોમાંનો એક મોટો પડકાર છે. સામાજિક વિષમતાના કારણે સમાજમાં પરસ્પર અંતર વધ્યું છે, તે અંતરને દૂર કરવા માટે ‘સેવા’ એક ઘણું સારું માધ્યમ છે અને તેના આધારે સમરસતા નિર્માણ થાય છે, એવો અનુભવ પણ અનેક ઉદાહરણો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જેમ કે મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગર છે, ત્યાં ડૉ. હેડગેવાર રુગ્ણાલય’ નામની એક હોસ્પિટલ સંઘના સ્વયંસેવકો દ્વારા શરૂ કરવામાં આવી. તે હૉસ્પિટલનું બીજું ચરણ તેમણે તરત જ શરૂ કર્યું કે, આ સંભાજીનગર શહેરની ઝૂંપડપટ્ટીઓમાં, જ્યાં વિષમતાનું ઘણું મોટું દૂષણ દેખાઈ રહ્યું હતું, એવી વસ્તીઓમાં આજે હજારો તરુણો, ત્યાંનાં સેવાકાર્યો દ્વારા જે વિવિધ પ્રકારના સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણના પ્રકલ્પો તથા તબીબી પ્રકલ્પો ચલાવે છે, જેના કારણે ત્યાં હજારો તરુણો અને બહેનો ત્યાંથી આત્મનિર્ભર થયાં છે. આત્મનિર્ભર થતાંની સાથે જ તેઓ સૌ સમાજની એકાત્મકતા માટે, સમાજની એકરસતા માટે કાર્ય કરનાર કાર્યકર્તા તરીકે પણ તૈયાર થયા. છત્રપતિ સંભાજીનગરનું ઉદાહરણ એ માત્ર એક ઉદાહરણ છે, સમગ્ર દેશમાં આવાં હજારો ઉદાહરણો આપણી સામે છે.
 
સેવામાં માતૃશક્તિનું શું યોગદાન છે?
 
મૂળભૂત રીતે ભારતીય સ્ત્રીનો, મહિલાનો સ્વભાવ જ એવો છે કે જેની અંદર સેવાનો ભાવ સ્વાભાવિક રીતે જ ઈશ્વરે પરોવ્યો છે. અને તે પરોવ્યો હોવાના કારણે સૌ લોકોનાં ઘર પણ બરાબર ચાલે છે. તે માતૃશક્તિ આપણાં ઘરોમાં જે કાર્ય કરે છે, ઘર માટે જે સેવાનો ભાવ લઈને ચાલે છે, તેના કારણે ઘર બરાબર ચાલી રહ્યું છે. આ જે તેનો સ્વાભાવિક ઈશ્વરદત્ત સ્વભાવ છે, તે ઈશ્વરદત્ત સ્વભાવને સમાજના કાર્ય માટે લગાવવો એ આજે એક બહુ મોટી જરૂરિયાત છે. અનુભવ એવો છે કે, માતૃશક્તિની સક્રિયતા, માતૃશક્તિનો સહભાગ સેવાકાર્યોમાં આવવાના કારણે સેવાકાર્યોની ગુણવત્તા અને પરિણામકારકતા પણ ઘણી સારી માત્રામાં વધી છે. સામાન્ય રીતે એવા જે ‘સેવિત જન’ જેને આપણે સરળ ભાષામાં ‘લાભાર્થી’ કહીએ છીએ, બેનેફિશિયરીઝ કહીએ છીએ, એ મુખ્યત્વે ઝૂંપડપટ્ટીમાં રહેનાર વંચિત વર્ગ, વિચરતી જાતિ કે જનજાતિય સમાજનો વર્ગ છે. તેમાં સૌથી વધુ સમસ્યાગ્રસ્ત બહેનો છે. સમસ્યાઓનો ઉત્તર આપવામાં, ઘર ચલાવવામાં અને સમાજની કુલ મળીને સમાજ વ્યવસ્થા ઠીક રહે, તેમાં બહેનોની ભૂમિકા ઘણી મહત્વની રહે છે. આવી બહેનો સાથે સ્વાભાવિક સંવાદ અને સંપર્ક કરવો હશે તો સેવા કાર્યકર્તા તરીકે બહેનોનું કામ વધુ પરિણામકારી રહેશે. બહેનો દ્વારા થયેલો સંવાદ વધુ પરિણામકારક રહે છે, એવો અનુભવ છે.
 
આજના સમયમાં કિશોરાવસ્થાની દીકરીઓ સામે અનેક પડકારો છે, આધુનિક પ્રસાર માધ્યમોના કારણે આ કિશોર વયની બાળકીઓના માનસમાં જે પ્રકારના વિચાર વમળો નિર્માણ થાય છે, જે ભાવ-ભાવનાઓ પ્રકટ થાય છે, તેને સંબોધવા (એડ્રેસ કરવા) માટે, પરિસ્થિતિ સમજીને તે બાળકીઓને સાચી દિશામાં લઈ જવા માટે તેમના આખા વ્યક્તિત્વનો વિકાસ કરવો, એ પણ બહેનો વગર અશક્ય છે. તો આવાં અનેક કામો, (જેમ કે કાઉન્સેલિંગનું ક્ષેત્ર) જેમાં કોઈપણ પુરુષ કાર્યકર્તા કરતાં બહેનો વધુ પરિણામકારી કાર્ય કરી શકે છે. આવી બહેનોની સંખ્યા, મહિલાઓની સંખ્યા સેવાક્ષેત્રમાં વધવી ખૂબ જ જરૂરી છે. એવા અનુભવો પણ છે કે, આવા ક્ષેત્રમાં બહેનોનું પ્રમાણ આ સેવા ક્ષેત્રમાં વધી પણ રહ્યું છે.
 
‘સેવા ભારતી’ની જરૂરિયાત કેમ ઊભી થઈ?
 
સંઘનો જન્મ જ એક દૃષ્ટિએ સેવાના વિષયોને લઈને થયો છે. એટલે કે સંઘ શરૂ થયા પહેલા પૂજનીય ડો. હેડગેવારજીના જીવનમાં પણ એવા બે-ત્રણ પ્રસંગો છે કે જેમાં તેમનો સેવાનો ભાવ ધ્યાનમાં આવે છે. જ્યારે તેઓ કોલકાતામાં મેડિકલના અભ્યાસ માટે હતા, તે સમયે દામોદર નદીમાં આવેલા પૂર વખતે જે પ્રકારનું કાર્ય તેમણે કર્યું હતું, તે આજે પણ દરેક સ્વયંસેવકો અને સમાજ સામે એક આદર્શ ઉદાહરણ છે.
 
નાગપુરમાં એક અનાથાશ્રમ હતો, તે અનાથાશ્રમના ડો. હેડગેવારજી ટ્રસ્ટી હતા. તેમણે પોતાની ડાયરીમાં લખ્યું છે કે, ‘આ સમાજનો એક પણ વ્યક્તિ અનાથ ન રહે, એવો ઉદ્દેશ્ય આપણા અનાથાશ્રમનો રહેવો જોઈએ’. તો આવી એક વ્યાપક વિચારધારાવાળા પૂજનીય ડોક્ટરજી હતા. સંઘની સ્થાપના પછી તરત જ ૧૯૨૭-૨૮ દરમિયાન રામટેકન રામનવમી ઉત્સવમાં યાત્રા વ્યવસ્થાપન માટે સ્વયંસેવકોનો એક સમૂહ લઈને ડોક્ટરજી સ્વયં ત્યાં ગયા હતા. આવાં અનેક ઉદાહરણો સંઘના કાર્યકર્તાઓ, સંઘના સ્વયંસેવકોના ધ્યાનમાં આવે છે.
 
જ્યારે પણ એક રચનાત્મક, સુવ્યવસ્થિત પદ્ધતિથી રચના વિકસિત કરવી હોય તો તેના માટે કોઈ ને કોઈ સામાજિક સંસ્થાની જરૂરિયાત પડશે. એટલા માટે અનેક પ્રકારના કાયદાકીય વિષયો છે, સમાજના સહયોગના અને સમાજની સહભાગિતાના વિષયો છે, બહેનોની સહભાગિતાના વિષય છે. આ બધા વિષયોને જો વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લઈને આગળ વધવું હોય તો સેવાકાર્યોનું પ્રત્યક્ષ અમલીકરણ કરવા માટે, એક્ઝિક્યુશન કરવા માટે કોઈ ને કોઈ સેવા સંસ્થાની જરૂરિયાત અનુભવાય છે.
ઉપરોક્ત દૃષ્ટિએ અનેક સંસ્થાઓ સંઘના સ્વયંસેવકોએ શરૂ કરી. તે બધી સંસ્થાઓ મળી એક અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન શરૂ થયું. એક નામના મળી જેને આપણે બ્રાન્ડ નેમ કહી શકીએ, આવું બ્રાન્ડ નેમ એટલે ‘સેવા ભારતી’. લગભગ આવી હજાર જેટલી સંસ્થાઓ આખા દેશમાં સંઘના સ્વયંસેવકો દ્વારા અથવા સંઘહિતૈષીઓ દ્વારા ચાલે છે, જે સમાજ જાગરણમાં, સમાજ સંગઠનમાં અને સમાજની સેવામાં લાગેલી છે.
 
આપત્તિ વ્યવસ્થાપનમાં, એટલે કે કુદરતી આપત્તિઓ સમયે સેવા ભારતીની શું ભૂમિકા રહે છે?
 
આજે દેશની સ્વતંત્રતા પછી એવી એક પણ આપત્તિ નથી કે જેમાં સંઘના સ્વયંસેવકો દોડી ગયા ન હોય. એકદમ નજીકના ભૂતકાળમાં જોવામાં આવે તો વાયનાડ છે. વાયનાડની આપત્તિઓમાં સૌથી પહેલાં દોડીને જનારા સંઘના સ્વયંસેવકો હતા, સેવા ભારતીના નેજા હેઠળ, સેવા ભારતીના નામે તેમણે કાર્ય શરૂ કર્યું. બે સ્વયંસેવકોનું તેમાં બલિદાન પણ થયું.
ગુજરાતનું ઉદાહરણ આપણી સમક્ષ છે. મોરબીનું પૂર હોય કે મોરબીના પુલ તૂટવાની ઘટના હોય કે કચ્છનો ભૂકંપ હોય, આ તમામ સ્થળોએ સંઘના સ્વયંસેવકો સૌથી પહેલાં દોડીને પહોંચ્યા હતા. આ અંગે રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા ‘આપત્તિ વ્યવસ્થાપન’ વિષય પર એક ખૂબ સારું પુસ્તક પણ પ્રકાશિત થયું છે.
 
આપત્તિઓ સમયે કરવાનાં કામ છે, તેની પહેલાં પણ કરવાનાં કેટલાક કામ હોય છે- ‘પૂર્વ તૈયારી’નાં. એટલે કે કુલ મળીને સમાજની સદૈવ સજ્જતા, સમાજની કાયમી પૂર્વતૈયારી જેટલી સારી હશે એટલું નુકસાન ઓછું થશે. કુલ મળીને આજના પર્યાવરણ અને જળવાયુના જે પડકારો છે, જે પ્રકારે વાતાવરણ બદલાઈ રહ્યું છે, તે વાતાવરણમાં સામાન્ય રીતે અત્યારે લાગે તો એવું છે કે, આપત્તિઓ તો આવશે જ. પરંતુ આપત્તિ આવ્યા પછી નુકસાન ઓછું થાય, તે દૃષ્ટિએ સમાજમાં જાગરણ, સમાજમાં પ્રશિક્ષણ આ વિષયને લઈને અત્યારે ઠેર-ઠેર સેવા ભારતીના કાર્યકર્તાઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના પ્રશિક્ષણ વર્ગ છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી શરૂ થયા છે.
 
કેટલાક પ્રાંતોમાં તો તેમાં ઘણું સારું નેતૃત્વ લીધું છે, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કેરળ છે, કર્ણાટક છે. આ પ્રાંતોએ આ આપત્તિ વ્યવસ્થાપનના વિષયને લઈને એક ઘણું જ પરિણામકારી કાર્ય ઊભું કર્યું છે. પ્રશિક્ષણના વિષયો થયા પછી જે કાર્યકર્તાઓ દ્વારા ફીડબેક મળી રહ્યા છે. આ ફીડબેકમાં એવું ધ્યાનમાં આવી રહ્યું છે કે, પ્રશિક્ષણના કારણે તે આપત્તિઓ દરમિયાન ત્યાંનું નુકસાન ઘટાડવા માટે કાર્યકર્તાઓની સક્રિયતા ઘણી પરિણામકારી રહી. આવું એક નવું ચરણ છે. ‘આપત્તિ વ્યવસ્થાપન’ રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા આ પ્રાંતોમાં આ મુદ્દે પ્રશિક્ષણ શરૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
 
શું છે સેવા ભારતીની કાર્ય પદ્ધતિ?
 
સંઘ અને સેવા ભારતીનું નેટવર્ક આખા દેશમાં છે. આજે કોઈ પણ ખંડમાં, કોઈ પણ તાલુકામાં એવી સ્થિતિ નથી કે જ્યાં સંઘનો કોઈ કાર્યકર્તા કે સેવા ભારતીનો કાર્યકર્તા ત્યાં ન હોય, જેના કારણે સ્વાભાવિક રીતે કોઈ પણ આપત્તિ આવે તો તરત જ સમાચાર આવી જાય છે, આ પહેલો નેટવર્કિંગનો સૌથી મોટો લાભ છે.
 
જે પ્રકારના સંસ્કાર, જે પ્રકારનું શિક્ષણ વિવિધ પ્રશિક્ષણ વર્ગો, કાર્યક્રમો, નિત્ય શાખા દ્વારા કાર્યકર્તાઓને આપવામાં આવે છે, તેના કારણે તરત જ પ્રતિક્રિયા આપવી, સમાજની સહાયતા માટે તરત જ દોડી જવું, એ સંઘના કાર્યકર્તાઓ અને સેવા ભારતીના કાર્યકર્તાઓનો સ્વાભાવિક સ્વભાવ બની ગયો છે. તેના કારણે તેઓ તરત જ ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ (પ્રથમ પ્રતિસાદી) તરીકે તરત દોડી જાય છે. જ્યારે આ પહેલું પગલું લેવાય છે, ત્યારે તે જિલ્લાના, પછી તે પ્રાંતના અને જેવી જરૂરિયાત હોય તે મુજબ સમગ્ર દેશની સહાયતાની એક વ્યવસ્થા ત્યાં જોડી દેવામાં આવે છે.
 
જેમ કે લાતૂરના ભૂકંપ બાદ સૌથી પહેલા લાતૂરના સંઘના કાર્યકર્તાઓ, જે બે જિલ્લાઓ અસરગ્રસ્ત હતા તે લાતૂર અને તેની પાસેના ધારાશિવ જિલ્લાના કાર્યકર્તાઓ તરત જ પોતાની જેટલી શક્તિ હતી તેના આધારે તાત્કાલિક કામમાં લાગી ગયા. તેઓ કામમાં લાગ્યા બાદ જે સહાયતાની જરૂર હતી, તે મહારાષ્ટ્રના કાર્યકર્તાઓએ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો અને સામાન્ય રીતે આઠેક દિવસ પછી આખો દેશ તેની સાથે જોડાઈ ગયો.
 
લાતૂરનો અનુભવ પણ આ જ છે, આપણા કચ્છનો અનુભવ પણ આ જ છે, ઉત્તરકાશીમાં જે લેન્ડસ્લાઈડિંગ થયું હતું તેમાં પણ અનુભવ આ જ છે અને વાયનાડનો પણ આ જ છે. વાયનાડનું તો પુનર્વસનનું કાર્ય હજુ પણ ચાલી જરહ્યું છે. વાયનાડના પુનર્વસનના કાર્યમાં કે તમિલનાડુની સુનામીમાં આ જ પદ્ધતિના આધારે કાર્યકર્તાઓ કાર્ય કરે છે.
 
અત્યાર સુધી ટેકનિકલ પ્રશિક્ષણ કાર્યકર્તાઓ પાસે નહોતું, પરંતુ અત્યારે કાર્યકર્તાઓ સારી રીતે પ્રશિક્ષિત થઈને જાય તેવો પ્રયાસ ચાલી રહ્યો છે.
 
સંઘકાર્યએ પોતાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં છે, આ સંદર્ભમાં સેવા ભારતીની કોઈ યોજના છે?
 
સેવા ભારતીની અલગથી એવી કોઈ બહુ મોટી યોજના નથી. મુખ્ય એક યોજના છે કે શહેરી વિસ્તારોમા અને જે મોટાં ગામો છે, એવા પાંચ-છ હજારથી વધુ વસ્તી ધરાવતાં ગામોમાં વંચિત, ઉપેક્ષિત, પીડિત એવા વર્ગ માટે સેવાકાર્ય શરૂ કરવું. અને તે દિશામાં શહેરી વિસ્તારોમાં તો એક સારી પહેલ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં સેવા ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થઈ છે અને સારા પ્રમાણમાં સેવાકાર્યોમાં વૃદ્ધિ થઈ છે. રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા ચાલતાં ૫૫,૦૦૦ની આસપાસ સેવાકાર્યો આજે આખા દેશમાં ચાલે છે. સંઘનો વિચાર લઈને ચાલતાં વિવિધ ઉદા. વનવાસી કલ્યાણ આશ્રમ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, આ બધાંનાં મળીને જે સેવાકાર્યોની સંખ્યા છે જે નિત્ય ચાલે છે, તે ૯૬,૦૦૦થી વધુ છે. સામાન્ય રીતે ૬૦,૦૦૦ જેટલા ઉપક્રમ (જે મહિનામાં કે ૧૫ દિવસમાં એકવાર થતાં હોય છે.) પણ સેવા ભારતી દ્વારા ચાલે છે.
 
નિત્ય ચાલતાં સેવાકાર્યથી સમાજમાં કે દેશભરમાં કોઈ પરિવર્તન આવ્યું હોય એવાં કોઈ ઉદાહરણ?
 
નિત્ય ચાલતાં સેવાકાર્યો દ્વારા સમાજમાં આવેલા પરિવર્તનોનાં ઉદાહરણો આપવા માટે તો કદાચ આખો દિવસ પણ ટૂંકો પડશે. હું કેટલાક ઉદાહરણો અંગે વાત કરીશ.
 
સેવા ભારતી દ્વારા વિચરતી જાતિ (ઘુમંતૂ સમાજ) માં કાર્ય શરૂ થયું. તે સમાજમાં સ્થિતિ એવી હતી કે જાતિનું પ્રમાણપત્ર નહીં, સામાજિક જીવનની કે સમાજ વ્યવસ્થાની કોઈ પણ વ્યવસ્થા સાથે તેઓ જોડાયેલા નહોતા, આ પ્રકારનો તે આખો સમાજ છે. એક સ્થાન પર કાર્ય શરૂ થયું. લાતૂર જિલ્લામાં નિલંગા નામનો તાલુકો છે. તેની પાસે અંસારવાડા નામનું ગામ છે, ત્યાં કાર્ય શરૂ થયું. કાર્ય શરૂ થયા બાદ પાંચ-છ વર્ષ ખૂબ સારી રીતે કાર્ય ચાલ્યું અને ત્યાં આપણા કાર્યકર્તાઓએ સરકારની યોજનાને આવરી લઈને ‘ઘરકુલ’ની યોજના શરૂ કરી.
 
ઘરકુલ તૈયાર થયા પછી લોકોએ ભેગા થઈને ઘર તો બનાવી લીધાં, પરંતુ ભોજન બનાવવા માટે રાશન પણ જોઈએ અને વાસણ પણ જોઈએ. તો વાસણ, રાશન એવી બધી વ્યવસ્થા ત્યાંના કાર્યકર્તાઓએ કરી આપી. પરંતુ જ્યારે સાંજે અમારા કાર્યકર્તાઓ તે ગામમાં રહેતા મુખ્ય કાર્યકર્તાઓના ઘરે ગયા તો ધ્યાનમાં આવ્યું કે, એક પણ ઘરમાં ચૂલો સળગ્યો નથી. ચૂલો કેમ ન સળગ્યો? તો ચૂલો ન સળગવાનું કારણ ત્યાંની બહેનોના શબ્દોમાં જોઈએ. બહેનો કહેવા લાગી કે, “તમે આ વાસણ-બાસણ તો બધું આપ્યું, પણ જિંદગીમાં અમે ક્યારેય રસોઈ બનાવી જ નથી. અમે તો ભીખ માંગીને જીવનારા લોકો છીએ, તો જે ભીખ મળે છે તે જ સાંજે ખાઈ લઈએ છીએ. આ રસોઈ બનાવવી એ અમારું કામ નથી.” તો આ કાર્યકર્તાઓ ગામમાં ગયા, કેટલીક બહેનો અને મહિલાઓને લઈને તે વસ્તીમાં એક-એક ઘરે ગયા અને ત્યાં રોટલી બનાવવાનું પ્રશિક્ષણ (અનૌપચારિક પ્રશિક્ષણ વર્ગ!) તે વસ્તીમાં કરવો પડ્યો. જે લોકો રસ્તા પર કરતબ બતાવનારા હતા, તેઓ માત્ર કરતબ બતાવવાં અને ભીખ માંગવી એટલું જ જાણતા હતા. સાક્ષરતાની સ્થિતિ પણ ખૂબ જ નબળી હતી. આત્મનિર્ભર કરવા હોય તો કોઈ આવડત (સ્કિલ) આવડવી જોઈએ. શીખવાનો કોઈ સ્વભાવ નહીં, માનસિકતા નહીં પરંતુ કાર્યકર્તાઓએ તેમની સાથે ચર્ચા કરી કે, તમે કરતબના ખેલ કરતી વખતે ઢોલ વગાડો એટલે તમને ઢોલ વગાડતાં આવડે છે, તો કેમ આપણે આપણું બેન્ડ પથક તૈયાર ન કરીએ? બેન્ડ પથકની ચર્ચા શરૂ થઈ અને હૈદરાબાદથી એક બેન્ડ માસ્ટર લાવીને તેમને શિક્ષણ આપવામાં આવ્યું. પહેલું એક ૧૦-૧૨ લોકોનું બેન્ડ પથક તૈયાર થયું. તેમને સ્વરનું કોઈ જ્ઞાન નહોતું. તેઓ તે બેન્ડ માસ્ટરને કહેતા હતાં કે, “તમે વગાડો, તમે જેવું વગાડશો એવું અમે વગાડીશું.” કોઈ સ્વર તાલનું જ્ઞાન ન હોવા છતાં સંગીતની સ્વાભાવિક સમજ હતી, તેના કારણે આ લોકો ખૂબ જ ઝડપથી શીખ્યા. અને એક ૧૨-૧૫ લોકોનું બેન્ડનું પહેલું ગ્રુપ તૈયાર થયું.
 
હવે આ તો બધા ભીખ માંગનારા લોકો, તેમને પોતાની લગ્નવિધિમાં બેન્ડ વગાડવા માટે કોણ બોલાવશે? ત્યાં રા.સ્વ.સંઘના જિલ્લા સંઘચાલકના દીકરાનાં લગ્ન હતાં. તેમણે આ બેન્ડના ગ્રુપને પોતાના દીકરાના લગ્નમાં બોલાવ્યું. સામાન્ય રીતે તે સમયે બેન્ડ માટે ૧૦ હજાર રૂપિયા ભાડું લાગતું હતું. તો જિલ્લા સંઘચાલકજીએ કહ્યું કે, “હું ૧૦ હજાર નહીં, ૧૨ હજાર રૂપિયા આપીશ.” અને તે બેન્ડનો પહેલો વગાડવાનો કાર્યક્રમ રા.સ્વ.સંઘના જિલ્લા સંઘચાલકજીના દીકરાના લગ્નમાં થયો. આજે તે બેન્ડ ગ્રુપની આખા જિલ્લામાં માંગ છે અને આજે એક નહીં પણ આવાં ૧૦ બેન્ડ ગ્રુપ તૈયાર થયાં છે. લગભગ ૧૫૦ની આસપાસ યુવાનો આ બેન્ડ પથકના સભ્યો બની ગયા છે. આ પ્રકારનાં અનેક ઉદાહરણો આપી શકાય છે. ધુલે જિલ્લામાં બારીપાડા નામનું ગામ છે. ૨૫ વર્ષ પહેલાં તે ગામની સ્થિતિ એવી હતી કે, દિવાળી પછી ત્યાં કોઈ રોજગાર નહોતો તેથી સો ટકા યુવાનોએ સ્થળાંતર (માઈગ્રેશન) કરવું પડતું હતું. ગામમાં કાં તો વૃદ્ધો રહેતા હતા અને જે ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ બાળકોને સાચવવા જેવા હોય, ત્યાં બાળકો રહેતા હતાં. નહીં તો બાળકો પણ મજૂરી માટે તેમની સાથે સુરતમાં, ધુલેમાં, નાસિકમાં આ રીતે જતા હતા. તેમણે જળસંરક્ષણ અને ગામના જંગલની રક્ષા, એવા બે વિષયો લઈને મુખ્યત્વે કામ કર્યું. આજે ૨૫ વર્ષ પછી સ્થિતિ એવી છે, આજે તે તમામ કામને ૨૫ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. આજે એક પણ વ્યક્તિએ રોજગાર માટે સ્થળાંતર કે પલાયન કરવું પડતું નથી. માઈગ્રેશનની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઊલટું આજુબાજુના ચાર-પાંચ ગામોને તેઓ પૂરી રીતે રોજગાર આપી શકે એવી તેમની સ્થિતિ થઈ ગઈ છે. ૨૫-૩૦ વર્ષ પહેલાં સ્થિતિ એવી હતી કે, સામાન્ય રીતે હોળી પછી ગામમાં પાણી રહેતું નહોતું. આજે આજુબાજુના પાંચેક ગામોમાં પાણીનો પુરવઠો આ ગામ દ્વારા પૂરો પાડવામાં આવે છે.
 
તે ગામ પર બે પીએચડી થઈ છે. યુએનડીપી (UNDP)નો પુરસ્કાર તે ગામને મળ્યો છે. અને આજુબાજુનાં ૫૦ જેટલાં ગામોમાં આ ગામની વિકાસ પ્રક્રિયાની નકલ (રિપ્લિકા) શરૂ થઈ છે. ધીરજથી, શાંતિથી અને ડટીને આ રીતે ઊભા રહીને એક એક કાર્યકર્તાની પહેલ અને તેના આધારે આજે એક ખૂબ જ મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે. આ પ્રકારનાં ઉદાહરણો કેરળમાં પણ છે, તમિલનાડુમાં પણ છે, તેલંગાણામાં પણ છે, ગુજરાતમાં પણ આ પ્રકારનાં ઉદાહરણો છે. આવાં અનેક ઉદાહરણો સમગ્ર દેશમાં છે.
 
આપે સારા ઉદાહરણો આપ્યા, પરંતુ સમાજમાં એક બહુ મોટો વર્ગ છે જે શિક્ષણ, રોજગાર અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે. એક સેવા સંગઠન તરીકે આપણે તેની પાસે મદદ લઈને કેવી રીતે પહોંચી શકીએ?
 
સમાજની આજની જરૂરિયાત અને આપણા સેવાકાર્ય વચ્ચે અંતર તો ઘણું છે. એટલે કે તેની સમજ આજે સેવા ભારતીમાં કામ કરતા તમામ કાર્યકર્તાઓને પણ છે. એટલું જ છે કે, આપણા પ્રયાસો તો સારા ચાલી રહ્યા છે, પરંતુ સમાજની જરૂરિયાત અને આપણી સ્થિતિ વચ્ચે અંતર ઘણું છે. આ અંતર દૂર કરવું હોય તો સેવાકાર્યોની સંખ્યા વધારવી પડશે. સેવાકાર્યોની સંખ્યા વધારવી હશે તો કાર્યકર્તાઓની સંખ્યા વધારવી પડશે. કાર્યકર્તાઓની સંખ્યા વધારવી છે, સમાજનો સહયોગ વધારવો છે અને આવાં સેવાકાર્યોના પ્રકાર પણ વધારતા જવાના છે.
 
એક જમાનો હતો જ્યારે સેવાના ક્ષેત્રમાં માત્ર કેટલાક લોકો જ કામ કરવાવાળા હતા. ૧૯૮૯ પછી જ્યારે સંઘમાં સેવા વિભાગ અને સેવા ભારતીની વિધિવત્‌ રચનાઓ આખા દેશમાં કરવાનો નિર્ણય લેવાયો. અને ક્રમે ક્રમે સેવાકાર્યો શરૂ થઈ ગયા. તે અરસામાં અંદાજે ૧૦ હજાર સેવાકાર્યો, સેવા ઉપક્રમો હશે. આજે આપણે દોઢ લાખથી ઉપર સેવાકાર્યો દેશભરમાં છે. તો આ વિસ્તાર અમે ૩૦-૩૫ વર્ષોમાં કર્યો છે.
 
આવનારા દિવસોમાં ઓછામાં ઓછા અઢી-ત્રણ લાખ સેવાકાર્યોની જરૂરિયાત આ સમાજમાં રહેશે તો સમાજની જરૂરિયાતોની પૂર્તિ થશે. સંઘનું કે સેવા ભારતીનું એવું પણ કહેવું નથી કે, આ તમામ સેવાકાર્યો અમારા દ્વારા જ થાય. સમાજમાં સમવિચારી સહયોગી એવાં જે અનેક સંગઠનો છે, તેમને પણ સાથે લઈને ચાલીએ. કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ લઈને સમાજના હિત માટે, સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે આવા તમામ સંગઠનો એકત્રિત થઈને જો કામ કરવા લાગશે તો તેનું એક સારું પરિણામ મળી શકે છે. આજે આવા રાષ્ટ્રીય વિચારોથી કામ કરનારાં અનેક સંસ્થા-સંગઠનો દેશભરમાં છે. તેમની સાથે પણ સંવાદ અને સંપર્ક રાષ્ટ્રીય સેવા ભારતી દ્વારા ચાલતો જ હોય છે.
 
વચ્ચે વચ્ચે એવો સામાન્ય રીતે અમારો પ્રયાસ રહેતો હોય છે કે વર્ષમાં એકવાર આવાં તમામ સંસ્થા-સંગઠનો જે-તે જિલ્લામાં કે પ્રાંત સ્તરે સાથે ભેગાં થાય અને એકબીજાને પોતાનાં કાર્યોનો પરિચય કરાવે, પોતાના પરિણામોની જાણકારી આપે, એકબીજાને આપણે સહાયક-પૂરક કેવી રીતે બની શકીએ, તે અંગે પણ વિચાર કરે. આવનારા દિવસોમાં આ પ્રકારનો સઘન પ્રયાસ કરવો, તે પણ સેવાકાર્યોની સંખ્યા વધારવા માટે જરૂરી છે એવું લાગે છે.
 
ગુજરાતની જનતા અને સેવાભાવ, આમાં આપનો શું અભિપ્રાય છે?
 
ગુજરાતની જનતા તો ખૂબ જ સેવાભાવી છે. એટલે કે નરસિંહ મહેતાજીના સમયથી “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે”, એવો જ સ્વભાવ ગુજરાતની સામાન્ય જનતાનો છે. ગુજરાતના ભૂકંપ સમયે અથવા દુષ્કાળના સમયે, ઘણાં મોટાં પ્રત્યક્ષ પરિણામ જોવા મળ્યાં હતાં. આજે ગુજરાતના ટ્રાયબલ એરિયામાં ખૂબ મોટાં સેવાનાં કાર્યો જેવી રીતે સેવા ભારતી અથવા સેવા ભારતી સાથે જોડાયેલી સંસ્થાઓ કરી રહી છે, તેવી જ રીતે અનેક અન્ય સંસ્થાઓ અને સંગઠનો પણ આવાં કામ કરી રહ્યાં છે. ગુજરાતી વ્યક્તિનો સ્વાભાવિક સ્વભાવ છે. તે પ્રકૃતિ પર, પ્રાણી માત્ર પર પ્રેમ કરે છે, મનુષ્ય માત્ર પર પણ પ્રેમ કરે છે, તેની સહાયતા માટે દોડીને જાય છે. આ કુદરતી રીતે જ ગુજરાતનો સ્વભાવ છે, એવું મારું આકલન છે.
 
જી, આપને ગુજરાતમાં કોઈ એવું ક્ષેત્ર લાગે છે જ્યાં સેવાકાર્ય કરવાની જરૂર હોય?
 
ગુજરાતના સંદર્ભમાં એક વિષય એવો ધ્યાનમાં આવે છે કે, દરિયાકિનારાના વિસ્તારમાં જે શ્રમજીવી વર્ગ છે, પછી તે અગરિયા સમાજ હોય, મીઠું પકવનારા, અથવા માછીમારીના ક્ષેત્રમાં કામ કરનારો સમાજ હોય, આવા સમાજની સમસ્યાઓ ઘણી મોટી છે. તે વિષયમાં સરખામણીએ મર્યાદિત કામ અત્યારે દેખાઈ રહ્યું છે. તેવી જ રીતે કચ્છ, રણ, ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં જે પશુપાલક સમાજ છે, તે પશુપાલક સમાજના સંદર્ભમાં પણ એક સઘન વિકાસની પ્રક્રિયા ગુજરાતનાં પરિપ્રેક્ષ્યમાં વધુ જરૂરી લાગે છે. ગુજરાતનું ટ્રાયબલ પર્સન્ટેજ પણ ઘણું મોટું છે. તો આ ધ્યાનમાં લઈને ટ્રાયબલ ક્ષેત્રમાં આજે કામ તો થઈ જ રહ્યાં છે, પરંતુ જેટલાં થઈ રહ્યાં છે તેટલાં પૂરતાં નથી, તેનાથી પણ વધુ કરવાની જરૂરિયાત છે. આવાં ત્રણ મોટાં ક્ષેત્રો ધ્યાનમાં આવી રહ્યાં છે, જેમાં વધુ કામ કરવાની જરૂર છે.
 
આ રીતે આખા દેશ માટે કિશોરવયના બાળકો (ખાસ કરીને પ્લેટફોર્મ પર રહેનારાં, ઘરેથી ભાગીને જનારા, ઝૂંપડપટ્ટીમાં રહેનારાં)ની સંખ્યા મોટી છે. આ બાળકોની ચિંતા એ એક બહુ મોટી જરૂરિયાત છે એવું લાગે છે.
 
સેવાકાર્યના સંદર્ભમાં યુવાનો, મહિલાઓ અને સમાજને આપ શું સંદેશ આપવા માંગશો?
 
સંદેશ તો મોટા લોકો આપે છે. પરંતુ આ બંને ક્ષેત્રો એવાં છે કે જેટલું પોટેન્શિયલ, જેટલી તેમની ક્ષમતાઓ છે, તે ક્ષમતાનો વિનિયોગ હજુ પણ પૂરેપૂરો આ સેવાના ક્ષેત્રમાં નથી થઈ રહ્યો. આજના યુવાનોના મનમાં આવા વિષયો કરવાની ઇચ્છા તો છે જ. જો તેમને દિશા મળી રહે તો કામ કરવાનું પ્રમાણ પણ સારી માત્રામાં આગળ વધી શકે છે. જેમ કે ‘સેવાંકુર’ જેવું એક કામ ચાલે છે કે જે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે સેન્સિટાઈઝ કરવા, સંવેદનશીલ કરવા અને સમાજના હિતમાં આપ કંઈક કામ કરો તો આવા કાર્યોમાં યુવાનો સહભાગી થઈ રહ્યા છે.
 
આજની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કારણે જે ઇન્ટર્નશિપ અને ફેલોશિપ વગેરે જેવા વિષયો વિકસ્યા છે, તેમાં જે યુવાનો આવી સેવાકીય સંસ્થાઓ કે સેવા ક્ષેત્ર સાથે જોડાઈ જશે તો આજે આપણા દેશની જે એક જરૂરિયાત છે, તે જરૂરિયાતની પૂર્તિ કરવી સ્વાભાવિક થઈ જશે.
 
મહિલાઓના ક્ષેત્રના સંદર્ભમાં પહેલા વિગતવાર ચર્ચા થઈ છે. મહિલાઓમાં પણ ખાસ કરીને જે શિક્ષિત બહેનો છે, જે ગૃહિણીઓ છે, એવી ગૃહિણીઓ જો મોટી સંખ્યામાં સેવા ક્ષેત્રમાં જોડાઈ જાય. તે વિસ્તારમાં પણ કામ શરૂ થાય, તો તે વિસ્તારમાં ખૂબ મોટાં અને સારાં પરિવર્તનનો આવી શકે, કારણ કે આવાં કામોની ઘણી મોટી જરૂરિયાત છે. છેક અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવું, વિવિધ માધ્યમો દ્વારા પહોંચવું અને ત્યાં કરવા યોગ્ય કાર્યો કરવાં. નાના-નાના સેવાના કાર્યો શોધીને તેમાં બહેનોને જોડવામાં કોઈપણ સંસ્થા કે સંગઠનના કાર્યકર્તાઓ જેટલા સફળ થશે, તેટલા પ્રમાણમાં પરિણામો મળશે.

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર 'સાધના' સાપ્તાહિક-સોશિયલ મીડિયાના સહતંત્રી છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ ક્રમાંક સાથે જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વ પ્રવાહો, સાંપ્રત સમસ્યાઓ, રાષ્ટ્રીય ગૌરવ તથા ખેલજગત જેવા વિષયો પર 'સાધના'માં ૨૦૦થી વધુ મુખપૃષ્ઠ વાર્તાઓનું લેખન કર્યું. 'સાધના'ને સોશિયલ મીડિયા પર દેશ-વિદેશના ૧૦ લાખ ફોલોઅર્સ સાથે, દરેક મંચ પર કાર્યાન્વિત કર્યું.