બંગાળની સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ‘પોચીસે વૈશાખ’ના દિવસે.. ગુરુવર રવીન્દ્રનાથના જન્મદિને.. ‘રવીન્દ્રજયંતિ’ પર.. સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમાં ભવિષ્યના ભારત માટેનો એક ગૂઢ સંકેત રહેલો છે. ભારત અખંડ હતું ત્યારે કવિવર રવિન્દ્રનાથે જન-ગણ-મન લખેલું, જે આપણું રાષ્ટ્રગાન (મૂળ ભારતનું રાષ્ટ્રગાન) છે. તે વખતે; વર્તમાન બાંગ્લાદેશ પણ ભારતનો જ હિસ્સો હતું, ત્યારે તેઓએ એક પ્રદેશ તરીકે સંપૂર્ણ બાંગ્લા પ્રદેશ માટે ‘સોનાર બાંગ્લા’ લખેલું, જે હાલના બાંગ્લાદેશનું રાષ્ટ્રગાન (ભૂલા પડેલા ભારતનું રાષ્ટ્રગાન) છે. ભાજપની જીત પછી એ ભૂલું પડેલું ભારત બેચેન છે. આ બેચેનીમાંથી બહાર આવવાનો એક જ માર્ગ હશે- ‘અખંડ ભારત’.
શ્રદ્ધેય રવીન્દ્રનાથે પોતાના મૃત્યુનાં ૨૨ વર્ષ પહેલાં બ્રિટિશ સરકારે આપેલો નાઈટહુડનો ખિતાબ પરત કરી દીધો હતો (કારણ.. ૧૯૧૯નો ક્રૂરતમ જલિયાંવાલા હત્યાકાંડ). ગુજરાતમાં જન્મેલા ગાંધીજી રવીન્દ્રનાથને ગુરુદેવ કહેતા અને ગાંધીજીને રવિન્દ્રનાથ મહાત્મા કહેતા. બંગાળમાં જન્મેલા રવિન્દ્રનાથે પંજાબના એ જલિયાંવાલા હત્યાકાંડના વિરોધમાં ખિતાબ-વાપસી કરેલી. શું તેઓની આ પ્રતિક્રિયા પાછળ ગુજરાત, બંગાળ કે પંજાબ પ્રત્યેની વેદના-સંવેદનાને વાચા આપવાનો ઉદેશ્ય હતો? ના, અહીં તો ‘એક ભારત’નીવેદના-સંવેદનાને વાચા અને દિશા આપવાનો એક માત્ર વ્યાપક રાષ્ટ્રીય ઉદ્દેશ્ય હતો, રાષ્ટ્રભક્તિનો એક નવો ઉપક્રમ!
છેક ૧૫મી સદીમાં પ્રાતઃ સ્મરણીય ચૈતન્ય મહાપ્રભુજીનું સામાજિક સુધારણા આંદોલન ભલે લાગે કે બાંગ્લામાં ચાલ્યું હતું, પણ વાસ્તવમાં તે સમગ્ર ભારત માટે ચાલ્યું હતું. આ જ આંદોલનને બંગાળમાં રાજા રામમોહન રાયે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે નવા પરિપ્રેક્ષ્યમાં ઉઠાવ્યું, બંગાળ માટે નહીં, સમગ્ર ભારત વર્ષ માટે!
‘બંગાળના સ્વામી વિવેકાનંદ’, ‘બંગાળના મહર્ષિ અરવિંદ’, આવું બોલવું અને સાંભળવું, એ જાણે પાપમાં પડવા જેવું લાગે છે ને? કેટલું સંકુચિત લાગે છે? તેઓ જન્મ્યા હતા બંગાળમાં, પણ જીવ્યા હતા સમગ્ર ભારતને. ભારત તેઓનું અસ્તિત્વ હતું, તેઓનો આત્મા હતું! તેમના માટે ભારત કર્મ-ધર્મ-મર્મ હતું! ભારત જ હતું તેમના જીવનનો આદિ-મધ્ય-અંત! સ્વામી વિવેકાનંદે પશ્ચિમને ભારતની વૈશ્વિક દૃષ્ટિનો પરિચય આપેલો. મહર્ષિ અરવિંદ ‘અખંડ ભારત’ના સ્વપ્નદૃષ્ટા હતા. સમગ્ર ‘ભારતના ઐક્ય’ માટે પ્રથમ બલિદાન (૧૯૫૩માં) આપ્યું ભારતીય જનસંઘ (જેનો નવો અવતાર એટલે- ‘ભાજપ’)ના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ, તેઓ જન્મ્યા હતા બંગાળમાં, પણ બલિદાન આપ્યું હતું કાશ્મીરની ધરતી પર, કારાવાસની કાળકોટડીમાં.
પ. બંગાળનું શાસન પ્રથમ સંભાળ્યું કોંગ્રેસે, તે પછી કમ્યુનિસ્ટોએ, આ બંને કરતાં વધુ ઘાતકી રીતે પ. બંગાળને બરબાદ કરવાનું બીડું ઉઠાવ્યું મમતાદીદીએ. એક્ઝિટ પોલમાં તામિલનાડુ માટે એકદમ સાચાં પરિણામોની આગાહી કરનાર ‘એક્સિસ માય ઇન્ડિયા’એ પ. બંગાળનો એક્ઝિટ પોલ બતાવ્યો જ નહિ. મૌન સેવ્યું, કારણ કે તેઓની સામે પ. બંગાળના મતદારો મોઢું ખોલીને કશું જણાવવા જ તૈયાર નહોતા. મમતાદીદીના ખોફથી સૌ વાકેફ હતા. ભવિષ્ય પર ભરોસો હતો, પણ ત્યારે ભયનો ઓથાર ભયાનક હતો.
મુસ્લિમ આક્રાંતા ઘોરી-ગજની-ખીલજીથી લઈને દેશના વિભાજન પછી પણ મુસ્લિમ તુષ્ટિકરણ થકી કોંગ્રેસ-કમ્યુનિસ્ટ-કોંગ્રેસ (તૃણમૂલ)ના કુશાસનકાળ સહિતની કુલ ૮૦૦ વર્ષની ગુલામીમાંથી પ. બંગાળનો હિન્દુ સાચા અર્થમાં સ્વતંત્ર થયો છે, ‘સ્વ’ના ખુલ્લા આકાશમાં શક્તિ-મુક્તિ-તૃપ્તિની અનુભૂતિ કરી રહ્યો છે. પ. બંગાળમાં દિવાળી છે, જાણે ત્યાં સ્વયં શ્રીરામ પધાર્યા ન હોય! શ્રીરામનું ભવ્ય-દિવ્ય-નવ્ય મંદિર બન્યા પછી પણ તે ‘જય શ્રીરામ’ બોલી શકતો નહોતો, પરંતુ હવે રાજનૈતિક આતંક સમાપ્ત થતાં જન-જન શ્રીરામમય બની ખૂબ જ ગતિથી આખા પ. બંગાળને રાષ્ટ્રમય બનાવી દેવા ઉત્સાહિત-સમન્વિત-સંકલ્પિત છે.
અખંડ બાંગ્લા પૈકીનું પ. બંગાળ પુનઃ નંદનવન થવા જઈ રહ્યું છે, જેની અડોઅડ બાકીનું બાંગ્લા આવેલું છે. આપણે માત્ર ‘બંગાળ’ ન કહીએ. સદા ‘પશ્ચિમ બંગાળ’ જ કહીએ. ..તો આપણાથી અલગ પડેલા આપણા ‘પૂર્વ બંગાળ’નું નિત્ય સ્મરણ રહેશે, તેને પામવાની તડપ રહેશે.. ‘અખંડ ભારત’ના પુનર્નિર્માણ માટે રાષ્ટ્ર પ્રશસ્ત થઈ ચૂક્યું છે.