તંત્રીસ્થાનેથી । પોતાના ભારથી ભૂરાંટું થયેલું અમેરિકા ભાન ભૂલી રહ્યું છે..

શું ભારતના ઉદય માટે પતન પામી રહેલા સામ્રાજ્યના પ્રમાણપત્રની જરૂર છે? જ્યારે અમેરિકા આંતરિક અરાજકતા, દેવું અને નૈતિક શૂન્યતા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સનાતન ભારત "ધર્મ"માં પોતાની શક્તિ શોધી રહ્યું છે—એવી શક્તિ જેનું સ્થાન માત્ર સત્તા ક્યારેય લઈ શકતી નથી.

    ૦૨-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

bharat-beyond-american-validation
 
 
હર હંમેશની જેમ આ વખતે પણ પ્રથમ ભારતને ‘નરક જેવો દેશ’ ગણાવ્યો અને પછી ગણતરીના કલાકોમાં ગુલાંટિયું મારીને અમેરિકાએ ફેરવી તોળીને કહ્યું કે, ‘ભારત છે- એક મજબૂત અને મહાન રાષ્ટ્ર’.
 
આજે સ્વાધીનતાના ૬-૭ દાયકા પછી ભારત પોતાની શક્તિ અને પરિશ્રમના ભરોસે સ્વયંસમર્થ છે.
 
ગજરાજ નીકળે એટલે શ્વાને શું કરવાનું હોય તે નિશ્ચિત જ છે, છતાં ઓપરેશન સિંદૂર વખતે કોંગ્રેસે એવું કહીને ભારતને ડરાવવાનો પ્રયત્ન કરેલો કે, પાકિસ્તાન અણુબોમ્બ ઝીંકી દેશે! ગભરાહટ ફેલાવતાં કોંગ્રેસનાં આવાં કૃત્યો પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, કોંગ્રેસ પાકિસ્તાનની જન્મદાત્રી છે, હા! અને એ પાકિસ્તાનના પિતા કોણ? જિન્હા? આજે અમેરિકાનું પરમ મિત્ર છે- દલાલ પાકિસ્તાન.
 
જ્યારે ખૂંખાર હિંસક પ્રાણીને ખબર પડે છે કે, પોતે પાંજરે પુરાયું છે ત્યારે તે તેની ભાષા - વર્તણૂક બદલી દે છે. પાંજરે પુરાયા પછી મહાહિંસક પ્રાણી પણ શ્વાનની ભાષા બોલે છે. અરે! શ્વાન સાથે દોસ્તી પણ કરી લે છે.
 
ભારતનું એકાએક ઉદિતમાન થવું, એનું રહસ્ય શું છે? રહસ્ય એક જ છે કે, હવે સર્વોચ્ચ ન્યાયાલયનું ધ્યેયવાક્ય- ‘यतो धर्म ततो जय’ ભારતના વ્યવહારમાં ચરિતાર્થ થતું દેખાઈ રહ્યું છે. સનાતન ભારત વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ સાથે અગ્રેસરની ભૂમિકામાં દેખાઈ રહ્યું છે. આ ઓળખ છે- ‘ધર્મ’; જે શાશ્વત છે, સનાતન છે. ભારતનું અસ્તિત્વ ‘ધર્મ’ના કારણે છે.
શેષ વિશ્વ પાસે પંથ-સંપ્રદાય-રિલિજિયન-મઝહબ છે, ‘ધર્મ’ નથી. આપણે ત્યાં પણ ‘ધર્મ’ના કારણે જ કોઈ પંથ-સંપ્રદાય-રિલિજિયન-મઝહબ સમાજ પર હાવી થઈ શક્યો નથી અથવા સત્તાનું કેન્દ્ર બનીને ટકી શક્યો નથી. ભવિષ્યમાં પણ આવું થવું ભારતમાં સદા-સર્વદા અશક્ય છે. આપણા ‘ધર્મ’નું ઊંડાણ એટલું ગહન છે, ઉંચાઈ એટલી અનંત છે, જેના કારણે આપણા રાષ્ટ્રનું ચાલકબળ સત્તા નહીં, પરંતુ સ્વયં સમાજ પોતે જ છે, કારણ કે આપણે ત્યાં धर्मो धारयते प्रजाः ‘ધર્મ’ જ પ્રજા (સમાજ)ને ધારણ કરે છે, નહીં કે સત્તા. તેથી ભારતમાં ‘absolute power corrupts absolutely.’ શક્ય જ નથી, પરંતુ શેષ વિશ્વમાં અને ખાસ કરીને જ્યાં અબ્રાહમિક રિલિજિયન/મઝહબનો પ્રભાવ છે ત્યાં આ પશ્ચિમી વાક્ય પાકું, પુરવાર થયેલું છે. તાજું અને તરખાટ મચાવતું ઉદાહરણ છે- ટ્રંપ-powered અમેરિકા (અમેરિકન ટ્રંપ-power). માત્ર ‘સત્તા’ના કારણે જ અમેરિકાનું અસ્તિત્વ છે.
 
..પણ ‘સત્તા’ હવે પાંજરે પુરાઈ છે.‌ જુઓને અમેરિકામાં ૪ વર્ષમાં સર્વોચ્ચ મોંઘવારી.. ત્યાંના ૧૦ પરમાણુ-સ્પેસ વૈજ્ઞાનિકો; ૩ વર્ષમાં અચાનક મર્યા/ગાયબ.. અમેરિકામાં ૨૫મો બંધારણીય સુધારો લાગુ કરી ટ્રંપની હકાલપટ્ટીની કરવામાં આવી રહેલી માંગ.. ૩૩૦૦ સ્થાનો પર ‘નો કિંગ્સ-૩.૦’ના નામે વિરોધ પ્રદર્શન.. એપસ્ટીન ફાઈલવાળાં કરતૂતોથી ધ્યાન ભટકાવવાનાં હારબંધ કૃત્યો.. જીડીપીના ૧૦૦% તરફ આગળ વધી રહેલું દેવું.. માસ શૂટર્સની સંખ્યામાં વૃદ્ધિ.. નિરાશા અને અસંતોષની આગ.. ‘ટૉકર રિસર્ચ’ અનુસાર અમેરિકાની ૩૦ % યુવા પેઢી ખુદને ‘અસ્થિર’ અથવા ‘મનોરોગી’ માની રહી છે.. અગાઉ ક્યારે ય નહોતું એટલું યુવાધન આજે wokeismની વાસનામાં, અશ્લીલતાની ઉદ્દંડતામાં અને ગન કલ્ચરની ગર્તામાં ખૂંપી રહ્યું છે.. ડ્રગ્સના કારણે જાહેર રાજમાર્ગો પર યુવા પેઢી ઝોમ્બી અસર તળે જાણે નશાના ફંદે લટકી રહી છે.. અમેરિકન પ્રેસિડેન્ટ અમેરિકાના સુપ્રીમ કોર્ટના જજો ને ‘ચમચાઓ અને મહામૂર્ખ’ કહીને દબાવે.. લોકતંત્ર સામે મંડરાતો ખતરો..
સરમુખત્યારશાહી તરફની દોડ..
 
જુઓને ઈરાન સામે અમેરિકાની હાલત તેની સૈન્યક્ષમતાના દાવા સાવ પોકળ પુરવાર.. સહયોગી દેશોનો ભરોસો ભોંય ભેગો.. નાટો ભંગાણના આરે.. ખાડી દેશોનો તૂટેલો ભરોસો.. અંતે યુદ્ધ રોકવા માટેના સમાધાન માટે હવાતિયાં.. યુદ્ધમાં નાલેશીભરી પીછેહઠ.. છેલ્લા એક માસમાં એટર્ની જનરલ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર, નૌકાદળના સચિવ, અરે! હોમલેન્ડ સેક્રેટરી (ગૃહમંત્રી)ને પણ હટાવી દેવાયા છે.. નિવાસથી માત્ર દોઢ કિ.મી. દૂર હોટલ હિલ્ટનમાં કમ્પ્યુટર એન્જિનિયર અને નાસાના ફેલો એલને કરેલો ગોળીબાર.. સુરક્ષાનાં કેવાં તો બણગાં..?
 
ધર્મવિહિન અમેરિકા ક્યારેય ભારત ન બની શકે. ભારત ક્યારેય અમેરિકા ન બની શકે. બનવું પણ ન જોઈએ! સામ-દામ-દંડ-ભેદના સહારે વિશ્વ આખાના શોષણ પર નભતા સામ્રાજ્યવાદી-સત્તાખોર-સ્વચ્છંદી અમેરિકા સારા-ખોટા કોઈ જ પ્રમાણપત્રની ભારતને કશી પણ જરૂર નથી, કારણ કે અસંખ્યવાર તેના શબ્દો નર્યો બકવાસ સાબિત થઈ ચૂક્યા છે.
 

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.