તંત્રીસ્થાનેથી । પડદો ઉઠાવીએ.."શું સજ્જનોની નિષ્ક્રિયતા રાષ્ટ્રને નુકસાન પહોંચાડી રહી છે?

તંત્ર પર આંધળા પ્રહારો કરવા, અરાજકતા ફેલાવવી અને રાષ્ટ્રીય ગૌરવનો વિરોધ કરવો – આ આજના સમયની એક ગંભીર "માનસિક વિકૃતિ" બની ગઈ છે. આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોનું મૌન વધુ ઘાતક હોય છે. હવે સમય આવી ગયો છે સત્ય પરથી પડદો ઉઠાવવાનો અને આવી નકારાત્મકતાને ખુલ્લી પાડવાનો!

    ૨૦-મે-૨૦૨૬   
કુલ દૃશ્યો |

cokaroch
 
 
તાજેતરમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદરણીય મુખ્ય ન્યાયમૂર્તિજીએ પોતાની મનોવ્યથાને ખૂબ જ માર્મિક રીતે વ્યક્ત કરી છે. (જો કે, શબ્દોની એક મર્યાદા હોય છે, શબ્દો ક્યારેય માનવીય સંવેદનાને પૂર્ણ રીતે વ્યક્ત કરી શકતા નથી.) વાતનો સાર એટલો જ છે કે, તેઓશ્રીએ તંત્ર પર હુમલા કરતા લોકોને વંદા (કોકરોચ) કહ્યા. કોકરોચ ગંદકીને ગમાડતી માનસિકતાનું પ્રતિક છે. કોકરોચને ચોખ્ખાઈનો ડર ખૂબ સતાવે છે.
 
માત્ર ન્યાયતંત્ર પર જ નહીં, બધાં તંત્રો પર એટલે કે કુલ મળીને આખા દેશ પર આ કોકરોચ-મનોવિકૃતિ (ક્યાંક તો ‘કોંક્રિટ કોન્સ્પિરસી’ સાથે) હાવિ થવાનો પ્રયત્ન કરી રહી છે. આ સંદર્ભે વિરોધ પક્ષની અતિ સંદિગ્ધ કાર્યશૈલી અને ભૂમિકા ક્યાંક ને ક્યાંક આ મનોવિકૃતિનું કેન્દ્ર બની રહી છે.
 
આ કોકરોચ-મનોવિકૃતિ ધરાવતા લોકો ‘તંત્ર’ના વિરોધી છે, કોઈ સીસ્ટમ ગોઠવાય તેના તો ઘોર વિરોધી છે. સર્વત્ર ‘અરાજકતા (Anarchy)’ ફેલાવવી, એ જ એક માત્ર ઉદ્દેશ્ય છે. આવા મનોવિકૃત લોકો સવાર પડે ને એમના આકાઓએ શિખવાડેલાં નવાં અસત્યો.. અફવાઓ.. આરોપો.. ભ્રમણાઓ.. ઉશ્કેરણીઓ.. ફૉલ્સ નેરેટિવ્ઝ.. મોં-માથા વિનાના બળાપા.. દોષારોપણ.. અને તેના આધારે ભય.. વિભાજન.. અફડાતફડી.. અંધાધૂંધી.. FOMO.. આ બધું તેમના માટે સહજ સુલભ હાથવગાં શાસ્ત્ર-શસ્ત્ર છે. ભારોભાર તુંડમિજાજીપણું-તોછડાઈ-તુમાખી સાથેના અવિવેક-અપશબ્દો-ઈગો, એ એમની ઓળખ છે.
 
સૌથી મહત્વની વાત, જેમ લાલ કપડું દેખીને આખલો ભડકે તેમ આવા લોકોએ પોષેલી પશુતા આપણા ત્રિરંગા પૈકીનો ભગવો રંગ ભાળીને ભડકે જ. અરે! એ પણ જરૂરી નથી કે પ્રત્યક્ષ ભગવો દેખાવો જ જોઈએ, ક્યાંક હિન્દુ-મૂલ્યો, હિન્દુ-શ્રેષ્ઠતા, હિન્દુ-ઈતિહાસ, હિન્દુ-ગૌરવ દેખાઈ જાય તો તેમની પશુતા ભડક્યા વિના રહે એ શક્ય જ નથી.
 
ક્યાંક તો બૌદ્ધિકતાના નામે; સમાજમાં નરી ઘૃણા-વિદ્વેષ-ઈર્ષ્યાની આગને પવન આપતા રહીને રાષ્ટ્રવિઘાતક અશાંતિ ફેલાવીને પોતાના સ્વાર્થ સાધવા પરદેશનાં પ્યાદાં બનીને અનર્થકારી અનામ આતંક ફેલાવવા સિવાયનું કોઈ જ કામ તેમની પાસે નથી, તેવું લાગે છે?
 
માત્ર એક જ મુદ્દાનો એજન્ડા છે. યેનકેન પ્રકારેણ વિરોધ. જનતાનો વિરોધ, ન્યાયતંત્રનો વિરોધ, સેનાનો વિરોધ, SIRનો વિરોધ, ચૂંટણી પંચનો વિરોધ, જન-ગણનાનો વિરોધ, ‘वंदे मातरम्’નો વિરોધ, સંવિધાનનો વિરોધ, કાયદા-કાનૂનોનો વિરોધ, જાહેર સાહસો-ઈન્સ્ટિટ્યૂશન્સનો વિરોધ, ચૂંટાયેલી સરકારનો વિરોધ, અર્થતાંત્રિક નીતિઓ-અભિગમોનો વિરોધ, રાષ્ટ્રીય વિદેશ નીતિનો વિરોધ, ધર્મ-સંસ્કૃતિનો વિરોધ, પર્વોની ઉજવણીનો વિરોધ, દુશ્મનવિરોધી પગલાં (ઉદા. ઑપરેશન સિંદૂર)નો વિરોધ, વ્યાપક રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન-રાષ્ટ્રપતિ જેવાં સંવૈધાનિક પદો પરથી કરવામાં આવતી વિનંતીઓનો વિરોધ. કુલ મળીને ભારતનો - રાષ્ટ્રનો વિરોધ, લોકતંત્રનો વિરોધ.. સંવિધાનના ઉદ્દેશ્યોનો વિરોધ.. જન-જનની ભાવનાઓનો, આ સૌમાં રહેલા ગૌરવનો વિરોધ.. બસ વિરોધ, વિરોધ અને વિરોધ.. આંધળો વિરોધ.. સતત વિરોધ.. અને મર્યાદાહિન વિરોધ..
(જેમ જેમ આ એક-એક મુદ્દા પર આપનું ધ્યાન કેન્દ્રિત થતું ગયું હશે તેમ તેમ તેને સુસંગત ઉદાહરણો પણ આપની નજર સમક્ષ તરવરી ઉઠ્યાં હશે જ.. ખરૂં ને!)
 
આવાં ‘કોકરોચ-મનોવિકૃતિ’થી પીડાતાં તત્ત્વોથી સમાજને સાવધાન કરવાની સાથે આ તત્ત્વોને ખૂલ્લાં પાડવાં, એ સમયની માંગ છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, આ રાષ્ટ્રને જેટલું નુકશાન દુર્જનોની દુર્જનતાએ કર્યું છે, એના કરતાં અનેકગણું નુકસાન સજ્જનોની નિષ્ક્રિયતાએ કર્યું છે. એક તરફ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, તો સામે છેડે અતિની, અતિરેકોની પણ અફડાતફડી જોઈ શકીએ છીએ.. અખૂટ આત્મવિશ્વાસ સાથે આહ્લેક જગાડવાનો આ શ્રેષ્ઠતમ સમય છે.. સાર્વત્રિક શ્રદ્ધાનો સધિયારો છે.. મા ભારતી; વિશ્વ માટે ‘वरदां’ સ્વરૂપે દર્શનીય બને તે દિવસો દૂર નથી. જો સત્ય ઉપર ઢાંકપિછોડો કરતા બધા પડદા ઉંચકાઈ જાય તો ‘સમગ્ર સમાજ’ને ઢંકાયેલાં તથ્યો અને સત્યોનાં દર્શન થાય! ચાલો.. પડદો ઉઠાવનાર બનીએ!

ભાનુ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.