ભારતીય સ્ટાર્ટ-અપે સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂકેલ વિશ્વનો પ્રથમ OptoSAR ઉપગ્રહ- ‘મિશન દૃષ્ટિ’; બદલાયેલા ભારતની તીક્ષ્ણ વિચક્ષણ દૃષ્ટિનો પરિચાયક બન્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોએ પણ દિન-પ્રતિદિન પરિપક્વ થઈ રહેલા ભારતીય લોકતંત્રની દૃષ્ટિની તીક્ષ્ણ વિચક્ષણતાનો પરિચય આપી દીધો છે. અપ્રતિમ ‘ઓપરેશન સિંદૂર’ની પ્રથમ વર્ષગાંઠ રાષ્ટ્રએ બે દિવસ અગાઉથી લોકતંત્રના મહાપર્વ તરીકે ઉજવી. ગુંડાગર્દી-કટ્ટરતા અને સેંકડો લાશોથી લથબથ લોહિયાળ ચૂંટણીઓના સાક્ષી રહેલા પશ્ચિમ બંગાળે પ્રથમ એવી ચૂંટણી જોઈ, જ્યાં એક પણ હત્યા ન થઈ.
પાંચ પ્રદેશોની ચૂંટણીઓમાં દેશવાસીઓનું ધ્યાન પશ્ચિમ બંગાળની ચૂંટણી પર વિશેષ રહ્યું, કારણ કે અહીં એક તરફ લઘુમતીઓનું બેફામ તૃષ્ટિકરણ તો બીજી બાજુ હિન્દુઓ પર ખુલ્લેઆમ અત્યાચાર.. ૭૦થી વધુ મુસ્લિમ સમુદાયોને ઓબીસી શ્રેણીમાં દાખલ કરી દીધેલા.. લઘુમતી બજેટમાં ૧૧૦૦ ટકાનો તોતિંગ વધારો.. આ બધું જોતાં મમતા બેનર્જીની હાર થવી નિશ્ચિત હતી. TMCની સત્તા શું ચીજ હતી? જુઓને તેના ત્રણેય નારા બાંગ્લાદેશી હતા. ૧) જોય બાંગ્લા (શેખ મુજીબુર રહેમાનનો) ૨) મા-માટી-માનુષ (ખાલિદા ઝિયાનો) ૩) ખેલા હોબે (શમીમ ઉસ્માનનો). બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા અમાનુષી અત્યાચારો વખતે મમતા બેનર્જીએ એક વાર પણ બાંગ્લાદેશની જેહાદી કટ્ટરતાના વિરોધમાં એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી.
‘TMCના ગુંડાઓ નિકળતા નહીં, નહીં તો ઉંધા લટકાવીને સીધા કરી દઈશું’ તેવી કેન્દ્રીય ગૃહમંત્રીએ આપેલી ચિમકીની ધારી અસર થઈ. TMCમાંથી લડી રહેલ જહાંગીર ખાને જે કાવાદાવા કર્યા તે પોતાને જ ભારે પડ્યા. ફાલટાની સીટ પર પુનર્મતદાનનો હુકમ ચૂંટણી પંચે કરી દીધો.
ચૂંટણી વખતે અને તે પછી પણ મમતા બેનર્જી, અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, કૃણાલ ઘોષ, રિજજુ દત્તા, આવા અનેકોએ આપેલી ધમકીઓથી પ્રજા ડરી નહીં. આરજી કર મેડિકલ કૉલેજમાં ફરજ સંભાળતી મહિલા ડૉક્ટર ઉપર બળાત્કાર અને તેની હત્યાના પુરાવાઓનો નાશ કરવાના વિરૂદ્ધમાં, સંદેશ ખાલીની ઘટનાઓમાં બહેનો ઉપર થયેલા અત્યાચારના વિરૂદ્ધમાં ઉઠેલા નારીશક્તિના આક્રોશે મમતા શાસનને રગદોળી દીધું. ‘બંગાળી અસ્મિતા’ અને ‘ભદ્રલોકના ભરોસા’ના મૂળમાં ભારત અને ભારતીયતા છે, તેની ઘોષણા પ. બંગાળનાં ચૂંટણી પરિણામોએ કરી દીધી. ‘ભય’ વિરુદ્ધ ‘ભરોસો’ સફળ નિવડ્યો. પશ્ચિમ બંગાળે ભાજપની ઝોળી અગાઉ કરતાં ૨.૫ (અઢી) ગણી બેઠકોથીય વધુ (બે તૃતીયાંશ બહુમત સાથેની) બેઠકો સાથે છલકાવી દીધી. કટ મની અને ભ્રષ્ટાચારી સિન્ડિકેટ શાસનનો અંત થયો. ‘ભાઈપો’ ટેક્ષ નાબૂદ થયો.
ઝાલમુડીના મુઠ્ઠીભર મમરાના વજનના વજૂદની વજનકાંટાને શું ખબર પડવાની? પણ EVMએ આમ માણસોની અંતરની ઈચ્છા આંકડાઓમાં આંકી બતાવી દીધી! બિહારથી નીકળેલાં ગંગાજીને બંગાળ પહોંચવામાં ઝાઝી વાર ન લાગી. ગંગોત્રીથી નિકળેલી ભાજપની યાત્રા દેશની પૂર્વે આવેલા પશ્ચિમ બંગાળે ગંગાસાગરપર્યંત ધામધૂમથી પહોંચી ગઈ.
સનાતન પ્રત્યેના દ્વેષભાવ સાથેના બેફામ બફાટે અને અહંકારી વાણીવિલાસે DMKના હિન્દુવિરોધી એમ. કે. સ્ટાલિન સહિત સૌ હિન્દુદ્વેષીઓનાં સૂપડાં સાફ કરીને સૌ મળતિયાઓને ઘર ભેગા કરી દીધા. કેરલમ્માં વિદેશી વિચારસરણી પર નભતા વામપંથ-કમ્યુનિઝમની સત્તાનો અસ્ત થતાંની સાથે જ દેશ વામપંથમુક્ત-નક્સલમુક્ત થઈ ગયો. ચેતવા જેવું એ છે કે, હવે કોંગ્રેસ વામપંથી બની રહી છે.
આસામે ભાજપની સીમાઓને ઓર વિસ્તારી દીધી. યોજનાપૂર્વકની ઘૂસણખોરી થકી ભારતની ડેમોગ્રાફી બદલવાનું કારસ્તાન કરી રહેલાં તત્ત્વોને કરારો જવાબ આપીને આપણા લોકતંત્રએ દેશમાં ડેરા-તંબુ તાણી રહેલી એક ગંભીર સમસ્યાનો ઘટસ્ફોટ કર્યો છે. પુડુચેરીમાં પણ ભાજપે બેઠકોમાં વૃદ્ધિ સાથે પોતાની સત્તા સાચવી રાખી છે. પશ્ચિમ બંગાળમાં સૂર્યોદય થયો છે ત્યારે સ્વામી વિવેકાનંદજીની, મહર્ષિ અરવિંદની, નેતાજી સુભાષચંદ્ર બોઝની, બંકિમબાબુની અને શ્યામાપ્રસાદ મુખર્જીની આ ધરતી પર જન્મ લેનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યની એ પંક્તિ યાદ આવે, Where the mind is without fear and the head is held high જેમાં તેઓ અંતમાં કહે છે, ..let my country awake.